સંધ્યા થઈ. દક્ષિણ બાજુની લાંબી ઓસરીમાં અને પશ્ચિમ તરફની ગોળ ઓસરીમાં નોકર દીવા મૂકી ગયો. ઠાકુરના ઓરડામાં દીવો પેટાવવામાં આવ્યો અને ધૂપ કરવામાં આવ્યો. 

ઠાકુર પોતાને આસને બેઠા બેઠા માતાજીનું સ્મરણ કરે છે અને ધ્યાન કરે છે. ઓરડામાં માસ્ટર, શ્રીયુત્ પ્રિય મુખર્જી, તેનો સગો હરિ જમીન પર બેઠેલા છે.

થોડી વાર ધ્યાન, ચિંતન કર્યા પછી ઠાકુર વળી પાછા ભક્તોની સાથે વાતો કરે છે. હજી દેવમંદિરોમાં આરતીને વાર છે.

(વેદાંત અને શ્રીરામકૃષ્ણ – ૐકાર અને સમાધિ – તત્ત્વમસિ – ૐતત્ સત્)

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): જે દિનરાત ઈશ્વરનું ચિંતન કરે છે તેને સંધ્યા કરવાની શી જરૂર! 

‘ગયા, ગંગા, પ્રભાસાદિ, કાશી, કાંચી કોણ જાય,

કાલી કાલી બોલતાં મારો શ્વાસ જો ચાલ્યો જાય.

ત્રિસંધ્યા જે બોલે કાલી, પૂજા સંધ્યા શું તે ચ્હાય,

સંધ્યા તેને શોધતી ફરે, સંધાન નવ પમાય…

દયા, વ્રત, દાન આદિ, બીજું મનમાં નહિ લેવાય,

મદનના યાગયજ્ઞ બધું, બ્રહ્મમયીના રાતા પાય…

‘સંધ્યાનો ગાયત્રીમાં લય થાય, ગાયત્રીનો ૐકારમાં લય થાય.

‘એક વાર ૐ બોલ્યે જ્યારે સમાધિ થાય ત્યારે પાકો (બ્રહ્માનુભવ).

‘હૃષીકેશમાં એક સાધુ સવારમાં ઊઠીને એક મોટા ઝરણાની પાસે જઈને ઊભો રહે. આખો દિવસ એ ઝરણું જોયા કરે અને ઈશ્વરને કહે કે ‘વાહ સરસ કર્યું છે! વાહ સરસ કર્યું છે! શી નવાઈ!’ એનાં બીજાં જપતપ કંઈ નહિ. અને રાત પડે એટલે પોતાની કુટિરે પાછો ચાલ્યો આવે.

‘ઈશ્વર નિરાકાર કે સાકાર એ વાતની ચર્ચા, વાદ કરવાની શી જરૂર? નિર્જન એકાંત સ્થળમાં આતુર થઈને રડતાં રડતાં ઈશ્વરને પુકારીને એમને કહીએ, ‘હે ભગવાન, તમે જેવા હો તેવા, મને દર્શન દો.’

‘ઈશ્વર અંતરમાં ને બહાર બધેય છે. 

અંતરમાંય એ જ છે. એટલે વેદમાં કહ્યું છે કે ‘તત્ત્વમસિ’ (તે તું છો). અને બહાર પણ તે જ. માયાને લીધે દેખાય છે વિવિધ રૂપો; પરંતુ ખરી રીતે તો એ જ રહેલો છે. 

એટલા માટે બધાં નામ-રૂપનું વર્ણન કરતાં પહેલાં બોલવાનું કે ૐ તત્સત્।

‘પ્રત્યક્ષ દર્શન કર્યે એક પ્રકારનો અનુભવ, શાસ્ત્રો વાંચ્યે બીજા પ્રકારનો. શાસ્ત્રોમાં માત્ર આભાસ મળે. એટલે ઘણાં બધાં શાસ્ત્રો ભણવાની કશી જરૂર નહિ. એના કરતાં એકાંતમાં ઈશ્વરને પોકારવો સારો. 

ગીતા આખી ભણ્યા વિનાય ચાલે. દસ વાર ‘ગીતા, ગીતા’ બોલ્યે જે થાય એ જ ગીતાનો સાર. અર્થાત્ ‘ત્યાગી.’ હે જીવ, બધું છોડીને ઈશ્વરની આરાધના કર. એ જ ગીતાની સાર વાત.

(શ્રીરામકૃષ્ણનાં ભવતારિણીની આરતીનાં દર્શન અને ભાવાવેશ)

ઠાકુર ભક્તો સાથે મા કાલીની આરતી જોતાં જોતાં ભાવ-મગ્ન થયા છે. પરિણામે દેવી પ્રતિમાની સન્મુખે નીચે નમીને પ્રણામ કરી શકતા નથી.

પછી અતિશય સંભાળપૂર્વક ભક્તની સાથે પોતાના ઓરડામાં આવીને બેઠા. હજીયે ભાવનો આવેશ. ભાવ-મગ્ન અવસ્થામાં વાતો કરે છે.

મુખર્જીના સગા હરિની ઉંમર અઢારથી વીસ હશે. તેનો વિવાહ થઈ ગયો છે. હાલ તુરત તો એ મુખર્જીઓને ઘેર જ રહે છે, ત્યાં કામકાજ કરવાના. ઠાકુરની ઉપર ખૂબ ભક્તિ.

(શ્રીરામકૃષ્ણ અને મંત્રગ્રહણ – ભક્તની પાસે શ્રીરામકૃષ્ણનો અંગીકાર)

શ્રીરામકૃષ્ણ (ભાવના આવેશમાં, હરિને): તું તારી બાને પૂછીને મંત્ર લે. (શ્રીયુત્ પ્રિયને) આને (હરિને) કહીયે શક્યો નહિ; મંત્ર તો હું આપતો નથી.

‘તમે જે ધ્યાન-જપ કરો તે જ કરો.’

પ્રિય – જી, ભલે.

શ્રીરામકૃષ્ણ: અને હું આ (ભાવ-સમાધિની) અવસ્થામાં બોલી રહ્યો છું, મારા શબ્દોમાં શ્રદ્ધા રાખો. જુઓ અહીંયાં કશા ઢોંગ-બોંગ નથી. 

હું ભાવસમાધિમાં બોલું છું કે ‘મા, અહીંયાં જેઓ આંતરિક ખેંચાણથી આવે, તેઓ સિદ્ધ થાઓ!’

સિંથિના મહેન્દ્ર વૈદ્યરાજ ઓસરીમાં બેઠા છે. ત્યાં શ્રીયુત્ રામલાલ, હાજરા વગેરેની સાથે વાતો કરી રહ્યા છે. ઠાકુર પોતાના આસન પરથી તેને બોલાવે છે, ‘મહિન્દર! મહિન્દર!’ 

માસ્ટર ઝટઝટ જઈને વૈદ્યરાજને બોલાવી લાવ્યા.

શ્રીરામકૃષ્ણ (વૈદ્યરાજને): બેસો ને, જરા સાંભળો!

વૈદ્યરાજ જરા સંકોચાઈને બેઠા અને ઠાકુરની અમૃત તુલ્ય કથા શ્રવણ કરવા લાગ્યા.

(વિવિધ પ્રકારે સેવા – બલરામનો ભાવ – ગૌરાંગની ત્રણ અવસ્થા)

શ્રીરામકૃષ્ણ (ભક્તોને): ઈશ્વરની જુદે જુદે પ્રકારે સેવા કરી શકાય. 

‘પ્રેમી ભક્તો ઈશ્વરની સાથે જુદી જુદી રીતે આનંદ કરે. ક્યારેક મનમાં ધારે કે, ‘પ્રભુ પદ્મ, હું ભ્રમર.’ ક્યારેક વળી ધારે કે ‘પ્રભુ સચ્ચિદાનંદ સાગર, હું માછલી.’ 

‘પ્રેમી ભક્ત વળી એમ ધારે કે ‘પ્રભુ! હું તમારી નર્તકી’ અને પ્રભુની સામે નૃત્ય-ગીત કરે. ક્યારેક ભક્તનો સખીભાવ કે દાસીભાવ. ક્યારેક પ્રભુ ઉપર વાત્સલ્ય ભાવ, જેમ કે યશોદાનો. ક્યારેક વળી પતિભાવ, મધુર ભાવ, જેમ કે ગોપીઓનો. 

બળદેવજી પણ ક્યારેક ક્યારેક શ્રીકૃષ્ણ પ્રત્યે મિત્રના ભાવમાં રહેતા. ક્યારેક વળી પોતે માનતા કે હું શ્રીકૃષ્ણનું છત્ર અથવા આસન થયો છું. હર પ્રકારે કૃષ્ણની સેવા કરતા.

ઠાકુર પ્રેમી ભક્તની અવસ્થાનું વર્ણન કરીને શું પોતાની જ અવસ્થાઓ વર્ણવી રહ્યા છે કે શું? 

વળી ચૈતન્યદેવની ત્રણ અવસ્થાઓનું વર્ણન કરવાને બહાને જાણે કે પોતાની જ અવસ્થા સમજાવી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ: ચૈતન્યદેવની ત્રણ અવસ્થા થતી. અંતર્દશામાં સાવ સમાધિસ્થ, બાહ્ય જ્ઞાન રહિત. અર્ધબાહ્ય દશમાં ઈશ્વરીય આવેશમાં આવીને નૃત્ય કરી શકતા, પરંતુ વાતચીત કરી શકતા નહિ. બાહ્ય દશામાં સંકીર્તન. 

(ભક્તો પ્રત્યે): તમે આ બધી વાતો સાંભળો છો, તે ધારણા કરવાનો પ્રયાસ કરજો. સંસારી માણસો સાધુની પાસે જ્યારે જાય ત્યારે સંસારી વાતો, સંસારના વિચારો, એકદમ સંતાડી દે. ત્યાર પછી ત્યાંથી ચાલ્યા આવે એટલે એ જ બધા બહાર કાઢે. પારેવાં વટાણા ખાય; આપણને લાગે કે એ બધા એને પચી ગયા. પણ ગળાંની અંદર એ બધા રાખી મૂકે. ગળામાં વટાણા ખડ ખડ કરે.

(સંધ્યાકાલીન ઉપાસના – શ્રીરામકૃષ્ણ અને ઈસ્લામધર્મ – જપ અને ધ્યાન)

‘સંધ્યાને વખતે બધાં કામ છોડીને તમે ઈશ્વરને સંભારજો, પોકારજો.

અંધકારમાં ઈશ્વરનું સ્મરણ થાય. આ બધુંય દેખાતું હતું, તે બધું ક્યાં ચાલ્યું ગયું? કોણે આમ કર્યું? એ વિચાર આવે.

મુસલમાનો જુઓ, બધાં કામ છોડીને વખત થાય એટલે નમાજ પઢે.

મુખર્જી: જી, જપ કરવો એ સારો?

શ્રીરામકૃષ્ણ: હાં, જપ થકી ઈશ્વર-પ્રાપ્તિ થાય! એકાંતમાં નિર્જન સ્થાનમાં ઈશ્વરનું નામ લેતાં લેતાં તેમની કૃપા થાય. ત્યાર પછી દર્શન.

‘જેમ કે ઊંડા પાણીમાં ડુબાડી રાખેલું એક જંગી લાકડું છે, કાંઠે સાંકળ વડે બાંધેલું. એ સાંકળનો એક એક અંકોડો પકડી પકડીને જતાં છેવટે એ જંગી લાકડાને અડી શકાય.

‘પૂજા કરતાં જપ શ્રેષ્ઠ, જપ કરતાં ધ્યાન શ્રેષ્ઠ. ધ્યાન કરતાં (ઈશ્વરી) ભાવ શ્રેષ્ઠ. ભાવ કરતાં મહાભાવ યા પ્રેમ શ્રેષ્ઠ. ચૈતન્યદેવને પ્રેમની અવસ્થા થયેલી. પ્રેમ આવે તો ઈશ્વરને બાંધી લેવાની દોરી મળી જાય!

હાજરા આવીને બેઠા.

(રાગભક્તિ, માળાજપ અને ઠાકુર શ્રીરામકૃષ્ણ – નારાયણ)

શ્રીરામકૃષ્ણ (હાજરાને): ઈશ્વર ઉપર જો પ્રેમ આવે તો એનું નામ રાગ-ભક્તિ. વિધિપૂર્વકની ભક્તિને આવતાંય વાર નહિ ને જતાંય વાર નહિ. પણ રાગ-ભક્તિ સ્વયંભૂ લિંગની જેવી. એની જડ શોધી જડે નહિ. સ્વયંભૂ લિંગની જડ છેક કાશી સુધી. રાગ-ભક્તિ અવતાર અને તેના સાંગોપાંગ પાર્ષદોને થાય.

હાજરા: આહા!

શ્રીરામકૃષ્ણ: તમે જ્યારે એક દિવસે જપ કરતા હતા ત્યારે શૌચથી આવીને મેં કહ્યું: ‘મા, આ કેવો અક્કલ વિનાનો છે! અહીં (મારી પાસે) આવીનેય માળા તાણીને જપ કરી રહ્યો છે! જે અહીંયાં આવશે તેને એકદમ ચૈતન્ય થશે. તેને માળા લઈને એટલા બધા જપ કરવા નહિ પડે. તમે કોલકાતામાં જાઓ ને, જોશો કે હજાર હજાર માળાઓ જપી રહ્યા છે, વેશ્યાઓ સુધ્ધાં!

ઠાકુર માસ્ટરને કહે છે: તમે નારા’ણને ઘોડાગાડીમાં લેતા આવજો.

‘આમનેય (મુખર્જીનેય) કહી રાખ્યું, નાર’ણની બાબતમાં. એ આવે એટલે એને કંઈક ખવડાવવું. એમને ખવડાવવામાં ઘણા ઉદ્દેશ્ય છે.

Total Views: 276
ખંડ 33: અધ્યાય 4 : પૂર્વકથા - લક્ષ્મીનારાયણની દસ હજાર રૂપિયા આપવાની વાતથી શ્રીરામકૃષ્ણ અચેતન બની ગયા - સંન્યાસીના કઠિન નિયમ
ખંડ 33: અધ્યાય 6 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલુટોલામાં શ્રીયુત્ નવીન સેનના ઘરે બ્રાહ્મ ભક્તો સાથે કીર્તનાનંદે