(‘જ્ઞાન અને અજ્ઞાન બન્નેથી પર થાઓ’ – શશધરનું શુષ્કજ્ઞાન)

ઠાકુર શ્રીરામકૃષ્ણ બપોરે જમ્યા પછી દક્ષિણેશ્વર-મંદિરે ઓરડામાં ભક્તો સાથે આરામ કરે છે. આજ નરેન્દ્ર, ભવનાથ, વગેરે ભક્તો કોલકાતાથી આવ્યા છે. મુખર્જી ભાઈઓ, જ્ઞાન બાબુ, છોટો ગોપાલ, મોટો કાલી વગેરે પણ આવ્યા છે. કોન્નગરથી ત્રણ ચાર ભક્તો આવ્યા છે. રાખાલ બલરામની સાથે શ્રીવૃંદાવનમાં છે. તેને તાવ આવતો હતો એવા ખબર આવ્યા છે. આજે રવિવાર, ૩૦ ભાદ્ર ૧૨૯૧, બંગાબ્દ, ભાદરવા વદ દશમ. ૧૪મી સપ્ટેમ્બર, ૧૮૮૪.

નરેન્દ્રનાથ પિતાના અવસાન પછી પોતાની માતા અને ભાંડુઓના ભરણપોષણ માટે ખૂબ જ ચિંતાતુર રહે છે. એ સાથે તેમને કાયદાની પરીક્ષા માટે તૈયાર થવાનું પણ છે.

જ્ઞાન બાબુ ચાર કક્ષા –  બી.એલ. (બી.એ.એલ.એલ.બી.) પાસ થયા છે અને સરકારમાં નોકરી કરે છે. એ દસ અગિયાર વાગ્યે આવ્યા છે.

શ્રીરામકૃષ્ણ (જ્ઞાન બાબુને જોતાં) – કેમ ભાઈ, અચાનક જ્ઞાનોદય?

જ્ઞાન બાબુ (હસીને) – જી, મોટું ભાગ્ય હોય તો જ્ઞાનોદય થાય.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – તમે ‘જ્ઞાન’ થઈને અજ્ઞાની કેમ? અરે હાં, સમજ્યો. જ્યાં જ્ઞાન, ત્યાં જ અજ્ઞાન. વસિષ્ઠ મુનિ એટલા મોટા જ્ઞાની, છતાં પુત્રના શોકથી રડ્યા હતા! માટે તમે જ્ઞાન-અજ્ઞાનની પાર જાઓ. અજ્ઞાન-કાંટો પગમાં વાગ્યો છે; એ કાઢવાને માટે જ્ઞાનરૂપી કાંટાની જરૂર. ત્યાર પછી એ નીકળી જાય એટલે બેઉ કાંટા ફેંકી દેવા.

(નિર્લિપ્ત ગૃહસ્થ – ઠાકુરની જન્મભૂમિમાં ધાન્ય કૂટનારી છોકરીઓના કામને જોવું)

‘આ સંસાર ભ્રમણાની કુટિર (જાળ), જ્ઞાની કહે છે. જે જ્ઞાન-અજ્ઞાનથી પર થયો છે તે કહે છે કે ‘મજા-આનંદ(કરવાની) કુટિર.’ એ જુએ કે ઈશ્વર જ જીવ, જગત, આ ચોવીસ તત્ત્વો વગેરે બધું થયેલ છે.

‘ઈશ્વર-પ્રાપ્તિ કર્યા પછી સંસાર ચલાવી શકાય. ત્યારે નિર્લિપ્ત થઈ શકાય. અમારા દેશમાં પૌંવા ખાંડનારી બાઈઓને જોઈ છે કે તેઓ મોટા સાંબેલાની નીચે પૌંવા ખાંડે. તેઓ એક હાથે પૌંવા સંકોરે, બીજે હાથે ખોળામાંનું છોકરું ધવરાવે, અને વળી ઉપરથી ઘરાકની સાથે વાત પણ કરે કે ‘તમારી પાસે જે બે આના લેણા નીકળે છે તે દેતા જાઓ.’ પરંતુ તેનું રૂપિયે બાર આના મન હાથ ઉપર હોય, વખતે હાથ ઉપર સાંબેલું પડી જાય તો! તેમ બાર આના મન ઈશ્વરમાં રાખીને ચાર આના વડે સંસારનાં કામકાજ કરવાં.

શ્રીયુત્ પંડિત શશધર વિશે ઠાકુર ભક્તોને કહે છે કે મેં જોયું તો એ એક-પંથિયો, કેવળ શુષ્ક જ્ઞાન-વિચાર લઈને જ બેઠો છે. 

જે નિત્યે પહોંચીને લીલામાં રહે, તેમ વળી લીલામાંથી નિત્યે જઈ શકે, તેનું જ પાકું જ્ઞાન, પાકી ભક્તિ કહેવાય. 

નારદ વગેરે બ્રહ્મ-જ્ઞાનની પછી ભક્તિ લઈને રહ્યા હતા. એનું નામ વિજ્ઞાન.

એકલું શુષ્ક જ્ઞાન! એ જાણે સરરરર કરીને ઊંચે ચડનારી હવાઈ, થોડાંક ફૂલ કાઢીને ભસ્ કરીને ઓલવાઈ જાય. નારદ, શુકદેવ વગેરેનું જ્ઞાન જાણે કે સારી જાતની હવાઈ. જરાક વાર ફૂલ કાઢીને અટકી જાય, વળી પાછાં નવાં નવાં ફૂલ કાઢે. વળી અટકી જાય, વળી નવાં ફૂલ કાઢીને અટકી જાય! નારદ, શુકદેવ વગેરેમાં ઈશ્વર ઉપર પ્રેમ આવ્યો હતો. પ્રેમ એ સચ્ચિદાનંદને પકડવાની દોરી.’

(ઠાકુર શ્રીરામકૃષ્ણ બકુલતળામાં – ઝાઉતલાથી ભાવાવેશમાં)

બપોરે જમ્યા પછી ઠાકુરે જરા આરામ કર્યાે છે.

બકુલ-તળા નીચે બેંચના જેવું જે બેસવાનું સ્થાન છે, ત્યાં બે ચાર ભક્તો બેઠા છે અને વાતો કરી રહ્યા છે : ભવનાથ, મુખર્જી ભાઈઓ, માસ્ટર, નાનો ગોપાલ, હાજરા વગેરે. ઠાકુર શૌચ-સ્થાન તરફ જઈ રહ્યા છે. વચ્ચે ત્યાં આવીને એક વાર બેઠા.

હાજરા (નાના ગોપાલને) – આમને જરા હોકો ભરી આપ.

શ્રીરામકૃષ્ણ (હસીને) – તારે પીવો છે એમ કહેને! (સૌનું હાસ્ય).

મુખર્જી (હાજરાને) – આપ આમની (ઠાકુરની) પાસે રહીને ઘણુંય શીખ્યા છો.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – ના, એની તો બચપણથી જ આ અવસ્થા! (સૌનું હાસ્ય).

ઠાકુર ઝાઉતલાના શૌચ-સ્થાનેથી પાછા આવી રહ્યા છે. ભક્તોએ જોયું કે ઠાકુર ભાવમગ્ન. પીધેલની પેઠે ચાલી રહ્યા છે. જ્યારે ઓરડામાં પહોંચ્યા, ત્યારે વળી પાછા સ્વસ્થ થયા.

Total Views: 318
ખંડ 27: અધ્યાય 5 : ચૈતન્યદેવ, ઠાકુર શ્રીરામકૃષ્ણ અને લોકમાન
ખંડ 27: અધ્યાય 7 : નારાયણ માટે ઠાકુરની ચિંતા - કોન્નગરનો ભક્તગણ - શ્રીરામકૃષ્ણની સમાધિ અને નરેન્દ્રનું ગાન