અધર – ચૈતન્યદેવે પણ ભોગ ભોગવ્યા હતા.

શ્રીરામકૃષ્ણ (ચમકી જઈને) – શા ભોગ ભોગવ્યા હતા?

અધર – આટલા મોટા પંડિત! કેટલું માન!

શ્રીરામકૃષ્ણ – બીજાની નજરે માન, તેને પોતાને માટે કાંઈ નહિ.

‘તમે ય મને માનો ને નિરંજન માને, એ મારે મન એક સરખું. ખરું કહું છું. એકાદો પૈસાવાળો હાથમાં રાખવો, એ વિચાર મારો નહિ! મનોમોહને કહ્યું કે ‘સુરેન્દ્ર એમ બોલ્યો કે રાખાલ આમની (ઠાકુરની) પાસે રહે છે તેથી ગામમાં વાતો થાય છે.’ મેં કહ્યુંઃ ‘અલ્યા, એ સુરેન્દ્ર તે વળી કોણ? તેની શેતરંજી અને ઓશીકું અહીંયાં છે, અને એ પૈસા આપે છે એટલે?

અધર – દસ રૂપિયા મહિને આપે છે કે?

શ્રીરામકૃષ્ણ – દસ રૂપિયામાં તો બે મહિના જાય! ભક્તો અહીંયાં રહે, તે ભક્ત-સેવાને માટે એ આપે છે. એનું પુણ્ય એને, એમાં મારે શું? હું જે આ રાખાલ, નરેન્દ્ર વગેરેને પ્રેમથી સારે મ્હોંયે બોલાવું છું, તે શું કંઈ મારા લાભ માટે?

માસ્ટર – એ તો માના સ્નેહની પેઠે.

શ્રીરામકૃષ્ણ – માને તો છોકરો મોટો થઈને રોટલો ખવડાવશે એવીય આશા હોય! હું તો આમના પ્રત્યે જે સ્નેહ રાખું છું તે તેમનામાં સાક્ષાત્ નારાયણ જોઈને! માત્ર વાત કરવામાં નહિ!

(ત્યાગીનો બધો ભાર ભગવાન લે છે – અનન્યાશ્ચિંતયન્તઃ)

શ્રીરામકૃષ્ણ – ‘(અધરને) સાંભળો! દીવો પેટાવ્યે ફૂદડાંનો તોટો રહે નહિ! ઈશ્વરને પ્રાપ્ત કર્યે, એ જ બધો બંદોબસ્ત કરી દે, કોઈ વાતે અભાવ રાખે નહિ! હૃદયમાં ઈશ્વરની પધરામણી થઈ એટલે સેવા કરવાને માણસો ઘણાય આવી મળે!

‘એક છોકરો-સંન્યાસી કોઈ ગૃહસ્થને ઘેર ભિક્ષા માગવા ગયો. તે આજન્મ સંન્યાસી હતો. સંસારની બાબતોની તેને કાંઈ જ ખબર નહિ. એ ગૃહસ્થની એક જુવાન દીકરીએ આવીને ભિક્ષા આપી. તે છોકરીને ખુલ્લે શરીરે જોઈને એ બાલ-સંન્યાસી બોલ્યો કે ‘માતાજી, આ બહેનને છાતીએ શું ગૂમડાં થયાં છે?’ તે છોકરીની માએ કહ્યું, ‘ના, મા’રાજ! એને બાળક અવતરશે. તેના પોષણ સારુ ભગવાને દૂધના બે પ્યાલા આપ્યા છે. દૂધ એમાંથી આવશે. તે દૂધ એ બચ્ચું પીશે.’ એ સાંભળતાં એ બાલ-સંન્યાસી વિચારમાં પડી ગયો. અને બોલી ઊઠ્યો કે ‘તો પછી હવે શું? આવનાર બાળકને માટે જો ઈશ્વર પહેલાંથી જ તૈયારી કરી રાખે છે, તો પછી તેણે મારે માટે પણ રાખેલું જ છે. તો પછી મારે શા માટે ઘેર ઘેર ભીખ માગવી? જેણે મને જનમ દીધો છે તે મને ખાવા દેશે જ.’

‘સાંભળો! જે સ્ત્રી પોતાના યારની ખાતર સર્વસ્વ ત્યાગ કરીને નીકળી આવી હોય, તે તેને કહે નહિ કે ‘સાલા, તારી છાતીયે બેસીને ખાઈશ?’

(તોતાપુરીની વાત – રાજાની સાધુસેવા – શ્રીશ્રીકાશીમાં દુર્ગામંદિર નજીક નાનકપંથીના મઠમાં ઈ.સ. ૧૮૬૮માં ઠાકુરે મહંત મહારાજનાં કરેલ દર્શન )

‘નાગાજી કહેતા કે કોઈ રાજાએ સોનાની થાળી, વાટકા, સોનાના પ્યાલાઓમાં સાધુઓને જમાડ્યા હતા. કાશીમાં એક મઠમાં જોયું તો મહંતનું કેટલું માન! મોટા મોટા પૈસાદાર મારવાડીઓ હાથ જોડીને ઊભા રહે અને પૂછે કે શું હુકમ!

‘પરંતુ ખરેખરો સાધુ, ખરેખરો ત્યાગી, સોનાની થાળીનીયે પરવા ન રાખે ને માનપાનની પણ ઇચ્છા ન રાખે. પણ ઈશ્વર તેને કોઈ રીતે અભાવ રાખે નહિ. ઈશ્વરને મેળવવા નીકળ્યા એટલે જે જે વસ્તુની જરૂર, એ બધાનો બંદોબસ્ત એ કરી આપે. (સૌ નિઃશબ્દ).

શ્રીરામકૃષ્ણ – આપ તો હાકેમ, તમને શું કહું! જે સારું સમજો એ જ કરો. હું તો મૂરખ!

અધર (હસતાં હસતાં ભક્તોને) – એ મને ‘એક્ઝામીન’ કરે છે. (પરીક્ષા લે છે).

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – નિવૃત્તિ જ સારી. જુઓ ને, મેં સહી કરી નહિ! ઈશ્વર જ સાચો, બાકી બધું ખોટું.

એટલામાં હાજરા આવીને ભક્તોની પાસે જમીન પર બેઠા. હાજરા ક્યારેક ક્યારેક સોઽહમ્ સોઽહમ્ કરે! લાટુ વગેરે ભક્તોને કહે કે ‘ઈશ્વરની પૂજા કર્યે શું વળે! તેની જ વસ્તુ તેને આપવાની!’ એક દિવસ નરેન્દ્રને પણ તેમણે એ પ્રમાણે કહેલું. ઠાકુર હાજરાને કહે છે.

શ્રીરામકૃષ્ણ – મેં લાટુને કહ્યું હતું, કે કોણ કોની ભક્તિ કરે?

હાજરા – ભક્ત પોતે પોતાનું જ સ્મરણ કરે.

શ્રીરામકૃષ્ણ – એ તો ખૂબ ઊંચી વાત. બલિ રાજાને વૃંધાબલીએ કહેલું કે ‘તમે બ્રહ્મણ્યદેવ (વામન)ને શું ધન-સંપત્તિ આપવાના?’

‘તમે જે કહો છો, એ કરવા માટે સાધન-ભજન, ભગવાનનાં નામ-ગુણ-કીર્તન.

‘પોતાની અંદર જો પોતાને જોઈ શકે તો તો બધું થઈ ગયું! એ જોઈ શકવાને માટે જ સાધના. અને એ સાધનાને માટે જ શરીર. જ્યાં સુધી સુવર્ણ-પ્રતિમાનો ઢાળિયો ન પાડવામાં આવે, ત્યાં સુધી માટીના ફરમાની જરૂર પડે. પ્રતિમા થઈ ગયે માટીનો ફરમો નાખી દેવાય. ઈશ્વર-દર્શન થયે શરીર-ત્યાગ કરી શકાય.

‘ઈશ્વર કેવળ અંતરમાં જ છે એમ નહિ, અંદર તેમજ બહાર! કાલી-મંદિરમાં માએ મને બતાવ્યું કે બધું જ ચિન્મય! મા પોતે જ બધું થઈ રહેલ છે! પ્રતિમા, હું, પંચપાત્ર, તરભાણું, આચમની, જળની ઝારી, બારશાખ, આરસ પથ્થર, બધું જ 

ચિન્મય!

‘આનો સાક્ષાત્કાર કરવા માટે જ ઈશ્વરનું સ્મરણ, સાધન-ભજન, તેનું નામ-ગુણ-સંકીર્તન. આને માટે જ ઈશ્વરની ભક્તિ કરવી. એ લોકો (લાટુ વગેરે) એમ જ છે, તેમની હજી એટલી બધી ઉચ્ચ અવસ્થા થઈ નથી. એ લોકો ભક્તિ લઈને રહે છે. હવેથી એમને (સોઽહમ્ વગેરે) કંઈ કહેશો મા.’

માદા-પંખી જેમ પાંખો ઢાંકીને બચ્ચાંનું રક્ષણ કરે, તેમ દયાળુ ગુરુદેવ શ્રીરામકૃષ્ણ ભક્તોનું રક્ષણ કરે છે.

અધર અને નિરંજન નાસ્તો કરવા ઓસરીમાં ગયા. નાસ્તો કરીને ઓરડામાં પાછા આવ્યા. માસ્ટર ઠાકુરની પાસે નીચે બેઠા છે.

(૪ કક્ષા પાસ થયેલ બ્રાહ્મણ છોકરાની વાર્તા – એની સાથે વળી તર્ક વિચાર)

અધર (સહાસ્ય) – આપણી તો આટલી વાતો થઈ, પણ આ (માસ્ટર) એક શબ્દેય બોલ્યા નથી.

શ્રીરામકૃષ્ણ – કેશવની મંડળીનો એક ચાર કક્ષા પાસ થયેલો છોકરો (વરદા?), બધા મારી સાથે વાદ કરે છે એ જોઈને કેવળ હસતો. અને કહેતો કે આમની સાથે વળી વાદ! કેશવ સેનને ત્યાં બીજી વાર તેને જોયો, પરંતુ ચહેરો એવો ન હતો.

રામ ચક્રવર્તી (વિષ્ણુમંદિરનો પૂજારી) ઠાકુરના ઓરડામાં આવ્યા. ઠાકુર કહે છે કે ‘જુઓ રામ! તમે શું દયાળને સાકર (લાવવા)ની વાત કહી છે? ના, ના, એ કહેવાની હવે જરૂર નથી. ઘણીયે વાતો થઈ ગઈ છે.’

(ઠાકુરનું રાત્રિભોજન – ‘બધાની વસ્તુ ખાઈ શકતો નથી’)

રાત્રે ઠાકુરના ભોજનમાં માતાજીની પ્રસાદી, એક બે પૂરી અને થોડીક રવાની ખીર. ઠાકુર જમીન ઉપર પાથરેલા આસન ઉપર જમવા બેઠા. પાસે માસ્ટર બેઠેલા છે. લાટુય ઓરડામાં છે. ભક્તો પેંડા વગેરે મિષ્ટાન્ન લાવ્યા હતા. પેંડામાંથી એકને સ્પર્શ કરીને ઠાકુર લાટુને કહે છે : ‘આ કયા સાલાનો પેંડો?’ એમ કહેતાં ને તે ખીરની વાટકીમાંથી નીચે ફેંકી દીધો.

(માસ્ટર અને લાટુને) – એ મને બધી ખબર છે. આ (પેંડા) આનંદ ચેટર્જીનો છોકરો લાવ્યો છે, કે જે ઘોષપાડાની પેલી પાસે જાય.

લાટુ કહે છે – આ મોહનથાળ આપું?

શ્રીરામકૃષ્ણ – કિશોરી લાવ્યો છે.

લાટુ – એ આપને ચાલશે?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – હા.

માસ્ટર અંગ્રેજી ભણેલા માણસ. ઠાકુર તેમને કહે છે – સૌનું ખાઈ શકતો નથી. તમે આ બધું માનો?

માસ્ટર – જી, ક્રમેક્રમે બધું માનવું પડશે.

શ્રીરામકૃષ્ણ – હા.

ઠાકુર પશ્ચિમ તરફની ગોળ ઓસરીમાં હાથ ધોવા ગયા. માસ્ટર હાથ ઉપર પાણી રેડે છે. 

શરદ ઋતુનો સમય, ચંદ્રનો ઉદય થવાથી નિર્મળ આકાશ અને ભાગીરથીનું વક્ષ ઝગઝગ કરી રહ્યું છે. ઓટ આવી છે, એટલે ભાગીરથી દક્ષિણવાહી. મોઢું ધોતાં ધોતાં ઠાકુર માસ્ટરને કહે છે : ત્યારે નારાયણને રૂપિયો દેશો ને?

માસ્ટર – જી હાં, જરૂર આપીશ.’

Total Views: 336
ખંડ 27: અધ્યાય 4 : પ્રવૃત્તિ કે નિવૃત્તિ - અધરનું કર્મ - વિષયીની ઉપાસના અને નોકરી
ખંડ 27: અધ્યાય 6 : ઠાકુર દક્ષિણેશ્વર મંદિરે નરેન્દ્ર વગેરે ભક્તો સાથે