સિંથિનો પંડિત ચાલ્યો ગયો છે. એ પછી સંધ્યા થઈ. કાલીવાડીનાં બધાં મંદિરોમાં દેવતાઓની આરતીનાં વાજિંત્રો વાગી ઊઠ્યાં. શ્રીરામકૃષ્ણ દેવતાઓને નમસ્કાર કરી રહ્યા છે. નાની પાટ ઉપર બેઠા છે; ઉન્મના. કેટલાક ભક્તો આવીને જમીન પર બેઠા. ઓરડો નિ:શબ્દ. 

રાત્રિ એક કલાક વીતી ગઈ છે. ઈશાન મુખોપાધ્યાય અને કિશોરી આવી પહોંચ્યા. તેમણે ઠાકુરને પ્રણામ કરીને બેઠક લીધી. ઈશાનને પુરશ્ચરણ વગેરે શાસ્ત્રોક્ત કર્માે કરવામાં ખૂબ અનુરાગ, ઈશાન કર્મયોગી. હવે ઠાકુર વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ: ‘જ્ઞાન, જ્ઞાન’ એમ મોઢેથી બોલ્યે જ શું જ્ઞાન થઈ જાય? જ્ઞાન થવાનાં લક્ષણ છે. બે લક્ષણ: પ્રથમ અનુરાગ એટલે કે ઈશ્વર ઉપર પ્રેમ. એકલો જ્ઞાન-વિચાર કરીએ છીએ, પરંતુ ઈશ્વર પર અનુરાગ નહિ, પ્રેમ નહિ, એ નકામું. બીજું એક લક્ષણ કુંડલિની શક્તિનું જાગવું. કુલ-કુંડલિની જ્યાં સુધી સૂતેલી રહે, ત્યાં સુધી જ્ઞાન થાય નહિ. બેઠાં બેઠાં પુસ્તક વાંચ્યે જઈએ છીએ, વિચાર કરીએ છીએ, પરંતુ અંદર ઈશ્વર માટે આતુરતા નહિ, એ જ્ઞાનનું લક્ષણ નહિ.

‘કુંડલિની શક્તિ જાગૃત થયે ભાવ, ભક્તિ, પ્રેમ એ બધું આવે. એનું નામ ભક્તિયોગ. 

કર્મયોગ બહુ કઠિન. કર્મયોગથી કેટલીક શક્તિ આવે, સિદ્ધિ આવે.

ઈશાન: હું જરા બહાર હાજરા મહાશયની પાસે જાઉં છું.

ઠાકુર ચૂપ રહ્યા. થોડીક વાર પછી ઈશાન વળી અંદર આવ્યા, સાથે હાજરા. ઠાકુર ચૂપ થઈને બેઠા છે. થોડીક વાર પછી હાજરા ઈશાનને કહે છે કે ‘ચાલો, એ હવે ધ્યાન કરશે.’ ઈશાન અને હાજરા ચાલ્યા ગયા.

ઠાકુર ચૂપચાપ બેઠા છે. પછી ખરેખર જ ધ્યાન કરે છે. પછી જપ કરે છે. એમણે હાથ એક વાર માથા ઉપર મૂક્યો, ત્યાર પછી કપાળે, ત્યાર પછી કંઠે, ત્યાર પછી હૃદયે, ત્યાર પછી નાભિદેશ પર.

શ્રીરામકૃષ્ણ શું ષડ્ચક્રમાં આદ્યશક્તિનું ધ્યાન કરે છે? શિવ-સંહિતા વગેરે શાસ્ત્રોમાં જે યોગની વાત છે, આ શું તે જ?

Total Views: 368
ખંડ 34: અધ્યાય 8 : પુરુષપ્રકૃતિવિવેક યોગ - રાધાકૃષ્ણ, એ કોણ? આદ્યશક્તિ
ખંડ 34: અધ્યાય 10 : નિવૃત્તિ માર્ગ - ઈશ્વરપ્રાપ્તિ પછી કર્મત્યાગ