The Universal Catholic Church of Sri Ramakrishna

શ્રીરામકૃષ્ણ (મણિને): વારુ, આ જે માણસો આટલા બધા આકર્ષાઈને આવે છે અહીં, તે એનો અર્થ શો?

મણિ: મને તો વ્રજની લીલાનો ખ્યાલ આવે છે. શ્રીકૃષ્ણ જ્યારે ગોવાળિયા અને વાછડાંરૂપે પોતે થયા, ત્યારે ગોવાળિયાઓ ઉપર ગોપીઓને, અને વાછરડાં ઉપર ગાયોને વધુ આકર્ષણ થવા લાગ્યું.

શ્રીરામકૃષ્ણ: એ ઈશ્વરીય આકર્ષણ. એ શું ખબર છે? મા એ પ્રમાણે નજરબંદી લગાડી દે, અને આકર્ષણ થાય. 

વારુ, કેશવ સેનની પાસે જેટલા માણસો આવતા, એટલા અહીં તો નથી આવતા. અને કેશવ સેનને કેટલા બધા લોકો માને, ઠેઠ વિલાયત સુધી જાણે. ક્વિને (રાણી વિકટોરિયાએ) કેશવની સાથે વાતચીત કરી છે! ગીતામાં તો કહ્યું છે કે જેને ઘણા લોકો માને, ત્યાં ઈશ્વરની શક્તિ સમજવી. અહીં તો એટલા (લોકો) નથી આવતા!

મણિ: કેશવ સેનની પાસે સંસારી માણસો ગયા છે.

શ્રીરામકૃષ્ણ: હાં, એ ખરું, દુનિયાદારીનાં માણસો.

મણિ: કેશવ સેન જે કરી ગયા, એ શું રહેવાનું?

શ્રીરામકૃષ્ણ: કેમ, સંહિતા લખી ગયા છે, તેમાં કેટલા નિયમો!

મણિ: અવતાર જ્યારે પોતે કાર્ય કરે, ત્યારે અલગ વાત. જેમ કે ચૈતન્યદેવનું કામ.

શ્રીરામકૃષ્ણ: હા, હા, બરાબર.

મણિ: આપ જ તો કહો છો, કે ચૈતન્યદેવે કહેલું કે હું જે બીજ વાવી ગયો તેનું ક્યારેક ને ક્યારેક પરિણામ આવશે. જેમ કે ટોડલા ઉપર બીજ મૂકેલાં હતાં. તે ઘર પડી ગયું એટલે એ જ બીજમાંથી વળી ઝાડ ઊગે તેમ.

શ્રીરામકૃષ્ણ: વારુ, શિવનાથ વગેરેએ જે સમાજ કર્યાે છે, તેમાંય કેટલાય લોકો જાય છે. 

મણિ: જી, એવા લોકો જાય.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): હા હા, સંસારી લોકો બધા જાય. જેઓ ઈશ્વરને માટે આતુર, કામિની-કાંચનનો ત્યાગ કરવાનો પ્રયાસ કરે છે, એવા બધા લોકો ત્યાં ઓછા જાય છે એ ખરું.

મણિ: અહીંથી જો એક પ્રવાહ વહે, તો બહુ મજાનું થાય. એ સ્રોતના તાણમાં બધા ખેંચાઈ જાય. અહીંથી જે થશે તે એકપંથિયું તો થવાનું નહિ!

(શ્રીરામકૃષ્ણ અને હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી – વૈષ્ણવ અને બ્રહ્મજ્ઞાન)

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): હું જેનો જે ભાવ હોય તે ટકાવી રાખું. વૈષ્ણવને વૈષ્ણવનો ભાવ રાખવાનું કહું, શાક્તને શાક્તનો. પણ એટલું કહું કે ‘એવું નહિ કહેતા, કે મારો જ પંથ ખરો અને બીજા બધા ખોટા.’ હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી એ બધાય જુદા જુદા માર્ગાે દ્વારા એક જગાએ જ જાય છે. પોતપોતાનો ભાવ સાચવીને અંતરથી ઈશ્વરને સમર્યે ભગવત્પ્રાપ્તિ થાય.

‘વિજયની સાસુ કહે કે ‘તમે બલરામને કહી દો ને, કે સાકાર પૂજાની શી જરૂર? નિરાકાર સચ્ચિદાનંદને સમરો એટલે થયું.’

‘મેં કહ્યું કે એવી વાત હુંય કહેવા જાઉં શા માટે, અને તેઓય સાંભળે શા માટે? ઘરમાં મા ઘઉંના લોટમાંથી કેટલીયે વાનીઓ બનાવે: કંસાર, લાડુ, બરફી-ચૂરમું વગેરે; પણ કોઈનું પેટ બરાબર ન હોય તેવા માટે ઘઉંની રાબ જ બનાવી આપે. રુચિ ભેદ પ્રમાણે, અધિકારી ભેદ પ્રમાણે, એક જ ચીજ જુદે જુદે રૂપે કરી આપવી પડે.

મણિ: જી હાં. દેશ, કાળ, પાત્ર ભેદે બધા રસ્તા અલગ. પણ ગમે તે રસ્તે થઈને જાઓ ને, શુદ્ધ મન રાખીને, અંતરની આતુરતાપૂર્વક યાદ કર્યે ઈશ્વરને પમાય, એ જ વાત તો આપ કહો છો.

(મુખર્જીનો હરિ – શ્રીરામકૃષ્ણ અને દાન-ધ્યાન)

ઓરડાની અંદર ઠાકુર પોતાની જગાએ બેઠેલા છે. નીચે મુખર્જીનો હરિ, માસ્ટર વગેરે બેઠેલા છે. એક અપરિચિત માણસે આવીને ઠાકુરને પ્રણામ કર્યા ને બેઠો. પાછળથી ઠાકુરે કહેલું કે એનાં આંખનાં લક્ષણ સારાં નથી, બિલાડીની જેવી માંજરી આંખો. 

હરિએ ઠાકુરને હુક્કો ભરી આપ્યો.

શ્રીરામકૃષ્ણ (હુક્કો હાથમાં લઈને, હરિને): જોઉં તારો હાથ જોઉં. આ રહ્યાં, બધાંય છે, આ મજાનાં સારાં લક્ષણ. 

હાથ ઢીલો રાખ જોઉં. (પોતાના હાથમાં હરિનો હાથ લઈને જાણે કે વજન કરી રહ્યા છે.) છોકરા જેવો સ્વભાવ હજીયે છે; દોષ હજીયે કશો થયો નથી. (ભક્તોને) હું હાથ તપાસીને, માણસ ખલ કે સરળ એ કહી શકું. (હરિને) કેમ અલ્યા, સસરાને ઘેર જજે, વહુની સાથે વાતોચીતો કરજે, અને મરજી થાય તો જરા મજા-ગમ્મત કરજે. 

(માસ્ટરને) કેમ ભાઈ! (માસ્ટર વગેરેનું હાસ્ય).

માસ્ટર: જી, નવી દોણી જો ખરાબ થઈ જાય તો પછી એમાં દૂધ રાખી શકાય નહિ.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): હજી થઈ નથી એ કેમ કરીને જાણ્યું?

બંને મુખર્જીભાઈઓ- મહેન્દ્ર અને પ્રિયનાથ- એ નોકરી કરે નહિ. તેમની લોટની મિલ છે. પ્રિયનાથ પહેલાં ઈજનેરનું કામ કરતા. ઠાકુર હરિની પાસે મુખર્જીભાઈઓની વાત કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (હરિને): મોટો ભાઈ સારો, ખરું ને? મજાનો સરળ.

હરિ: જી, હાં.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને): નાનો છે ને, તે બહુ કંજૂસ! અહીં આવીને તે ખૂબ સુધર્યાે છે. મને કહે કે મને તો કાંઈ જ ખબર ન હતી. (હરિને) એ લોકો કંઈ દાન-બાન કરે ખરા કે?

હરિ: એવું તો કંઈ જોવામાં આવતું નથી. એમના મોટાભાઈ જે હતા, એ ગુજરી ગયા, તે ઘણા સારા હતા. તે ખૂબ દાન, ધ્યાન વગેરે કરતા.

(ઠાકુર શ્રીરામકૃષ્ણ અને શરીરનાં લક્ષણ – મહેશ ન્યાયરત્નનો વિદ્યાર્થી)

શ્રીરામકૃષ્ણ (માસ્ટર વગેરેને): શરીરનાં લક્ષણ જોઈને ઘણે ભાગે સમજી શકાય કે તેને (ઈશ્વર-દર્શન) થશે કે નહિ. જો માણસ લુચ્ચો હોય તો તેનો હાથ ભારે હોય. 

નાક ચીબું (દબાયેલું) હોવું એ સારું નહિ. શંભુનું નાક ચીબું હતું. એટલે આટલું જ્ઞાન હોવા છતાં એટલો સરળ હતો નહિ! 

છાતીની પાંસળીઓ ઊપસેલી, તથા ખૂંધો એ લક્ષણ સારાં નહિ. કોણીની ગાંઠો જાડી, હાથ સાવ પાતળા, અને બિલાડી જેવી કરડી, માંજરી આંખ વગેરે લક્ષણો સારાં નહિ. 

જાડા હોઠવાળો હલકટ બુદ્ધિવાળો હોય. વિષ્ણુમંદિરના પૂજારીએ કેટલાક મહિના અહીં કામચલાઉ પૂજા કરી હતી. એના હાથનું ન ખાતો. અચાનક બોલી ઊઠતો, ‘અરે ડોમ!’ પછી એક દિવસ એણે મને કહ્યું: ‘અમારું ઘર ડોમપાડામાં છે. હું ડોમનું કામ પણ કરી શકું છું.’

એથીયે ખરાબ લક્ષણ: એક આંખે કાણો અને ત્રાંસી કે ફાંગી આંખવાળો. તેમાંય એક આંખે કાણો સારો, પણ ત્રાંસી આંખવાળો સારો નહિ. બહુ દુષ્ટ અને લુચ્ચો હોય.

‘મહેશનો (શ્રી મહેશ ન્યાય-રત્નનો) એક વિદ્યાર્થી આવ્યો’તો. એ કહે કે ‘હું નાસ્તિક.’ એ હૃદુને કહે કે ‘હું નાસ્તિક, તમે આસ્તિક થઈને મારી સાથે વાદ કરો.’ ત્યારે પછી તેને સારી રીતે નીરખીને જોયો. જોયું તો બિલાડાના જેવી કરડી આંખો. 

તેમજ ચાલ ઉપરથી સારાં નરસાં લક્ષણની ખબર પડી આવે.

સુન્નત કરાવી હોય તો એ પણ ખરાબ લક્ષણ. (માસ્ટર વગેરેનું હાસ્ય) (માસ્ટરને હસતાં હસતાં) તમે જો જો આ ખરાબ લક્ષણ છે. (બધાનું હાસ્ય)

ઓરડામાંથી ઠાકુર ઓસરીમાં ફરી રહ્યા છે. સાથે બાબુરામ અને માસ્ટર.

શ્રીરામકૃષ્ણ (હાજરાને): એક જણ આવ્યો’તો, તે જોયું કે બિલાડાના જેવી આંખો. એ કહે કે ‘આપ જ્યોતિષ જાણો છો? મારે થોડીક તકલીફ છે.’ મેં કહ્યું કે ‘ના; વરાહનગરમાં જાઓ, ત્યાં જ્યોતિષ જાણનારા પંડિતો છે.’

બાબુરામ અને માસ્ટર નીલકંઠનાં જાત્રા (નાટક)ની વાતો કરી રહ્યા છે. બાબુરામ નવીન સેનના ઘરેથી દક્ષિણેશ્વરમાં પાછા આવ્યા અને કાલ રાતે અહીં રહ્યા હતા. સવારે શ્રીઠાકુર સાથે દક્ષિણેશ્વરમાં નવીન નિયોગીના ઘરે નીલકંઠની જાત્રા સાંભળી હતી.

(શ્રીરામકૃષ્ણ, મણિ અને એકાંતમાં ચિંતન – ઈશ્વરની ઈચ્છા – નારાયણ માટે ચિંતા)

શ્રીરામકૃષ્ણ (માસ્ટર અને બાબુરામને): તમે શી વાત કરો છો?

માસ્ટર અને બાબુરામ: જી, નીલકંઠની જાત્રાની વાત થાય છે. અને એનાં ગીતની પણ વાત થાય છે – શ્યામાપદે આશ, નદી તીરે વાસ.

ઠાકુર ઓસરીમાં આંટા મારતાં મારતાં અચાનક મણિને એક બાજુએ લઈ જઈને કહે છે, ‘ઈશ્વરચિંતન જેટલું લોકોને ખબર ન પડે એવી રીતે થાય તેટલું સારું.’ અચાનક એટલા શબ્દો બોલીને જ ઠાકુર ચાલ્યા ગયા.

ઠાકુર હાજરાની સાથે વાત કરે છે.

હાજરા: નીલકંઠે તો આપને કહ્યું છે કે તે આવશે. તો પછી તેને તેડવા જઈએ તો?

શ્રીરામકૃષ્ણ: ના, રાતે એ જાગ્યા છે, ઈશ્વરની ઇચ્છાથી એની મેળે આવે એ જુદી વાત.

ઠાકુર બાબુરામને નારાયણને ઘેર જઈને મળવાનું કહે છે. નારાયણને સાક્ષાત્ નારાયણ રૂપે જુએ. એટલે એને મળવા માટે આતુર થયા છે. બાબુરામને કહે છે: ‘તું એકાદી અંગ્રેજી ચોપડી લઈને એની પાસે જજે.’

Total Views: 280
ખંડ 34: અધ્યાય 3 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને કામિની - સંન્યાસીના કઠિન નિયમ
ખંડ 34: અધ્યાય 5 : નીલકંઠ વગેરે ભક્તોની સાથે સંકીર્તનાનંદે