શ્રીરામકૃષ્ણ (મારવાડીને): ત્યાગીના બહુ કઠણ નિયમો. કામિની-કાંચનનો સંસર્ગ લેશ માત્ર પણ રહેવો ન જોઈએ. તેણે રૂપિયા પોતાના હાથથી તો લેવા નહિ, પણ પોતાની નજીકમાંય રાખવા દેવા નહિ.

લક્ષ્મીનારાયણ મારવાડી, વેદાન્તવાદી, અહીં ઘણીયે વાર આવતો. મારી પથારીનો ઓછાડ મેલો જોઈને તે બોલ્યો કે હું દસ હજાર રૂપિયા (તમારે નામે) લખી દઉં, તેના વ્યાજમાંથી તમારી સેવા ચાલ્યા કરે.

જેવો તે એ વાત બોલ્યો કે તરત જ જાણે માથા પર લાકડીનો ફટકો પડ્યો ન હોય, તેમ હું બેશુદ્ધ થઈ પડ્યો! 

ભાનમાં આવ્યા પછી મેં તેને કહ્યું ‘એવી વાત જો હવે ફરીથી તમારે બોલવી હોય તો અહીં આવશો મા. મારાથી રૂપિયાને અડી શકાતું નથી, તેમ પાસેય રાખી શકતો નથી.’ 

એ ભારે ઝીણી બુદ્ધિનો માણસ. એ કહે કે ‘ત્યારે તો હજીય તમારે ત્યાજ્ય-ગ્રાહ્ય છે. ત્યારે આપને જ્ઞાન થયું નથી.’

મેં કહ્યું: ‘બાપુ, હું હજી એટલે લાંબે પહોંચ્યો નથી!’ (સૌનું હાસ્ય).

‘લક્ષ્મીનારાયણે, એટલે પછી, એ રૂપિયા હૃદુની પાસે આપી રાખવાનું કહ્યું. મેં તરત કહ્યું કે તોય મારે એને કહેવું પડે કે ‘આને દે, પેલાને દે,’ ને એ મુજબ એ ન આપે તો મને ગુસ્સો ચડે. રૂપિયા પાસે હોય એય ખરાબ! માટે એ બનવાનું જ નથી. 

અરીસાની પાસે વસ્તુ હોય તો પ્રતિબિંબ પડ્યા વિના રહે કે?’

(શ્રીરામકૃષ્ણ અને મુક્તિતત્ત્વ – કળિયુગમાં વેદમત નહિ, પુરાણમત)

મારવાડી ભક્ત: મહારાજ, ગંગામાં શરીર-ત્યાગ કરવા માત્રથી જ શું મુક્તિ થાય?

શ્રીરામકૃષ્ણ: જ્ઞાન થાય તો જ મુક્તિ. પછી ગમે ત્યાં રહો. પછી ઉકરડામાં મૃત્યુ થાઓ કે ગંગાકાંઠે થાઓ, પણ જ્ઞાનીની મુક્તિ થાય.

પરંતુ અજ્ઞાનીને માટે ગંગાકાંઠો.

મારવાડી ભક્ત: મહારાજ, કાશીમાં ‘મુક્તિ થાય’ એમ શા માટે?

શ્રીરામકૃષ્ણ: કાશીમાં મૃત્યુ થયે શિવ દર્શન દે. દર્શન દઈને બોલે કે ‘આ જે મારું સાકાર સ્વરૂપ છે તે માયિક રૂપ છે, ભક્તોને માટે એ રૂપ ધારણ કરું છું; પણ આ જો, અખંડ સચ્ચિદાનંદમાં મળી જાઉં છું!’ એમ કહીને એ રૂપ અંતર્ધાન થઈ જાય.

‘પુરાણોના મત પ્રમાણે ચંડાળનેય જો અંતરમાં ભક્તિ હોય તો તેની મુક્તિ થાય. એ મત પ્રમાણે નામ-જપ કરવાથી જ મુક્તિ થાય. યાગ, યજ્ઞ, તંત્રો, મંત્રો એ બધાંની જરૂર નહિ.

‘વેદમત જુદો. એમાં તો બ્રાહ્મણ-વર્ણ સિવાય મુક્તિનો અધિકાર જ નહિ. તેમ વળી બરાબર સ્વર-મંત્રનાં ઉચ્ચારણ થયા વિના પૂજા સ્વીકૃત થાય નહિ. યાગ, યજ્ઞ, મંત્ર, તંત્ર એ બધાં વિધિ અનુસાર જ કરવાં પડે.

(કર્મયોગ ઘણો કઠિન – કળિયુગમાં ભક્તિયોગ)

‘કળિકાળમાં વેદોક્ત કર્માે કરવાનો સમય ક્યાં છે? 

એટલા માટે કળિયુગમાં નારદીય ભક્તિ. 

કર્મયોગ બહુ જ કઠણ. નિષ્કામભાવે ન કરી શકાય તો બંધનનું કારણ થાય. તેમાંય વળી અન્નને આધારે જ પ્રાણ ટકે. બધાં કર્માે વિધિ અનુસારે કરવાનો સમય નહિ. દશમૂળ- પાચન ચૂર્ણ દેતાં ને તેની અસર થતાં થતાં તો આ બાજુ રોગી ખલાસ થઈ જાય. એટલે અત્યારે ‘ફિવર-મિક્ષ્ચર!’

‘નારદીય ભક્તિ એટલે પ્રભુનાં નામ, ગુણોનું કીર્તન.

‘કલિયુગમાં કર્મયોગ બરાબર નથી, ભક્તિયોગ જ સારો. 

સંસારનાં કર્માે જ્યાં સુધી પ્રારબ્ધભોગ છે ત્યાં સુધી કરો ભલે; પરંતુ ભક્તિ-અનુરાગ જોઈએ. ભગવાનનાં નામ, ગુણ-સંકીર્તન કરવાથી કર્માેનો ક્ષય થાય.

‘કર્માે સદા કાળ કરવાં જોઈએ એવું નથી. ઈશ્વર પર જેટલી શુદ્ધ ભક્તિ, પ્રેમ આવે, તેટલાં કર્માે ઓછાં થાય. ઈશ્વરની પ્રાપ્તિ થયે કર્મત્યાગ થાય. ગૃહસ્થના ઘરની વહુને મહિના રહ્યે સાસુ કામકાજ ઓછાં કરી દે. સંતાન જન્મ્યા પછી કામકાજ કરવાં ન પડે.’

(સત્યસ્વરૂપ બ્રહ્મ – સંસ્કાર હોય તો ઈશ્વર માટે વ્યાકુળતા જન્મે)

દક્ષિણેશ્વર ગામમાંથી કેટલાક યુવાનોએ આવીને પ્રણામ કર્યા. તેઓ બેસીને ઠાકુરને પ્રશ્નો પૂછી રહ્યા છે. સમય ચારેક વાગવાનો હશે.

દક્ષિણેશ્વર-નિવાસી જુવાન – મહાશય, જ્ઞાન કોને કહે?

શ્રીરામકૃષ્ણ: ઈશ્વર સત્, બીજું બધું અસત્ એ જાણવાનું નામ જ્ઞાન. 

જે સત્, તેમનું એક નામ બ્રહ્મ, બીજું એક નામ કાળ (મહાકાળ). એટલે જ કહે છે કાળમાં કેટલું આવ્યું ને કેટલું ગયું રે ભાઈ!

કાળી એટલે જે કાળની સાથે ખેલે, આદ્યશક્તિ. કાળ અને કાલી, બ્રહ્મ અને શક્તિ અભિન્ન. 

એ સત્ સ્વરૂપ બ્રહ્મ નિત્ય, ત્રણે કાળમાં વિદ્યમાન છે જ, આદિ-અંત-રહિત. તેનું મોઢેથી વર્ણન કરી શકાય નહિ, વધારેમાં વધારે એટલું કહી શકાય કે એ ચૈતન્ય-સ્વરૂપ, આનંદ-સ્વરૂપ.

‘જગત અનિત્ય, પરમાત્મા જ નિત્ય. જગત નજરબંદી જેવું. જાદુગર જ સાચો. જાદુગરની નજરબંદીનો ખેલ ખોટો.

યુવાન – જો જગત માયા કે નજરબંદી, તો એ માયા જતી નથી કેમ?

શ્રીરામકૃષ્ણ: સંસ્કાર-દોષને લીધે માયા જતી નથી. અનેક જન્મોથી આ માયાના સંસારમાં રહ્યા કરવાને લીધે માયા સાચી લાગી રહી છે.

‘સંસ્કારનું જોર કેટલું તે સાંભળો. એક રાજાનો કુંવર આગલા જન્મમાં ધોબી હતો. રાજાને ત્યાં કુંવર થઈને જન્મ્યા પછી જ્યારે રમત રમતો, ત્યારે પોતાના ગોઠિયાઓને કહે છે કે એલા એય, બીજી બધી રમત હમણાં રહેવા દે. હું ઊંધો પડીને સૂઉં છું ને તમે બધા મારી પીઠ પર હોશ્ હોશ્ કરીને કપડાં ધૂઓ!’

(સંસ્કારી ગોવિંદ પાલ, ગોપાલ સેન, નિરંજન, હીરાનંદ – પૂર્વકથા – ગોવિંદ, ગોપાલ અને ટાગોરના છોકરાનું આગમન – ૧૮૬૩-૬૪)

શ્રીરામકૃષ્ણ: અહીં કેટલાય છોકરાઓ આવે, પરંતુ કોઈ કોઈ ઈશ્વરને માટે આતુર. એ લોકો પૂર્વ જન્મના સંસ્કાર લઈને જન્મેલા હોય.

‘એ બધા છોકરાઓ વિવાહની વાતમાં અેં, અેં, ઉંહું, એમ કરે. વિવાહની વાત મનમાં જ લાવે નહિ. નિરંજન નાનપણથી જ કહે, કે પરણવું નથી.

‘કેટલાય દિવસ પહેલાં (વીસ વરસથીયે વધુ) વરાહનગરથી બે છોકરા આવતા. એકનું નામ ગોવિંદ પાલ, અને બીજાનું નામ ગોપાલ સેન. એ બેઉનું નાનપણથી જ ઈશ્વરમાં ચિત્ત. વિવાહની વાત નીકળતાં જ બીકથી ઘ્રૂજવા લાગતા. ગોપાલને ભાવસમાધિ થતી. સંસારી માણસને જોતાં એ સંકોચ પામતો, જેમ ઉંદર બિલાડીને જોતાં સંકોચાઈ જાય તેમ. જ્યારે ટાગોર કુટુંબના છોકરાઓ અહીંયાં બાગમાં ફરવા આવ્યા હતા ત્યારે તેણે ઓરડાનું બારણું બંધ કર્યું, વળી તેઓની સાથે વાત કરવી પડે તો!

‘ગોપાલને પંચવટી તળે ભાવસમાધિ થયેલી. ભાવસમાધિની અવસ્થામાં જ મારે પગે હાથ અડાડીને બોલ્યો: ‘ત્યારે હું તો જાઉં છું. હું હવે આ સંસારમાં રહી શકતો નથી. આપને તો હજી ઘણીયે વાર છે, હું જાઉં છું.’ હુંય ભાવસમાધિમાં બોલ્યો કે ‘પાછો આવજે!’ તેણે કહ્યું કે ‘ભલે, પાછો આવીશ.’

‘કેટલાક દિવસ પછી ગોવિંદ આવીને મને મળ્યો. મેં પૂછ્યું કે ‘ગોપાલ ક્યાં?’ તેણે કહ્યું કે ‘ગોપાલ (શરીર-ત્યાગ કરીને) ચાલ્યો ગયો!’

‘બીજા છોકરાઓ શેને માટે ભટક્યા કરે છે? – કેમ કરીને પૈસો પેદા થાય. ઘર, ગાડી, કપડાં, પછી લાડી- એ બધાં સારુ માર્યામાર્યા ફરે છે. વિવાહ કરવાના છે, તે પહેલાં તો છોકરી કેવીક રૂપાળી છે એ ખબર કાઢે. અને ખરેખર ખૂબ રૂપાળી છે કે નહિ, એ જોવા પોતે જાય!

‘એક જણ મારી ખૂબ નિંદા કરે. એ એમ જ કહ્યા કરે કે હું છોકરાઓ ઉપર જ પક્ષપાત રાખું છું. જે છોકરાઓમાં પૂર્વના સારા સંસ્કાર છે, જેઓનાં મન શુદ્ધ છે, અંતર ઈશ્વરને સારુ આતુર છે, જેમને પૈસામાં, શરીરના આનંદમાં કે સંસારમાં મન નથી એવાઓને જ હું ચાહું છું.

જેમના વિવાહ થઈ ગયા છે, તેઓય જો ઈશ્વરમાં ભક્તિ રાખે તો સંસારમાં આસક્ત થાય નહિ. હીરાનંદ પરણ્યો છે, તે ભલે; એ ઝાઝો આસક્ત થશે નહિ. 

હીરાનંદ (અડવાણી) સિંધી, બી.એ., બ્રાહ્મ-સમાજી ભક્ત.

મણિલાલ, શિવપુરનો બ્રાહ્મ-ભક્ત, મારવાડી ભક્તો અને યુવાનોએ પ્રણામ કરીને રજા લીધી.

Total Views: 346
ખંડ 33: અધ્યાય 3 : શ્રીરામકૃષ્ણનો બાલક-ભાવ
ખંડ 33: અધ્યાય 5 : કર્મ-ત્યાગ ક્યારે? ભક્ત પાસે ઠાકુરનો અંગીકાર