શ્રીરામકૃષ્ણ શ્રીયુત્ મહેન્દ્ર મુખર્જીની ગાડીમાં બેસીને દક્ષિણેશ્વરથી કોલકાતા આવી રહ્યા છે. રવિવાર, ૬ આશ્વિન, ૨૧મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪. આસો સુદ બીજ. સમય બપોર પછી પાંચ વાગ્યાનો. ગાડીમાં મહેન્દ્ર મુખર્જી, માસ્ટર અને બીજાય એક બે જણ છે. ગાડી જરાક આગળ જતાં જ ઠાકુર ઈશ્વરચિંતન કરતાં કરતાં ભાવસમાધિમાં મગ્ન થયા.
કેટલીય વાર પછી સમાધિ ઊતરી. ઠાકુર બોલે છે, ‘હાજરા વળી મને શીખવવા આવે! સાલો!’ થોડીક વાર પછી બોલે છે, ‘મારે પાણી પીવું છે.’ સમાધિની પછી બહિર્જગતમાં મનને ઉતારવા સારુ ઠાકુર આ શબ્દો મોટે ભાગે બોલતા.
મહેન્દ્ર મુખર્જી (માસ્ટરને) – તો પછી કંઈક ખાવાનું લાવીએ તો શો વાંધો?
માસ્ટર – તેઓ અત્યારે ખાશે નહિ.
શ્રીરામકૃષ્ણ (ભાવ-અવસ્થામાં) – હું ખાઈશ, શૌચ જઈશ.
મહેન્દ્ર મુખર્જીની હાથી-બાગાનમાં લોટની મિલ છે. ઠાકુરને મિલે લઈ જાય છે. ત્યાં જરા આરામ લઈને સ્ટાર થિયેટરમાં ચૈતન્યલીલા નાટક જોવા જવાના. મહેન્દ્રનું મકાન બાગબજારમાં શ્રીશ્રી મદનમોહનજીના મંદિરથી થોડેક ઉત્તરે. મહેન્દ્રના પિતા પરમહંસદેવને ઓળખતા નથી. એટલે મહેન્દ્ર ઠાકુરને પોતાને ઘેર લઈ ગયા નહિ. તેનો બીજો ભાઈ પ્રિયનાથ પણ ઠાકુરનો એક ભક્ત.
મહેન્દ્રની મિલમાં એક પાટ ઉપર શેતરંજી પાથરેલી છે. તેની જ ઉપર ઠાકુર બેઠા છે અને ઈશ્વરની વાતો કરી રહ્યા છે.
શ્રીરામકૃષ્ણ (માસ્ટર અને મહેન્દ્રને) – શ્રીચૈતન્યચરિતામૃત સાંભળતાં સાંભળતાં હાજરા કહે છે કે એ બધી શક્તિની લીલા, એની અંદર વિભુ (પરમાત્મા) નહિ. પણ વિભુ વિના શક્તિ શું એકલી ક્યારેય હોય? આનો (પોતાના તરફ આંગળી ચીંધીને) મત ઉલટાવી નાખવાનો જ એનો પ્રયાસ!
(બ્રહ્મ વિભુરૂપે સર્વભૂતોમાં – શુદ્ધ ભક્ત ષડૈશ્વર્ય ઇચ્છતો નથી)
‘હું તો જાણું છું કે બ્રહ્મ અને શક્તિ અભિન્ન. જેમ કે જળ અને જળની શીતળતા, અગ્નિ અને તેની દાહિકાશક્તિ. ઈશ્વર વિભુરૂપે સર્વભૂતોમાં છે. પણ કોઈ જગાએ વધુ શક્તિનો, તો કોઈ જગાએ ઓછી શક્તિનો પ્રકાશ. હાજરા વળી કહે છે કે માણસ ભગવાનને પામે તો તેના જેવો ષડ્-ઐશ્વર્યવાન થાય. ષડ્-ઐશ્વર્ય તેની પાસે રહે જ; તે તેનો ઉપયોગ કરે યા ન કરે.
માસ્ટર – ષડૈશ્વર્ય હાથમાં રહેવું જોઈએ! (સૌનું હાસ્ય).
શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – હા, એ હાથમાં રહેવું જોઈએ! કેવી હીન બુદ્ધિ! જેણે કદી ઐશ્વર્ય ભોગવ્યું ન હોય તે જ ઐશ્વર્ય ઐશ્વર્ય કરીને અધીરો થાય. જે શુદ્ધ ભક્ત હોય તે ક્યારેય ઐશ્વર્ય માટે પ્રાર્થના કરે નહિ.
મિલમાં પાન તૈયાર ન હતાં. ઠાકુર કહે છે કે પાન મગાવી લો.
ઠાકુરને શૌચ જવું છે. મહેન્દ્રે લોટો ભરીને પાણી મંગાવ્યું અને પોતે લોટો ઉપાડ્યો. ઠાકુરને સાથે લઈને મેદાનમાં જશે. ઠાકુરે મણિને સામે આવેલ જોઈને મહેન્દ્રને કહ્યુંઃ ‘તમારે ઉપાડવાની જરૂર નથી, આમને આપો.’
મણિ લોટો લઈને ઠાકુરની સાથે મિલની અંદરના મેદાન તરફ ગયા. હાથમોઢું ધોઈ રહ્યા પછી ઠાકુરને હુક્કો ભરીને તૈયાર કરી દેવામાં આવ્યો.
ઠાકુર માસ્ટરને કહે છે, ‘સંધ્યા થઈ? તો પછી હુક્કો ન પીઉં; સંધ્યા થાય એટલે બધાં કામ મૂકીને હરિસ્મરણ કરવું.’ એમ કહીને ઠાકુર હાથના વાળ જુએ છે. ગણી શકાય કે નહિ. જો વાળ ગણી ન શકાય તો સંધ્યા થઈ ગણાય.






