ઠાકુરના ઓરડામાં કેટલાય ભક્તો એકઠા થયા છે.

કોન્નગરના ભક્તોમાં એક સાધક નવા આવેલ છે. તેની ઉંમર પચાસની ઉપર. તેને જોતાં એમ લાગે કે અંદર ખૂબ પંડિતાઈનું અભિમાન છે. વાત કરતાં કરતાં એ કહે છે કે સમુદ્ર-મંથનની પૂર્વે શું ચંદ્ર હતો જ નહિ? આ બધી મીમાંસા કોણ કરે?

માસ્ટર (સહાસ્ય) – બ્રહ્માંડ હતું નહિ જ્યારે, મુંડમાલા ક્યાંથી લાવી?

સાધક (નારાજ થઈને) – એ જુદી વાત.

ઓરડાની વચ્ચે ઊભા રહીને ઠાકુર માસ્ટરને અચાનક કહે છે : ‘તે આવ્યો’તો, નારા’ણ!’

નરેન્દ્ર ઓસરીમાં હાજરા વગેરેની સાથે વાતો કરે છે. તેની ચર્ચાના શબ્દો ઠાકુરના ઓરડામાંથી સંભળાય છે.

શ્રીરામકૃષ્ણ – ખૂબ બોલી શકે! હવે ઘરની ચિંતામાં ખૂબ પડ્યો છે.

માસ્ટર – જી હાં.

શ્રીરામકૃષ્ણ – ‘વિપદને સંપદ જાણીશ’ એમ બોલ્યો હતો કે નહિ? કેમ ખરુંને?

માસ્ટર – જી, મનનું જોર ખૂબ છે.

મોટો કાલી – કયું ઓછું છે?

(ઠાકુર પોતાને આસને બેઠા છે.)

કોન્નગરનો એક ભક્ત ઠાકુરને કહે છે કે મહાશય, આ (સાધક) આપને મળવા આવ્યા છે. એમને કંઈક પૂછવાનું છે.

સાધક પોતાનું શરીર અને મસ્તક ઊંચું ટટાર કરીને બેઠા.

સાધક – મહાશય, ઉપાય શો?

(ઈશ્વર-દર્શનનો ઉપાય, ગુરુવાક્યમાં વિશ્વાસ – શાસ્ત્રની ધારણા ક્યારે)

શ્રીરામકૃષ્ણ – ગુરુ-વાક્યમાં શ્રદ્ધા. જેમ સૂતરની દોરી પકડીને આગળ વધો તો એના બીજા છેડે બાંધેલી વસ્તુ મળી જાય, એમ ગુરુનું વચન સમજીને શ્રદ્ધાપૂર્વક આગળ વધ્યે ભગવાનની પ્રાપ્તિ થાય.

સાધક – ઈશ્વરનાં શું દર્શન થાય?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વર વિષયી-બુદ્ધિથી અગોચર. મનમાં કામિની-કાંચનમાં આસક્તિ લેશ પણ હોય તો ઈશ્વરને પમાય નહિ. પરંતુ શુદ્ધ મન, શુદ્ધ બુદ્ધિથી એ ગોચર; જે મન, જે બુદ્ધિમાં આસક્તિ લેશ માત્ર ન હોય! શુદ્ધ મન, શુદ્ધ બુદ્ધિ અને શુદ્ધ આત્મા એ એક જ વસ્તુ.

સાધક – પરંતુ શાસ્ત્રમાં છે કે ‘યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ।’ પરમાત્મા મનવાણીથી અગોચર.

શ્રીરામકૃષ્ણ – હવે એ રહેવા દો! સાધના કર્યા વિના શાસ્ત્રનો અર્થ સમજાય નહિ. ભાંગ ભાંગ મોઢેથી બોલ્યે શું વળે? પંડિતો શ્લોકો બધા ફડર ફડર કરીને બોલે. પણ એથી શું વળે? ભાંગને શરીરે ચોપડ્યેય નશો ન ચડે. એને પીવી જોઈએ!

‘દૂધમાં છે માખણ, દૂધમાં છે માખણ’ એકલું બોલ્યે શું વળે? દૂધનું દહીં જમાવીને પછી વલોવો, ત્યારે જ માખણ નીકળે!’

સાધક – માખણ કાઢવું, એ બધી તો શાસ્ત્રની જ વાત.

શ્રીરામકૃષ્ણ – શાસ્ત્રની વાત બોલ્યે અથવા સાંભળ્યે શું વળે? એની ધારણા થવી જોઈએ. પંચાંગમાં લખ્યું છે કે વીસ ચ પાણી પડશે, પણ પંચાંગને નિચોવ્યે એક ટીપુંય પડે નહિ.

સાધક – માખણ કાઢવાનું (કહ્યું), તે આપે કાઢ્યું છે?

શ્રીરામકૃષ્ણ – મેં શું કર્યું છે ને શું નથી કર્યું એ વાત મૂકો. અને એ બધી વાતો સમજાવવી બહુ કઠણ. કોઈ જો પૂછે કે ઘી કેવું સ્વાદમાં? તો તેનો જવાબ એ કે ઘી જેવું ઘી.

‘એ બધું જાણવું હોય તો સાધુ-સંગની જરૂર. કઈ કફની નાડી, કઈ પિાની નાડી, કઈ વાયુની નાડી એ જાણવું હોય તો વૈદ્યની સોબતમાં રહેવાની જરૂર.

સાધક – કોઈ કોઈ બીજાની સોબતમાં રહેવાથી નારાજ થાય.

શ્રીરામકૃષ્ણ – એ તો જ્ઞાન થયા પછી, ભગવત્પ્રાપ્તિની પછી. પહેલાં સાધુ-સંગ જોઈએ નહિ? 

સાધક જરા ચૂપ થઈને બેઠો છે.

સાધક (થોડીક વાર પછી, ગરમ થઈને) – પ્રત્યક્ષ હો કે અનુભવથી હો, આપ જો ઈશ્વરને ઓળખી શક્યા હો તો બોલો! મરજી હોય ને બોલી શકો તો બોલો, મરજી ન હોય તો ન બોલો!

શ્રીરામકૃષ્ણ (સહેજ હસતાં હસતાં) – શું બોલું? કેવળ આભાસ બોલી શકાય.

સાધક – એ જ બોલો.

નરેન્દ્ર ગીત ગાવાના છે. નરેન્દ્ર કહે છે કે પખવાજ કોઈ લાવ્યું નહિ?

નાનો ગોપાલ – મહિમ બાબુનું છે.

શ્રીરામકૃષ્ણ – ના, એની ચીજ લાવવાની જરૂર નથી.

પહેલાં કોન્નગરનો એક ભક્ત કાલયાતી ગીત ગાય છે. 

ગીત વખતે ઠાકુર સાધકની અવસ્થા વચ્ચે વચ્ચે નીરખ્યા કરે છે. ગાયક નરેન્દ્રની સાથે ગાવા બજાવવા સંબંધે ભારે ચર્ચામાં ઊતરી પડ્યો છે. 

સાધક ગાયકને કહે છે કે તમેય બાપુ ઓછા નથી! આ બધા વાદની શી જરૂર? 

બીજો એક જણ પણ તર્કમાં સામેલ હતો. ઠાકુર સાધકને કહે છે કે ‘આપ આને જરાય વઢ્યા નહિ!’

શ્રીરામકૃષ્ણ કોન્નગરના ભક્તોને કહે છે, ‘કેમ ભાઈ, આપની સાથેય આને સારું બનતું નથી એમ લાગે છે!’

નરેન્દ્ર ગીત ગાય છે :

‘જશે શું રે દિન મારા નિષ્ફળ ચાલ્યા?

કરું છું નાથ! રાતદિન આશાપથ નિરખ્યા…’

સાધક ગીત સાંભળતાં સાંભળતાં ધ્યાનમાં મગ્ન થયો છે. ઠાકુરની પાટની ઉત્તર બાજુએ દક્ષિણાભિમુખ થઈને બેઠો છે. સમય ત્રણ કે ચાર વાગ્યાનો હશે. પશ્ચિમનો તડકો આવીને તેના શરીર ઉપર પડ્યો છે. ઠાકુરે ઝટઝટ એક છત્રી લઈને તેની પશ્ચિમ બાજુએ મૂકી કે જેથી તડકો સાધકના શરીર પર ન આવે.

નરેન્દ્ર ગીત ગાય છે :

‘મલિન પંકિલ મને કેમ રે પોકારુ તને,

તણખલું શું જ્વલંત અગ્નિમાં પ્રવેશ કરી શકે?

તમે પુણ્યના આધાર, ઝળહળતા અગ્નિ સમા,

હું પાપી તણખલા સમો, કેમ રે પૂજું તમને?

તવ નામ પ્રભાવે મહાપાપી તર્યા મેં સુણ્યું છે એ. 

પવિત્ર નામ લેતાં હૃદય મુજ કાંપે રે!

પાપ-સેવામાં રત આ જીવન વીત્યું જાય રે!

કેવી રીતે હું પવિત્ર પથનો આશ્રય લઉં!

આપ આ નરાધમને જો તારો તમારા દયાળુ ગુણનામે!

મારા કેશને ઝાલીને તમારાં ચરણોમાં ખેંચી લો નાથ રે!

Total Views: 329
ખંડ 27: અધ્યાય 6 : ઠાકુર દક્ષિણેશ્વર મંદિરે નરેન્દ્ર વગેરે ભક્તો સાથે
ખંડ 27: અધ્યાય 8 : નરેન્દ્ર આદિને ઉપદેશ - વેદવેદાંતમાં કેવળ આભાસ