(ગીત પૂરું થયું એટલે) કેદાર અને કેટલાક ભક્તો ઊઠ્યા, ઘેર જવા માટે. કેદારે ઠાકુરને પ્રણામ કર્યા અને કહ્યું ‘જી, ત્યારે હું રજા લઈશ.’

શ્રીરામકૃષ્ણ: તમે અધરને કહ્યા વિના જ જાઓ છો? એ અસભ્ય નહિ ગણાય?

કેદાર: તસ્મિન્તુષ્ટે જગત્ તુષ્ટમ્। જ્યારે આપ રહ્યા છો ત્યારે બધા આવી ગયા અને કંઈક બેચેની જેવુંય લાગે છે. વિવાહ પ્રસંગે જમવામાં જરા બીક જેવું લાગે. પાછો સમાજ છે; એક વાર તો ગોટાળો થયો છે –

વિજય: આમને મૂકીને જવું.

એટલામાં ઠાકુરને જમવા તેડી જવા સારુ અધર આવ્યા. અંદર પાતળ નખાઈ છે. ઠાકુર ઊઠ્યા અને વિજય, કેદારને સંબોધીને બોલ્યા: ‘ચાલો ભાઈ, મારી સાથે ચાલો’ વિજય, કેદાર અને બીજા ભક્તોએ ઠાકુરની સાથે બેસીને પ્રસાદ લીધો. 

જમીને ઠાકુર દીવાનખાનામાં આવીને પાછા બેઠા.

કેદાર, વિજય અને બીજા ભક્તો ચારે બાજુએ બેઠા.

(કેદારની લાગણીભરી વિનંતી અને ક્ષમાયાચના – વિજયનું દેવદર્શન)

કેદાર હાથ જોડીને અતિ નમ્રભાવે ઠાકુરને કહે છે: ‘માફ કરજો, જે આનાકાની કરતો હતો તે!’ એમ લાગે છે કે કેદાર વિચાર કરે છે કે જ્યારે ઠાકુરે અહીં ભોજન લીધું છે, તો પછી મારે વળી અભડાઈ જવાનું શું હતું?

કેદારની નોકરી ઢાકામાં. ત્યાં ઘણા ભક્તો તેની પાસે આવે અને ભેટરૂપે પેંડા વગેરે વિવિધ જાતની ચીજો લાવે. કેદાર એ બધી વાત ઠાકુરને કહે છે.

કેદાર (નમ્રતાથી): માણસો કેટલુંય ખાવાનું વગેરે લાવે. શું કરવું, પ્રભુ, આપ આજ્ઞા આપો.

શ્રીરામકૃષ્ણ: સાચો ભક્ત હોય તો અછૂતનું અન્ન પણ ખાઈ શકાય. હું સાત વરસના ઉન્માદ પછી દેશમાં કામારપુકુર ગયો; ત્યારે કેવી અવસ્થા ગઈ? વેશ્યા સુધ્ધાં મને ખવડાવી ગઈ! પણ હવે જેનું તેનું ખાઈ શકું નહિ.

કેદાર (રજા લેતાં પહેલાં મૃદુ સ્વરે): પ્રભુ! આપ શક્તિ-સંચાર કરો. ઘણાય માણસો ત્યાં આવે છે. હું શું સમજું?

શ્રીરામકૃષ્ણ: થઈ રહેશે, જો અંતરથી ઈશ્વરમાં મતિ હોય તો થઈ રહે!

કેદારના જતાં પહેલાં ‘બંગવાસી’ના સંપાદક શ્રીયુત્ યોગેન્દ્રે પ્રવેશ કર્યાે, અને ઠાકુરને પ્રણામ કરીને તે બેઠા.

સાકાર નિરાકાર સંબંધે વાત નીકળી છે.

શ્રીરામકૃષ્ણ: ઈશ્વર સાકાર તેમજ નિરાકાર બંને. તેમજ વળી કેટલા પ્રકારના એ આપણે જાણતા નથી. એકલા નિરાકાર કહ્યે શું વળે?

યોગેન્દ્ર – બ્રાહ્મ-સમાજની એ એક નવાઈ! બાર વરસનું છોકરુંય નિરાકાર દેખે! આદિ બ્રાહ્મ-સમાજવાળાને હજી સાકાર માનવામાં એટલો વાંધો નહિ. તેઓ પૂજામાં માણસોને ઘેર આવી શકે.

શ્રીરામકૃષ્ણ (હસીને): આમણે બહુ મજાનું કહ્યું કે એ પણ નિરાકાર જુએ છે.

અધર – શિવનાથ બાબુ સાકારમાં માનતા નથી.

વિજય: એ તેમની સમજવાની ભૂલ. જેમ આ (પરમહંસદેવ) કહે છે કે કાકીડો, ક્યારેક આ રંગનો, ક્યારેક બીજા રંગનો. જે માણસ ઝાડ નીચે બેસી રહે, તે જ બરાબર જાણી શકે. હું ધ્યાન કરતાં કરતાં જોવા લાગ્યો દેવ દેવીઓનાં રૂપો, કેટલાય દેવતાઓ, તેમણે કેટલુંય કાંઈક કહ્યું. મેં કહ્યું, એમની (શ્રીરામકૃષ્ણની) પાસે જઈશ ત્યારે સમજાશે.

શ્રીરામકૃષ્ણ: તમે જોયું છે તે બરાબર છે.

કેદાર: ભક્તને માટે સાકાર. પ્રેમના પ્રભાવે ભક્ત સાકાર જુએ. ધ્રુવે જ્યારે નારાયણનાં દર્શન કર્યાં ત્યારે કહે છે કે ‘પ્રભુ, કુંડલ કેમ હાલતાં નથી?’

નારાયણ બોલ્યા –  ‘તું હલાવ એટલે હાલશે!’

શ્રીરામકૃષ્ણ: બધું માનવું જોઈએ. સાકાર નિરાકાર બધું માનવું જોઈએ. ત્યાં કાલી-મંદિરમાં ધ્યાન કરતાં કરતાં જોયું તો રમણી વેશ્યા. મેં કહ્યું કે ‘મા, આ સ્વરૂપમાંય તું છો?’ એટલે કહું છું બધું માનવું જોઈએ. ઈશ્વર ક્યારે કયા રૂપમાં દર્શન દે, સામે આવે, એ કહી શકાય નહિ. એમ કહીને ઠાકુરે ગીત ઉપાડ્યું: ‘આવ્યો છે એક ભાવમય ફકીર… વગેરે.’

વિજય: ઈશ્વર અનંત શક્તિમાન, અને છતાં તે અમુકરૂપે દર્શન દઈ શકે નહિ, કેમ? શી નવાઈ! ધૂળનીયે ધૂળ જેવા આ બધા, અને તેઓ એ બધું નક્કી કરવા જાય!

શ્રીરામકૃષ્ણ: થોડીક ગીતા, જરાક ભાગવત, લગારેક વેદાંત વાંચીને માણસો માને કે અમે બધું જાણી નાખ્યું! એક કીડી સાકરના પહાડ પાસે ગઈ. તેમાંથી એક દાણો સાકર ખાધી ને તેનું પેટ ભરાઈ ગયું. એટલે બીજો દાણો મોઢામાં લઈને દરમાં લઈ જાય છે. જતી વખતે મનમાં વિચાર કરે છે કે ફરી વાર આવીને પહાડ આખોય તાણી જાઉં! (સૌનું હાસ્ય).

Total Views: 291
ખંડ 32: અધ્યાય 2 : ભક્તો સાથે કીર્તનાનંદે
ખંડ 33: અધ્યાય 1 : બ્રાહ્મ-મણિલાલને ઉપદેશ - વિદ્વેષભાવ (Dogmatism) ત્યાગો