(પૂર્વકથા – સાસરે જવાની ઈચ્છા – ઉલોના વામનદાસને મળ્યા)

સાધુઓ દર્શન કરીને ચાલ્યા ગયા.

ઠાકુર અને બાબુરામ, માસ્ટર, મુખર્જીઓનો હરિ વગેરે ભક્તો ઓરડામાં અને ઓસરીમાં ફરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): નવીન સેનને ત્યાં તમે આવ્યા’તા?

માસ્ટર: જી, ગયો’તો. નીચેને મજલે બેસીને ગીત સાંભળ્યાં’તાં.

શ્રીરામકૃષ્ણ: એ ઠીક કર્યું. તમારે ત્યાંથી (પત્ની) ગયાં’તાં. કેશવ સેન એમના પિતરાઈ ભાઈ કે?       માસ્ટર: જરાક દૂરના.

શ્રીયુત્ નવીન સેનના માણસો એક ભક્તના સાસરિયાંના સંબંધમાં થાય.

મણિની સાથે ફરતાં ફરતાં ઠાકુર એકાંતમાં વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ: માણસો સાસરે જાય. મેંય ધાર્યું’તું કે મજાનાં પરણશું કરશું, ને સાસરે જઈશું, ને ખાતાં ખાતાં ગમ્મત કરશું! પણ શું નું શું થઈ ગયું!

મણિ: જી, ‘છોકરું જો બાપને પકડે તો એ પડી શકે; પણ બાપે જે છોકરાને પકડી રાખ્યું હોય એ પડે નહિ,’ એ વાત તો આપ કહો છો. આપનીયે બરાબર એવી જ અવસ્થા. મા આપને પકડી રહ્યાં છે.

શ્રીરામકૃષ્ણ: ઉલોના વામનદાસની સાથે વિશ્વાસને બંગલે મુલાકાત થયેલી. મેં કહ્યું કે હું તમને મળવા આવ્યો છું. પછી ત્યાંથી જ્યારે ચાલ્યો આવ્યો, ત્યારે સાંભળ્યું કે તે બોલે છે, ‘બાપ રે! વાઘ જેમ માણસને પકડે, તેમ ઈશ્વરી એમને (શ્રીરામકૃષ્ણને) પકડી રહ્યાં છે!’ એ વખતે તો મારી પાકટ ઉંમર, ખૂબ જાડો! હમેશાં ભાવમગ્ન.

‘હું સ્ત્રીઓથી બહુ ડરું. જોઉં કે જાણે વાઘણ ખાવા દોડી આવે છે! અને એનાં અંગો પ્રત્યંગો, છિદ્રો બધાં મોટાં મોટાં ખૂબ વિશાળ રાક્ષસીનાં જેવાં દેખાય. 

પહેલાં તો બહુ જ બીતો. કોઈ સ્ત્રીને પાસે આવવા દેતો નહિ. તો પણ હવે કેટલુંય કરીને મનને સમજાવીને, મા આનંદમયીના એક એક રૂપ તરીકે જોઉં.’

‘સ્ત્રી ભગવતીનો અંશ. પરંતુ પુરુષને માટે, સાધુને માટે, ભક્તને માટે ત્યાજ્ય. 

હજાર ભક્ત હોય તોય બાઈ-માણસને વધારે વખત પાસે બેસવા દઉં નહિ. જરાક વાર પછી કાં તો કહું કે ત્યાં બધાં મંદિરોમાં દર્શન કરી આવો, જુઓ. એથીયે જો ન ઊઠે તો હુક્કો પીવાનું બહાનું કાઢીને ઓરડામાંથી બહાર નીકળી જાઉં.

‘હું જોઉં છું કે કોઈ કોઈનું, સ્ત્રીઓ તરફ જરાય મન નહિ. નિરંજન કહે કે, ‘ના ભાઈ, મારું બૈરાંઓ તરફ મન નથી.’

(હરિબાબુ, નિરંજન, પાંડેખોટા, જયનારાયણ)

‘હરિ (ઉપેન ડોક્ટરનો ભાઈ)ને પૂછ્યું, તો એય કહે કે ‘ના, બાઈ-માણસ તરફ મારું મન નહિ.’

‘જે મન ભગવાનને દેવાનું છે એમાંનો બાર આના ભાગ સ્ત્રી લઈ જાય. ત્યાર પછી તેને છોકરું થયે લગભગ બધુંય મન ખરચાઈ જાય. એટલે પછી ભગવાનને શું આપે?

‘તેમ વળી કોઈ કોઈ તો સ્ત્રીને પંપાળી પંપાળીને અર્ધા થઈ જાય. પાંડે જમાદાર ઘરડો ખખ. તેની બૈરી ચૌદ વરસની. પેલીને એ ડોસાની સાથે રહેવું પડે. જાળિયાવાળું તેનું ઘર. જાળિયાં ઉઘાડી ઉઘાડીને લોકો અંદર નજર કરે. એ બૈરી હવે ભાગી ગઈ છે!

‘એક જણની વહુ: એને હવે ક્યાં રાખે એ સૂઝ નથી પડતી. ઘરમાં મોટી ગરબડ થઈ હતી. એવો ચિંતામાં પડ્યો છે કે વાત પૂછો મા. મૂકો હવે, એ વાતની જરૂર નહિ.

‘અને બાઈ-માણસની સાથે રહો એટલે તેમને આધીન થઈ જવું પડે. સંસારી માણસો, બૈરાંઓ કહેશે કે ઊઠો, તો ઊઠે અને બેસવાનું કહે તો બેસે. બધાય પોતાની સ્ત્રીનાં વખાણ કરે.’

‘મારે એક જગાએ જવું હતું. એટલે રામલાલની કાકીને (શ્રીશારદાદેવીને) પૂછ્યું. તેણે ના કહી. એટલે મારાથી જવાયું નહિ! ઘડીક વાર પછી મને વિચાર આવ્યો કે અરે, હું તો સંસાર કરતો નથી, કામિની-કાંચન-ત્યાગી, તોય આમ! તો પછી સંસારીઓ તો કોણ જાણે સ્ત્રીઓને કેટલા વશ હશે!

મણિ: કામિની-કાંચનની વચ્ચે રહીએ એટલે જરાક ને જરાક અંગે આંચ લાગે જ. આપે કહેલું ને કે જયનારાયણ એવડો મોટો પંડિત, અવસ્થા થઈ ગયેલી, છતાં આપ જ્યારે તેની પાસે ગયા ત્યારે ઓશીકાં તડકે નાખતો’તો!

શ્રીરામકૃષ્ણ: પરંતુ ‘હું પંડિત’ એવો અહંકાર તેનામાં ન હતો. અને જેમ કહેલું તેમ છેવટે (શાસ્ત્રના) નિયમ મુજબ કાશીમાં જઈને વાસ કર્યાે જ.

‘એના છોકરાઓ જોયા, તો પગમાં બૂટમોજાં પહેરેલાં, અંગ્રેજી ભણેલા.

(ઠાકુરનો પ્રેમોન્માદ આદિ વિવિધ અવસ્થાઓ)

ઠાકુર મણિને પ્રશ્નને બહાને પોતાની અવસ્થા સમજાવી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ: પહેલાં તો ખૂબ ઉન્માદ હતો. હવે ઓછો થયો છે, શા માટે? પરંતુ વચ્ચે વચ્ચે થાય.

મણિ: આપની એક જ પ્રકારની અવસ્થા, એમ નથી. આપે જેમ કહેલું ને, કે ક્યારેક બાલકવત્, ક્યારેક ઉન્મત્તવત્, ક્યારેક જડવત્, ક્યારેક પિશાચવત્; એ બધી અવસ્થાઓ અવારનવાર થાય. તેમ વળી ક્યારેક ક્યારેક સહજ અવસ્થા પણ થાય.

શ્રીરામકૃષ્ણ: હાં, બાલકવત્. તેમ વળી એની સાથે બાલ્ય, પૌગંડ, યુવા એ બધી અવસ્થા થાય. જ્યારે જ્ઞાનનો ઉપદેશ કરે, ત્યારે જુવાન જેવી અવસ્થા. 

તેમ વળી પૌગંડ અવસ્થા. બાર તેર વરસના છોકરાની જેમ અટકચાળાં કરવાની ઇચ્છા થાય. એટલે યુવાન (ભક્તો)ની સાથે બેસીને ઠઠ્ઠા-મશ્કરી ચાલે.

(નારાયણના ગુણ – કામિનીકાંચન ત્યાગ જ સંન્યાસીની કઠિન સાધના)

‘વારુ, નારા’ણ કેમ લાગે છે?’

મણિ: જી, લક્ષણ બધાં સારાં છે.

શ્રીરામકૃષ્ણ: તુંબડાનું પેટાળ સારું, તંબૂરો અવાજ સારો કાઢશે. 

એ મને કહે કે આપ બધું જ (એટલે કે અવતાર)! જેની જેવી ધારણા, તે પ્રમાણે એ કહે. કોઈ (મને) કહે કે અમથો સાધુ, ભગત!

‘એને મેં જે કરવાની મનાઈ કરી છે, એનો એ બરાબર ખ્યાલ રાખે છે. પડદો વીંટી લેવાનું મેં કહ્યું, પણ એણે વીંટાળ્યો નહિ.

‘ગાંઠ વાળવી, સીવવું, પડદો વીંટાળવો, બારણું કે પેટીને તાળું મારીને ચાવીથી બંધ કરવું, વગેરે બધી બાબતો કરવાની તેને મેં મનાઈ કરેલી. એની બરાબર ધારણા કરી છે. જે ત્યાગ કરે, તેણે આ બધી સાધના કરવી જોઈએ. સંન્યાસીને માટે આ બધી સાધના. 

સાધનાની અવસ્થામાં ‘કામિની’ દાવાનળ સ્વરૂપ, કાળા સાપની સમાન. સિદ્ધ અવસ્થામાં, ભગવાનનાં દર્શનની પછી એ મા આનંદમયી. પછી તેને મા ભગવતીના એક એક રૂપ તરીકે જાણે.

કેટલાક દિવસ થયા, ઠાકુરે નારા’ણને સ્ત્રીની બાબતમાં ખૂબ સાવચેત કરી દીધો હતો. બોલ્યા હતા કે ‘બાઈ-માણસના અંગની હવા તારે અંગે લાગવા દઈશ નહિ. જાડું કપડું અંગે પહેરી રાખવું, પછી એમના અંગની હવા તારે શરીરે ન લાગે એટલા માટે. અને પોતાની મા સિવાય બીજી સ્ત્રીઓથી આઠ હાથ, નહિતર બે હાથ, અથવા ઓછામાં ઓછું એક હાથ તો સદાય દૂર રહેવું.’

શ્રીરામકૃષ્ણ (મણિને): નારાણ’ની મા નારા’ણને કહે છે કે ‘ઠાકુરને જોઈને અમેય મુગ્ધ થઈ જઈએ, તો તું તો સાવ છોકરું!’ અને સરલ ન હોય તો ઈશ્વરને પામી શકાય નહિ. નિરંજન કેવો સરળ! 

મણિ: જી હાં.

(નિરંજન અને નરેન્દ્ર શું સરળ?)

શ્રીરામકૃષ્ણ: તે દિવસે કોલકાતા જતી વખતે ઘોડાગાડીમાં જોયું નહિ? બધો વખત એક જ ભાવ, સરળ. માણસો ઘરની અંદર એક પ્રકારના, અને વળી ઘરની બહાર જાય એટલે બીજા જ પ્રકારના થઈ જાય. નરેન્દ્ર અત્યારે (પિતાના મૃત્યુ પછી) સંસારની ચિંતામાં પડ્યો છે. એનામાં સહેજ ગણતરીબાજપણું છે. બધા છોકરા કાંઈ એના જેવા થાય?

(શ્રીરામકૃષ્ણ નવીન નિયોગીના ઘરે – નીલકંઠની યાત્રા)

‘નીલકંઠનું લીલા-કીર્તન સાંભળવા આજ ગયો’તો દક્ષિણેશ્વર ગામમાં, નવીન નિયોગીને ઘેર. ત્યાંના છોકરાઓ બહુ ખરાબ. કેવળ આની નિંદા, પેલાની નિંદા! એવે બધે ઠેકાણે (ઈશ્વરીય) ભાવ સંવરણ થઈ જાય.

‘એ વખતે રામલીલા વખતે મધુ ડોક્ટરની આંખોમાંથી ધારા જોઈને, તેની સામે જોયું હતું. બીજા કોઈની સામે જોઈ શક્યો નહિ.

Total Views: 358
ખંડ 34: અધ્યાય 2 : ઠાકુર શ્રીરામકૃષ્ણ બે સાધુઓની સાથે - ઠાકુરની પરમહંસ અવસ્થા
ખંડ 34: અધ્યાય 4 : શ્રીરામકૃષ્ણ, કેશવ અને બ્રાહ્મસમાજ - સમન્વયનો ઉપદેશ