ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે બપોરના જમી કરીને ભક્તો સાથે પોતાના ઓરડામાં બેઠા છે (આજ રવિવાર, ઑક્ટોબર ૫, ૧૮૮૪). પાસે જમીન ઉપર માસ્ટર, હાજરા, મોટો કાલી, બાબુરામ, રામલાલ, મુખર્જીનો સગો હરિ વગેરે કોઈ બેઠેલા તો કોઈ ઊભેલા છે. 

શ્રીયુત્ કેશવનાં માતુશ્રીના આમંત્રણથી ગઈ કાલે કોલુટોલાને મકાને જઈને ઠાકુરે ખૂબ કીર્તનાનંદ કર્યાે હતો.

શ્રીરામકૃષ્ણ (હાજરાને): મેં કાલે કેશવ સેનને આ ઘેર (નવીન સેનને ઘેર) ખૂબ ખાધું. તેમણે ખૂબ આગ્રહ કરીને ભક્તિપૂર્વક જમાડ્યો.

(હાજરા મહાશય અને તત્ત્વજ્ઞાન – હાજરા અને તર્કબુદ્ધિ)

હાજરા મહાશય કેટલાય દિવસથી ઠાકુરની પાસે રહેલા છે. ‘હું જ્ઞાની’, એ જાતનું તેમને જરા અભિમાન છે. એ ભાઈસાહેબ લોકોની પાસે ઠાકુરની કંઈક નિંદા પણ કરે. આ બાજુ ઓસરીમાં પોતાને આસને બેસીને એકચિત્ત થઈને માળાથી જપ પણ કરે. ચૈતન્યદેવને ‘આધુનિક અવતાર’ કહીને સાધારણ ગણે. 

એ કહે કે ‘ઈશ્વર શુદ્ધ ભક્તિ આપે એટલું જ નહિ; તેમને ઐશ્વર્યનો કાંઈ તોટો નથી, એટલે એ ઐશ્વર્ય પણ આપે. ઈશ્વરની પ્રાપ્તિ કર્યે અષ્ટ-સિદ્ધિ વગેરે શક્તિઓ પણ આવે.’ ઘર ઉપર કાંઈક દેણું છે, આશરે હજારેક રૂપિયા. તેના માટે તેમને ચિંતાય રહ્યા કરે છે.

મોટો કાલી ઓફિસમાં નોકરી કરે, સાધારણ પગાર. ઘરમાં બૈરી, છૈયાંછોકરાં છે. પરમહંસદેવ ઉપર ખૂબ ભક્તિ; વચ્ચે વચ્ચે ઓફિસમાંથી રજા લઈનેય તેમનાં દર્શન કરવા આવે.

મોટો કાલી (હાજરાને): તમે કસોટીનો પથ્થર થઈને, કોણ સાચું સોનું, કોણ ખોટું સોનું, એવી બધી પરખ કરતા ફરો છો, તે બીજાની નિંદા આટલી બધી શા માટે કરો છો?

હાજરા: જે કહેવું હોય, તે એમની સામે જ કહું છું.

શ્રીરામકૃષ્ણ: એ ખરું.

હાજરા તત્ત્વજ્ઞાનના અર્થની વ્યાખ્યા કરે છે:

હાજરા: તત્ત્વજ્ઞાનનો અર્થ શો, કે ચોવીસ તત્ત્વો છે એ જાણવું.

એક ભક્ત: ચોવીસ તત્ત્વો કયાં કયાં?

હાજરા: પંચભૂત, છ રિપુ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, એ બધાં.

માસ્ટર (ઠાકુરને, સહાસ્ય): આ કહે છે કે છ રિપુઓ ચોવીસ તત્ત્વોની અંદર.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): આમ જુઓ ને, તત્ત્વ-જ્ઞાનનો અર્થ શો કરે છે, જુઓ તો? (હાજરા સામે જોઈને) અરે, તત્ત્વ-જ્ઞાનનો અર્થ આત્મ-જ્ઞાન તત્ એટલે પરમાત્મા, ત્વં એટલે જીવાત્મા. જીવાત્મા અને પરમાત્મા એક, એવું જ્ઞાન થાય ત્યારે તત્ત્વ-જ્ઞાન થાય.

હાજરા જરાક વાર પછી ઓરડામાંથી ઓસરીમાં જઈને બેઠા.

શ્રીરામકૃષ્ણ (માસ્ટર વગેરેને): એ કેવળ વાદ જ કરે. આ એક વાર મજાનો સમજી ગયો, પણ પાછો ઘડીક પછી એ નો એ! મોટું માછલું જોરથી ખેંચે છે એટલે હું દોરને ઢીલો કરું છું. 

જો એમ ન થાય તો દોરો તૂટી જાય, એમ બને તો જેણે પકડ્યો છે એ પણ પાણીમાં ડૂબી જાય. એટલે પછી હું એને વધુ કાંઈ કહું નહિ. 

(હાજરા, મુક્તિ અને ષડૈશ્વર્ય – મલીન અને અહેતુકી ભક્તિ)

(શ્રીરામકૃષ્ણ માસ્ટરને): હાજરા કહે કે ‘બ્રાહ્મણ શરીર ન હોય તો મુક્તિ થાય નહિ,’ મેં કહ્યું કે, એ શું? ભક્તિ વડે જ મુક્તિ થાય. શબરી કે જે શિકારીની દીકરી હતી તે; રોહિદાસ, કે જેના ભોજન વખતે ઘંટ બજાવવામાં આવતો, એ બધાય શૂદ્ર હતા. એ બધાની ભક્તિ વડે જ મુક્તિ થઈ છે. હાજરા કહેશે, ‘તોય!’ 

ધ્રુવને કબૂલ રાખે, પ્રહ્લાદને જેટલો સ્વીકારે તેટલો ધ્રુવને નહિ. લાટુ કહે કે ધ્રુવને નાનપણથી જ આટલો અનુરાગ, એનું શું? ત્યારે વળી ચૂપ થઈ રહે.

‘હું કહું છું કે કામનારહિત ભક્તિ, અહેતુકી ભક્તિ એનાથી વધીને બીજું કંઈ નહિ. એ વાતને હાજરા તોડી પાડે. જેઓ કંઈ માગે તેઓ આવે એટલે મોટા માણસો નારાજ થાય, ને કહેશે કે ‘જુઓ, એ… આવે છે!’ અને આવે એટલે એક જાતનો અણગમાનો અવાજ કાઢીને કહેશે કે ‘બેસો!’ જાણે કે કેટલાય નારાજ! જેઓ કંઈ માગે, તેમને પોતાની ગાડીમાં એક સાથે લઈ જાય નહિ!

‘હાજરા કહેશે, ભગવાન આ બધા પૈસાદારોના જેવા નથી. એને શું ઐશ્વર્યનો તોટો છે કે આપતાં તકલીફ પડે?

‘હાજરા તો એથીય વધુ બોલે. એ કહે કે ‘આકાશનું જળ જ્યારે વરસવા માંડે ત્યારે ગંગા અને બધી મોટી મોટી નદીઓ, મોટાં મોટાં તળાવો વગેરે બધાંય તો ભરાઈ જાય; તેમ વળી ખાડા ખાબોચિયાંય ભરાઈને પરિપૂર્ણ થઈ જાય. ભગવાનની કૃપા થયે તે જ્ઞાન-ભક્તિય આપે, તેમ પૈસાટકાય આપે!

‘પરંતુ આને મલિન ભક્તિ કહે. શુદ્ધ ભક્તિમાં કશી કામના હોય નહિ. તમે અહીં કશુંય માગો નહિ, પણ મને મળવા અને મારી વાતો સાંભળવા ઇચ્છો. એમ હોય તો તમારી તરફ મારું મન પણ ખેંચાયેલું રહે. કેમ છે, કેમ આવતા નથી, એવા બધા વિચાર આવે.

‘કંઈ પણ ઇચ્છો નહિ અને છતાંય સ્નેહ રાખો એનું નામ અહેતુકી ભક્તિ, શુદ્ધ ભક્તિ. પ્રહ્લાદને એ હતી. એ રાજ્ય ઇચ્છે નહિ, ઐશ્વર્ય ઇચ્છે નહિ, કેવળ હરિને જ ઇચ્છે.

માસ્ટર: હાજરા મહાશય કેવળ ફડ-ફડ કરીને બક્યે રાખે. ચૂપ બેસી રહેતાં શું થાય છે?

(હાજરાનો અહંકાર અને લોકનિંદા)

શ્રીરામકૃષ્ણ: ક્યારેક ક્યારેક મજાનો પાસે આવીને નરમ થાય. પણ શા એના ગ્રહ, તે વળી પાછો વાદ કરે! અહંકાર જવો બહુ જ કઠણ. પીપળાનું ઝાડ આજે કાપી નાખ્યું, પણ પાછો બીજે દિવસે કોંટો નીકળ્યો જ છે. જ્યાં સુધી તેનાં મૂળિયાં હોય ત્યાં સુધી વળી પાછું એ ઊગે.

‘હું હાજરાને કહું, ‘કોઈની નિન્દા કરો મા. 

નારાયણ જ આ બધાં રૂપ ધારણ કરી રહ્યા છે. દુષ્ટ ખરાબ માણસનીય પૂજા કરી શકાય. 

જુઓને કુમારી-પૂજા. નાની છોકરી, મળમૂત્ર કરે, નાકેથી શેડા વહે, એવીની પૂજા કરવી શા માટે? એ ભગવતીનું એક રૂપ છે માટે.

‘ભક્તની અંદર ભગવાન વિશેષરૂપે રહ્યા છે. ભક્ત ઈશ્વરનું દીવાનખાનું.

‘તૂંબડાનું પેટાળ સારું હોય તો એનો તંબૂરો સારો થાય, સરસ અવાજ કાઢે. 

(સહાસ્ય, રામલાલને): ‘હેં અલ્યા રામલાલ, હાજરા પેલું કેવી રીતે બોલ્યો’તો? – અંતસ્ બહિસ્ યદિ હરિસ્ (તપસા તતસ્ કિમ): (બધા ‘સ’ લગાડીને)? જેમ કે એક જણ બોલ્યો’તો કે ‘માતારં ભાતારં ખાતારં’ – અર્થાત્ મા ભાત ખાય છે.’ (સૌનું હાસ્ય).

રામલાલ (સહાસ્ય): અંતર્બહિર્યદિહરિસ્તપસા તત: કિમ્।

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): આ (શ્લોક) તમે મોઢે કરી લેજો, મને વચ્ચે વચ્ચે બોલી સંભળાવજો.

ઠાકુરના ઓરડામાંથી રકાબી ખોવાઈ ગઈ છે. રામલાલ અને વૃંદા કામવાળી એ રકાબીની વાત કરી રહ્યાં છે ને ઠાકુરને પૂછે છે: ‘એ રકાબીની તમને ખબર છે?’

શ્રીરામકૃષ્ણ: ક્યાં, હમણાં એ દેખાતી નથી. પહેલાં હતી ખરી, જોઈ’તી.

Total Views: 316
ખંડ 33: અધ્યાય 6 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલુટોલામાં શ્રીયુત્ નવીન સેનના ઘરે બ્રાહ્મ ભક્તો સાથે કીર્તનાનંદે
ખંડ 34: અધ્યાય 2 : ઠાકુર શ્રીરામકૃષ્ણ બે સાધુઓની સાથે - ઠાકુરની પરમહંસ અવસ્થા