હાજરા ઈશાન ખૂણા તરફની ઓસરીમાં બેસીને હાથમાં હરિનામની માળા લઈને જપ કરે છે. ઠાકુર સામે આવીને બેઠા અને હાજરાની જપમાળા પોતાના હાથમાં લીધી. માસ્ટર અને ભવનાથ સાથે છે. સમય આશરે દસ વાગ્યાનો.

શ્રીરામકૃષ્ણ (હાજરાને): જુઓ મારાથી જપ થઈ શકતો નથી; ના, ના, થયો. ડાબે હાથે મણકા ફેરવી શકું. પણ નામ જપ કરી શકતો નથી. 

એમ કહીને ઠાકુર જરા જપ કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. પરંતુ જપની શરૂઆત કરવા જતાં જ, એકદમ સમાધિ!

ઠાકુર એ સમાધિ અવસ્થામાં ઘણા વખત સુધી બેઠા છે. હાથમાં માળા હજી રહેલી છે. ભક્તો આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા છે. હાજરા પોતાના આસન પર બેઠેલા છે; એ પણ નવાઈ પામીને જોઈ રહ્યા છે. ઠાકુર ઘણીવાર પછી હોશમાં આવ્યા ને બોલી ઊઠ્યા કે ‘ભૂખ લાગી છે.’ સાધારણ રીતે, બાહ્ય જગતના ભાનમાં આવવા સારુ ઠાકુર આ શબ્દો સમાધિની પછી બોલતા. 

માસ્ટર ખાવાનું લેવા જાય છે. ઠાકુર બોલી ઊઠ્યા, ‘ના બાપુ, પહેલાં કાલી-મંદિરમાં જઈશ.’

(નવમીપૂજાના દિવસે શ્રીરામકૃષ્ણની કાલીપૂજા)

ઠાકુર પાકા ચોગાનમાં થઈને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને કાલી-મંદિર તરફ જઈ રહ્યા છે. જતાં જતાં બાર શિવમંદિરમાંના શિવને ઉદ્દેશીને પ્રણામ કર્યા. ડાબી બાાજુએ શ્રીરાધાકાન્તનાં દર્શન કરીને તેમને પ્રણામ કર્યા. કાલી-મંદિરમાં જઈ માને પ્રણામ કરી આસન ઉપર બેસીને માનાં ચરણકમલમાં ફૂલ અર્પ્યાં, પોતાના માથા પર પણ ફૂલ ચડાવ્યું. પાછા આવતી વખતે ભવનાથને કહે છે કે ‘આ લઈને ચાલ’ – માના પ્રસાદનું લીલું નાળિયેર અને ચરણામૃત. 

ઠાકુર તેમના ઓરડામાં પાછા આવ્યા, સાથે ભવનાથ અને માસ્ટર. આવતાંવેંત હાજરાની સામે આવીને પ્રણામ! એ જોતાં જ હાજરા બૂમ પાડી ઊઠ્યા, ‘અરે, કરો છો શું? કરો છો શું?’ 

ઠાકુર શ્રીરામકૃષ્ણ બોલ્યા, ‘તમે કહો છો કે આ અયોગ્ય છે?’ 

હાજરા વાદ કરીને મોટે ભાગે એમ કહેતા કે ઈશ્વર સહુની અંદર છે. સાધના દ્વારા સૌ બ્રહ્મ-જ્ઞાન પ્રાપ્ત કરી શકે.

પ્રસાદ લેવાનો સમય થઈ ગયો છે. ભોગ-આરતીની ઘંટી વાગી ગઈ. અતિથિશાળામાં બ્રાહ્મણ, સાધુ, વૈષ્ણવ, વૈરાગી, ભિખારી બધાં જાય છે. માનો પ્રસાદ, રાધાકાન્તનો પ્રસાદ સૌને મળવાનો. 

ભક્તો પણ માનો પ્રસાદ લેવાના છે. અતિથિશાળામાં બ્રાહ્મણ કર્મચારીઓ જ્યાં બેસે ત્યાં બેસીને ભક્તો પ્રસાદ લેવાના. ઠાકુર બોલ્યા, ‘સૌ જઈને ત્યાં જમો, કેમ? (નરેન્દ્રને) કે પછી તું અહીંયાં જમીશ?

વારુ, નરેન્દ્ર અને હું અહીંયાં જમવાના.’

ભવનાથ, બાબુરામ, માસ્ટર વગેરે સર્વે પ્રસાદ લેવા ગયા.

પ્રસાદ લીધા પછી ઠાકુરે જરાક આરામ લીધો, પણ વધારે વખત નહિ. ભક્તો ઓસરીમાં બેસીને વાતો કરે છે ત્યાં આવીને બેઠા; અને તેમની સાથે આનંદ કરવા લાગ્યા. બે વાગ્યા છે. બધા ઉત્તર-પૂર્વ તરફની ઓસરીમાં બેઠા છે. 

અચાનક ભવનાથ દક્ષિણ-પૂર્વ તરફની ઓસરીમાંથી બ્રહ્મચારી વેશે આવીને હાજર. શરીરે ભગવાં વસ્ત્ર, હાથમાં કમંડલુ, મોં પર હાસ્ય. ઠાકુર અને ભક્તો બધા હસવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં): તેના મનનો ભાવ એવો ખરો ને, એટલે આવો વેશ પહેર્યાે છે.

નરેન્દ્ર: એણે બ્રહ્મચારીનો વેશ પહેર્યાે છે, હું વામાચારીનો પહેરું. (હાસ્ય).

હાજરા: તેમાં પંચ મકાર, ચક્ર એ બધું કરવું પડે.

ઠાકુર વામાચારની વાતમાં મૂંગા રહ્યા. એ વાતમાં સૂર પૂર્યાે નહિ. કેવળ મશ્કરીમાં ઉડાવી દીધો. અચાનક મતવાલા થઈને નૃત્ય કરવા લાગ્યા. ગાય છે:

‘હવે ભુલાવ્યે ભૂલું નહિ, મા! જોયાં તમારાં રાતાં ચરણ.’

(પૂર્વકથા – રાજનારાયણની ચંડી – નકુડ આચાર્યનું ગીત)

ઠાકુર કહે છે, ‘આહા, રાજનારાયણનાં ચંડીનાં ગીત કેવાં અદ્ભુત! આવી રીતે નાચી નાચીને એ લોકો ગાય. અને અમારા દેશમાં નકુડ આચાર્યનાં કીર્તન! આહા! કેવું નૃત્ય, કેવાં ગીત!’ પંચવટીમાં એક સાધુ આવેલ છે. બહુ જ ક્રોધી સાધુ. જેને તેને ગાળો ભાંડે, શાપ દે. એ પગમાં ચાખડી પહેરીને આવી પહોંચ્યો. 

સાધુ બોલ્યો, ‘યહાં આગ મિલેગા?’ ઠાકુરે હાથ જોડીને સાધુને નમસ્કાર કર્યા. અને જ્યાં સુધી એ સાધુ ત્યાં ઊભો હતો, ત્યાં સુધી હાથ જોડીને ઊભા રહ્યા. 

સાધુ ચાલ્યા ગયા પછી ભવનાથ હસતાં હસતાં કહે છે: ‘સાધુ ઉપર આપની શી ભક્તિ!’

શ્રીરામકૃષ્ણ (હસીને): અરે એ તમોગુણી નારાયણ! જેમનામાં તમોગુણ હોય, તેમને એમ કરીને પ્રસન્ન રાખવા જોઈએ. આ તો સાધુ છે ને?

(શ્રીરામકૃષ્ણ અને ગોલોકધામની રમત – સારા માણસોનો સર્વત્ર જય)

ઓસરીમાં જ્ઞાનપટની (ચોપાટ જેવી) રમત રમાય છે. ભક્તો રમે છે, હાજરા પણ રમે છે. ઠાકુર આવીને ઊભા રહ્યા. માસ્ટર અને કિશોરીની સોગઠી પાર ઊતરી ગઈ. ઠાકુરે બેઉ જણને નમસ્કાર કર્યા અને બોલ્યા, ‘ધન્ય તમે બે ભાઈ!’

(માસ્ટરને, એક બાજુએ): હવેથી તમે રમતા નહિ, હો!

ઠાકુર રમત જુએ છે. હાજરાની સોગઠી ફરી એક વાર નરકના ખાનામાં પડી. એટલે ઠાકુર કહે છે, ‘હાજરાનું શું થયું? વળી પાછી?’ 

એટલે કે હાજરાની સોગઠી વળી પાછી નરકના ખાનામાં પડી? એટલે બધા ખડખડાટ હસવા લાગ્યા.

લાટુની સોગઠી સંસારના ખાનામાંથી જ, સાત દાણા ચત્તા પડવાથી એકદમ મુક્તિના ખાનામાં ચડી ગઈ. લાટુ થેઈ થેઈ કરીને નાચવા લાગ્યો. ઠાકુર કહે છે, ‘લાટુને કેવો આનંદ, જુઓ! એનું જો એમ ન થાત તો તેના મનમાં બહુ જ દુ:ખ થાત.’ (ભક્તોને, એક બાજુએ) આમાંય એક અર્થ છે. 

હાજરાને એટલો બધો ગર્વ છે કે તે ધારે છે કે આમાંય મારી જીત થશે. ઈશ્વરનું એવું છે કે સાચા માણસનું ક્યારેય અને ક્યાંયે અપમાન થવા દે નહિ. સૌની પાસે તેનો જય!

Total Views: 263
ખંડ 31: અધ્યાય 2 : નરેન્દ્ર, ભવનાથ વગેરે વચ્ચે સમાધિસ્થ
ખંડ 31: અધ્યાય 4 : નરેન્દ્ર વગેરેને બાઈમાણસને લઈને સાધના કરવાનો નિષેધ, વામાચાર નિંદા