આજ રવિવાર, સુદ બીજ, ૬ આશ્વિન, ૧૨૯૧, ૨૧મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪. ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડામાં ઘણાય ભક્તો એકઠા થયા છે. રામ, મહેન્દ્ર (મુખર્જી), ચુનીલાલ, માસ્ટર વગેરે ઘણાય છે. 

ચુનીલાલ તરતમાં જ વૃંદાવનથી આવ્યા છે. તે અને રાખાલ બલરામની સાથે ત્યાં ગયા હતા. રાખાલ અને બલરામ હજી ત્યાંથી આવ્યા નથી. નિત્યગોપાલ પણ વૃંદાવન છે. ઠાકુર ચુનીલાલની સાથે વૃંદાવનની વાતો કરે છે.

ચૂનીલાલ

શ્રીરામકૃષ્ણ – રાખાલને કેમ છે?

ચુનીલાલ – જી, હવે ઠીક છે.

શ્રીરામકૃષ્ણ – નિત્યગોપાલ આવવાનો નથી?

ચુનીલાલ – એ હજી ત્યાં છે. હું જોઈ આવ્યો છું.

શ્રીરામકૃષ્ણ – તમારા ઘરનાં માણસો કોની સાથે આવવાનાં છે?

ચુનીલાલ – બલરામ બાબુ કહેતા હતા કે ભરોસાપાત્ર સારો સંગાથ જોઈને મોકલી આપીશ. નામ આપ્યું નથી.

ઠાકુર મહેન્દ્ર મુખર્જીની સાથે નારાયણની વાત કરવા લાગ્યા. નારાયણ સ્કૂલમાં ભણે, સોળ સાર વરસની ઉંમર. ઠાકુરની પાસે અવારનવાર આવે. ઠાકુર તેને ખૂબ ચાહે.

શ્રીરામકૃષ્ણ – (નારાયણ) ખૂબ સરલ, નહિ?

‘સરલ’ એ શબ્દ બોલતાં બોલતાં ઠાકુર જાણે કે આનંદે પરિપૂર્ણ થઈ ગયા.

મહેન્દ્ર – જી હા, ખૂબ સરલ.

શ્રીરામકૃષ્ણ – તેની મા તે દિવસે આવી હતી. તેને અભિમાની જોઈને મને જરા બીક લાગી. પણ પછી તમે બધા અહીં આવો, કેપ્ટન આવે એ બધું તે દિવસે તેણે જોયું, એટલે તેને ખાતરી થઈ કે એકલો નારાયણ આવે છે ને હું આવું છું એમ નથી. (સૌનું હાસ્ય). આ ઓરડામાં સાકર પડી હતી તે જોઈને કહે, ‘મજાની સાકર!’ ત્યારે તેને ખબર પડી કે અહીં ખાવાપીવાની કશી અગવડ નથી. 

તેમની સામે જ, મને લાગે છે કે મેં બાબુરામને કહ્યું કે  ‘નારાયણને માટે અને તારે માટે આ પેંડા રાખી મૂક.’ ત્યાર પછી ગનુની મા અને એ બધાં બૈરાં બોલવા લાગ્યાં કે ‘માડી રે! અહીં આવવા સારુ હોડીના ભાડા માટે (નારાયણ) એવું તોફાન કરે કે વાત મૂકો!’ મને કહે કે ‘આપ નારાયણને કહો કે એ લગ્ન કરે!’ એ સાંભળીને હું બોલ્યો કે એ બધી પ્રારબ્ધની વાત. એ વાતમાં વચન આપવું શા માટે? (સૌનું હાસ્ય).

‘એ બરોબર ભણતો નથી. એટલે એની મા મને કહે કે આપ કહો એટલે એ સારી રીતે ભણે. મેં કહ્યું, ‘અલ્યા ભણજે હોં!’ ત્યારે વળી કહે કે ‘જરા સારી રીતે કહો.’ (સૌનું હાસ્ય)

શ્રીરામકૃષ્ણ (ચુનીલાલને) – હેં ભાઈ, ગોપાલ કેમ આવતો નથી?

ચુનીલાલ – તેને સંગ્રહણી થઈ છે, લોહી પડે છે.

શ્રીરામકૃષ્ણ – દવા લે છે?

(થિયેટર અને વારાંગનાનો અભિનય – પૂર્વકથા – બલૂનદર્શન અને શ્રીકૃષ્ણનું ઉદ્દીપન)

ઠાકુર આજ કોલકાતાના સ્ટાર થિયેટરમાં ચૈતન્યલીલા નાટક જોવા જવાના છે. એ વખતે જ્યાં સ્ટાર થિયેટરના ખેલ ભજવાતા, ત્યાં આજકાલ કોહીનૂર થિયેટર છે. મહેન્દ્ર મુખર્જીની સાથે તેની ગાડીમાં નાટક જોવા જવાના છે. ક્યાં બેસીને સારું દેખાય એ વાત ચાલે છે. કોઈ કોઈ કહે કે એક રૂપિયાની સીટમાં બેસે તો બહુ મજાનું દેખાશે! રામ કહે કે ‘એમ શા માટે? તેઓશ્રી બોક્સમાં બેસે!’ 

ઠાકુર હસી રહ્યા છે. કોઈ કોઈ કહે છે કે વેશ્યાઓ પાઠમાં ઊતરે. ચૈતન્યદેવ, નિતાઈ એ બધાનો પાઠ તેઓ કરે.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – હું તેમને મા આનંદમયીરૂપે જોવાનો. 

તેઓ ચૈતન્યદેવનો પાઠ લે છે તે ભલે લે. રમકડાનું સીતાફળ જોઈને સાચા સીતાફળનો વિચાર આવે.

‘એક ભક્ત રસ્તે જતાં જતાં જુએ છે, તો કેટલાંક બાવળનાં ઝાડ ઊભેલાં છે. એ દેખીને તે ભક્ત ભાવાવિષ્ટ થઈ ગયો! તેના મનમાં એવો વિચાર આવ્યો કે આ બાવળના લાકડાનો શ્રીશ્યામસુંદરના બગીચાની કોદાળીનો હાથો થાય. તરત મનમાં શ્યામસુંદર યાદ આવી ગયા. જ્યારે મને કિલ્લાના મેદાનમાં બલૂન જોવા લઈ ગયા હતા, ત્યારે એક સાહેબનો છોકરો એક ઝાડને અઢેલીને ત્રિભંગ થઈને ઊભો હતો. તેને જોતાંની સાથે જ મને શ્રીકૃષ્ણનું ઉદ્દીપન થયું! એ વખતે જ મને સમાધિ થઈ ગઈ! 

ચૈતન્યદેવ મેડગામની બાજુમાં થઈને જતા હતા. તેમણે સાંભળ્યું કે આ ગામની માટીમાંથી ખોલ (કીર્તનમાં વપરાતું મૃદંગ) જેવું એક વાજિંત્ર બને છે. એ સાંભળતાંની સાથે જ તેમને ભાવસમાધિ થઈ ગઈ! શ્રીમતી રાધિકા મેઘને જોઈને કે મયૂરનો કંઠ સાંભળીને સ્થિર રહી શકતાં નહિ. તેમને શ્રીકૃષ્ણનું ઉદ્દીપન થતું અને તે બાહ્ય સંજ્ઞાહીન થઈ જતાં.

ઠાકુર જરા ચૂપ બેઠા છે. થોડી વાર પછી વળી વાતો કરે છે.

‘શ્રીમતીનો મહાભાવ. ગોપીઓના પ્રેમમાં કશી કામના નહિ.’

‘જે ખરો ભક્ત હોય તે કશી કામના રાખે નહિ. માત્ર શુદ્ધ ભક્તિની પ્રાર્થના કરે. કોઈ જાતની શક્તિ કે સિદ્ધિ વગેરે કશું જ માગે નહિ.

Total Views: 499
ખંડ 27: અધ્યાય 17 : પૂર્વકથા - શંભુ મલ્લિકની અનાસક્તિ - મહાપુરુષનો આશ્રય
ખંડ 28: અધ્યાય 2 : નાગાજીનો ઉપદેશ - ઈશ્વરપ્રાપ્તિમાં વિઘ્નરૂપ અષ્ટસિદ્ધિ