(પૂર્વકથા – તીર્થદર્શન – કાશીમાં ભૈરવી ચક્ર – ઠાકુરનો સંતાનભાવ)

ઓરડામાં નાની પાટ ઉપર ઠાકુર બેઠા છે. નરેન્દ્ર, ભવનાથ, બાબુરામ, માસ્ટર જમીન પર બેઠા છે. ઘોષપાડા અને પંચનામી વગેરે સંપ્રદાયોની વાત નરેન્દ્રે ઉપાડી. ઠાકુર તેનું વર્ણન કરીને નિંદા કરે છે કે એમાં સાચેસાચી સાધના કરી શકે નહિ. ધર્મનું નામ લઈને ઇન્દ્રિયોને સંતોષે. 

(નરેન્દ્રને) તારે હવે એ બધું સાંભળવાની કશી જરૂર નથી!

‘ભૈરવ-ભૈરવી, તેમનુંય એ પ્રકારનું. કાશીમાં જ્યારે હું ગયો ત્યારે એક દિવસે ભૈરવી-ચક્રમાં મને લઈ ગયા. એક એક જણ થાય ભૈરવ, અને એક એક જણી ભૈરવી. મને કારણ (દારૂ) પીવાનું કહ્યું ત્યારે હું બોલ્યો, ‘મા, હું દારૂને તો અડી શકતો નથી.’ એટલે એ બધા પીવા લાગ્યા. મેં ધાર્યું કે હવે એ લોકો જપ ધ્યાન કરશે. પણ એ નહિ. તેમણે તો પીને નાચવા માંડ્યું. મને બીક લાગી કે કદાચ તેઓ ગંગામાં પડી જશે તો? ચક્ર ગંગાને કાંઠે જ રચ્યું હતું.

‘સ્વામી-સ્ત્રી જો ભૈરવ-ભૈરવી થાય તો તેમનું બહુ માન! 

(નરેન્દ્ર વગેરે ભક્તોને) તમને ખબર છે? મારો માતૃ-ભાવ, સંતાન-ભાવ. માતૃ-ભાવ અતિ શુદ્ધ ભાવ; એમાં કશી આફત નહિ. ભગિની-ભાવ એ પણ ખરાબ નહિ. સ્ત્રી-ભાવ, વીરભાવ બહુ જ કઠિન. તારકનો બાપ એ ભાવે સાધના કરતો. અતિ કઠિન. ભાવ બરાબર રાખી શકાય નહિ.’

ઈશ્વરની પાસે પહોંચવાના અનેક માર્ગ છે. મત તેટલા માર્ગ. જેમ કે કાલી-મંદિરે જુદે જુદે રસ્તેથી જઈ શકાય. પણ કોઈ માર્ગ શુદ્ધ, તો કોઈ માર્ગ ગંદો. શુદ્ધ માર્ગે જ જવું સારું.

‘અનેક મત, અનેક માર્ગ મેં જોયા. એ બધું હવે ગમતું નથી. બધા એક બીજાની સાથે વાદ કરે. જુઓ, અહીં બીજું કોઈ નથી; તમે છો મારા અંગત માણસો. તમને કહું છું કે છેવટે હું એટલું સમજ્યો છું કે ઈશ્વર પૂર્ણ, હું તેનો અંશ. ઈશ્વર પ્રભુ, હું તો તેનો દાસ. વળી કોઈ કોઈ વાર વિચાર કરું છું કે તે જ હું, હું જ તે!’

ભક્તો આશ્ચર્યચકિત થઈને આ શબ્દો સાંભળી રહ્યા છે.

(ઠાકુર શ્રીરામકૃષ્ણ અને મનુષ્યજાત પ્રત્યે પ્રેમ – Love for mankind)

ભવનાથ (નમ્રતાથી): માણસો સાથે મતભેદ થતાં મનમાં કંઈક દુ:ખ થાય. ત્યારે પછી સહુને તો ચાહી શકાયું નહિ!

શ્રીરામકૃષ્ણ: પ્રથમ એક વાર વાતચીત કરવાનો, તેમની સાથે સ્નેહ કરવાનો પ્રયત્ન કરવો. પ્રયત્ન કરવા છતાંય જો ન થાય તો પછી એ બધાની ચિંતા ન કરવી. પ્રભુના શરણાગત થાઓ, તેનું ચિંતન કરો. તેને મૂકીને બીજાં માણસો માટે મનમાં દુ:ખ લગાડવાની જરૂર નહિ.

ભવનાથ: ઈશુ, ચૈતન્ય એ બધા તો કહી ગયા છે કે સૌને ચાહવાં.

શ્રીરામકૃષ્ણ: ચાહવાં તો ખરાં, સર્વ ભૂતમાં ઈશ્વર છે એમ સમજીને. પરંતુ જ્યાં ખરાબ માણસો હોય ત્યાં દૂરથી પ્રણામ કરવા. અને તમે શું કહ્યું? ચૈતન્યદેવ? એ પણ અંતરના જુદા પ્રકારના ભાવવાળા લોકોને જોઈને ‘પ્રભુ કરે ભાવ સંવરણ!’ શ્રીવાસને ઘેર, તેની સાસુના કેશ પકડીને બહાર કાઢવામાં આવી હતી.

ભવનાથ: એ તો બીજા માણસોએ બહાર કાઢી હતી.

શ્રીરામકૃષ્ણ: પણ તેમની સંમતિ ન હોય તો એમ બને કે?

શું થાય જો બીજાનું મન મળ્યું નહિ, તો? તો શું રાતદિવસ એ જ વિચાર કર્યા કરવો? જે મન ઈશ્વરને આપવું, એ મનને આમતેમ નકામું વેડફી નાખવું? હું માને કહું, ‘મા, હું નરેન્દ્ર, ભવનાથ, રાખાલ વગેરે કોઈની ઇચ્છા નથી રાખતો, કેવળ તમને ઇચ્છું છું. માણસને લઈને શું કરું?’

‘ગિરિ! ગણેશ મારા શુભકારી; …

ઘેર તેડાવું ચંડી, સાંભળું કેટલી ચંડી, કેટલા આવશે દંડી, યોગી જટાધારી…’

‘ઈશ્વરને મેળવીએ એટલે બધાયને મેળવીએ. રૂપિયા માટી, માટી જ રૂપિયા; સોનું માટી, માટી જ સોનું એમ કહીને મેં તેમનો ત્યાગ કર્યાે, ગંગાના પાણીમાં ફેંકી દીધાં. ત્યારે બીક લાગી કે મા લક્ષ્મી જો નારાજ થાય તો? આ તો મેં લક્ષ્મીના ઐશ્વર્યની અવજ્ઞા કરી! મા જો ખાવાનું જ બંધ કરી દે તો? એટલે કહ્યું મા, ‘તમને જ માગું છું; બીજું કાંઈ માગતો નથી.’ તેમને મેળવીએ તો બધું મળે.’

ભવનાથ (હસતાં હસતાં): આનું નામ વાણિયા-વિદ્યા!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): હાં, એટલીક વાણિયા-વિદ્યા!

‘એક સાધકને દેવતાએ દર્શન દીધાં અને કહ્યું, ‘તારી તપસ્યાથી હું પ્રસન્ન થયો છું, વરદાન માગ!’ સાધકે કહ્યું, ‘ભગવાન, જો વરદાન આપવું હોય તો એ વરદાન આપો કે હું સોનાના થાળમાં દીકરાના દીકરા સાથે બેસીને દૂધભાત સાકરનાં ભોજન કરું!’ એક જ વરદાનમાં ઘણીયે ચીજો થઈ ગઈ. ઐશ્વર્ય મળ્યું, દીકરો થયો, તે દીકરાને ઘેર પણ દીકરો થયો! (સૌનું હાસ્ય).

Total Views: 358
ખંડ 31: અધ્યાય 3 : ભવનાથ, નરેન્દ્ર વગેરેની વચ્ચે શ્રીરામકૃષ્ણની સમાધિ અને નૃત્ય
ખંડ 31: અધ્યાય 5 : ઈશ્વર અભિભાવક - શ્રીરામકૃષ્ણની માતૃભક્તિ - સંકીર્તનાનંદમાં