હવે કીર્તનનો આરંભ થયો. વૈષ્ણવચરણે અભિસારથી આરંભીને રાસ-કીર્તન સુધી ગાઈને કીર્તન સમાપ્ત કર્યું. શ્રીરાધા-કૃષ્ણના મિલનનું કીર્તન જેવું શરૂ થયું કે તરત જ ઠાકુર પ્રેમાનંદમાં આવી જઈને નૃત્ય કરવા લાગ્યા. સાથે સાથે ભક્તો પણ તેમને ઘેરીને નાચવા અને સંકીર્તન કરવા લાગ્યા. કીર્તન પૂરું થયે સર્વે બેઠા.

શ્રીરામકૃષ્ણ (વિજયને): આ ગાય છે મજાનું.

એમ કહીને વૈષ્ણવચરણને દેખાડી દીધા અને તેમને ‘શ્રીગૌરાંગ સુંદર’ એ ગીત ગાવાનું કહ્યું. વૈષ્ણવચરણે ગીત ઉપાડ્યું –

‘શ્રી ગૌરાંગ સુંદર નવનટવર તપત-કાંચન કાય.’… વગેરે.

ગીત સમાપ્ત થતાં ઠાકુરે વિજયને કહ્યું, ‘કેમ?’ વિજયે કહ્યું, ‘આશ્ચર્ય!’ ઠાકુર ગૌરાંગભાવે પોતે ગાય છે: 

‘ભાવ થશે રે થશે! 

ભાવનિધિ શ્રીગૌરાંગને, ભાવ થશે રે થશે!

ભાવે હસે-રડે-નાચે-ગાય,

વન જોઈ વૃંદાવન ભાવે, સાગર જોઈ શ્રીયમુના ભાવે;

જેના અંતરે કૃષ્ણ અને બહાર ગૌર, (ભાવ થશે રે થશે!)

ગૌર ડૂસકે ડૂસકે રડે, ગૌર પોતે જ પોતાનાં ચરણ પકડે.

બોલે, ક્યાં રાધારાણી પ્રેમમયી વસે?

મણિ પણ સાથે સાથે ગાય છે.

ઠાકુરનું ગીત પૂરું થયું એટલે વૈષ્ણવચરણે વળી ગાયું:

હરિ હરિ બોલો રે વીણા…

શ્રીહરિની કરુણા વિના પરમતત્ત્વ પામી શકો ના…

હરિ-નામ તાપ હરે, મુખે બોલો હરે કૃષ્ણ હરે,

શ્રીહરિ જો કૃપા કરે, ભવમાં ચિંતા કંઈ રાખો ના…

વીણા એક વાર હરિ બોલ; હરિનામ વિના નહિ બીજું ભંડોળ,

દાસ ગોવિંદ અંતે દિન વીત્યો રે, અફાટ સાગરમાં ડૂબું ના…

ઠાકુર કીર્તનકારની જેમ ગીતની સાથે સાથે સૂર કાઢે છે. વૈષ્ણવચરણને કહે છે કે ‘આવી રીતે ગાઓ, કીર્તનકારની રીતે.’

વૈષ્ણવચરણે વળી ગાયું:

દુર્ગાનામ જપો રસના વારંવાર,

દુ:ખોમાંથી દુર્ગા વિના કોણ કરે ઉદ્ધાર..

દુર્ગાનામ નાવે ભવસાગર જવાય તરી,

શ્રદ્ધા સરોવરે સરે મજાની એ નાવડી,

શ્રીગુરુએ જે ધન દીધું અમને કરુણા કરી,

મળે કિનારો સાધના કરી નાવડીમાં તરી,

ષડ્‌રિપુ તોફાને અઘરી બને સંભાળવી નાવડી,

તોફાનેય શું બગાડે એનું જેને દુર્ગાનામ નાવડી,

કિનારો મળશે જ એને મૃત્યુંજય બને વાહી,

તમે સ્વર્ગ, તમે મર્ત્ય, તમે એ પાતાળ; 

તમમાંથી હરિ બ્રહ્મા, દ્વાદશ ગોપાળ…

દશ મહાવિદ્યા માતા, દશ અવતાર, 

આ વેળા ગમે તેમ કરીને, કરવો પડશે પાર…

ચળ, અચળ તમે મા, તમે સૂક્ષ્મ, સ્થૂલ; 

સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય તમે, તમે વિશ્વનું મૂળ…

ત્રિલોક-જનની તમે, ત્રિલોકતારિણી; 

સકળની શક્તિ તમે, તમારી શક્તિ તમે…

ઠાકુર ગાયક સાથે ફરી ફરી ગાવા લાગ્યા:

ચળ, અચળ તમે મા, તમે સૂક્ષ્મ, સ્થૂલ; 

સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય તમે, તમે વિશ્વનું મૂળ…

ત્રિલોક-જનનિ તમે, ત્રિલોકતારિણી; 

સકળની શક્તિ તમે, તમારી શક્તિ તમે…

કીર્તનિયાએ ફરીથી આરંભ કર્યાે:

વાયુ, અંધકારાદિ શૂન્ય અને આકાશ,

રૂપ દિગ્-દિગંતરે તારાથી છે પ્રકાશ;

બ્રહ્મા, વિષ્ણુ આદિ બન્યા જેટલા અમર,

તવ શક્તિ પ્રકાશે છે એ બધા શરીર;

ઈડા, પીંગલા, સુષુમ્ણા, વજ્રા, ચિત્રિણી જે,

સહસ્રારથી એ બધી નાડીઓમાં તું જ વહે;

ચિત્રિણી નાડીના ઊર્ધ્વે છ પદ્મો છે સજ્યાં,

સુવર્ણવર્ણ, શુક્લવર્ણ, વિદ્યુતવર્ણ છે રચ્યાં;

બે કમળ ખીલ્યાં પૂર્ણ, એક પદ્મ છે કળી,

અધ:મુખે ઊર્ધ્વમુખે છે બે કમળની જોડી;

હંસરૂપે એ બધે સ્થળે ફરે તું માવડી,

મૂલાધારે તું જ બની કુલકુંડલિની;

તેની ઊંચે મણિપુર નામે નાભિસ્થળ,

રક્તવર્ણ પદ્મનાં ત્યાં છે દશ દળ;

એ પદ્મે વસે તારી શક્તિ બની અનલ,

વિલાય સર્વ કંઈ નિવૃત્ત થયે એ અનલ;

હૃદય-પદ્મ રહે મનસરોવર,

અનાહત પદ્મ છે તવ ઉપર;

સુવર્ણવર્ણ દ્વાદશદલ ને શિવબાણ,

એ જ પદ્મે તવ શક્તિ ને આણ;

તેના ઉપરે વસે કંઠે ધૂમ્રવર્ણ પદ્મ,

તેના પરે સોળસદળ વિશુદ્ધ પદ્મ;

ધરે શક્તિ એ પદ્મ બની આકાશ,

બધું બને શૂન્ય રુદ્ધ થયે આકાશ;

તેની ઉપરે છે શિર મધ્યે પદ્મસહસ્રદળ,

ગુરુદેવનું સ્થાન એ અતિ ગુહ્ય સ્થળ;

એ પદ્મે બિંબરૂપે પરમ શિવ બિરાજેે,

શુક્લ સહસ્રપદ્મે એકલા પરમ બિરાજે;

બ્રહ્મરન્ધ્ર છે ત્યાં શિવ બિંબરૂપે,

તું જાય જો ત્યાં શિવ પ્રગટે સ્વ-રૂપે;

તથા શિવ સંગે રંગે કરતાં વિહાર,

વિહાર સમાપને શિવ બને બિંબાકાર.

Total Views: 343
ખંડ 32: અધ્યાય 1 : કેદાર, વિજય, બાબુરામ, નારાયણ, માસ્ટર, વૈષ્ણવચરણ
ખંડ 32: અધ્યાય 3 : વિજય વગેરે સાથે સાકાર નિરાકારની વાત - ખાંડનો પર્વત