આજ શનિવાર, શરદપૂનમ. ઠાકુર શ્રીયુત્ કેશવ સેનના મોટાભાઈ શ્રી નવીન સેનના કોલુટોલાના મકાનમાં પધાર્યા છે. તારીખ ૧૮ આશ્વિન, ૧૨૯૧, ૪થી ઑક્ટોબર, ઈ.સ. ૧૮૮૪.

ગયે ગુરુવારે કેશવચંદ્રનાં માતુશ્રી ઠાકુરને આમંત્રણ આપીને ખૂબ આગ્રહપૂર્વક આવવાનું કહી ગયાં હતાં.

બહારના મેડી ઉપરના ઓરડામાં જઈને ઠાકુર બેઠા. નંદલાલ વગેરે કેશવના ભત્રીજાઓ, કેશવનાં માતુશ્રી, અને તેમનાં સગાંવહાલાં-મિત્રો ઠાકુરની ખૂબ ખાતરબરદાસ્ત કરે છે. ઉપરના ઓરડામાં સંકીર્તન થયું. કોલુટોલાના સેન કુટુંબની કેટલીય સ્ત્રીઓ પણ આવી છે.

ઠાકુરની સાથે બાબુરામ, કિશોર તથા બીજાય એક બે ભક્તો છે. માસ્ટર પણ આવ્યા છે. 

એ નીચે બેઠા બેઠા ઠાકુરનું મધુર સંકીર્તન સાંભળે છે.

ઠાકુર બ્રાહ્મ ભક્તોને કહી રહ્યા છે: ‘સંસાર અનિત્ય; અને હંમેશાં મૃત્યુને યાદ રાખવું સારું.’ ઠાકુર ગીત ગાય છે:

‘વિચારી જો મન કોઈ કો’નું નહિ, ખોટો ભ્રમ આ જગમાં;

ભૂલ મા, દક્ષિણા કાલી માને, બંધાઈ માયા જાળમાં…

દિન બે ત્રણ સારુ જગે, માલિક કહીને સૌએ માને;

એ માલિકને દેશે ફેંકી, કાળ-અકાળનો માલિક આવ્યે…

જેના સારુ ચિંતાથી મરો, એ શું તારી સાથે જશે?

એ જ પ્રિયા છાંટશે પાણી; અમંગળ થવાની બીકે,…

ઠાકુર કહે છે: ‘ડૂબકી મારો. ઉપર ઉપર તર્યા કર્યે શું વળવાનું? થોડાક દિવસ બધું છોડી, નિર્જન જગાએ, સોળેસોળ આના મન દઈને ઈશ્વરને સ્મરો. વળી ઠાકુર ગીત ગાય છે:

‘ડૂબ ડૂબ ડૂબ રૂપ-સાગરે મારા મન,

તલાતલ પાતાલ શોધ્યે, મળશે રે પ્રેમરત્ન ધન…’

ઠાકુર બ્રાહ્મ ભક્તોને ‘તમે જ સર્વસ્વ અમારા’ એ ગીત ગાવા કહે છે:

નાથ તમે સર્વસ્વ મારા, પ્રાણાધાર, સર્વસાર,

તમ વિણ કોઈ નહિ ત્રિભુવન માંહિ, કહું જેને પ્રભુ મારા…

ઠાકુર પોતે ગાય છે:

યશોદા જે રૂપે નીલમણિ બોલીને નચાવે,

એ રૂપ ક્યાં સંતાડ્યું હે કરાલવદની!

(એકવાર નાચો રે શ્યામા) (છોડી તલવાર વાંસળી લઈને)

(મુંડમાલા ફેંકીને વનમાળા ધરીને) (તમારા શિવ બને બલરામ)

(એવું એવું કરીને નાચો રે શ્યામા) (જે રૂપે નાચ્યા રે તમે વ્રજમાં)

(એકવાર બજાવો રે મા, તારી મનોમોહન વેણુ)

(જે બંસરીના બોલે ગોપી તું મન ભુલાવે રે)

(જે બંસરીના સૂરે ધેનુને વાળી પાછી) (જે બંસરીના બોલે યમુના બેવડી વહે)

આકાશમાં સમયે વધ્યે જાય છે અને રાણીનું મન વ્યાકુળ બને,

કહે, લે પકડ આ તારાં દૂધ-મલાઈ અને માખણ હે ગોપાળ;

કૃષ્ણની વિખરાયેલી લટોને વેણી બનાવીને બાંધતી રાણી,

શ્રીદામના સંગે ત્રિભંગરૂપે નાચ્યા હતા રે!

તાથૈયા તાથૈયા નુપૂરધ્વનિ બજતો ત્યારે!

સાંભળીને એને વ્રજનારીઓ દોડી આવે!  (ઓ મા!)

આ ગીત સાંભળીને કેશવે એ સૂરે એક ગીત રચ્યું હતું. બ્રાહ્મ-ભક્તો ખોલ અને કરતાલ સાથે એ જ ગીત ગાય છે:

કેવો પ્રેમ મા! માનવ-સંતાન પરે, 

સ્મરણ કરતાં પ્રેમધારા આંખે ઝરે.

પછી તેઓ શ્રીમા કાલીનું ગીત ગાય છે:

ગીત: અંતરે જાગેલાં છો મા, અંતરયામિની!

અંકે ધરી રાખ્યો મને દિવસયામિની!

અધમ આ સુત પ્રતિ શાને આવી સ્નેહપ્રીતિ?

પ્રેમે અહા! એકદમ કેવાં તમે પાગલિની!

ક્યારેક આદર કરી ક્યારેક તો બળ કરી,

પાઓ અમૃત તમે કદી મીઠી વાત કરી.

નિરવધિ અવિચારે કેવો તમે પ્રેમ કરો?

ઉદ્ધાર્યાે મા! વારે વારે પતિતોદ્ધારિણી!

સમજાયું સારતત્ત્વ અમે માના મા અમારી

ચાલીશ સુપથે સદા સુણી તવ વાણી

કરી માતૃસ્તન્યપાન થાઉં વીર બલવાન

આનંદે ગાઈશ જય બ્રહ્મ સનાતની.

ગીત: કેમ રે મન વિચારેે તું દીનહીન કંગાળ સમ,

મારી મા તો બ્રહ્માંડેશ્વરી, સિદ્ધેશ્વરી, ક્ષેમંકરી.

ઠાકુર હવે હરિનામ અને શ્રીગૌરાંગનું નામસંકીર્તન કરે છે અને બ્રાહ્મભક્તો સાથે નાચે છે.

ગીત: મધુર હરિનામ જપ રે જીવ, જો સુખે રહેવા ચાહે!

ગીત: ગૌર પ્રેમ તરંગ લાગ્યો છે અંગે, 

હુઁકારથી પાખંડદલન થાયે,

આ બ્રહ્માંડ સઘળું ડૂબી જાય રે તળિયે!

ગીત: કૌપીન દ્યો ભિક્ષુવેષે વ્રજમાં જાઉં, ઓ ભારતિ!…

ગીત: ગૌર નિતાઈ તમે બે ભાઈ, પરમ દયાલ હે પ્રભુ!

ગીત: હરિ કહી મારો ગૌર નાચે…

ગીત: કોણ ‘હરિ બોલ, હરિ બોલ’ કહીને જાય,

જા રે માધાઈ એ બધું જાણી આવ.

(મારા ગૌર જાય કે નિતાઈ જાય રે), (જેનાં રક્તવર્ણાં ચરણે છે સુવર્ણ નુપૂર),

(જેનું માથું છે મુંડેલ અને કંથા છે તૂટેલ), (જાણે કે એક પાગલ ચાલ્યો જાય).

ત્યાર પછી બ્રાહ્મ-ભક્તો હવે કીર્તનો ગાય છે: 

‘દિન કેટલે થશે રે એ પ્રેમ સંચાર?

થઈ પૂર્ણકામ લઈશ હરિનામ, નયને વહેશે પ્રેમ અશ્રુધાર..

ઠાકુર ઉચ્ચ (સ્વરે) સંકીર્તન કરે છે, ગાય છે અને નાચે છે:

જેમનાં હરિ બોલતાં નયન ઝરે, અરે એવા બે ભાઈ આવ્યા છે રે…

(જેઓ માર ખાઈ પ્રેમ વેચે), અરે એવા બે ભાઈ આવ્યા છે રે…

(જેઓ પોતે રડી, જગત રડાવે), અરે એવા બે ભાઈ આવ્યા છે રે…

ગીત: નદિયા ડગમગ ડગમગ કરે, ગૌર પ્રેમના હિલ્લોળે…

ઠાકુર શ્રીમાનું નામસ્મરણ કરે છે:

ગીત: મા આનંદમયી થઈ, મને નિરાનંદ કરો મા…

બ્રાહ્મભક્તો ત્યાર પછી એમનાં બે ગીત ગાય છે:

‘મને દે મા પાગલ કરી,’

‘ચિદાકાશે પૂર્ણ થયો, પ્રેમચંદ્રોદય રે!’

Total Views: 352
ખંડ 33: અધ્યાય 5 : કર્મ-ત્યાગ ક્યારે? ભક્ત પાસે ઠાકુરનો અંગીકાર
ખંડ 34: અધ્યાય 1 : હાજરા મહાશય - અહેતુકી ભક્તિ