શ્રીરામકૃષ્ણ: રામે નારદને કહ્યું: ‘તમે મારી પાસેથી કંઈક વરદાન માગો!’

નારદ બોલ્યા, ‘હે રામ! મારે વળી શું બાકી રહ્યું છે કે હું વરદાન માગું? તો પણ જો વરદાન દેવું જ હોય, તો એ વરદાન આપો કે તમારાં ચરણકમલમાં શુદ્ધ ભક્તિ રહે અને તમારી ભુવન-મોહિની માયામાં મુગ્ધ ન થાઉં!’ રામ બોલ્યા, ‘નારદ! બીજું કંઈક વરદાન માગો.’ એટલે નારદ બોલ્યા, ‘રામ, હું બીજું કાંઈ ઇચ્છતો નથી. માત્ર તમારાં ચરણકમલમાં મારી શુદ્ધ ભક્તિ રહે એમ કરો.’

‘મેં માની પાસે પ્રાર્થના કરી હતી અને બોલ્યો હતો કે ‘મા, મારે કીર્તિ જોઈએ નહિ. મા અષ્ટ સિદ્ધિ જોઈએ નહિ; મા, ઓ મા! શત સિદ્ધિ જોઈએ નહિ; મા! દેહસુખ જોઈએ નહિ; મા, એટલું જ કરો કે તમારાં ચરણકમલમાં શુદ્ધ ભક્તિ રહે!

‘અધ્યાત્મ (રામાયણ)માં છે; ત્યાં લક્ષ્મણે રામને પૂછ્યું, ‘રામ! તમે કેટલાંય ભાવે અને રૂપે રહો; એટલે તમને ઓળખવા શી રીતે?’ ત્યારે રામ બોલ્યા કે ‘ભાઈ! એક વાત જાણી લો, કે જ્યાં ઊર્જિતા (ઊભરાઈ જતી) ભક્તિ હોય ત્યાં જરૂર હું છું. ઊભરાતી ભક્તિથી ‘હસે, રડે ને નાચે, ગાય. જો કોઈમાં એવી ભક્તિ દેખો તો જરૂર જાણજો કે ઈશ્વર પોતે ત્યાં હાજર! ચૈતન્યદેવને એ પ્રમાણે થયું હતું.’

ભક્તો નવાઈ પામીને, દેવવાણીની પેઠે આવતી આ બધી કથા સાંભળી રહ્યા છે. કોઈ વળી વિચાર કરે છે કે ઠાકુર કહે છે કે ‘પ્રેમથી હસે, રડે ને નાચે, ગાય!’ એ તો એકલા ચૈતન્યદેવની જ અવસ્થા નહિ, ઠાકુરનીયે તો એ જ અવસ્થા! ત્યારે શું અહીં પણ સાક્ષાત્ ઈશ્વર પધાર્યા છે?

ઠાકુરની અમૃતવાણી ચાલી રહી છે; નિવૃત્તિ-માર્ગની વાત. ઈશાનને જે મેઘ ગંભીર સ્વરે કહી રહ્યા છે તે વાત ચાલે છે.

(ઈશાન ખુશામતિયાથી સાવધાન! – શ્રીરામકૃષ્ણ અને જગતનો ઉપકાર)

શ્રીરામકૃષ્ણ (ઈશાનને): તમે ખુશામતિયાઓની વાતોથી ભોળવાઓ મા. પૈસાવાળો માણસ જોતાંવેંત ખુશામતિયા આવીને વળગે. મરેલું ઢોર નજરે ચડ્યું કે ગીધડાં બધાં ત્યાં આવી પહોંચે! 

(સંસારનો ઉપદેશ એટલે કર્મકાંડ – સર્વત્યાગીનો ઉપદેશ કેવળ ઈશ્વરનાં ચરણકમળનું જ ચિંતન)

સંસારી માણસો માટે કંઈ સાર જેવું નહિ, જેમ કે છાણનો સૂંડલો. ખુશામતિયા આવીને કહે, ‘તમે તો દાની, જ્ઞાની અને ધ્યાની!’ આવું કહીને સર્વનાશ કરે. કેટલાય સંસારી બ્રાહ્મણ પંડિતો સાથે રાતદિવસ બેસવું અને ખુશામત સાંભળવી એ સારું નહિ. 

સંસારી માણસો ત્રણ વસ્તુના ગુલામ. તેમનામાં શું માલ હોય! બૈરીના ગુલામ, પૈસાના ગુલામ, શેઠના ગુલામ! એક જણ, નામ નહિ કહું તેનું, તેને આઠસો રૂપિયાનો પગાર, પણ બૈરીનો સાવ ગુલામ. પેલી કહે ઊઠ, તો ઊઠે ને બેસ કહે તો બેસે! અને આ મધ્યસ્થીપણું, પટલાઈ એ બધાંની શી જરૂર? દયા-પરોપકાર સારુ? અરે, એ બધાં તો ઘણાંય થયાં. એ બધાં જેઓ કરે, તેમનો વર્ગ જુદો. તમારો હવે ઈશ્વરનાં ચરણકમલમાં મન લગાડવાનો સમય થયો છે. ઈશ્વરને પામ્યે બધું પમાય. પહેલાં ઈશ્વર, પછી દયા, પરોપકાર, જગતનો ઉપકાર, જીવ-ઉદ્ધાર વગેરે. તમારે એ બધી ચિંતા કરવાનું કામ શું?

‘રાવણ લંકામાં મર્યાે ને રોઈ રોઈને બેહુલા અધમૂઈ થઈ! તમારુંય એ જ થયું છે. કોઈ એક સર્વત્યાગી તમને કહી દે કે આ કરો, તો બહુ સારું થાય. સંસારી માણસની સલાહથી ઠીક થાય નહિ. પછી એ બ્રાહ્મણ પંડિત હોય કે ગમે તે હોય.

(ઈશાન પાગલ બની જાઓ – ‘આ બધો ઉપદેશ માએ આપ્યો છે’)

શ્રીરામકૃષ્ણ: પાગલ થાઓ, ઈશ્વરના પ્રેમમાં પાગલ થાઓ! માણસો ભલે જાણે કે ઈશાન હવે ઈશ્વરમાં પાગલ થયા છે, હવે સંસાર કરી શકે તેમ નથી. તો પછી તેઓ મધ્યસ્થીપણું, પટલાઈ વગેરે કરાવવા તમારી પાસે આવશે નહિ. આ આચમની, પંચપાત્ર, તરભાણું ઉપાડીને ફેંકી દો. ઈશાન નામ સાર્થક કરો.

ઈશાન: ‘મને દે મા પાગલ કરી, હવે કામ નથી જ્ઞાન વિચારનું.’

શ્રીરામકૃષ્ણ: પાગલ, તે કહેવાના કે ખરેખરા?

શિવનાથે કહ્યું હતું કે વધુ પડતું ઈશ્વર-ચિંતન કરવાથી માણસને ચિત્તભ્રમ થઈ જાય. મેં કહ્યું કે શું? જે ચૈતન્ય નિત્ય શુદ્ધ બોધસ્વરૂપ, જેના જ્ઞાનથી સર્વ કંઈનું જ્ઞાન થાય, જેના ચૈતન્યથી બધું ચેતનવંતુ છે, એ ચૈતન્યનું ચિંતન કરીને શું કોઈ અચેતન થઈ જાય? કહે છે કે કોઈક યુરોપિયનને એમ થઈ ગયું હતું, હદ ઉપરાંત વિચાર કરવાથી તેને ચિત્તભ્રમ થઈ ગયો હતો. તે તેને સંભવે, કારણ કે તેઓ આ દુનિયાના જડ પદાર્થાેનું ચિંતન કરે.’

‘ભાવે ભરાઈ ગયું તનુ, હરાઈ ગયું જ્ઞાન;’ એમાં જે જ્ઞાનની વાત છે, તે બાહ્ય વિષયનું જ્ઞાન કહ્યું છે.’

ઠાકુર શ્રીરામકૃષ્ણનાં ચરણનો સ્પર્શ કરીને ઈશાન બેઠેલા છે, અને બધી વાતો સાંભળી રહ્યા છે. વચ્ચે વચ્ચે મંદિરની મધ્યમાં બિરાજતી પાષાણમયી કાલી-મૂર્તિની સામે તે જોતા હતા. દીવાના પ્રકાશમાં માનું મુખ હસી રહ્યું છે; જાણે કે દેવી પ્રગટ થઈને ઠાકુર શ્રીરામકૃષ્ણના મુખમાંથી નીકળેલાં વેદમંત્રો જેવાં વાક્યો સાંભળીને આનંદ કરી રહ્યા છે.

ઈશાન (શ્રીરામકૃષ્ણને): જે બધી વાતો આપશ્રી મુખેથી બોલ્યા, એ બધી વાતો ત્યાંથી આવી છે.

શ્રીરામકૃષ્ણ: હું તો યંત્ર, યંત્ર ચલાવનાર તે; હું ઘર, ઘરમાં રહેવાવાળી તે; હું રથ, રથ હાંકનારી તે. એ જેમ ચલાવે તેમ ચાલું, જેમ બોલાવે તેમ બોલું.

કલિયુગમાં બીજી રીતે દેવવાણી થાય નહિ. પરંતુ એમ છે કે બાળક યા પાગલ, એમને મોઢેથી ઈશ્વર વાતો કરે. 

માણસ ગુરુ થઈ શકે નહિ, ઈશ્વરની ઇચ્છાથી જ બધું થાય છે. મહાપાતક, અનેક દિવસનું પાતક, ઘણા કાળનું અજ્ઞાન, ઈશ્વરની કૃપા હોય તો એક ક્ષણમાં ધોવાઈ જાય. 

હજાર વરસનો અંધારો ઓરડો ભલે હોય, પણ તેમાં જો પ્રકાશ આવે, તો એ હજાર વરસનો અંધકાર શું ધીમે ધીમે જાય? કે એક ક્ષણમાં જ જાય? બેશક, પ્રકાશ આવતાંની સાથે જ બધો અંધકાર નાસી જાય.

માણસ શું કરે? માણસ ઘણીયે વાતો કરી શકે, પરંતુ છેવટે તો બધું ઈશ્વરને હાથ. વકીલ કહેશે કે મારે કહેવાનું બધું મેં કહી દીધું છે, હવે ન્યાયાધીશને હાથ.

‘બ્રહ્મ નિષ્ક્રિય. એ જ્યારે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય એ બધાં કામ કરે, ત્યારે તેને આદ્યશક્તિ કહેવાય. એ આદ્યશક્તિને પ્રસન્ન કરવી જોઈએ. ચંડીમાં છે, ખબર નથી? દેવતાઓએ પ્રથમ આદ્યશક્તિની સ્તુતિ કરી. એ પ્રસન્ન થાય ત્યારે જ હરિની યોગનિદ્રાનો ભંગ થાય.

ઈશાન: જી હાં, મધુ-કૈટભ-વધને સમયે બ્રહ્માદિ દેવતાઓ સ્તુતિ કરે છે –

ત્વં સ્વાહા ત્વં સ્વધા ત્વં હિ વષટ્કારસ્વરાત્મિકા।

સુધા ત્વમક્ષરે નિત્યે ત્રિધામાત્રાત્મિકા સ્થિતા।।

અર્ધમાત્રા સ્થિતા નિત્યા યાઽનુચ્ચાર્યાવિશેષત:।

ત્વમેવ સા ત્વં સાવિત્રી ત્વં દેવ જનની પરા।।

ત્વયૈતદ્ધાર્યતે સર્વં ત્વયૈતત્સૃજ્યતે જગત્।

ત્વયૈતત્પાલ્યતે દેવિ ત્વમત્સ્યંતે ચ સર્વદા।।

વિસૃષ્ટૌ સૃષ્ટિરૂપા ત્વં સ્થિતિરૂપા ચ પાલને।

તથા સંહૃતિરૂપાન્તે જગતોઽસ્ય જગન્મયે।।

(હે દેવી! સ્વાહા, તમે જ સ્વધા અને તમે જ વષટ્કાર છો; સ્વર પણ તમારું જ સ્વરૂપ છે; તમે જીવનદાયિની સુધા છો, નિત્ય અક્ષર પ્રણવમાં અકાર, ઉકાર, મકાર – આ ત્રણેય માત્રાઓના રૂપે તમે જ રહેલાં છો; તેમજ આ ત્રણ માત્રાઓ સિવાય જે બિંદુરૂપી નિત્ય અર્ધમાત્રા છે, જેનું વિશેષરૂપે ઉચ્ચારણ કરી શકાતું નથી તે પણ તમે જ છો. હે દેવી! તમે સંધ્યા, સાવિત્રી તથા પરમ જનની છો. હે દેવી! તમે જ આ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો અને તમારાથી જ આ જગતની સૃષ્ટિ થાય છે; તમારાથી જ એનું પાલન થાય છે. અને એ બધાને તમે કલ્પાંતે પોતાનો કોળિયો પણ બનાવી દો છો. હે જગન્મયી દેવી! આ જગતની ઉત્પત્તિના સમયે તમે સૃષ્ટિરૂપા છો, પાલનકાળમાં સ્થિતિરૂપા છો અને કલ્પાંતના સમયે સંહારરૂપ ધારણ કરનારાં છો. (માર્કંડેય ચંડી, ૧.૭૨-૭૬)

શ્રીરામકૃષ્ણ: હા, એની ધારણા થવી જોઈએ.

Total Views: 494
ખંડ 34: અધ્યાય 10 : નિવૃત્તિ માર્ગ - ઈશ્વરપ્રાપ્તિ પછી કર્મત્યાગ
ખંડ 34: અધ્યાય 12 : શ્રીરામકૃષ્ણ અને કર્મકાંડ - કર્મકાંડ કઠિન છે એટલે જ ભક્તિયોગ