ભક્તો ઓરડામાં બેઠા છે. હાજરા ઓસરીમાં જ બેઠા છે.

શ્રીરામકૃષ્ણ: હાજરા શું ઇચ્છે છે તમને ખબર છે? થોડાક રૂપિયા ઇચ્છે છે, ઘેર મુશ્કેલી છે, દેણું છે, એટલે જપ ધ્યાન કરે; કે જેથી ભગવાન તેને રૂપિયા આપે.

એક ભક્ત: ભગવાન શું વાંછના પૂર્ણ કરી શકે નહિ?

શ્રીરામકૃષ્ણ: તેની ઇચ્છા. પણ પ્રેમોન્માદ થયા વિના ભગવાન બધો ભાર લે નહિ. નાના છોકરાંને જ હાથ પકડીને જમવા બેસાડે. મોટાઓને કોણ બેસાડે? ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં જ્યારે એવી અવસ્થા થઈ જાય કે પોતાનો ભાર પોતે લઈ શકે નહિ, ત્યારે જ ઈશ્વર ભાર લે. (અનન્યાશ્ચિન્તન્તો માં યે જના: પર્યુપાસતે। તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્।। – જે મનુષ્યો એકનિષ્ઠભાવે મારું ચિંતન કરતા મને ઉપાસે છે, તેવા સર્વદા મારામાં જોડાયેલાઓનાં યોગ અને ક્ષેમનું રક્ષણ કરું છું. – ગીતા, ૯.૨૨)

‘એ (હાજરા) પોતે ઘરની સંભાળ લે નહિ. તેનો છોકરો રામલાલની સાથે કહેવડાવે છે કે ‘બાપુને ઘેર આવવાનું કહેજો, અમે કશું માગીશું નહિ!’ એ શબ્દો સાંભળીને મને રડવું આવ્યું. 

(શ્રીમુખે કહેલું ચરિતામૃત – શ્રીવૃંદાવનદર્શન)

હાજરાની માએ કહ્યું છે રામલાલને, કે પ્રતાપને (હાજરાને) એક વાર આવવાનું કહેજો અને મારું નામ દઈને કહેજો તમારા કાકાને, (શ્રીરામકૃષ્ણને) કે તે પ્રતાપને આવવાનું કહે. મેં કહ્યું, પણ એણે તે સાંભળ્યું જ નહિ.

‘મા શું જેવી તેવી વસ્તુ? ચૈતન્યદેવે માને કેટલું સમજાવી ત્યારે તેની પાસેથી નીકળી આવી શક્યા. શચી બોલી હતી કે કેશવ ભારતીને કાપી નાખું! ચૈતન્યદેવે તેને ઘણું સમજાવી. તેમણે કહ્યું કે ‘મા, તમે રજા ન આપો તો હું જઈશ નહિ. પણ જો સંસારમાં મને રાખશો તો મારું શરીર ટકશે નહિ. અને મા, જ્યારે જ્યારે તમે મને યાદ કરશો, ત્યારે ત્યારે મને જોઈ શકશો. હું પાસે જ રહીશ, અવારનવાર મળી જઈશ.’ ત્યાર પછી શચીએ રજા આપી.

‘મા જેટલા દિવસ જીવતી હતી, તેટલા દિવસ નારદ તપસ્યા સારુ જઈ શક્યા ન હતા. માની સેવા કરવી પડી હતી કે નહિ? માનો દેહત્યાગ થયો ત્યારે હરિસાધના કરવા નીકળ્યા. 

મને વૃંદાવનમાં જઈને પાછા ફરવાની ઇચ્છા થઈ નહિ. ગંગા માની પાસે રહેવાનું નક્કી થયું. બધું ઠીકઠાક. આ બાજુએ મારું બિછાનું થવાનું; પેલી બાજુએ ગંગામાતાનું બિછાનું. બસ, હવે કોલકાતા નથી જવું; માછીમારનું અન્ન તે કેટલા દિવસ સુધી ખાવું?’ એટલે હૃદય બોલ્યો કે ‘ના, તમે કોલકાતા ચાલો.’ એ એક બાજુ તાણે, ગંગામાતા બીજી બાજુ તાણે. મારીયે રહેવાની ખૂબ ઇચ્છા. એ વખતે મારી બા યાદ આવ્યાં. તરત જ બધો વિચાર બદલાઈ ગયો, કે અરે, બા ઘરડાં થયાં છે! મને વિચાર આવ્યો કે બાની ચિંતા રહે તો ઈશ્વર-બીશ્વર બધું ભુલાઈ જાય. એના કરતાં તેમની પાસે જાઉં. જઈને ત્યાં ઈશ્વર-ચિંતન કરીશ, નચિંત થઈને. 

(નરેન્દ્રને) તું જરા એને (હાજરાને) કહે ને. મને તે દિવસે કહ્યું કે હાં, દેશમાં જઈશ અને ત્યાં ત્રણ દિવસ રહીશ. પણ પાછો એનો એ! 

(ભક્તોને) આજ ઘોષપાડા-બોષપાડા વગેરેની શી બધી વાતો થઈ! ગોવિંદ! ગોવિંદ! ગોવિંદ! હવે જરા હરિ-નામ બોલો. અડદની દાળ પછી જરા દૂધપાક-પૂરી ભલે થઈ જાય!’ નરેન્દ્ર ગાય છે:

‘એક પુરાતન પુરુષ નિરંજન ચિત્ત સમાધાન કરો રે…

આદિ સત્ય એ કારણ કારણ; પ્રાણરૂપે વ્યાપ્ત ચરાચરમાં,

જીવંત જ્યોતિર્મય, સકલ-આશ્રય, દેખે તેહ જે જન વિશ્વાસ કરે…

અતીંદ્રિય નિત્ય ચૈતન્ય સ્વરૂપ, વિરાજિત હૃદય-કંદરે

જ્ઞાન પ્રેમ પુણ્યે, ભૂષિત વિવિધ ગુણે, જેનું ચિંતન સંતાપ હરે…

અનંત ગુણાધાર, પ્રશાંત મૂરતિ, કોઈ શકે નવ ધારણા કરી;

પદાશ્રિત જનને દર્શન દે નિજગુણે, દીન-હીન જાણી દયા કરી…

સદા-ક્ષમાશીલ, કલ્યાણદાતા, નિકટ સહાય દુ:ખસાગરે;

પરમ ન્યાયવાન, કરે ફલ દાન, પાપ પુણ્ય કર્મ અનુસારે…

પ્રેમમય દયાસિંધુ કૃપાનિધિ, શ્રવણે જેના ગુણ, આંખો ઝરે;

તેમનું મુખ દેખી, સહુ થાઓ રે સુખી, તૃષિત મન પ્રાણ જે માટે…

વિચિત્ર શોભામય, નિર્મલ પ્રકૃતિ, વર્ણવતાં એ રૂપ વાણી હારે;

ભજન સાધન તેનું કરો રે નિરંતર, સદા ભિખારી થઈ તેને દ્વારે…

ગીત: ચિદાકાશે થયો પૂર્ણ પ્રેમ ચંદ્રોદય હે…

ઠાકુર નાચે છે, ફરતાં ફરતાં નાચે છે. સર્વે કીર્તન કરે છે અને નાચે છે. ખૂબ આનંદ. ગીત ગવાઈ રહ્યા પછી ઠાકુરે પોતે વળી ગીત ઉપાડ્યું:

‘શિવ સંગે સદા રંગે, આનંદે મગના’ …

માસ્ટરે સાથે ગાયું હતું એ જોઈને ઠાકુર ખૂબ રાજી થયા છે. ગીત થઈ રહ્યા પછી ઠાકુર માસ્ટરને સહાસ્ય કહે છે: ‘સારો ખોલ બજાવનારો હોત તો કીર્તન આથીયે વધુ જામત. તાક્ તાક્ તા ધિન્ના, દાક્ દાક્ દા ધિન્ના, એ બધા બોલ વાગે.’ 

કીર્તન પૂરું થતાં થતાં સંધ્યા થઈ ગઈ.

Total Views: 355
ખંડ 31: અધ્યાય 4 : નરેન્દ્ર વગેરેને બાઈમાણસને લઈને સાધના કરવાનો નિષેધ, વામાચાર નિંદા
ખંડ 32: અધ્યાય 1 : કેદાર, વિજય, બાબુરામ, નારાયણ, માસ્ટર, વૈષ્ણવચરણ