આજે પંચવટીમાં બે સાધુ અતિથિ આવ્યા છે. તેઓ ગીતા, વેદાન્ત વગેરે બધાનો અભ્યાસ કરે. બપોરના જમ્યા પછી તેઓ ઠાકુરની પાસે આવ્યા છે. ઠાકુર નાની પાટ ઉપર બેઠેલા છે. સાધુઓ પ્રણામ કરીને જમીન ઉપર પાથરેલી ચટાઈ ઉપર આવીને બેઠા. માસ્ટર વગેરે બેઠેલા છે. ઠાકુર હિન્દીમાં વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ: આપનું ભોજન થયું છે કે? 

સાધુઓ: જી, હા.

શ્રીરામકૃષ્ણ: શું જમ્યા?

સાધુઓ: દાળરોટી. આપ જમશો?

(સાધુ અને નિષ્કામ કર્મ – ભક્તિકામના – વેદાંત – સંસારી અને સોઽહમ્)

શ્રીરામકૃષ્ણ: ના, હું થોડો ભાત ખાઉં છું. અચ્છા જી, આપ જે જપ-ધ્યાન કરો, તે નિષ્કામ રીતે કરો; નહિ? 

સાધુ: જી, મહારાજ.

શ્રીરામકૃષ્ણ: યે અચ્છા હૈ; અને ઈશ્વરને ફલ સમર્પણ કરવાનું ખરું ને? ગીતામાં એ પ્રમાણે છે.

સાધુ (બીજા સાધુને):

યત્કરોષિ યદશ્નાસિ યજજુહોષિ દદાસિ યત્।

યત્તપસ્યસિ કૌન્તેય તત કુરુષ્વ મદર્પણમ્।। (ગીતા – ૯.૨૭)

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરને એકગણું જે આપે, તેને હજારગણું મળે. એટલે સર્વ કર્મ કરીને જળની અંજલિ અર્પણ કરવી: કૃષ્ણાર્પણમસ્તુ। 

યુધિષ્ઠિર જ્યારે સર્વ પાપ પણ કૃષ્ણાર્પણ કરવા જતા હતા, ત્યારે એક વ્યક્તિએ (ભીમે) તેમને સાવચેત કર્યા કે ‘(મોટાભાઈ) એવું કરશો મા: કૃષ્ણને જે અર્પણ કરશો તે હજારગણું થશે!’ વારુ જી, નિષ્કામ થવું જોઈએ, સર્વ કામનાનો ત્યાગ કરવો જોઈએ ને?

સાધુ: જી, હાં.

શ્રીરામકૃષ્ણ: મને ભક્તિ-કામના છે. એ ખરાબ નહિ, એથી ઊલટું સારું જ થાય. મીઠાઈ સારી નહિ, ખાધે પેટમાં ખટાશ વધે, પરંતુ સાકરના પાણીથી ઊલટો ફાયદો થાય. કેમ ખરું ને? 

સાધુ: જી, મહારાજ.

શ્રીરામકૃષ્ણ: અચ્છા જી, વેદાંત કેવું?

સાધુ: વેદાંતમેં ખટ્શાસ્ત્ર (ષડ્દર્શન) હૈ.

શ્રીરામકૃષ્ણ: પરંતુ વેદાંતનો સાર: બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. ‘હું’ એવું અલગ કશું જ નથી; ‘હું’ એ જ બ્રહ્મ. શું કહો છો? 

સાધુ: જી, હાં.

શ્રીરામકૃષ્ણ: પરંતુ જેઓ સંસારમાં છે, અને જેઓને દેહભાન છે, તેમને માટે સોઽહમ્ એ ભાવ સારો નહિ. સંસારીને માટે યોગવાસિષ્ઠ, વેદાન્ત એ સારાં નહિ, બહુ નુકસાન કરે. 

સંસારીઓ સેવ્ય-સેવક-ભાવે રહે, ‘હે ઈશ્વર, તમે સેવ્ય પ્રભુ; હું આપનો સેવક, હું આપનો દાસ, એ ભાવે.’ જેમનામાં દેહભાન છે તેમને માટે સોઽહમ્ ભાવ સારો નહિ.’

બધા ચૂપ બેઠા છે. ઠાકુર પોતાની મેળે જ સહેજ સહેજ હસી રહ્યા છે, આત્મારામ. પોતાના જ આનંદમાં આનંદિત!

એક સાધુ બીજાને ગુપચુપ કાનમાં કહી રહ્યો છે: ‘અરે, દેખો દેખો! ઈસકો પરમહંસ અવસ્થા બોલતા હૈ.’

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને, તેમની સામે જોઈને): હસવું આવે છે. ઠાકુર બાળકની પેઠે પોતાની મેળે જ સહેજ હસી રહ્યા છે.

Total Views: 340
ખંડ 34: અધ્યાય 1 : હાજરા મહાશય - અહેતુકી ભક્તિ
ખંડ 34: અધ્યાય 3 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને કામિની - સંન્યાસીના કઠિન નિયમ