શ્રીરામકૃષ્ણ: ઈશ્વર જેમની મારફત લોકોપદેશ કરે, તેમણે સંસાર-ત્યાગ કરવો જરૂરી. જે આચાર્ય હોય, તેણે કામિની-કાંચન-ત્યાગી થવું જરૂરનું. તે વિના ઉપદેશ ગ્રાહ્ય થાય નહિ. માત્ર અંદરથી જ ત્યાગ કર્યે ચાલે નહિ. બહારથી પણ ત્યાગ કરવો જોઈએ, તો લોકોપદેશ થાય. નહિતર લોકો ધારે, કે આ ભાઈ જો કે આપણને બધાને ઈશ્વરની ખાતર કામિની-કાંચનનો ત્યાગ કરવાનું કહે છે, પણ પોતે તો અંદરખાનેથી એ બધું ભોગવે છે!

‘એક વૈદ્યરાજે દરદીને દવા આપીને કહ્યું કે તમે બીજે દિવસે આવજો, એટલે શું શું ખાવું, ન ખાવું વગેરે કહી દઈશ. તે દિવસે દરદી હતો ત્યારે વૈદ્યના ઘરમાં ગોળની ભીલીઓ ખરીદેલી પડી હતી. પેલા દરદીનું ઘર બહુ જ દૂર. તેણે બીજે દિવસે આવીને વૈદ્યરાજની મુલાકાત લીધી. એટલે વૈદ્યરાજ બોલ્યા કે ‘જો ભાઈ, ખાવાપીવામાં સાવધાન રહેજો. ગોળ ખાવો તમારે માટે સારો નહિ.’ દરદી ચાલ્યો ગયો એટલે એક જણ કે જે બન્ને વખતે હાજર હતો તેણે કહ્યું: ‘વૈદ્યરાજ, પેલા બિચારાને આટલી તકલીફમાં ઉતારીને એટલે દૂરથી શા માટે તેડાવ્યો હતો? તે દિવસે જ તમે કહી શક્યા હોત કે ભાઈ, ગોળ ખાઈશ મા.’ એટલે વૈદ્યરાજ હસીને બોલ્યા, ‘એમાં એક હેતુ છે. તે દિવસે અહીં ઘરમાં ગોળની ચાકીઓ પડી હતી.તો એની સામે જ જો હું દરદીને કહું કે તું ગોળ ખાઈશ મા, તો એને વિશ્વાસ બેસત નહિ. તેના મનમાં થાત કે, આમને ત્યાં જ્યારે આટલો બધો ગોળ વપરાય છે તો પછી ગોળ એ કાંઈ ખરાબ વસ્તુ નથી. પણ આજે મેં ગોળની ભીલીઓ ઘરમાં સંતાડીને ઠેકાણે રાખી દીધી છે, એટલે તેને મારા કહેવામાં વિશ્વાસ બેસશે.’

‘આદિ બ્રાહ્મ-સમાજના એક આચાર્યને તે દિવસે જોયો. સાંભળ્યું કે તેણે બીજી કે ત્રીજી બૈરી કરી છે. ઘેર મોટા જુવાન દીકરા!

‘એ બધા આચાર્યાે! એવા જો કહે કે ‘ઈશ્વર જ ખરો અને બીજું બધું ખોટું,’ તો કોણ માને? અને એમના ચેલા જે થાય, તે તો સમજી જ શકો છો. 

‘દંભી ગુરુ, તેનો પાખંડી ચેલો!’ સંન્યાસીયે જો મનથી ત્યાગ કરે, પણ બહારથી કામિની-કાંચન લઈને રહે તો તેનાથી લોકોપદેશ થાય નહિ. લોકો કહેશે કે એ છાનોમાનો ગોળ ખાય છે! 

(શ્રીરામકૃષ્ણનો કાંચનત્યાગ – વૈદ્યરાજને પાંચ રૂપિયા પાછા આપ્યા)

સિંથિનો મહેન્દ્ર વૈદ્ય રામલાલને પાંચ રૂપિયા આપી ગયેલો. મને એની ખબરેય નહિ! રામલાલે જ્યારે કહ્યું, ત્યારે પછી મેં પૂછ્યું કે ‘કોને માટે આપ્યા છે?’ તેણે કહ્યું કે ‘અહીંને માટે.’ પહેલાં તો મેં ધાર્યું કે દૂધના દેવાના બાકી છે તે દેવાઈ જશે. પણ વોય મા! અર્ધી રાતે અચાનક જાગી ઊઠ્યો. છાતીમાં જાણે બિલાડી નહોર મારી રહી છે! એટલે રામલાલની પાસે જઈને મેં વળી પાછું પૂછ્યું કે ‘એ પૈસા તારી કાકી (શ્રીશારદામણિદેવી)ને તો નથી આપી ગયો ને?’ તેણે કહ્યું કે ‘ના.’ ત્યારે મેં તેને કહ્યું કે ‘તું અત્યારે ને અત્યારે એ પાછા આપી આવ!’ ત્યાર પછીના દિવસે રામલાલ એ રૂપિયા પાછા દઈ આવ્યો, ત્યારે મને શાંતિ થઈ!

સંન્યાસીને માટે રૂપિયા લેવા કે લોભમાં પડવું એ શેના જેવું, ખબર છે? જેમ કોઈ પવિત્ર બ્રાહ્મણી વિધવાએ વરસો સુધી ઉપવાસ, વ્રત, તપ કર્યાં, બ્રહ્મચર્ય રાખ્યું ને પછી વાઘરીને રાખી લીધો! (સૌ સ્તબ્ધ!)

‘અમારા દેશમાં એક ભગલો ઘાંચી હતો. એ મોટો ભગત થઈ પડ્યો, તેણે કેટલાય ચેલા કર્યા. એ શૂદ્રને બધા પ્રણામ કરતા જોઈને, ત્યાંના જમીનદારે એક વેશ્યાને એની પાછળ લગાડી દીધી. એણે એનું ધરમ-કરમ બધું ભ્રષ્ટ કરી નાખ્યું. ભજન-બજન બધું ધૂળમાં ગયું. પતિત સંન્યાસી એના જેવો.

(સાધુસંગ પછી શ્રદ્ધા – કેશવ સેન અને વિજયકૃષ્ણ ગોસ્વામી)

‘તમે સંસારમાં છો, તમારે સત્સંગ (સાધુ-સંગ)ની જરૂર. 

પહેલાં સાધુ-સંગ ત્યાર પછી શ્રદ્ધા. સાધુઓ જો ઈશ્વરના નામ-ગુણોનું કીર્તન ન કરે, તો પછી લોકોમાં ઈશ્વર ઉપર શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ કેવી રીતે આવે? ત્રણ પેઢીથી અમીરાત ચાલી આવતી હોય તો લોકો માને ને?

(માસ્ટરને): જ્ઞાન થયું હોય તોય હમેશાં તેનો અભ્યાસ રાખવો જોઈએ. નાગાજી કહેતા કે લોટાને એક દિવસ માંજ્યે શું થાય? રાખી મૂકો એટલે પાછો ઝાંખો પડી જાય! 

તમારે ઘેર એક વાર આવવું પડશે. તમારું ઠેકાણું જાણી રાખ્યું હોય, તો ત્યાં બીજાય ભક્તોની સાથે મુલાકાત થાય. ઈશાનની પાસે એક વાર જજો.

(મણિલાલને): કેશવ સેનની મા આવ્યાં હતાં. તેમના ઘરના છોકરાઓએ હરિ-નામ-સંકીર્તન કર્યું. એનાં માતાજી તેમની પ્રદક્ષિણા કરીને હાથથી તાલી દેવા લાગ્યાં. મેં જોયું કે એ (કેશવ-બાબુના મૃત્યુથી) શોકથી આકુળ-વ્યાકુળ થયાં નથી. અહીં આવીને એકાદશી કરી; માળા લઈને જપ કર્યાે. ખૂબ ભક્તિ જોઈ.

મણિલાલ: કેશવ બાબુના દાદા રામકમલ સેન ભક્ત હતા. તુલસી-વનની વચમાં બેસીને ભગવાનનું નામ લેતા. કેશવના બાપ પ્યારીમોહન પણ ભક્ત વૈષ્ણવ હતા.

શ્રીરામકૃષ્ણ: બાપ એવો ન હોય તો છોકરો આવો ભક્ત નીવડે નહિ. જુઓ ને વિજયની અવસ્થા.

વિજયનો બાપ ભાગવત વાંચતાં વાંચતાં ઈશ્વરીય ભાવમાં બેહોશ થઈ જતો. વિજય પણ વચ્ચે વચ્ચે ‘હરિ! હરિ!’ બોલતાં બોલતાં ઊભા થઈ જાય! 

આજકાલ વિજય જે બધાં (ઈશ્વરીય રૂપોનાં) દર્શન કરે છે, એ બધાં સાચે સાચાં! 

સાકાર નિરાકારની વાત વિજય કહે કે જેમ કે કાકીડો. તેનો રંગ લાલ, લીલો, વાદળી એમ બદલાયા કરે; તેમ કોઈ વાર વળી કોઈ જ રંગ નહિ. તેમ ઈશ્વર પણ ક્યારેક સગુણ, ક્યારેક નિર્ગુણ. 

(વિજય સરળ – સરળ થયે ઈશ્વરપ્રાપ્તિ થાય)

વિજય ખૂબ સરળ. ખૂબ ઉદાર, સરળ ન હોય તો ઈશ્વરને પમાય નહિ. વિજય કાલે અધર સેનને ત્યાં ગયા હતા. તે જાણે કે પોતાનું જ ઘર, સૌ જાણે કે પોતાનાં.

‘વિષયી બુદ્ધિ ગયા વિના ઉદાર, સરળ થાય નહિ.’ 

એમ કહીને ઠાકુર ગીત ગાય છે:

‘અમૂલ્ય ધન પામીશ રે મન, થયે તું શુદ્ધ! …’

‘માટીને ગુંદીને તૈયાર કર્યા વિના વાસણ ઊતરે નહિ. અંદર જો રેતીકાંકરા હોય તો વાસણ ફાટી જાય, એટલે કુંભાર પહેલાં માટીને ચાળીને સારી રીતે ગુંદીને તૈયાર કરે. 

અરીસા ઉપર ધૂળ વળી ગયેલી હોય તો મોઢું દેખાય નહિ. ચિત્ત-શુદ્ધિ થયા વિના સ્વસ્વરૂપ-દર્શન થાય નહિ.

જુઓ ને, જ્યાં જ્યાં અવતાર, ત્યાં ત્યાં સરળતા. નંદરાય, વસુદેવ, દશરથ વગેરે બધાય સરળ. 

વેદાન્તમાં કહે છે કે શુદ્ધ બુદ્ધિ ન હોય તો ઈશ્વરને ઓળખવાની ઇચ્છા થાય નહિ. છેલ્લો જન્મ અથવા અતિશય તપશ્ચર્યા ન હોય તો મન ઉદાર, સરળ થાય નહિ.

Total Views: 352
ખંડ 33: અધ્યાય 1 : બ્રાહ્મ-મણિલાલને ઉપદેશ - વિદ્વેષભાવ (Dogmatism) ત્યાગો
ખંડ 33: અધ્યાય 3 : શ્રીરામકૃષ્ણનો બાલક-ભાવ