(ઈશાનને ઉપદેશ – ઉત્તિષ્ઠત, જાગ્રત – કર્મયોગ ઘણો કઠિન છે)

ઈશાન હાજરાની સાથે કાલીમંદિરમાં ગયા છે. ઠાકુર ધ્યાન કરતા હતા. રાતના લગભગ સાત વાગ્યા છે. એટલામાં અધર આવી પહોંચ્યા. 

થોડીક વાર પછી ઠાકુર મા કાલીનાં દર્શન કરવા જાય છે. દર્શન કરીને, માતાજીનાં ચરણનું ફૂલ લઈને માથા પર ધારણ કર્યું અને માને પ્રણામ કરીને પ્રદક્ષિણા કરી; અને ચામર લઈને માને વાયુ ઢોળ્યો. ઠાકુર ભાવમાં ભરપૂર. બહાર આવતી વખતે જોયું તો ઇશાન પંચપાત્ર ને તરભાણું લઈને સંધ્યા કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (ઈશાનને): અરે! તમે ત્યારના અહીં છો? સંધ્યા કરો છો? એક ગીત સાંભળો.

ભાવમાં ઉન્મત્ત થઈને ઈશાનની પાસે બેસીને મધુર કંઠે ગાઈ રહ્યા છે: 

‘ગયા, ગંગા, પ્રભાસાદિ, કાશી, કાંચી કોણ ચાહે,

કાલી કાલી બોલતાં અજપા જાપ જો ચાલ્યો જાયે.

ત્રિસંધ્યા જે બોલે કાલી, પૂજા સંધ્યા શું તે ચ્હાય,

સંધ્યા તેને શોધતી ફરે, સંધાન નવ પમાય…

દયા, વ્રત, દાન આદિ, બીજું મનમાં નહિ લેવાય,

મદનના યાગયજ્ઞ બધું, બ્રહ્મમયીના રાતા પાય…

સંધ્યા વગેરે કેટલા દિવસ? જ્યાં સુધી પ્રભુનાં ચરણકમલમાં ભક્તિ ન આવે, પ્રભુનું નામ લેતાં આંખમાંથી આંસુ જ્યાં સુધી ન સરે અને શરીરે રોમાંચ જેટલા દિવસ સુધી ન થાય તેટલા દિવસ.

આ વેળા મેં સારું વિચાર્યું રે, સારા ભાવિક પાસે ભાવ શીખ્યો રે,

કહે પ્રસાદ ભક્તિમુક્તિ બંને માથે ધરી રે! 

(મેં) કાલીબ્રહ્મ-મર્મ જાણીને ધર્માધર્મ ત્યજ્યા રે!

‘જ્યારે ફળ આવે, ત્યારે ફૂલ ખરી પડે. જ્યારે ભક્તિ આવે, જ્યારે ઈશ્વર-દર્શન થાય, ત્યારે સંધ્યા વગેરે કર્મ ચાલ્યાં જાય.

‘ગૃહસ્થના ઘરની વહુને મહિના રહે ત્યારે સાસુ તેનું કામકાજ ઓછું કરી નાખે. દસ માસ થયે ઘરનું કામ જરાય કરવા દે નહિ. ત્યાર પછી સંતાન થયે તે કેવળ છોકરાને તેડીને તેને જ સંભાળ્યા કરે. તેને બીજું કશું કામકાજ રહે નહિ. ઈશ્વર-પ્રાપ્તિ થયે સંધ્યા વગેરે કર્માેનો ત્યાગ થઈ જાય.

‘તમે આમ ધીમો-ત્રિતાલ વગાડો એ ચાલે નહિ. તીવ્ર વૈરાગ્યની જરૂર! પંદર મહિનાનું વરસ કર્યે શું વળે? તમારામાં જાણે જોર નહિ, શક્તિ નહિ. જાણે ડાંગરનાં ફોતરાંનું પરાળ. સાધનામાં લાગી પડો, કમર કસો.

એટલે મને આ ગીત ગમે નહિ:

‘હરિસે લાગી રહો રે ભાઈ, તેરી બનત બનત બન જાઈ-’

‘બનત બનત બન જાઈ’ એ મને ગમે નહિ. તીવ્ર વૈરાગ્ય જોઈએ. હાજરાને પણ હું એ જ કહું છું.

(શ્રીરામકૃષ્ણ અને યોગતત્ત્વ – કામિનીકાંચન યોગમાં વિઘ્ન)

‘તીવ્ર વૈરાગ્ય કેમ આવતો નથી એમ પૂછો છો? તેનું કારણ છે. અંદર વાસનાઓ, કામકાજ કરવાની ઇચ્છા વગેરે રહી છે. હાજરાને પણ એ જ કહું છું. ત્યાં દેશમાં ખેતરમાં પાણી લાવે. ખેતરની ચારે બાજુએ પાળ બાંધેલી હોય પાણી બહાર ચાલ્યું ન જાય એટલા સારુ. કાદવની પાળ હોય, પણ પાળની વચમાં વચમાં છીંડાં પડી ગયાં હોય તો? તમે તન તોડીને પાણી તો લાવો, પણ છીંડાંની અંદર થઈને તે નીકળી જાય; વાસનારૂપી છીંડાં. જપતપ કરો ખરા, પણ પાછળથી વાસનાનાં છીડાંમાંથી એ બધું નીકળી જાય. 

માછલાં પકડવા સારુ તળાવને કાંઠે ઊગેલા એક વાંસને નમાવીને રાખ્યો હોય. વાંસ તો સીધો ઊગે; પણ નમાવી રાખે શા માટે? માછલું પકડવા સારુ. વાસના એ માછલું. તેમ મન સંસારમાં નમેલું છે. વાસના ન રહે તો સહેજે ઈશ્વર તરફ મનની ઊર્ધ્વ-દૃષ્ટિ થાય.

‘એ શેના જેવું ખબર છે? જાણે ત્રાજવાનો કાંટો. કામિની-કાંચનરૂપી વજન છે એટલે ઉપરનો કાંટો ને નીચેનો કાંટો એક થતા નથી. એટલે યોગભ્રષ્ટ થાય. દીપશિખા જોઈ નથી? જરાક હવા લાગતાંની સાથે જ ચંચળ થાય. યોગાવસ્થા જ્યાં હવા ન હોય તેવા સ્થાન માંહેની દીપશિખા જેવી. 

મન ગયું છે વેરાઈ. કેટલુંક ગયું છે ઢાકા, તો કેટલુંક દિલ્હી, તો કેટલુંક કુચબિહાર. એ મનને એકઠું કરવાનું છે, એકઠું કરીને એક જગાએ એકત્રિત કરવાનું છે. તમે જો સોળ આનાનું કપડું લેવા માગો, તો કાપડિયાને સોળ આના તો આપવા જોઈએ ને? જરાક સરખુંય વિન હોય તો યોગ થાય નહિ. ટેલિગ્રાફનો તાર જો જરાક તૂટેલો હોય તો સમાચાર પહોંચે નહિ.

(ત્રૈલોક્ય વિશ્વાસની ઉત્કટતા – નિષ્કામ કર્મ કરો – ઉત્કટતા સાથે કહો ‘મારાં મા’)

‘તમે સંસારમાં છો, તે ભલે ને રહ્યા. પરંતુ કર્મફળ બધું ઈશ્વરને સમર્પણ કરવું જોઈએ. પોતે કશી ફળની કામના રાખવી નહિ. 

પણ એક વાત છે, ભક્તિની કામના કામનામાં ન ગણાય. ભક્તિની કામના, ભક્તિની પ્રાર્થના કરી શકો.

ભક્તિનો તમોગુણ લાવો, માની પાસે જોર કરો – 

મા-દીકરાનો મુકદ્દમો, ધાંધલ મચશે રામપ્રસાદ બોલે;

હું અટકીશ ત્યારે, જ્યારે મને શાંત કરીને લઈશ ખોળે.

ત્રૈલોક્ય કહેતો કે હું જ્યારે એ (મથુરબાબુ)ના ઘરમાં જન્મ્યો છું, ત્યારે તેમાં મારો ભાગ છે જ.’

‘અરે, ઈશ્વર તો તમારી પોતાની મા! આ તે શું કહેવાની મા, કે ધરમની મા? એના ઉપર જોર ચાલે નહિ તો કોના ઉપર ચાલે, કહો?

‘મા શું હું અધૂરા માસે જન્મેલ છોરું!

તમે લાલ આંખ કર્યે ભય નવ ધરું.

આ વેળા કરીશ ફરિયાદ નાથની પાસે ‘ડિક્રી’ લઈશ એક જ પ્રશ્ને,

‘ઈશ્વર તો પોતાની મા! તેના ઉપર જોર કરો! જેની જેનામાં સત્તા હોય, તેની તરફ તેનું ખેંચાણ પણ હોય. માની સત્તા મારી અંદર છે. એટલે તો મા તરફ આટલું ખેંચાણ થાય છે. જે ખરો શિવ-ભક્ત હોય તે શિવની સત્તા પામે, જરાક કણી તેનામાં આવી જ જાય. જે ખરો વૈષ્ણવ હોય તેનામાં નારાયણની સત્તા આવે. અને હવે તો તમારે સંસારવહેવારનાં કામ પણ કરવાં પડતાં નથી. માટે હવે કેટલાક દિવસ ઈશ્વરનું ચિંતન કરો. જોયું તો ખરું ને, કે સંસારમાં કાંઈ નથી?’ 

ઠાકુર વળી મધુર કંઠે ગાય છે:

‘વિચારી જો મન કોઈ કોઈનું નહિ, ખોટો ભ્રમ આ જગમાં;

ભૂલ મા, દક્ષિણા કાલી માને, બંધાઈ માયા જાળમાં…

દિન બે ત્રણ સારુ જગે, માલિક કહીને સૌએ માને;

એ માલિકને દેશે ફેંકી, કાળ-અકાળનો માલિક આવ્યે…

જેના સારુ ચિંતાથી મરો, એ શું તારી સાથે જશે?

એ જ પ્રિયા છાંટશે પાણી; અમંગળ થવાની બીકે,…

(મધ્યસ્થી, પટલાઈ, ઈસ્પિતાલ, ડિસ્પેન્સરી કરવાની વાસના – લોકપ્રિય પાંડિત્યની ઈચ્છા – આ બધા આદિકાંડ – ચૂસણિયું છોડો પછી જ ઈશ્વરપ્રાપ્તિ)

‘અને તમે મધ્યસ્થી ને મોટા ભા થાઓ છો, આ બધું શું કરો છો? માણસોના કજિયા-ટંટા પતાવો, તમને મધ્યસ્થી તરીકે લઈ જાય એમ સંભળાય છે. એ તો ઘણાય દિવસથી કરતા આવો છો. જેઓ કરતા હોય તેઓ એ ભલે કરે. તમે હવે ભગવાનનાં ચરણકમલમાં વધુ મન પરોવો. કહેવાય છે કે લંકામાં રાવણ મરી ગયો, બેહુલા રડી રડીને થઈ વ્યાકુળ.

‘શંભુ પણ એમ કહેતો હતો. કહે કે ઇસ્પિતાલ, ડિસ્પેન્સરી કરવી છે. માણસ હતો ભક્ત-સ્વભાવનો. એટલે મેં તેને કહ્યું કે ‘ભગવાનનો સાક્ષાત્કાર થયે શું ઇસ્પિતાલ, ડિસ્પેન્સરી માગવાના?’

‘કેશવ સેન કહે કે ઈશ્વર-દર્શન કેમ થતું નથી? એટલે મેં કહ્યું કે કીર્તિ, પંડિતાઈ એ બધું લઈને તમે રહો છો, એટલે નથી થતું. બાળક ચૂસણિયું લઈને જ્યાં સુધી ચૂસ્યા કરે, ત્યાં સુધી મા આવે નહિ. લાલ રંગનું ચૂસણિયું. પણ ઘડીક વાર પછી ચૂસણિયું ફેંકીને જ્યારે ચીસ પાડે ત્યારે મા ભાતની તપેલી ઉતારીને દોડી આવે. 

તેમ તમેય પટલાઈ કરો છો. મા જાણે છે કે દીકરો મારો પટલાઈ કરે છે ને ખૂબ મજામાં છે, તો ભલે રહ્યો!’

એ દરમિયાન, ઈશાન ઠાકુરનાં ચરણનો સ્પર્શ કરીને બેઠા છે. ચરણો પકડીને નમ્રતાથી કહે છે: ‘હું ઇચ્છા કરીને આ બધું કરું છું એમ નથી.’

(વાસનાનું મૂળ છે મહામાયા – એટલા માટે કર્મકાંડ)

શ્રીરામકૃષ્ણ: એ હું જાણું છું. એ માનો જ ખેલ, માની જ લીલા! સંસારમાં બદ્ધ કરી રાખવો એ મહામાયાની ઇચ્છા! તમને ખબર છે? ‘ભવસાગરે તરે છે, ડૂબે છે કેટલીયે નાવ.’ વળી ‘લાખો પતંગમાંથી એક બે કાપી, હસીને દો મા હાથતાળી.’ લાખોમાંથી એક બે જણ મુક્ત થઈ જાય; બાકીના બધા માની ઇચ્છાથી બદ્ધ થઈ રહેલ છે. 

‘એન ઘેન ડાહીનો ઘોડો’ રમત જોઈ નથી? ડોસીની ઇચ્છા, કે રમત ચાલે. બધાય જો ડોસીને અડી જાય તો પછી રમત ચાલે નહિ. એટલે ડોસીની ઇચ્છા ન હોય કે બધા અડી જાય.

‘અને જુઓ મોટી મોટી દુકાનોમાં ચોખાની મોટી મોટી ગુણોની થપ્પીઓ હોય, ગોદામની છત સુધી ઊંચી. તેમાં ચોખા હોય, દાળ પણ હોય. પરંતુ ઉંદર એ ન બગાડે એટલા સારુ દુકાનદાર એક સૂપડીમાં ધાણી-મમરા રાખી મૂકે. તે ખાવામાં મીઠા લાગે અને મજાની વાસ આવે એટલે ઉંદર બધા એ સૂપડી પાસે જાય. એટલે તેમને મોટી મોટી ગુણોનો પત્તો મળે નહિ! તેમ જીવ કામિની-કાંચનમાં મુગ્ધ થાય, એટલે તેને ઈશ્વરનો પત્તો મળે નહિ!’

Total Views: 360
ખંડ 34: અધ્યાય 9 : ઈશાનને ઉપદેશ - ભક્તિયોગ અને કર્મયોગ - જ્ઞાનનાં લક્ષણ
ખંડ 34: અધ્યાય 11 : શ્રીરામકૃષ્ણનો બધી કામનાનો ત્યાગ - કેવળ ભક્તિકામના