(માસ્ટર, હાજરા, વિજય, શિવનાથ, કેદાર)

આજે શ્રીરામકૃષ્ણ કોલકાતા શહેરમાં આવ્યા છે. સપ્તમી-પૂજા, શુક્રવાર, ૨૬મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪.

ઠાકુરનાં હજી ઘણાં કામ બાકી છે. શારદીય મહોત્સવ. કોલકાતામાં હિંદુઓને લગભગ ઘેરઘેર આજે માતાજીની સપ્તમી પૂજાનો આરંભ. ઠાકુર અધરને ઘેર માતાજીનાં દર્શન કરવા અને આનંદમયીના આનંદોત્સવમાં ભાગ લેવા જવાના છે. અને બીજી એક ઇચ્છા છે શ્રીયુત્ શિવનાથને મળવાની.

બપોરના લગભગ બાર વાગ્યાથી સાધારણ બ્રાહ્મ-સમાજના ફૂટપાથ ઉપર છત્રી હાથમાં લઈને માસ્ટર આંટા મારી રહ્યા છે. એક વાગ્યો, બે વાગ્યા, પણ ઠાકુર આવ્યા નહિ. વચ્ચે વચ્ચે શ્રીયુત્ મહલાનવિશના દવાખાનાનાં પગથિયાં પર બેસે છે અને દુર્ગાપૂજાને અંગે છોકરાઓનો આનંદ અને આબાલવૃદ્ધ સૌની કામકાજની ધમાલ જોયા કરે છે. 

ત્રણ વાગ્યા. થોડીક વાર પછી ઠાકુરની ગાડી આવી પહોંચી. ગાડીમાંથી ઊતરીને બ્રાહ્મ-સમાજનું મંદિર દેખતાં જ ઠાકુરે હાથ જોડીને પ્રણામ કર્યા. સાથે હાજરા અને બીજા એક બે ભક્તો. માસ્ટરે ઠાકુરનાં દર્શન કરીને તેમને ચરણે વંદના કર્યાં. ઠાકુર બોલ્યા : ‘મારે શિવનાથને ઘેર જવું છે.’ ઠાકુરના આગમનની વાત સાંભળીને જોતજોતામાં કેટલાક બ્રાહ્મ-સમાજી ભક્તો આવીને એકઠા થયા. તેઓ ઠાકુરને સાથે લઈને બ્રાહ્મ-પાડાની અંદર શિવનાથના ઘરના દરવાજામાં તેમને લઈ ગયા. પણ શિવનાથ ઘેર નહીં! હવે શું થાય? જોતજોતામાં શ્રીયુત્ વિજયકૃષ્ણ ગોસ્વામી, શ્રીયુત્ મહલાનવિશ વગેરે બ્રાહ્મ-સમાજના આગેવાનો આવી પહોંચ્યા, અને ઠાકુરનો સત્કાર કરીને બ્રાહ્મ-સમાજના મંદિરની અંદર લઈ ગયા. ઠાકુર જરા બેસે, એટલામાં કદાચ શિવનાથ આવી પણ પહોંચે!

ઠાકુર આનંદમય, હસમુખે ચહેરે આસન પર બેઠા. વેદીની નીચે જે જગાએ સંકીર્તન થાય, તે જ સ્થાને તેમને બેસવાની જગા કરી આપવામાં આવી.

વિજય વગેરે ઘણાય બ્રાહ્મ-ભક્તો સામે બેઠા.

(સાધારણ બ્રાહ્મસમાજ અને સાઈનબોર્ડ, સાકાર નિરાકાર – સમન્વય)

શ્રીરામકૃષ્ણ (હસીને વિજયને) – મેં સાંભળ્યું છે (એ પ્રમાણે) અહીં સાઈન-બોર્ડ છે? ‘બીજા ધર્મના માણસોને અહીં આવવાની મનાઈ છે!’ નરેન્દ્ર કહે કે સમાજમાં જવાની જરૂર નથી. શિવનાથને ઘેર જ જજો.

‘હું કહું કે સૌ એક જ ઈશ્વરને બોલાવે છે, દ્વેષાદ્વેષી કરવાની કશી જરૂર નથી. કોઈ કહે સાકાર, તો કોઈ કહે નિરાકાર. હું કહું કે જેની સાકારમાં શ્રદ્ધા હોય તે સાકારનું ચિંતન કરે; જેની નિરાકારમાં શ્રદ્ધા હોય તે નિરાકારનું ચિંતન કરે. પણ કહેવાનું એટલું કે મતાંધતા (Dogmatism) સારી નહિ, એટલે કે અમારો જ ધર્મ બરાબર છે અને બીજાનો ભૂલભરેલો છે એ. અમારો ધર્મ બરાબર અને બીજાનો બરાબર કે ભૂલભરેલો, સાચો કે ખોટો એ હું સમજી શકતો નથી, એવો ભાવ સારો; કારણ કે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યા વિના તેનું સ્વરૂપ સમજી શકાય નહિ. કબીર કહેતા કે ‘સાકાર મારી મા, નિરાકાર મારો બાપ, કોને નિંદું કોને વંદું, બન્ને પલ્લાં ભારે!’

‘હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, શાક્ત, શૈવ, વૈષ્ણવ, ઋષિકાળના બ્રહ્મજ્ઞાનીઓ અને હાલના બ્રાહ્મ-સમાજીઓ તમે, એ બધાય એક જ વસ્તુને ઇચ્છો છો; પણ જેના પેટને જે રુચે એવી વ્યવસ્થા માએ કરી છે. મા જો પર્વને દિવસે સારું ખાવાનું કરે, અને તેને ચાર પાંચ છોકરાં હોય તો સૌને માટે એક સરખું ભારે ખાવાનું કરીને ન મૂકે. સહુનાં પેટ એક સરખાં પચાવવાવાળાં ન હોય. કોઈ માંદલાં સારુ મગનું ઓસામણ પણ બનાવે. પરંતુ મા ચાહે સૌને એક સરખી.

‘મારો અંતરનો ભાવ કેવો છે, ખબર છે? હું શાક બધી રીતે બનાવીને ખાવાનું પસંદ કરું. મારો બૈરાં જેવો સ્વભાવ. (સૌનું હાસ્ય). હું તો શાકભાજીનાં ભજિયાં, મૂઠિયાં, વડાં, ખાટું શાક, કોરું શાક, તેલમાં સડસડાવેલું શાક, કચોરી, મિશ્ર-શાક એ બધાંયમાં છું. અને તેમ વળી શેર શેર ઘીના શીરા-પૂરીમાંય છું! (સૌનું હાસ્ય).

વાત એમ છે કે દેશ, કાળ, પાત્રના ભેદ પ્રમાણે ઈશ્વરે જુદા જુદા ધર્માે નિર્માણ કર્યા છે. બધા જ (ધર્મના) માર્ગાે-પથ છે, મત કાંઈ ઈશ્વર નથી. પણ અંતરની શ્રદ્ધાભક્તિ રાખીને એક ધર્મ-મતનો આશ્રય લે, તો ઈશ્વરને પામી શકાય. જો કોઈ એક ધર્મ-મતનો આશ્રય લે અને તેમાં જો ભૂલ હોય, તો પણ અંતરથી સાચો હોય તો ઈશ્વર એ ભૂલ સુધારી દે. જો કોઈ માણસ ખરેખર જગન્નાથનાં દર્શને નીકળે અને ભૂલથી કોલકાતાથી દક્ષિણ બાજુએ ન જતાં ઉત્તર તરફ ચાલવા માંડે, તો જરૂર કોઈક કહી દે કે ‘અરે, એ બાજુએ નહિ જવાનું, દક્ષિણ બાજુએ જાઓ!’ એ વ્યક્તિ ક્યારેક ને ક્યારેક જરૂર જગન્નાથનાં દર્શન કરવાનો.

‘એટલે, બીજાના ધર્મ-મતમાં ભૂલ છે કે કેમ, એ પંચાતની આપણને જરૂર નથી. જેનું આ જગત છે તે જ તેની ચિંતા કરે છે. આપણું કર્તવ્ય તો ગમે તેમ કરીને જગન્નાથનાં દર્શન થાય એ છે. તમારો મત પણ મજાનો છે; ઈશ્વરને નિરાકાર કહો છો એ પણ મજાનું છે. પુરણપોળીને સીધી રાખીને ખાઓ અથવા આડી રાખીને ખાઓ, પણ મીઠી જ લાગે.

‘પરંતુ મતાંધતા સારી નહિ. તમે પેલી કાકીડાની વાત તો સાંભળી છે ને? એક જણે શૌચ જતી વખતે એક ઝાડ ઉપર એક કાકીડો જોયો. તેણે આવીને પોતાના બીજા ભાઈબંધોને કહ્યું કે હું એક લાલ કાકીડો જોઈ આવ્યો. તેની ખાતરી હતી કે એ બરાબર લાલ છે. બીજો એક જણ એ જ ઝાડ નીચે બેસીને આવીને કહે છે કે મેં એક લીલા રંગનો કાકીડો જોયો. તેની પણ ખાતરી હતી કે તે બરાબર લીલો છે. પરંતુ જે માણસ એ ઝાડની નીચે હંમેશાં રહેતો હતો તેણે આવીને કહ્યું કે તમે જે કહો છો એ બધું બરાબર, કારણકે એ જાનવર ક્યારેક લાલ, ક્યારેક લીલું, ક્યારેક પીળું, તેમજ ક્યારેક તો તેનો કશો રંગ જ હોતો નથી. 

વેદમાં ઈશ્વરને સગુણ અને નિર્ગુણ બન્ને કહેવામાં આવ્યા છે. તમે તેને એકલા નિરાકાર જ કહો છો, એટલે એકધોયા છો. પણ તેનો વાંધો નહિ. એકને બરાબર જાણવાથી બીજાને પણ જાણી શકાય. ઈશ્વર પોતે જ જણાવી દે. તમારામાંથી અહીંયાં જે આવે તે આનેય ઓળખે ને એમનેય ઓળખે. (એક બે બ્રાહ્મ-ભક્તો પ્રત્યે આંગળી ચીંધીને કહે છે.)

Total Views: 389
ખંડ 28: અધ્યાય 8 : ગૌરાંગના પ્રેમમાં મતવાલા ઠાકુર શ્રીરામકૃષ્ણ
ખંડ 29: અધ્યાય 2 : વિજય ગોસ્વામીને ઉપદેશ