નરેન્દ્ર ગીત ગાય છે :

ગીત :- સુંદર તમારું નામ દીનશરણ હે,

વરસે અમૃતધાર, શમે શ્રવણ પ્રાણરમણ હે!

ગભીર વિષાદ-રાશિ, નિમિષે વિનાશે,

જેહ ક્ષણે તવ નામ-સુધા, શ્રવણે સ્પરશે..

હૃદય મધુમય તવ નામ-ગાને,

થાય હે હૃદયનાથ, ચિદાનંદઘન હે…

નરેન્દ્રે જેવું ગાયું કે ‘હૃદય મધુમય તવ નામ-ગાને’ ઠાકુર એ સાથે જ સમાધિ-મગ્ન, સમાધિ-દશાના પ્રારંભમાં હાથની આંગળી, ખાસ કરીને મોટી આંગળી કંપવા લાગે છે. કોન્નગરના ભક્તોએ ઠાકુરની સમાધિ અવસ્થા કદી જોયેલી નહિ. ઠાકુર શાંત થયા છે એ જોઈને તેઓ ઊઠવા લાગ્યા.

ભવનાથ – આપ બેસો ને, આ એમની સમાધિ-અવસ્થા. 

કોન્નગરના ભક્તો વળી બેઠા. નરેન્દ્ર ગાઈ રહ્યો છે :

‘દિવાનિશિ કરીને જતન, હૃદયમાં રચયું છે આસન;

જગતપતિ ઓ કૃપા કરીને ત્યાં શું કરશો આગમન?…

ઠાકુર ભાવના આવેશમાં નીચે ઊતરીને જમીન પર નરેન્દ્રની પાસે બેઠા.

ગીતઃ- ‘ચિદાકાશે થયો પૂર્ણ પ્રેમ-ચંદ્રોદય હે, 

ઊછળિયો પ્રેમ-સિંધુ શો આનંદમય હે.

જય દયામય! જય દયામય! જય દયામય!’

‘જય દયામય’ એ નામ સાંભળીને ઠાકુર ઊભા થઈ ગયા, વળી પાછા સમાધિ-મગ્ન.

ઘણીયે વાર પછી કંઈક સ્વસ્થ થઈને પાછા નીચે ચટાઈ ઉપર બેઠા. નરેન્દ્રે ગીત પૂરું કર્યું. તાનપૂરો એની જગાએ રાખી દેવામાં આવ્યો છે. ઠાકુર હજુ પણ ભાવાવેશમાં છે. ભાવ અવસ્થામાં જ બોલી રહ્યા છે : ‘આ શું, કહો તો મા, માખણ કાઢીને મોં પાસે ધરો! તળાવમાં ચારો ફેંકવો નથી – માછલી પકડવાની દોરી લઈને બેસવું નથી પણ (ભાઈને) માછલી પકડીને એના હાથમાં આપો! શી  ઉપાધિ! મા! તર્ક-વિચાર હવે વધુ સાંભળવો નથી. સાળાઓ ઘુસાડી દે છે. શી ઉપાધિ! ખંખેરી નાખીશ! 

એ (પરમાત્મા) વેદ-વિધિથી પર! વેદ, વેદાન્ત, શાસ્ત્રો વાંચ્યે શું એને પામી શકાય? (નરેન્દ્રને) સમજ્યો? વેદમાં તો માત્ર આભાસ છે!’

નરેન્દ્રે વળી તાનપૂરો લાવવાનું કહ્યું. ત્યાં ઠાકુર બોલી ઊઠ્યા કે ‘હું ગાઈશ.’ હજીયે ભાવ-સમાધિનો આવેશ રહેલો છે. ઠાકુર ગાય છે :

ગીત : ‘હું તો એ દુઃખે દુઃખ કરું શ્યામા,

તું મા છતાં મારા જાગતા ઘરમાં ચોરી, મા ….’

‘મા! તર્ક-વિચાર શા માટે કરાવો છો?’ પાછા ઠાકુર ગાય છે.

ગીત : ‘આ વેળા મેં સારું વિચાર્યું રે, 

સારા ભાવિક પાસે ભાવ શીખ્યો રે,

ઊંઘ ઊડી છે હવે શું ઊંઘું, યોગ-જાગૃતિમાં જાગેલો છું;

યોગનિદ્રાને તને દઈ મા, ઊંઘને ઊંઘાડી બેઠેલો છું…’

ઠાકુર બોલે છે : ‘હું હોશમાં છું’, પરંતુ હજીયે ભાવ-અવસ્થામાં છે. 

ગીત : સુરાપાન કરું નહીં હું, સુધા પીઉં જય કાલી બોલી,

ભાવાવેશે માને જોઈને, પીધેલ એને પીધેલ કહે,

ઠાકુર બોલ્યા હતા કે ‘મા હવે તર્ક-વિચાર સાંભળવો નથી!’ 

એટલે નરેન્દ્ર ગાય છે : 

‘મને દે મા પાગલ કરી’ (બ્રહ્મમયી), હવે નહિ કામ જ્ઞાન વિચાર્યે…

મા, તારા પ્રેમની સુરા પાઈને કરો મતવાલા,

ઓ મા! ભક્ત-ચિત્તહારી, ડુબાવો પ્રેમસાગરે…

ઠાકુર જરાક હસતાં હસતાં કહે છે, ‘દે મા પાગલ કરી!’ એ (પરમાત્મા)ને જ્ઞાન વિચાર કરીને, શાસ્ત્રનો વિચાર કરીને પામી શકાય નહિ.’

કોન્નાગરના ગાયકનું કાલયાતી ગીત તથા તેનો રાગિણીનો આલાપ સાંભળીને ઠાકુર પ્રસન્ન થયા છે. નમ્રતાથી ગાયકને કહે છે : ‘બાબુજી, એક આનંદમયીનું ગીત!’

ગાયક – મહાશય, માફ કરો!

શ્રીરામકૃષ્ણ ગાયકને હાથ જોડીને પ્રણામ કરતાં કરતાં કહે છે : ‘ના બાપુ! એક ગીતનો તો આગ્રહ કરી શકું! 

એમ કહીને ગોવિંદ અધિકારીની યાત્રાની વૃંદાનું ઉક્તિકીર્તન ગાન ગાઈને કહે છેઃ રાધા બોલે તો બોલી શકે, (કૃષ્ણ માટે એ જાગી રે!), (આખી રાત જાગી રે!), (માન ધારે તો કરી શકે).

બાપુ! તમે બ્રહ્મમયીનું બાળક! ઈશ્વર ઘટઘટમાં છે! એટલે જરૂર આગ્રહ કરીશ. ખેડૂતે ગુરુને કહ્યું હતું કે (-) મારીને મંત્ર લઈશ!’

ગાયક (સહાસ્ય) – જોડો મારીને!

શ્રીરામકૃષ્ણ (શ્રી ગુરુદેવને ઉદ્દેશીને પ્રણામ કરતાં કરતાં, સહાસ્ય)- એટલે દૂર નહિ! વળી ભાવમગ્ન થઈને બોલે છે – ‘પ્રવર્તક, સાધક, સિદ્ધ ને સિદ્ધોનો સિદ્ધ. તમે શું સિદ્ધ, કે સિદ્ધોના સિદ્ધ? (ગાયકને) વારુ ગીત ગાઓ.’

ગાયક રાગિણીનો આલાપ કાઢીને ગીત ગાય છે – મન વારણ..

(શબ્દબ્રહ્મમાં આનંદ – મા ‘હું કે તમે?’)

શ્રીરામકૃષ્ણ (આલાપ સાંભળીને) – બાપુ! એમાંય આનંદ આવે છે, બાપુ!

ગીત પૂરું થયું. કોન્નગરના ભક્તોએ પ્રણામ કરીને રજા લીધી. સાધકે હાથ જોડી પ્રણામ કરીને કહ્યું, ‘ગુસાંઈજી! ત્યારે હું જાઉં છું.’

ઠાકુર હજીયે ભાવ-મગ્ન, માતાજીની સાથે વાતો કરે છે : ‘મા! હું કે તું? શું હું કરું છું? ના, ના, તમે. 

તમે વિચાર સાંભળ્યો કે અત્યાર સુધી મેં સાંભળ્યો? ના, મેં નહિ; તમે જ (સાંભળ્યો).

(પૂર્વકથા – સાધુએ ઠાકુરને આપેલ ઉપદેશ – તમોગુણી સાધુ)

ઠાકુર સ્વસ્થ થયા છે. નરેન્દ્ર, ભવનાથ, મુખર્જી ભાઈઓ વગેરે ભક્તો સાથે વાતો કરે છે. પેલા સાધક સંબંધે વાત નીકળી.

ભવનાથ (સહાસ્ય) – કેવા પ્રકારનો માણસ!

શ્રીરામકૃષ્ણ – ‘તમોગુણી ભક્ત.’ 

ભવનાથ – ખૂબ શ્લોક બોલી શકે.

શ્રીરામકૃષ્ણ – મેં એક જણને કહ્યું’તું કે ‘એ તો રજોગુણી સાધુ. એને સીધું-બીધું શા માટે આપવું? ત્યારે-બીજા એક સાધુએ મને ઉપદેશ આપ્યો કે ‘એવા શબ્દો બોલવા નહિ! સાધુ ત્રણ પ્રકારના : સત્ત્વગુણી, રજોગુણી, તમોગુણી.’ તે દિવસથી હું બધા પ્રકારના સાધુને માનું.

નરેન્દ્ર (હસીને) – શું, હાથી-નારાયણ? બધું જ નારાયણ!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – ઈશ્વર જ વિદ્યા અવિદ્યા બન્ને રૂપે લીલા કરી રહ્યો છે. હું બેઉને પ્રણામ કરું. ચંડીમાં છે, ‘એ (શક્તિ) પુણ્યશાળીઓને ત્યાં લક્ષ્મીરૂપે, તેમજ પાપી, મલીન બુદ્ધિવાળાઓને ત્યાં અલક્ષ્મીરૂપે!’

(ભવનાથને) – આ શું વિષ્ણુ-પુરાણમાં છે?

ભવનાથ (સહાસ્ય) – જી, એ ખબર નથી. કોન્નગરના ભક્તો આપની સમાધિ-અવસ્થા થતી જોઈને એ ન સમજતાં ઊઠી જતા હતા.

શ્રીરામકૃષ્ણ – ત્યારે પાછું કોણ બોલેલું કે તમે બેસો?

ભવનાથ (સહાસ્ય) – હું!

શ્રીરામકૃષ્ણ – તું દીકરા, જેવો સલવાડવામાં અને તગડવામાંય તેવો!

પેલા ગાયકની સાથે નરેન્દ્રને ચર્ચા થઈ હતી, એ વાત થાય છે.

(Doctrine of Nonresistance and Sri Ramakrishna)

(નરેન્દ્રને ઉપદેશ – સત્ત્વમાં તમોગુણ – હરિનામ માહાત્મ્ય)

મુખર્જી – પણ નરેન્દ્રે છોડ્યો નહિ, હો!

શ્રીરામકૃષ્ણ – ના. એવો જુસ્સો તો જોઈએ! એને કહેવાય સત્ત્વગુણનો તમોગુણ. માણસો જે કહે તે શું સાંભળી લેવું? વેશ્યાને શું એમ કહેવાય – વારુ, તને ઠીક પડે એમ કર! તો પછી વેશ્યાનું કહેવું માનવું? શ્રીમતી રાધિકાએ માન ખાધું એટલે તેમની એક સખી બોલી કે ‘શ્રીમતી માનિની થઈ છે.’ એટલે વૃંદાએ કહ્યું કે ‘પણ એ માન કોનું? એ કૃષ્ણનું જ માન. કૃષ્ણના ગર્વથી ગર્વિષ્ઠા!

હવે હરિ-નામના માહાત્મ્યની વાત થાય છે.

ભવનાથ – હરિ-નામથી મારું શરીર જાણે કે હળવું થયું હોય એવું લાગે!

શ્રીરામકૃષ્ણ – જે પાપ હરણ કરે એ જ હરિ. હરિ ત્રિતાપ હરણ કરે.

વળી, ચૈતન્યદેવે હરિ-નામનો પ્રચાર કર્યાે હતો એટલા માટે એ સારું. જુઓ ચૈતન્યદેવ કેટલા મોટા પંડિત, અને વળી તે અવતાર. તેમણે જ્યારે આ હરિ-નામનો પ્રચાર કર્યાે હતો, માટે તે સારું જ. (સહાસ્ય) કેટલાક ગામડિયાઓ એક શ્રીમંતને ત્યાં આમંત્રિત થઈને જમવા બેઠા. તેમને પૂછવામાં આવ્યું કે તમે આંબોળિયાંની ચટણી ખાશો? તેઓએ કહ્યું કે જો શેઠિયા લોકો ખાતા હોય તો અમને પીરસજો. તેઓએ જ્યારે ખાધી છે ત્યારે સારી જ ચીજ હશે! (સૌનું હાસ્ય).

(શિવનાથને જોવાની ઇચ્છા – મહેન્દ્રનો તીર્થયાત્રાનો પ્રસ્તાવ)

ઠાકુરને શિવનાથ (શાસ્ત્રી)ને મળવા જવાની ઇચ્છા થઈ છે. એટલે મુખર્જી ભાઈઓને કહે છે કે ‘એક વાર શિવનાથને મળવા જવું છે, તે જો તમારી ગાડીમાં જાઉં તો ગાડીભાડું ન બેસે.’

મુખર્જી – જી ભલે, એ પ્રમાણે જ એક દિવસે નક્કી કરીશું.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – વારુ, આપણને ‘લાઈક’ કરશે (ગમવાના)? એ લોકો (બ્રાહ્મભક્તો) તો સાકારવાદીઓની નિંદા કરે છે.

શ્રીયુત્ મહેન્દ્ર મુખર્જી તીર્થયાત્રાએ નીકળવાના છે. એ વિશે ઠાકુરને જણાવે છે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – એ શું ભાઈ! પ્રેમનો અંકુર ઊગ્યો ન ઊગ્યો ત્યાં જ ચાલ્યા જાઓ છો?

અંકુર નીકળે, ત્યાર પછી ઝાડ ઊગે, ત્યાર પછી ફળ આવે. તમારી સાથે સરસ મજાની વાતચીતો ચાલતી હતી!

મહેન્દ્ર – જી, જરા મનમાં ઇચ્છા ઊઠી છે તે ફરી આવીએ. વળી જલદી પાછા આવતા રહીશું.

Total Views: 289
ખંડ 27: અધ્યાય 7 : નારાયણ માટે ઠાકુરની ચિંતા - કોન્નગરનો ભક્તગણ - શ્રીરામકૃષ્ણની સમાધિ અને નરેન્દ્રનું ગાન
ખંડ 27: અધ્યાય 9 : નરેન્દ્રની ભક્તિ - યદુ મલ્લિકના બાગમાં ભક્તો સાથે શ્રીઠાકુરનો શ્રીગૌરાંગ ભાવ