ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે ભક્તો સાથે બેઠેલા છે.

આજ ગુરુવાર, બીજી ઑક્ટોબર, ઈ.સ. ૧૮૮૪. ૧૭ આસો ૧૨૯૧ બંગાબ્દ. આસો સુદ, બારસ-તેરસ. શ્રીશ્રીવિજયાદશમી પછી બે દિવસે. ગઈકાલે ઠાકુરે કોલકાતામાં અધરના નિવાસસ્થાને પગલાં કર્યાં હતાં. ત્યાં નારાયણ, બાબુરામ, માસ્ટર, કેદાર, વિજય વગેરે અનેક (ભક્તો) હતા. ઠાકુરે ત્યાં ભક્તો સાથે કીર્તનાનંદમાં નૃત્ય કર્યું હતું.

આજકાલ ઠાકુરની પાસે લાટુ, રામલાલ, હરીશ રહે છે. બાબુરામ પણ ક્યારેક ક્યારેક આવી જાય છે. શ્રીયુત્ રામલાલ શ્રીશ્રીભવતારિણીની સેવા કરે. હાજરા મહાશય પણ છે. 

આજે શ્રીયુત્ મણિલાલ મલ્લિક, પ્રિય મુખર્જી, તેમનો એક સગો હરિ, શિવપુરનો એક બ્રાહ્મ-સમાજી (દાઢીવાળો), બડાબજાર નં. ૧૨, મલ્લિક સ્ટ્રીટના મારવાડી ભક્તો વગેરે હાજર છે. પછીથી દક્ષિણેશ્વરના કેટલાક યુવકો, સિંથિના મહેન્દ્ર વૈદ્યરાજ વગેરે ભક્તો આવ્યા. મણિલાલ જૂના બ્રાહ્મ-સમાજી ભક્ત.

શ્રીરામકૃષ્ણ (મણિલાલ વગેરેને): નમસ્કાર મનમાં મનમાં જ સારા. પગે હાથ લગાડીને નમસ્કારની શી જરૂર. અને મનમાં નમસ્કાર કર્યે કોઈને સંકોચ થાય નહિ. 

મારો જ ધર્મ સાચો અને બીજા બધાયનો ખોટો, એવો મનનો ભાવ સારો નહિ. 

હું તો જોઉં છું કે ઈશ્વર જ બધું થઈ રહેલ છે – માણસ, દેવ-પ્રતિમા, શાલિગ્રામ, શિવલિંગ બધાયની અંદર એ એકને જ જોઉં છું. એક સિવાય બીજું હું દેખતો નથી. 

કેટલાય માને કે આપણો પંથ જ ખરો, બીજા બધા ખોટા; આપણે જ ખાટી ગયા છીએ ને બીજા બધા હારી ગયા છે. પરંતુ જે ખાટી ગયો છે ને આગળ આવી ગયો છે તે કદાચ એક જરાક સારુ અટકી પડે. અને જે પાછળ રહી ગયો હતો તે ત્યારે આગળ આવી જાય! ગોલોકધામના ખેલમાં ખૂબ ઉપર આવીને છેવટના દાણા પડે નહિ! 

હારજીત ઈશ્વરને હાથ. ઈશ્વરનું કાર્ય કંઈ સમજમાં ન આવે. જુઓને નાળિયેર એટલું ઊંચે ઝાડની ટોચ ઉપર રહે, તડકો ખાય, તોય તેનો ગુણ ઠંડો! આ બાજુ ઘીતેલાં (શિંગોડાં) પાણીમાં રહે છતાં ગુણ ગરમ! 

માણસનું શરીર જુઓ. માથું કે જે સર્વ પ્રવૃત્તિનું મૂળ, તે ઉપર ચાલ્યું ગયું!

(શ્રીરામકૃષ્ણ, ચાર આશ્રમ અને યોગતત્ત્વ – બ્રાહ્મસમાજ અને મનોયોગ)

મણિલાલ: ત્યારે હવે અમારું કર્તવ્ય શું?

શ્રીરામકૃષ્ણ: ગમે તેમ કરીને ઈશ્વરની સાથે જોડાયેલા રહેવું. બે રસ્તા છે: કર્મયોગ અને મનોયોગ.

જેઓ (સંસાર) આશ્રમમાં રહેલા છે, તેમનો યોગ કર્મ દ્વારા. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ એ ચાર આશ્રમો. સંન્યાસીઓ (કામ્યાનાં કર્મણાં ન્યાસં સંન્યાસં કવયો વિદુ:। સર્વકર્મફલત્યાગં પ્રાહુસ્ત્યાગં વિચક્ષણા:।। કામ્ય (ફલેચ્છાવાળાં) કર્માેના ત્યાગને જ્ઞાનીજનો ‘સંન્યાસ’ કહે છે. સર્વ કર્માેનાં ફળત્યાગને વિવેકીઓ ‘ત્યાગ’ કહે છે. (ગીતા, ૧૮.૨) ત્યાજ્યં દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણ:। યજ્ઞદાનતપ: કર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે।। કેટલાક બુદ્ધિમાનો કહે છે કે કર્મમાત્ર દોષરૂપ છે, માટે તેને  છોડી  દેવાં જોઈએ અને બીજા કેટલાક કહે છે કે યજ્ઞ-દાન -તપરૂપ કર્મ છોડવાં યોગ્ય નથી. – ગીતા, ૧૮.૩) કામ્ય-કર્માેનો ત્યાગ કરે પરંતુ નિત્ય-કર્માે કામના રહિત થઈને કરે. દંડ-ધારણ, ભિક્ષા કરવી, તીર્થ-યાત્રા, પૂજા, જપ વગેરે બધાં કર્માે વડે ઈશ્વરની સાથે યોગ થાય.

અને ગમે તે કર્મ કરો, પણ ફળની આકાંક્ષાનો ત્યાગ કરી શકાય તો ઈશ્વર સાથે યોગ થાય.

‘બીજો એક માર્ગ છે મનોયોગ. એ માર્ગના યોગનું બાહ્ય કશું જ ચિહ્ન નહિ. તેમનો યોગ અંતરમાં. જેવા કે જડભરત, શુકદેવ. એ ઉપરાંતે કેટલાય છે, આ લોકો તો જાણીતા. એમના શરીરે માથાના વાળ, દાઢી વગેરે એમ ને એમ રહે.

‘પરમહંસ અવસ્થામાં કર્મ નીકળી જાય; સ્મરણ, મનન રહે. સદા સર્વદા મનનો યોગ. એ જો કર્મ કરે તો લોકોના ઉપદેશને માટે. 

કર્માે દ્વારા યોગ થાય કે મન દ્વારા; ભક્તિ હોય તો બધું જાણી શકાય. 

ભક્તિથી કુંભક એની મેળે થાય. મન એકાગ્ર થતાં જ (પ્રાણ) વાયુ સ્થિર થઈ જાય. અને વાયુ સ્થિર થતાં જ મન એકાગ્ર થાય, બુદ્ધિ સ્થિર થાય. જેને થાય તે પોતેય ન જાણી શકે. 

(પૂર્વકથા – સાધનાની અવસ્થામાં જગન્માતા પાસે પ્રાર્થના – ભક્તિયોગ)

ભક્તિ-યોગથી બધું મળી શકે. ‘મેં માતાજીની પાસે રડી રડીને કહ્યું’તું કે ‘મા, યોગીઓએ યોગ કરીને જે જાણ્યું છે, જ્ઞાનીઓએ વિચાર કરી કરીને જે જાણ્યું છે એ મને જણાવી દો, મને દેખાડી દો!’ માએ મને બધું દેખાડી દીધું છે. વ્યાકુળ થઈને ઈશ્વર પાસે રડીએ તો એ બધું સમજાવી દે. વેદ, વેદાન્ત, પુરાણ, તંત્રો વગેરે બધાં શાસ્ત્રોમાં શું છે, તે બધું માએ મને જણાવી દીધું છે.

મણિલાલ: હઠયોગ?

શ્રીરામકૃષ્ણ: હઠયોગીઓ દેહાભિમાની સાધુઓ; કેવળ નેતિ-ધોતિ જ કર્યે રાખે, કેવળ દેહની જ સારવાર. એમનો હેતુ આયુષ્ય વધારવું. દેહની જ રાત ને દિવસ સેવા. એ સારું નહિ. 

(મણિ મલ્લિક, સંસારી અને મનમાં ત્યાગ – કેશવ સેનની વાત)

તમારે માટે કર્તવ્ય શું? તમે લોકો મનમાં કામિનીકાંચનનો ત્યાગ કરજો. સંસારને કાકવિષ્ઠા ગણી ન શકો.

ગોસ્વામીઓ રહ્યા ગૃહસ્થ. એટલે મેં તેમને કહ્યું કે ‘તમારે તો ઠાકોરજીની સેવા છે, એટલે તમે સંસાર-ત્યાગ શું કરવાના? તમે બધા સંસારને માયા કહીને ઉડાવી દઈ શકો નહિ. 

સંસારીઓનું જે કર્તવ્ય, તે ચૈતન્યદેવે કહેલું કે ‘જીવો પર દયા, વૈષ્ણવોની સેવા ને નામ-સંકીર્તન.’

‘કેશવ સેન (મારા વિશે) બોલેલા કે ‘એ અત્યારે બેઉ (સંસાર-વહેવાર અને ઈશ્વર-ભજન) કરો એમ કહે છે, પણ એક દિવસ ફટાક દઈને કરડશે.’ (એટલે કે સંસાર-ત્યાગ કરીને ઈશ્વર માટે સાધન કર્યા વિના કાંઈ ન વળે એમ કહે છે.) એમ નહિ. કરડું શું કામ?’

મણિ મલ્લિક – તો પછી કરડો.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): કેમ ભલા? તમે તો ઠીક જ છો. તમારે ત્યાગ કરવાની શી જરૂર?

Total Views: 357
ખંડ 32: અધ્યાય 3 : વિજય વગેરે સાથે સાકાર નિરાકારની વાત - ખાંડનો પર્વત
ખંડ 33: અધ્યાય 2 : આચાર્યનો કામિનીકાંચનત્યાગ, પરંતુ લોકશિક્ષાનો અધિકાર - સંન્યાસીના કઠિન નિયમ - બ્રાહ્મ મણિલાલને ઉપદેશ