(માસ્ટર, બાબુરામ, ખડદાના નિત્યાનંદ વંશના ગોસ્વામી)

નવદ્વીપમાં નિત્યાનંદ આવ્યા છે. તેઓ નિમાઈને શોધે છે. એટલામાં નિમાઈની સાથે મેળાપ થઈ ગયો. નિમાઈ પણ તેમને શોધતા હતા. મેળાપ પછી નિમાઈ બોલે છેઃ

‘સાર્થક જીવન; સત્ય મમ ફળ્યું છે સ્વપન;

છુપાયા, સ્વપ્ને દઈ દરશન.’

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને ગદ્ગદ સ્વરે)- નિમાઈ કહે છે કે સ્વપ્નમાં જોયા છે!

શ્રીવાસ ષડ્ભુજ રૂપનાં દર્શન કરે છે અને સ્તુતિ કરે છે.

ઠાકુર શ્રીરામકૃષ્ણ ભાવ-મગ્ન થઈને ષડ્ભુજ રૂપનાં દર્શન કરે છે. 

ગૌરાંગને ઈશ્વરી આવેશ થયો છે. તેઓ અદ્વૈત, શ્રીનિવાસ, હરિદાસ, વગેરેની સાથે ભાવના આવેશમાં વાતો કરી રહ્યા છે. 

ગૌરાંગનો ભાવ સમજી જઈને નિતાઈ ગીત ગાય છે :

‘ક્યાં કૃષ્ણ આવ્યા, કુંજે પ્રાણ સખી, 

દે રે કૃષ્ણ દે, કૃષ્ણ આણી દે,

રાધા જાણે નહિ, કૃષ્ણ વિણ કાંઈ?’

ગીત સાંભળતાં સાંભળતાં શ્રીરામકૃષ્ણ સમાધિમાં ગયા. ઘણીવાર એ ભાવમાં રહ્યા. સમૂહ-વાદ્યો વાગવા લાગ્યાં. ઠાકુરની સમાધિ ભંગ થઈ. એટલામાં ખડદાના નિત્યાનંદ ગોસ્વામીના વંશના એક સજ્જન આવ્યા અને ઠાકુરની ખુરશીની પાછળ ઊભા રહ્યા. ઉંમર ચોત્રીસ પાંત્રીસ હશે. તેને જોઈને શ્રીઠાકુર આનંદસાગરમાં તરવા લાગ્યા. તેનો હાથ પકડીને કેટલીય વાતો કરે છે. વચ્ચે વચ્ચે તેમને કહે છે કે ‘અહીં બેસો ને; તમે અહીં હો તો ખૂબ ઉદ્દીપન થાય.’ સ્નેહથી તેનો હાથ પકડીને જાણે કે રમત કરી રહ્યા છે. સ્નેહથી તેના મોઢા પર હાથ ફેરવીને પ્રેમ દર્શાવી રહ્યા છે.

ગોસ્વામી ચાલ્યા ગયા પછી શ્રીરામકૃષ્ણ માસ્ટરને કહે છે : ‘એ મોટો પંડિત છે. તેનો બાપ મોટો ભક્ત. હું ખડદાના શ્યામસુંદરનાં દર્શન કરવા જાઉં ત્યારે જે પ્રસાદ સો રૂપિયા દેતાંય ન મળે તે પ્રસાદ લાવીને મને જમાડે! આમનાં લક્ષણ બહુ સારાં છે. જરાક એને હલાવી ચલાવી દીધા હોય તો ચૈતન્ય થઈ જાય. તેને જોઈને બહુ ઉદ્દીપન થાય. જરાક વધુ થાત તો હું ઊભો થઈ જાત.’ (ગોસ્વામીને જોઈને જરાક વધુ ઉદ્દીપન થતાં ઠાકુરની ભાવ-સમાધિ થઈ જાત એમ કહે છે.)

પડદો ઊપડી ગયો. રાજમાર્ગ પર નિત્યાનંદ, માથે હાથ દઈને રક્ત-ધારા બંધ કરી રહ્યા છે.

માધાઈએ ઘડાનો કાંઠો છુટ્ટો માર્યાે છે. નિતાઈને તેની જરાય પરવા નથી. તે ગૌર-પ્રેમમાં ગળાડૂબ મતવાલા! ઠાકુર ભાવમાં જુએ છે કે નિતાઈ જગાઈ-માધાઈને આશરો આપશે. નિતાઈ કહે છે :

‘પ્રાણ ભરી આવ હરિ બોલીએ; જગાઈ, માધાઈ, આવ નાચીએ…

માર્યાે મને તેં ભલે માધાઈ, હરિ હરિ બોલીને નાચને ભાઈ…

બોલ રે હરિ બોલ…

પ્રેમી હરિ પ્રેમે લેશે અંગ, ઉછાળો ઉછાળો હરિ-નામ-તરંગ…

ચાખ્યો નહિ પ્રેમનો સ્વાદ, અરે હરિ બોલનો કર તું નાદ…

નિરખીશ તું હૃદયમાં ચાંદગૌર, પ્રેમે તમને હરિ નામ વહેંચું…

પ્રેમે તેથી પોકારે નિતાઈ-’

હવે નિમાઈ શચીને સંન્યાસની વાત કરે છે.

શચી મૂર્છા ખાઈને પડી ગઈ. શચીની મૂર્છા જોઈને પ્રેક્ષકોમાંથી ઘણાય હાહાકાર કરી ઊઠ્યા. શ્રીરામકૃષ્ણ રજમાત્ર વિચલિત ન થતાં એક નજરે જોઈ રહ્યા છે. માત્ર નેત્રને ખૂણે એક બિંદુ જળ દેખાયું છે.

Total Views: 323
ખંડ 28: અધ્યાય 6 : ચૈતન્યલીલાદર્શન - ગૌરાંગપ્રેમે મતવાલા શ્રીરામકૃષ્ણ
ખંડ 28: અધ્યાય 8 : ગૌરાંગના પ્રેમમાં મતવાલા ઠાકુર શ્રીરામકૃષ્ણ