ઠાકુરનો પગ સહેજ સોજી ગયા જેવું લાગવાથી એ નાના બાળકની જેમ ચિંતા કરે છે. એટલામાં સિંથિના મહેન્દ્ર વૈદ્યે આવીને પ્રણામ કર્યા.

શ્રીરામકૃષ્ણ (પ્રિય મુખર્જી વગેરે ભક્તોને): કાલે નારા’ણને કહ્યું કે ‘એલા, તારો પગ દાબી જો તો, ખાડો પડે છે કે નહિ. તેણે દાબીને જોયું તો ખાડો પડ્યો; ત્યારે મન હેઠું બેઠું. (મુખર્જીને) તમે એક વાર તમારો પગ દાબીને જુઓ તો; ખાડો પડે છે?

મુખર્જી: જી, હાં.

શ્રીરામકૃષ્ણ: હા-આ-શ!

મણિ મલ્લિક – કેમ ભલા? આપ તો વહેતા જળમાં સ્નાન કરો. સોડા-બોડા શું કામ પીવી?

શ્રીરામકૃષ્ણ: ના, ભાઈ. તમારું લોહી ગરમ છે, તમારી જુદી વાત! 

મને બાળકની અવસ્થામાં રાખેલ છે. 

ઘાસના બીડમાં મને એક દિવસ કંઈક કરડ્યું. મેં સાંભળેલ કે સાપ જો બીજી વાર કરડે તો ઝેર ચૂસી લે. એટલે ખાડામાં હાથ ઘાલીને બેઠો. એક જણે આવીને પૂછ્યું કે એ શું કરો છો? સાપ જો એ જ જગાએ ફરીવાર કરડે, તો ઝેર ઊતરે. બીજે ઠેકાણે કરડે તો નહિ. 

શરદઋતુનું હિમ પડે તે સારું એમ મેં સાંભળેલું. તે કોલકાતાથી ઘોડાગાડીમાં બેસીને આવતી વખતે માથું બહાર કાઢીને ઉપર હિમ ઝીલવા લાગ્યો. (સૌનું હાસ્ય).

(સિંથિના મહેન્દ્ર વૈદ્યને): તમારા સિંથિનો પેલો પંડિત સારો, વેદાન્ત વાગીશ. મને માને. મેં જ્યારે કહ્યું કે તમે ઘણું બધું ભણ્યા છો, પરંતુ ‘હું અમુક પંડિત’ એવું અભિમાન રાખશો મા, ત્યારે તેને ખૂબ આનંદ. 

તેની સાથે વેદાન્તની વાતો થઈ.

(માસ્ટરને ઉપદેશ – શુદ્ધ આત્મા, અવિદ્યા, બ્રહ્મમાયા – વેદાંતનો વિચાર)

(માસ્ટરને): શુદ્ધ આત્મા અલિપ્ત! માયા કે અવિદ્યા એની અંદર છે. આ માયાની અંદર ત્રણ ગુણો છે: સત્ત્વ, રજસ્, ને તમસ્. જે શુદ્ધ આત્મા છે તેનામાં આ ત્રણે ગુણો રહેલ છે, છતાંય તે અલિપ્ત. અગ્નિમાં જો વાદળી ટીકડી નાખો તો ઝાળ વાદળી દેખાય, લાલ ટીકડી નાખો તો લાલ રંગની ઝાળ દેખાય. પરંતુ અગ્નિનો પોતાનો કશોય રંગ નહિ. 

પાણીમાં વાદળી રંગ નાખો, તો પાણી વાદળી રંગનું થશે. તેમ વળી ફટકડી નાખો એટલે પાણીનો પોતાનો જ રંગ.

‘કાશીના રસ્તા ઉપર એક ચંડાળ માંસનો પોટલો ઉપાડીને જઈ રહ્યો હતો. તે શંકરાચાર્યને અડકી ગયો. એટલે આચાર્ય બોલી ઊઠ્યા કે ‘તું મને અડ્યો?’ તરત જ એ ચંડાલે ઉત્તર આપ્યો કે ‘ભગવાન, હું તમને અડ્યો નથી, ને તમે મને અડ્યા નથી! તમે શુદ્ધ આત્મા, અલિપ્ત’. 

જડભરતે આ બધી વાતો રાજા રહુગણને કહેલી: 

શુદ્ધ આત્મા અલિપ્ત, અને શુદ્ધ આત્માને જોઈ શકાય નહિ, જેમ પાણીમાં મીઠું ભળી ગયું હોય તો એ મીઠું આંખે દેખાય નહિ તેમ. 

જે શુદ્ધ-આત્મા, તે જ મહાકારણ, કારણનું કારણ. સ્થૂલ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ. પંચભૂત સ્થૂલ. મન બુદ્ધિ અહંકાર સૂક્ષ્મ. પ્રકૃતિ યા આદ્યશક્તિ સકળનું કારણ. બ્રહ્મ અથવા શુદ્ધ આત્મા, એ કારણનુંય કારણ. 

આ શુદ્ધ આત્મા જ આપણું ખરું સ્વરૂપ. 

જ્ઞાન કોને કહે? આ સ્વસ્વરૂપને જાણવું અને તેમાં મન રાખવું, આ શુદ્ધ આત્માને જાણવો. 

(કર્મ કેટલા દિવસ?)

કર્માે ક્યાં સુધી કરવાનાં રહે? જ્યાં સુધી દેહ-અભિમાન હોય ત્યાં સુધી. અર્થાત્ દેહ જ હું છું એ ભાવના રહે ત્યાં સુધી. ગીતામાં આ વાત છે. (ન હિ દેહભૃતા શક્યં ત્યક્તું કર્માણ્યશેષત:। યસ્તુ કર્મફલત્યાગી સ ત્યાગીત્યભિધીયતે।। દેહધારી વ્યક્તિ માટે પૂરેપૂરી રીતે બધાં જ કર્માેનો ત્યાગ કરવો શક્ય નથી. એટલા માટે જે કર્મફળનો ત્યાગી છે, તે જ ખરો ત્યાગી છે, એમ કહ્યું છે. – ગીતા, ૧૮.૧૧) દેહમાં આત્મ-બુદ્ધિ કરવાનું નામ જ અજ્ઞાન.

(શિવપુરના બ્રાહ્મ-ભક્તને) આપ શું બ્રાહ્મ-સમાજી?

બ્રાહ્મ-ભક્ત: જી, હા.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): હું નિરાકાર સાધકની આંખો તથા ચહેરો જોઈને સમજી શકું. આપ જરા ડૂબકી મારજો. ઉપર ઉપર તર્યા કર્યે તળિયાનું રત્ન મળે નહિ. હું સાકાર, નિરાકાર બધામાં માનું.

(મારવાડી ભક્ત અને ઠાકુર શ્રીરામકૃષ્ણ – જીવાત્મા – ચિત્ત)

એટલામાં બડાબજારના મારવાડી ભક્તોએ આવીને પ્રણામ કર્યા. ઠાકુર તેમનાં વખાણ કરે છે.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને): આહા, આ લોકો ભક્ત! બધાય દેવો પાસે જાય, સ્તુતિ કરે, પ્રસાદ લે. આ વખતે જેને પુરોહિત તરીકે રાખ્યો છે, એ ભાગવતનો પંડિત છે.

મારવાડી ભક્ત: ‘હું તમારો દાસ’ એમ જે બોલે, એ ‘હું’ કયો?

શ્રીરામકૃષ્ણ: લિંગ-શરીર યાને જીવાત્મા. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ ચાર મળીને લિંગ-શરીર.

મારવાડી: જીવાત્મા કોણ?

શ્રીરામકૃષ્ણ: અષ્ટપાશ-જડિત આત્મા. અને ચિત્ત કોને કહે? કે જે ‘ઓ હો!’ કરી ઊઠે તેને.

(મારવાડી – મૃત્યુ પછી શું થાય? માયા શું છે? ગીતાનો મત)

મારવાડી ભક્ત: મહારાજ, મૃત્યુ પછી શું થાય?

શ્રીરામકૃષ્ણ: ગીતામાં કહે છે કે મરતી વખતે જેનું ચિંતન કરે, તે જ થાય. ભરત રાજા હરણનું ચિંતન કરવાથી હરણ થઈને જન્મ્યો હતો. એટલા માટે ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે સાધના કરવી જોઈએ. રાતદિવસ ઈશ્વરનું ચિંતન કરવાથી મરવાની વેળાએ પણ એ જ ચિંતન આવે.

મારવાડી ભક્ત: વારુ, મહારાજ, વિષયો પર વૈરાગ્ય કેમ નથી આવતો?

શ્રીરામકૃષ્ણ: એનું જ નામ માયા. માયાથી સત્ એ અસત્, ને અસત્ એ સત્ જણાય. 

સત્ એટલે જે નિત્ય છે તે, પરબ્રહ્મ. અસત્ એટલે અનિત્ય સંસાર.

મારવાડી ભક્ત: શાસ્ત્રોમાં આ બધું વાંચીએ છીએ, તો પણ ધારણા થતી નથી કેમ?

શ્રીરામકૃષ્ણ: માત્ર વાંચ્યે શું વળે? સાધના, તપસ્યા જોઈએ. ઈશ્વરને બોલાવો, તેને પુકારો. ‘ભાંગ,’ ‘ભાંગ’ બોલ્યા કર્યે શું વળે, થોડીક પીવી જોઈએ. 

આ ‘સંસાર બોરડીના ઝાડ જેવો. હાથમાં ઝાલ્યે લોહી નીકળે. જો કાંટાનું ઝાડ બાળવું હોય તો જો બેઠા બેઠા બોલ્યા કરીએ કે ‘એ આ ઝાડ બળી ગયું,’ તો શું એમ ને એમ બળી જાય? જ્ઞાનાગ્નિ લાવો, એ અગ્નિ લગાવી દો, ત્યારે બળે ને? 

સાધનાની અવસ્થામાં જરા મહેનત કરવી જોઈએ, પછી સીધો રસ્તો. વળાંક વટાવીને અનુકૂળ પવનમાં નાવ છોડી મૂકો. 

(પહેલાં માયાના સંસારનો ત્યાગ, ત્યાર પછી જ્ઞાનપ્રાપ્તિ-ઈશ્વરપ્રાપ્તિ)

જ્યાં સુધી માયાના ઓરડાની અંદર છો, જ્યાં સુધી માયાનાં વાદળાં રહ્યાં છે, ત્યાં સુધી જ્ઞાન-સૂર્ય કામ કરી શકે નહિ. માયાનો ઓરડો છોડીને બહાર આવીને ઊભા રહીએ, (કામિની-કાંચનનો ત્યાગ કર્યા પછી) ત્યારે જ્ઞાન-સૂર્ય અવિદ્યાનો નાશ કરે. ઓરડાની અંદર રાખ્યે સૂક્ષ્મદર્શક કાચ કાગળને બાળી શકે નહિ. ઓરડાની બહાર આવીને ઊભા રહીએ, અને તડકો કાચ ઉપર પડે; ત્યારે કાગળ બળે. 

વાદળાં હોય, સૂક્ષ્મદર્શક કાચથી કાગળ બળે નહિ, વાદળાં નીકળી જાય ત્યારે થાય.

કામિની-કાંચનના ઓરડામાંથી બહાર નીકળીને સાધના, તપશ્ચર્યા કરીએ ત્યારે જ મનનો અહંકાર મરે, અવિદ્યા અહંકારનું વાદળ ઊડી જાય, જ્ઞાનપ્રાપ્તિ થાય. 

અને વળી આ કામિની-કાંચન જ મેઘ.’

Total Views: 348
ખંડ 33: અધ્યાય 2 : આચાર્યનો કામિનીકાંચનત્યાગ, પરંતુ લોકશિક્ષાનો અધિકાર - સંન્યાસીના કઠિન નિયમ - બ્રાહ્મ મણિલાલને ઉપદેશ
ખંડ 33: અધ્યાય 4 : પૂર્વકથા - લક્ષ્મીનારાયણની દસ હજાર રૂપિયા આપવાની વાતથી શ્રીરામકૃષ્ણ અચેતન બની ગયા - સંન્યાસીના કઠિન નિયમ