ઠાકુર શ્રીરામકૃષ્ણ ઓરડામાં પોતાને આસને બેઠા છે. લગભગ ત્રણ વાગ્યાનો સમય. નીલકંઠ પોતાના પાંચ સાત સાથીઓને લઈને ઠાકુરના ઓરડામાં આવ્યા. ઠાકુર પૂર્વાભિમુખ થઈને જાણે કે તેમનું સ્વાગત કરવા આગળ વધ્યા. નીલકંઠ ઓરડાને પૂર્વ બારણેથી આવીને ભૂમિષ્ઠ થઈને ઠાકુરને પ્રણામ કરી રહ્યા છે.

અચાનક ઠાકુર સમાધિ-મગ્ન! તેમની પાછળ બાબુરામ, સામે માસ્ટર, નીલકંઠ અને ચમકી ગયેલા બીજા કીર્તન-મંડળીઓવાળા. ઠાકુરની પાટની ઉત્તર બાજુએ આવીને દીનાનાથ ખજાનચી દર્શન કરી રહ્યા છે. જોતજોતામાં ઓરડો ઠાકુરવાડીના માણસોથી આખો ભરાઈ ગયો. થોડીવાર પછી ઠાકુરનો ભાવ સહેજ શમતો આવે છે. ઠાકુર જમીન પર ચટાઈ ઉપર બેઠા. સામે નીલકંઠ અને ચારે બાજુએ ભક્તજનો.

શ્રીરામકૃષ્ણ (ભાવાવેશમાં): હું સારો છું.

નીલકંઠ (હાથ જોડીને): મનેય સારો કરો.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): તમે તો સારા છો જ. ‘ક’ ને કાનો ‘કા,’ વળી પાછો એક બીજો કાનો લગાડ્યે શું વળે? ‘કા’ને વળી પાછો કાનો લગાડીએ તો એ જ કા રહે. (સૌનું હાસ્ય).

નીલકંઠ: જી, આ સંસારમાં પડ્યા છીએ!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): તમને સંસારમાં રાખ્યા છે બીજા માણસોને માટે. 

અષ્ટ પાશ ખરા. પણ એ બધાય નીકળી જાય નહિ. એક બે પાશ ઈશ્વર રહેવા દે, લોકોને ઉપદેશને માટે. તમે કીર્તનકાર- મંડળી કરી છે – તે તમારી ભક્તિ જોઈને કેટલા લોકોને ઉપકાર થાય છે. અને તમે છોડી દો તો આ બધા (કીર્તન-મંડળીવાળા) ક્યાં જાય?

ઈશ્વર તમારી મારફત કામ કરાવી લે છે. કામ પૂરું થશે એટલે પછી તમે પાછા આવવાના નથી. ઘરની સ્ત્રી ઘરનું કામકાજ બધું પતાવી, સૌને ખવડાવી પિવડાવીને- નોકરચાકરોને સુધ્ધાં – પછી જ્યારે નદીએ નહાવા ધોવા જાય ત્યારે પછી બૂમાબૂમ કરો તોય પાછી ફરે નહિ.

નીલકંઠ: આપ મને આશીર્વાદ આપો.

શ્રીરામકૃષ્ણ: કૃષ્ણના વિરહથી યશોદાજી ગાંડા જેવાં થઈ ગયાં અને રાધાજી પાસે ગયાં. શ્રીમતી રાધાજી ત્યારે ધ્યાન કરતાં હતાં. તેઓ આવેશમાં આવી જઈને યશોદાને કહેવા લાગ્યાં કે ‘હું એ મૂળ પ્રકૃતિ આદ્યશક્તિ. તમે મારી પાસે વરદાન માગો.’ યશોદા બોલ્યાં કે ‘બીજું શું વરદાન લેવાનું! એમ કહો કે મન, વચન ને કાયાથી કૃષ્ણનું જ ચિંતન, અને તેની સેવા કરી શકું. કાનથી તેનાં નામ-ગુણગાન સાંભળી શકું, હાથથી કૃષ્ણની અને તેના ભક્તોની સેવા કરી શકું, અને આંખોથી તેનાં રૂપનું, તેના ભક્તોનું દર્શન કરી શકું.’

‘જ્યારે ભગવાનનું નામ લેતાં તમારાં નેત્રોમાંથી જળની ધારા ચાલે છે ત્યારે પછી તમારે ચિંતા શી? ઈશ્વર ઉપર તમને પ્રેમ જન્મ્યો છે.

‘અનેક રૂપે જાણવાનું નામ અજ્ઞાન, એક રૂપે જાણવાનું નામ જ્ઞાન. અર્થાત્ એક ઈશ્વર સત્ય, કે જે સર્વ ભૂતોમાં રહેલ છે, એ ઈશ્વરની સાથે વાતચીત કરવાનું નામ વિજ્ઞાન. ઈશ્વરને પ્રાપ્ત કરીને વિવિધ ભાવે તેને ચાહવો એનું નામ વિજ્ઞાન.

‘તેમજ વળી એમ પણ છે કે એ ઈશ્વર એક બેની પણ પેલે પાર, મન-વાણીથી પર. લીલાથી નિત્યે, તેમ નિત્યથી લીલાએ આવવું, એનું નામ પાકી ભક્તિ. 

તમારું પેલું ગીત મજાનું: ‘શ્યામા પદે આશ, નદીતીરે વાસ…’

‘એથી જ તો નક્કી થયું કે ઈશ્વરની કૃપા ઉપર બધો આધાર!

‘પરંતુ એનો અર્થ એ કે ઈશ્વરને સમરવો તો જોઈએ, કંઈ કર્યા વગર બેસી રહ્યે ચાલે નહિ. વકીલ ન્યાયાધીશને બધું કહે, પણ પછી છેવટે બોલે કે મારે જે કહેવાનું હતું તે કહી દીધું, હવે હાકેમના હાથમાં.’

થોડીવાર પછી ઠાકુર કહે છે કે તમે સવારે તો આટલું બધું ગાયું, વળી પાછા અહીં આવ્યા છો તકલીફ લઈને. પણ અહીં તો ઓનારરી (Honorary – અવેતન).

નીલકંઠ: શા માટે અવેતન?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): સમજ્યો, તમે શું કહેવા માગો છો તે.

નીલકંઠ: અમૂલ્ય રતન લઈ જઈશ!

શ્રીરામકૃષ્ણ: એ અમૂલ્ય રતન આપની પાસે જ છે! ‘ક’ ને બીજો કાનો લગાડવાથી શું વળવાનું? એમ ન હોત તો તમારું કીર્તન આટલું મીઠું લાગે કેમ? રામપ્રસાદ સિદ્ધ, એટલે એનાં ગીત મીઠાં લાગે.

‘સાધારણ જીવને કહે ‘માનુષ.’ જેને ચૈતન્ય થયું છે, તે જ માન-હુંશ. એટલે કે ચૈતન્ય-જાગ્રતિવાળો માણસ. તમે એવા માનહુંશ!

‘તમારું કીર્તન થવાનું છે સાંભળીને હું પોતે જ આવવાનો હતો, ત્યાં નિયોગી પણ કહેવા આવેલો.’

ઠાકુર નાની પાટ ઉપર પોતાને આસને જઈને બેઠા છે. નીલકંઠને કહે છે, ‘જરા માનું નામ-સંકીર્તન સાંભળવું છે.’

નીલકંઠ પોતાના સાથીદારોની સાથે ગાય છે:

ગીત: ‘શ્યામા પદે આશ, નદી તીરે વાસ…’

ગીત: ‘મહિષમર્દિની…’ 

એ ગીત સાંભળતાં સાંભળતાં ઠાકુર ઊભા થઈ જઈને સમાધિ-મગ્ન.

નીલકંઠ ગીતમાં બોલે છે કે:

‘જેની જટામાં ગંગા, તેમણે રાજરાજેશ્વરીને હૃદયમાં ધારણ કરી છે!’

ઠાકુર પ્રેમોન્મત્ત થઈને નૃત્ય કરે છે. નીલકંઠ અને ભક્તજનો તેમને વીંટળાઈ વળીને ગીત ગાય છે અને નૃત્ય કરે છે: 

ગીત: ‘શિવ શિવ…’

એ ગીતની સાથેય ઠાકુર ભક્તો સાથે નૃત્ય કરવા લાગ્યા.

ગીત પૂરું થયું. ઠાકુર નીલકંઠને કહે છે કે મારે તમારું પેલું ગીત સાંભળવું છે કે જે કોલકાતામાં સાંભળ્યું’તું.

માસ્ટર: શ્રીગૌરાંગ સુંદર, નવ-નટવર, તપ્ત કાંચન કાય…

શ્રીરામકૃષ્ણ: હાં, હાં.

નીલકંઠ ગાય છે: ‘શ્રી ગૌરાંગ સુંદર નવનટવર તપ્ત કાંચન કાય..’

તેમાં ‘પ્રેમના જુવાળે ખેંચાયે જાય-’ એ ચરણ લઈને ઠાકુર નીલકંઠાદિ ભક્તોની સાથે વળી પાછા નાચે છે. એ અદ્ભુત નૃત્ય જેમણે જોયું હતું, તેઓ એ કદી ભૂલવાના નહિ. ઓરડો માણસોથી ભરપૂર. બધાય ઉન્મત્ત જેવા! ઓરડો જાણે કે શ્રીવાસનું આંગણું બની ગયો છે!

મનોમોહન

શ્રીયુત્ મનોમોહનને ભાવનો આવેશ આવ્યો છે. તેના ઘરનાં કેટલાંક બૈરાં આવ્યાં છે; તેઓ ઉત્તરની ઓસરીમાંથી આ અદ્ભુત નૃત્ય અને સંકીર્તનનાં દર્શન કરી રહ્યાં છે. તેઓમાંથીયે એકને ભાવનો આવેશ થયો હતો. મનોમોહન ઠાકુરના ભક્ત અને શ્રીયુત્ રાખાલના સંબંધી. 

ઠાકુરે વળી ગીત ઉપાડ્યું:

‘જેમનાં હરિ બોલતાં નયન ઝરે, અરે એવા બે ભાઈ આવ્યા છે રે…’

સંકીર્તન કરતાં કરતાં ઠાકુર નીલકંઠ વગેરે ભક્તો સાથે નૃત્ય કરે છે અને ઉથલો દે છે: ‘રાધાના પ્રેમે મતવાલા, એવા એવા બે ભાઈ આવ્યા છે રે!’

ઉચ્ચ સ્વરનું કીર્તન સાંભળીને ચારે બાજુના લોકો આવીને એકઠા થયા છે. દક્ષિણ તરફની, ઉત્તર તરફની, અને પશ્ચિમ તરફની ગોળ ઓસરીમાં લોકો ચોમેર ઊભેલા છે. જેઓ બાજુમાં ગંગા ઉપર હોડીમાં બેસીને જઈ રહ્યા છે તેઓ પણ આ મધુર સંકીર્તનનો અવાજ સાંભળીને આકર્ષિત થયા છે.

કીર્તન સમાપ્ત થયું. ઠાકુર જગન્માતાને પ્રણામ કરે છે અને બોલે છે ‘ભાગવત ભક્ત, ભગવાન – જ્ઞાનીઓને નમસ્કાર, યોગીઓને નમસ્કાર, ભક્તોને નમસ્કાર!’

હવે ઠાકુર નીલકંઠ વગેરે ભક્તોની સાથે પશ્ચિમ બાજુની ગોળ ઓસરીમાં આવીને બેઠા છે. સંધ્યા થઈ ગઈ છે. આજ શરદ-પૂર્ણિમાની પછીનો દિવસ. ચારે બાજુ ચંદ્રનો પ્રકાશ, ઠાકુર નીલકંઠની સાથે આનંદથી વાતો કરી રહ્યા છે.

(ઠાકુર કોણ? ‘હું’ શોધવાથી ન મળે – ઘરમાં લાવશે ચંડી)

નીલકંઠ: આપ જ સાક્ષાત્ ગૌરાંગ.

શ્રીરામકૃષ્ણ: એ બધું વળી શું? હું તો સૌના દાસનો દાસ!

‘ગંગાનો જ તરંગ, તરંગની ગંગા કદી થાય?’

નીલકંઠ: આપ ગમે તે કહો, પણ અમે આપને એ જ દેખીએ છીએ.

શ્રીરામકૃષ્ણ (કંઈક ભાવ-આવેશવાળા થઈને, કરુણ સ્વરે): બાપુ, હું મારો ‘હું’ ઘણો શોધવા જાઉં છું, પણ ‘હું’ શોધ્યો જડતો નથી! 

હનુમાન કહેતા કે હે રામ, ક્યારેક વિચાર આવે કે તમે પૂર્ણ, હું અંશ; તમે પ્રભુ, હું દાસ. વળી જ્યારે તત્ત્વજ્ઞાન આવે ત્યારે જોઉં, તો તમે તે જ હું, હું તે જ તમે.

નીલકંઠ: વધારે શું કહું, અમારા પર કૃપા કરજો.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): તમે કેટલાય લોકોને પાર કરો છો – તમારાં કીર્તનો સાંભળીને કેટલાય લોકોને જાગ્રતિ આવે છે!

નીલકંઠ: પાર કરું છું એમ તમે તો કહો છો. પણ આશીર્વાદ આપો કે હું પોતે ડૂબું નહિ.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): જો ડૂબો તો એ (ઈશ્વરરૂપી) સુધા-સરોવરમાં!

ઠાકુર નીલકંઠને મળવાથી ખૂબ આનંદિત થયા છે. તેને વળી પાછા કહે છે કે તમારું અહીં આવવું, કે જે ઘણી સાધના કરે ત્યારે મેળવી શકાય! પણ તોય એક ગીત સાંભળો: ‘ગિરિ! ગણેશ મારા શુભકારી; …

પૂજી ગણપતિ, પામ્યો હેમવતી, જાઓ હે ગિરિરાજ, લાવો જઈ ગૌરી…

બિલ્વ-વૃક્ષ-તળે બિછાવી બોધન, ગણેશના કલ્યાણે, ગૌરીનું આગમન;

ઘેર તેડાવું ચંડી, સાંભળું કેટલી ચંડી, કેટલા આવશે દંડી, યોગી જટાધારી…

‘ચંડી જ્યારે આવ્યાં છે ત્યારે કેટલા યોગી જટાધારીઓ પણ આવશે!’

ઠાકુર હસવા લાગ્યા છે. થોડીવાર પછી માસ્ટર, બાબુરામ વગેરે ભક્તોને કહે છે કે ‘મને બહુ હસવું આવે છે. હું વિચાર કરું છું કે આ લોકોને (કીર્તન-મંડળીવાળાઓને) વળી હું ગીત સંભળાવું છું!

નીલકંઠ: અમે જે કીર્તન ગાતા ફરીએ, તેનું ઈનામ આજે મળ્યું!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): કોઈ વસ્તુ વેચે એટલે તેના પર થોડું ઉપરિયામણ આપે. તમે લોકોએ ત્યાં ગાયું, અને અહીં ઉપરિયામણ દીધું. (સૌનું હાસ્ય).

Total Views: 319
ખંડ 34: અધ્યાય 4 : શ્રીરામકૃષ્ણ, કેશવ અને બ્રાહ્મસમાજ - સમન્વયનો ઉપદેશ
ખંડ 34: અધ્યાય 6 : દક્ષિણેશ્વરમાં વેદાંત વાગીશ - ઈશાન વગેરે ભક્તો સાથે