નાટક પૂરું થયું. ઠાકુર ગાડીમાં બેસે છે. એક ભક્ત પૂછે છે, ‘નાટક કેવું લાગ્યું?’ ઠાકુર હસતાં હસતાં કહે છે, ‘અસલ નકલ એક લાગ્યું!’

ગાડી મહેન્દ્ર મુખર્જીની લોટની મિલે જાય છે. અચાનક ઠાકુર ભાવ-અવસ્થામાં આવી ગયા અને થોડી વાર પછી પ્રેમ ભરી રીતે પોતે પોતાની મેળે બોલી રહ્યા છે : 

‘હા કૃષ્ણ! હે કૃષ્ણ! જ્ઞાન કૃષ્ણ! પ્રાણ કૃષ્ણ! મન કૃષ્ણ! આત્મા કૃષ્ણ! દેહ કૃષ્ણ! વળી કહે છે, ‘પ્રાણ હે ગોવિંદ, મમ જીવન!’

ગાડી મુખર્જીની મિલે પહોંચી. મુખર્જીએ ખૂબ ખાતરબરદાસ્ત કરીને ઠાકુરને જમાડ્યા. મણિ પાસે બેઠેલા. ઠાકુર સ્નેહથી તેમને કહે છે, ‘તમે જરાક ખાઓ ને.’ એમ કહીને ઠાકુરે પોતાને હાથે લઈને મીઠાઈ-પ્રસાદ આપ્યો.

હવે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર કાલીમંદિરે જવા રવાના થયા છે. ગાડીમાં મહેન્દ્ર મુખર્જી અને બીજા બે ત્રણ ભક્તો. મહેન્દ્ર થોડેક આગળ સુધી વળાવવા જાય છે. ઠાકુરે જતાં જતાં આનંદથી ગીત ઉપાડ્યું : ‘ગૌર-નિતાઈ તમે બે ભાઈ…’

મણિ પણ સાથે સાથે ગાય છે.

મહેન્દ્રને યાત્રાએ જવાનું છે. ઠાકુરની સાથે એ બધી વાતો કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (મહેન્દ્રને, હસીને) – પ્રેમનો અંકુર ઊગતાં ન ઊગતાં જ સુકાઈ જશે કે શું? પણ જલદી પાછા આવતા રહેજો. આહા, ઘણાય દિવસથી તમારે ઘેર આવવાનો વિચાર હતો. તે એક વાર અવાઈ ગયું. સારું થયું.’

મહેન્દ્ર – જી; જીવન સાર્થક થયું!

શ્રીરામકૃષ્ણ – સાર્થક તો છે જ! તમારા પિતા પણ મજાના છે. તે દિવસે જોયું કે અધ્યાત્મ (રામાયણ)માં તેમને શ્રદ્ધા છે.

મહેન્દ્ર – જી, કૃપા રાખજો કે જેથી ભક્તિ આવે.

શ્રીરામકૃષ્ણ – તમે ખૂબ ઉદાર, સરલ. ઉદાર સરલ થયા વિના ભગવાનને પામી શકાય નહિ. કપટીથી ભગવાન બહુ દૂર.

મહેન્દ્રે શ્યામબજાર પાસેથી જવાની રજા લીધી.

ગાડી આગળ ચાલે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – યદુ મલ્લિકે શું કર્યું?

માસ્ટર (સ્વગત) – ઠાકુર બધા લોકોના ક્ષેમકલ્યાણની ચિંતા કરે છે. ચૈતન્યદેવની જેમ એમણે પણ ભક્તિ શીખવવા માટે દેહ ધારણ કર્યાે છે?

Total Views: 366
ખંડ 28: અધ્યાય 7 : નાટ્યાલયમાં નિત્યાનંદ વંશ અને શ્રીરામકૃષ્ણનું ઉદ્દીપન
ખંડ 29: અધ્યાય 1 : ઠાકુર શ્રીરામકૃષ્ણ સાધારણ બ્રાહ્મ-સમાજના મંદિરમાં