અમાસની ગાઢ રાત્રિ. તેમાં વળી જગન્માતાની પૂજા. શ્રીરામકૃષ્ણ નાની પાટ ઉપર તકિયાને અઢેલીને બેઠેલા છે, પરંતુ અંતર્મુખ. વચ્ચે વચ્ચે ભક્તોની સાથે એક બે વાતો કરે છે.

અચાનક માસ્ટર અને ભક્તોની સામું શ્રીઠાકુર જોઈને કહે છે, આહા, પેલા છોકરાનું કેવું ધ્યાન! (હરિપદને): ‘કેમ અલ્યા! કેવું ધ્યાન?’

હરિપદ: જી હા, બરાબર લાકડા જેવો સ્થિર!

શ્રીરામકૃષ્ણ (કિશોરીને): એ છોકરાને ઓળખો છો? નિરંજનનો કોણ જાણે કેવો એક સંબંધી ભાઈ થાય.

વળી બધા ચૂપચાપ. હરિપદ ઠાકુરની પદસેવા કરી રહ્યો છે. 

ઠાકુરે સાંજે ચંડીનાં ગીત સાંભળ્યાં હતાં એમાંથી ગીતની કડીઓ સ્ફુરે છે. ધીમે ધીમે ગાય છે:

‘કોણ જાણે કાલી કેવી, ષડ્દર્શન નવ પામે દર્શન,

મૂલાધારે સહસ્રારે, સદા યોગી કરે મનન.

કાલી પદ્મવનમાં હંસ સંગે, હંસીરૂપે કરે રમણ.

આત્મારામનો આત્મા કાલી, પ્રણવ જેવું મોટું પ્રમાણ.

ઘટઘટમાં બિરાજે દેવી, ઇચ્છામયીની ઇચ્છા એવી,

માના ઉદરમાં બ્રહ્માંડ-ભાંડ, પ્રકાંડ જાણો રીતે કેવી?

જાણે મહાકાલ કાલીનો મર્મ જેવો, બીજો કોણ જાણે તેવો;

પ્રસાદ કહે લોકો હસે, કરવું મારે સિંધુ-તરણ,

મારું મન સમજે, પ્રાણ સમજે નહિ; ધરું શશી થઈ વામન.

ઠાકુર ઊઠીને બેઠા. આજ માની પૂજા. માનું નામ-કીર્તન કરવાના. વળી ઉત્સાહની સાથે ગાય છે:

‘આ છે ગાંડી માનો ખેલ, 

(જેની માયાથી ત્રિભુવન ભૂલેલા), (બાઈની આપ્તભાવે ગુપ્ત લીલા)

એક તો પોતે પાગલ અને એના કર્તાય છે પાગલ, પાગલ એના છે બે ચેલા-

શાં શાં રૂપ, શી ગુણભંગી, શા વિચાર, એ જાય નહિ બોલ્યા-

જેનું નામ જપીને કપાલી, રાખે કંઠમાં વિષની જવાળા –

સગુણ નિર્ગુણનો લગાવી વિવાદ, પાણા સાથે ભાંગે પાણા –

બાઈ સર્વ રીતે સરખી રાજી, નારાજ માત્ર કાજની વેળા-

પ્રસાદ કહે રહ્યો બેસી; તરાપો મૂકી ભવસાગરમાં-

ભરતી આવ્યે ઊંચે ચડીશ, ઊતરી જઈશ ઓટની વેળા -’

ઠાકુર ગીત ગાતાં ગાતાં મતવાલા થયા છે. તે બોલ્યા કે આ બધાં પીધેલાઓનાં ભાવગીત. એમ કહીને ગાય છે: 

ગીત: ‘આ વેળા કાલી તને ખાઉં..’

ગીત: ‘એટલે જ પૂછું છું હું તને મહાકાલી.’

ગીત: ‘સદાનંદમયી કાલી, મહાકાલની મનમોહિની;

પોતે નાચો, પોતે ગાઓ, પોતે દો મા, કરતાલી…

આદિરૂપ, સનાતની, શૂન્યરૂપા, શશીભાલી,

બ્રહ્માંડ હતું નહિ જ્યારે, મુંડમાળા આ ક્યાંથી મળી?…

સર્વની છે તું જ યંત્રી, તંત્રે તારા અમે ચાલી,

જેમ રાખો મા તેમ રહી, જેમ બોલાવો તેમ બોલી…

અશાંત કમલાકાન્ત, બોલે દઈ ગાળાગાળી,

હવે સર્વનાશી ધરી અસિ, ધર્માધર્મ બેઉ ખાધાં…’

ગીત: ‘જય કાલી જય કાલી કહેતાં મારા પ્રાણ જો જાય;

શિવત્વને પામું હું તો, કાશીથી શું થાય…

અનંતરૂપી કાલી, કાલીનો અંત કો’થી પમાય,

કંઈક મહાત્મ્ય જાણીને શિવ, પડ્યા તળે રંગીન પાય…

ગીત પૂરું થયું. એટલામાં રાજનારાયણના બે દીકરાઓએ આવીને પ્રણામ કર્યા. સભામંડપમાં સાંજે રાજનારાયણે ચંડીનાં કીર્તન ગાયાં હતાં. આ બે છોકરાઓએ પણ સાથે સાથે ગાયું હતું. ઠાકુર બન્ને છોકરાઓની સાથે વળી ગાય છે: ‘આ છે ગાંડી માનો ખેલ-’

નાનો છોકરો ઠાકુરને કહે છે, પેલું ગીત એક વાર: ‘પરમ દયાળુ હે પ્રભુ -’

ઠાકુર બોલ્યા, ‘ગૌર નિતાઈ: તમે બે ભાઈ?, એમ કહીને ગીત ગાય છે:

‘ગૌર નિતાઈ તમે બે ભાઈ, પરમ દયાળુ હે પ્રભુ!’

ગીત પૂરું થયું. રામલાલ ઓરડામાં આવ્યા છે. ઠાકુર કહે છે, ‘જરા ગા. આજે પૂજા!’

રામલાલ ગાય છે:

ગીત: ‘દેખને સમર પ્રકાશે આ, કોની કામિની?

સજલ જલદ ને હરાવે જેની કાય, દાંતે પ્રકાશે દામિની…

છૂટા ઊડે કેશ ચારે પાસે, સુરાસુર વચ્ચે નવ ત્રાસે,

અટ્ટહાસ્યે, દાનવ નાશે, રણે પ્રકાશે રંગિની…

કેવી શોભા કરે શ્રમજ બિંદુ, શ્યામ તનુ ઘેરી કુમુદબંધુ,

અમૃતસિંધુ નીરખી ઇંદુ, મલિન આ કોણ મોહિની?…

આ શું અસંભવ, ભવ-પરાભવ? પદ તળે શબ સમાન નીરવ,

કમલાકાન્ત કરો અનુભવ, કોણ છે એ ગજગામિની…’

ગીત: ‘કોણ રણે નાચે છે વામા નિરદ વરણી,

શોણિત સરે, જેમ શોહે છે નવનલિની….’

ઠાકુર પ્રેમાનંદમાં આવી જઈને નાચી રહ્યા છે. 

નાચતાં નાચતાં ગીત ઉપાડ્યું: 

‘મસ્ત થયો મન-ભમરો શ્યામાપદ નીલ કમળે’…

ગીત અને નૃત્ય સમાપ્ત થયાં. ભક્તો પાછા જમીન પર બેઠા. ઠાકુર પણ નાની પાટ પર બેઠા. 

માસ્ટરને કહે છે, ‘તમે સાંજે આવ્યા નહિ; ચંડીનાં કીર્તન કેવાં સરસ થયાં હતાં!’

Total Views: 432
ખંડ 34: અધ્યાય 13 : શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં કાલીપૂજા મહારાત્રીમાં ભક્તો સાથે
ખંડ 34: અધ્યાય 15 : કાલીપૂજાની રાત્રે સમાધિસ્થ - સાંગોપાંગ સંબંધે દૈવવાણી