શ્રીરામકૃષ્ણ (મુખર્જી વગેરેને) – કેપ્ટનની બરાબર સાધકની અવસ્થા. 

શ્રીમંતાઈ હોય એટલે એમાં આસક્ત થવું જ જોઈએ એવું કંઈ નથી. શંભુ (મલ્લિક) કહેતો કે ‘હૃદુ, ગાંસડાં-પોટલાં બાંધીને બેઠો છું!’ હું કહેતો કે શી અપશુકનિયાળ વાત કરો છો! 

એટલે શંભુ કહે કે ‘ના, તમે કહો કે આ બધું (ઐશ્વર્ય) છોડીને જાણે પ્રભુ પાસે જાઉં!’

‘પ્રભુના ભક્તને બીક નહિ. ભક્ત પ્રભુનો સગો, એ એને પોતાની પાસે ખેંચી લે. દુર્યાેધન વગેરે કૌરવો ગંધર્વાેના હાથમાં પકડાયા તે વખતે યુધિષ્ઠિરે જ તેમને છોડાવ્યા. તે બોલ્યા કે ‘આપણાં સગાઓની આવી અવસ્થા થાય એ આપણી જ નાનપ.’

(ઠાકુરવાડીના બ્રાહ્મણ અને પરિચારકવૃંદને ભક્તિદાન)

રાતના નવ વાગવા આવ્યા. મુખર્જીભાઈઓ કોલકાતા પાછા જવા માટે તૈયાર થાય છે. ઠાકુર જરા ઊઠીને ઓરડામાં અને ઓસરીમાં પગ મોકળો કરતા હતા ત્યારે તેમણે રાધાકાન્તના મંદિરમાં ઊંચે અવાજે સંકીર્તન થઈ રહ્યું હતું તે સાંભળ્યું. તેમણે પૂછ્યું એટલે એક ભક્ત બોલ્યો કે લાટુ અને હરીશ તેમની સાથે ભળ્યા છે. ઠાકુર બોલ્યાઃ ‘ત્યારે એ જામ્યું છે!’

ઠાકુર શ્રીરાધાકાન્તના મંદિરમાં આવ્યા. પાછળ પાછળ ભક્તો પણ ગયા. તેમણે શ્રીશ્રીરાધાકાન્તને નીચે નમીને પ્રણામ કર્યા.

શ્રીરાધાકાન્ત મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ

ઠાકુરે જોયું કે દેવમંદિરના બ્રાહ્મણો, કે જેઓ ભોગ રાંધે, નૈવેદ્યો તૈયાર કરી આપે, અતિથિ અભ્યાગતોને પીરસે તે અને બીજા કેટલાય નોકરો એક સાથે મળીને નામસંકીર્તન કરી રહ્યા છે. ઠાકુરે જરાક ત્યાં ઊભા રહીને તેમના ઉત્સાહમાં વધારો કર્યાે.

ચોગાનની વચમાં થઈને પાછા આવતી વખતે ઠાકુર ભક્તોને કહે છે –

‘જુઓ, આ બધામાંથી કોઈ વેશ્યાને ત્યાં જાય, કોઈ વાસણો માંજે!’

ઓરડામાં આવીને ઠાકુર વળી પાછા પોતાના આસન ઉપર બેઠા છે. જેઓ સંકીર્તન કરતા હતા, તેઓએ આવીને ઠાકુરને પ્રણામ કર્યા.

ઠાકુર તેમને કહે છે : ‘પૈસા સારુ જેમ પરસેવો પાડો છો તેમ હરિનામસંકીર્તનમાં નાચી ગાઈને પરસેવો નીકળવો જોઈએ.’

‘મને મનમાં થયું કે હુંય તમારી સાથે નાચું. પણ જઈને જોયું તો વઘારબઘાર બધો ભળી ગયો છે, મેથી સુધ્ધાં. (સૌનું હાસ્ય). હું પછી શેનો મસાલો કરું! 

તમે લોકો આ પ્રમાણે હરિનામસંકીર્તન કરવા અવારનવાર આવતા રહેજો.’

મુખર્જી વગેરેએ ઠાકુરને પ્રણામ કરીને રજા લીધી.

ઠાકુરના ઓરડાની બરાબર ઉત્તર તરફની નાની ઓસરીની બાજુએ જ મુખર્જીઓની ગાડી આવીને ઊભી રહી. ગાડીની બત્તીઓ પેટાવવામાં આવી છે.

(ભક્તોની વિદાય અને ઠાકુરનો સ્નેહ)

ઠાકુર એ ઓસરીના ઓટલાને બરાબર ઉત્તરપૂર્વને ખૂણે ઉત્તરાભિમુખ થઈને ઊભા રહ્યા છે! એક ભક્ત રસ્તો બતાવવા માટે તથા ગાડીમાં બેસાડવા સારુ એક દીવો લાવ્યો છે.

આજે અમાસ, અંધારી રાત. ઠાકુરની પશ્ચિમ બાજુએ ગંગા, સામે નોબતખાનાની બંગલી, પુષ્પોદ્યાન અને બાબુઓની હવેલી. ઠાકુરની જમણી બાજુએ મોટા ફાટક તરફ જવાનો રસ્તો.

ભક્તો ઠાકુરને ચરણે માથું નમાવી પ્રણામ કરીને એક પછી એક ગાડીમાં બેસતા જાય છે. ઠાકુર એક ભક્તને કહે છે : ‘ઈશાનને એક વાર કહેજોને પેલાની નોકરીને માટે.’

ગાડીમાં વધારે લોકોને જોઈને પાછું ઘોડાને કષ્ટ થાય એ સારુ ઠાકુર બોલ્યા, ‘ગાડીમાં આટલા માણસો સમાશે?’

ઠાકુર ઊભા છે. એ ભક્ત-વત્સલ મૂર્તિને જોતાં જોતાં ભક્તો કોલકાતા તરફ રવાના થયા.

Total Views: 357
ખંડ 27: અધ્યાય 16 : પૂર્વકથા - શ્રીરામકૃષ્ણની પુરાણ-તંત્ર અને વેદમતની સાધના
ખંડ 28: અધ્યાય 1 : રાખાલ, નારાયણ, નિત્યગોપાલ અને છોટા ગોપાલનો સંવાદ