(પંચવટી, બેલતલા અને ચાંદનીઘાટ પરની સાધના – તોતાપુરી પાસે સંન્યાસગ્રહણ – ૧૮૬૬)

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – માએ મારી પાસે દરેક પ્રકારની સાધના કરાવી છે. પ્રથમ પુરાણ-મત પ્રમાણેની, ત્યાર પછી તંત્રમંત્ર પ્રમાણેની, તેમજ વળી વેદમતની. પ્રથમ પંચવટીમાં સાધના કરતો. ત્યાં તુલસીવન કરેલું. તેની વચ્ચે બેસીને ધ્યાન કરતો. ક્યારેક વ્યાકુળ થઈને ‘મા! મા!’ કહીને પોકારતો, તો ક્યારેક વળી ‘રામ! રામ!’ કરતો. 

ારે ‘રામ! રામ!’ કરતો ત્યારે હનુમાનના ભાવમાં ક્યારેક એકાદું પૂંછડું પૂંઠે લગાડીને બેસી રહેતો. ઉન્માદની અવસ્થા. એ વખતે પૂજા કરતી વખતે રેશમી કપડું પહેરતાં આનંદ થતો, પૂજાનો જ આનંદ. 

‘તંત્રમતની સાધના કરી હતી બિલ્વવૃક્ષ નીચે. ત્યારે તુલસીનું ઝાડ તથા સરગવો બંને એક સરખાં લાગતાં. (તુલસીનું પવિત્રપણું તથા સરગવાનું અપવિત્રપણું મનમાંથી ચાલ્યું જતું).

એ અવસ્થામાં શિયાળનું એઠું, આખી રાત ઉઘાડું પડી રહેલું, પછી તે સાપે બોટેલું કે બીજા કોઈએ બોટેલું તેનું ઠેકાણું નહિ એવું એ એઠું જ મારો આહાર હતો. 

કૂતરાની ઉપર સવાર થઈને તેના મોઢામાં પૂરી ખવડાવતો, અને હું પોતેય ખાતો. ‘સર્વં વિષ્ણુમયં જગત્’ એટલે જમીનમાં એકઠાં થયેલાં તમામ જળનું આચમન. હું એ જમીનમાં તળાવમાંથી લાવેલું પાણી નાખીને આચમન કરતો.

અવિદ્યાનો નાશ કર્યા વગર જ્ઞાન થાય નહિ. તેથી હું વાઘ થતો; વાઘ થઈને અવિદ્યાને ફાડી ખાતો. વેદ-મત પ્રમાણેની સાધના કરતી વખતે મેં સંન્યાસ લીધો. ત્યારે ગંગાકાંઠેના ચાંદનીઘાટના મંડપ નીચે પડ્યો રહેતો. હૃદુને કહેતો, ‘હું સંન્યાસી થયો છું, એટલે ચાંદનીઘાટ-મંડપ નીચે જ ભિક્ષા ખાઈશ.’ 

(સાધનાકાળે વિવિધ દર્શન અને જગન્માતાનો વેદાંત અને ગીતા વિશે ઉપદેશ)

(ભક્તોને) ત્રાગું કરીને હું પડ્યો હતો. માને મેં કહ્યું, ‘મા! હું તો મૂર્ખ! તમે જ મને સમજાવી દો કે વેદ, પુરાણ, તંત્રો વગેરે શાસ્ત્રોમાં શું છે.’

‘મા બોલ્યાં કે વેદાંતનો સાર બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા. જે સચ્ચિદાનંદ બ્રહ્મની વાત વેદમાં છે, તેને તંત્રો કહેે સચ્ચિદાનંદઃ શિવઃ, તેને જ વળી પુરાણો કહે છે સચ્ચિદાનંદ : કૃષ્ણ. 

ગીતા દશ વાર બોલ્યે જે થાય એ જ ગીતાનો સાર. અર્થાત્ ‘ત્યાગી ત્યાગી!’

‘ઈશ્વરની જ્યારે પ્રાપ્તિ થાય, ત્યારે વેદ, વેદાંત, પુરાણ, તંત્ર એ બધાં ક્યાંય નીચે પડ્યાં રહે. (હાજરાને) ત્યારે ૐનું ઉચ્ચારણ પણ થઈ શકતું નહિ! એવું શા માટે થતું હશે? સમાધિમાંથી કેટલોય નીચે ન આવું ત્યાં સુધી ૐનું ઉચ્ચારણ કરી શકું નહિ! 

પ્રત્યક્ષ દર્શનની પછી જે જે અવસ્થા થવાનું શાસ્ત્રોમાં કહ્યું છે એ બધી થઈ હતી, બાલકવત્, ઉન્માદવત્, પિશાચવત્, જડવત્.

‘અને શાસ્ત્રોમાં જે પ્રમાણે છે, તે પ્રમાણે દર્શનો પણ થતાં.

‘ક્યારેક જોતો કે આખું જગત અગ્નિના તણખાઓથી ભરેલું!

‘ક્યારેક, ચારે બાજુએ જાણે કે પારાનો ઝરો ઝગ ઝગ ઝગ કરી રહો છે, એમ જોતો! તો ક્યારેક વળી ગાળેલું રૂપું ચારે કોર ફેલાઈ રહ્યું છે, એમ જોતો!

‘ક્યારેક એમ જોતો કે અસંખ્ય મશાલોનો પ્રકાશ જાણે કે ઝળહળી રહ્યો છે!

‘એથી જ તો સાબિત થયું કે (મારાં દર્શનોની) શાસ્ત્રોની સાથે એકવાક્યતા છે.

(શ્રીરામકૃષ્ણની અવસ્થા – નિત્યલીલાયોગ)

‘વળી એ ઉપરાંત માએ દેખાડ્યું કે એ પોતે જ જીવ, જગત અને ચોવીસ તત્ત્વો થઈ રહેલ છે. અગાસીએ પહોંચીને પાછું પગથિયાં પરથી ઊતરવું. અનુલોમ અને વિલોમ. 

ઓહ! શી અવસ્થામાં રાખ્યો’તો મને! એક અવસ્થા જાય, તો બીજી એક આવે! જાણે કે ખાંડણિયામાં પડતું સાંબેલું! એક બાજુએ નીચું થાય અને બીજી એક બાજુએ ઊંચું થાય!

‘જ્યારે હું અંતર્મુખ, સમાધિમગ્ન હોઉં ત્યારે જોઉં છું કે એ (પરમાત્મા) જ! વળી જ્યારે બાહ્યજગતમાં મન આવે ત્યારે જોઉં છું એ (પરમાત્મા) જ! 

જ્યારે અરીસાની એક બાજુએ જોઉં છું તો એ જ! તેમ વળી ઊલટી બાજુએ (જાગ્રત દશામાં) જોઉં છું ત્યારેય એ (પરમાત્મા) જ! 

મુખર્જીભાઈઓ, બાબુરામ વગેરે ભક્તો આશ્ચર્યચકિત થઈને સાંભળી રહ્યા છે.

Total Views: 266
ખંડ 27: અધ્યાય 15 : હાજરા મહાશય
ખંડ 27: અધ્યાય 17 : પૂર્વકથા - શંભુ મલ્લિકની અનાસક્તિ - મહાપુરુષનો આશ્રય