આજ શનિવાર, ૧૧મી ઑક્ટોબર, ઈ.સ. ૧૮૮૪. (૨૬ આશ્વિન-બંગાબ્દ, કૃષ્ણ સપ્તમી) ઠાકુર દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં પોતાના ઓરડામાં નાની પાટ પર સૂતા છે. સમય લગભગ બપોરના બે. જમીન ઉપર માસ્ટર અને પ્રિય મુખર્જી બેઠા છે.

માસ્ટર સ્કૂલમાંથી એક વાગ્યે છૂટીને ચાલતાં ચાલતાં લગભગ બે વાગ્યે દક્ષિણેશ્વર-કાલીમંદિરે પહોંચ્યા છે.

શ્રીરામકૃષ્ણ: યદુ મલ્લિકને ઘેર ગયો’તો. જતાં વેંત પૂછે કે ‘ગાડી ભાડું કેટલું?’ જ્યારે આ લોકો કહે કે ‘ત્રણ રૂપિયા બે આના;’ એટલે એક વાર મને પૂછે. વળી સુકુળ ભટજી એક બાજુએ જઈને ગાડીવાળાને પૂછે. એટલે ગાડીવાળો કહે કે ‘સવાત્રણ! (સૌનું હાસ્ય). એટલે વળી અમારી પાસે દોડતા આવે ને પૂછે કે ‘ભાડું કેટલું?’

‘યદુની પાસે દલાલ આવ્યો, તે યદુને કહેશે કે ‘બડા બજારમાં ચાર કાઠી (વીઘાનો ૨૦મો ભાગ) જમીન વેચાઉ છે, લેવી છે?’ યદુ કહેશે કે ‘કિંમત શું? કિંમત કંઈ ઓછી કરે એમ નથી?’ હું કહું કે ‘હવે તમારે લેવી નહિ ને ખાલી ભાવ કરો છો?’ એટલે વળી મારી સામે જોઈને હસે. સંસારી માણસોનો રિવાજ જ એ, કે પાંચ માણસો આવે જાય; બજારમાં ખૂબ નામ બોલાય.’

‘યદુ અધરને ઘેર ગયો’તો. એટલે મેં વળી કહ્યું કે ‘તમે અધરને ત્યાં ગયા’તા. તેથી અધર બહુ રાજી થયા છે. એટલે યદુ કહે કે ‘હેં, હેં, રાજી થયા છે!’

‘યદુને ઘેર મલ્લિક આવ્યો’તો. બહુ જ ચાલાક અને શઠ. તેની આંખ જોઈને જ હું સમજી શકેલો. તેની આંખની સામે જોઈને મેં કહ્યું કે ‘બહુ ચાલાક થવું સારું નહિ. કાગડો બહુ જ ચાલાક ને હોશિયાર; પણ પારકાનું મેલું ખાય! ઉપરાંત જોયું કે એ લક્ષ્મીહીન. યદુની મા નવાઈ પામી જઈને બોલી ઊઠી કે, ‘બાબા, તમે કેમ કરીને જાણ્યું કે એની પાસે કંઈ નથી?’ તેનો ચહેરો જોઈને જ હું સમજી શક્યો હતો.’

નારાયણ આવેલ છે. તે પણ જમીન પર બેઠો છે.

શ્રીરામકૃષ્ણ (પ્રિયનાથને): હેં ભાઈ, તમારો હરિ બહુ સારો?

પ્રિયનાથ: જી, એવો ખાસ સારો તો શું? પણ હજી બાળકબુદ્ધિ.

નારાયણ: તેણે પોતાની સ્ત્રીને મા કહી છે.

શ્રીરામકૃષ્ણ: એ શું! હુંયે કહી શકતો નથી, અને તેણે મા કહી છે? (પ્રિયનાથને) વાત એમ છે કે છોકરો મજાનો, શાંત, ને ઈશ્વર તરફ મનવાળો છે. 

ઠાકુરે બીજી વાત ઉપાડી.

‘હેમ શું કહેતો’તો? બાબુરામને એ કહે છે કે એક ઈશ્વર જ સાચો, બાકી બધું ખોટું. (સૌનું હાસ્ય). ના ભાઈ, અંતરથી બોલ્યો છે, તેમ વળી મને ઘેર લઈ જઈને કીર્તન સંભળાવવાનું કહેલું. પણ એ કંઈ બન્યું નહિ. ત્યાર પછી કહે કે ‘હું ખોલ-કરતાલ લઉં તો લોકો શી વાતો કરે?’ તેને બીક લાગી કે વખતે લોકો કહેશે કે ‘ગાંડો થઈ ગયો છે!’

(ઘોષપાડાની સ્ત્રીઓનો હરિપદ માટે ગોપાલભાવ – કૌમારવૈરાગ્ય અને સ્ત્રીઓ)

‘હરિપદ ઘોષપાડાની એ બાઈના પલ્લામાં પડ્યો છે; તે છોડતી નથી. કહે છે કે હરિપદને એ ખોળામાં બેસાડીને ખવડાવે. કહે કે ‘ગોપાલ-ભાવ!’ મેં તેને ખૂબ સાવચેત કરી દીધો છે. કહે કે વાત્સલ્ય-ભાવ! એ વાત્સલ્યમાંથી જ વળી તાચ્છલ્ય થઈ જાય!

‘વાત એમ છે કે બાઈ માણસથી બહુ જ દૂર રહેવું જોઈએ, તો પછી કદાચ ભગવત્પ્રાપ્તિ થાય. જેમની દાનત ખરાબ હોય એવી સ્ત્રીઓ પાસે આવજા કરવી કે તેના હાથે કંઈક ખાવું બહુ ખરાબ. તેઓ અંત:કરણનું સત્ત્વ હરણ કરી લે. 

બહુ જ સાવધાનીથી રહીએ તો ભક્તિ ટકી રહે. ભવનાથ, રાખાલ વગેરેએ એક દિવસ પોતે રસોઈ કરી. એ લોકો જમવા બેઠા. એ વખતે એક બાઉલ આવીને એમની પંક્તિમાં બેસીને કહે કે ‘હું જમવાનો છું.’ મેં કહ્યું કે ‘ખાવાનું પૂરું નહિ થાય. જો વધશે તો તારે માટે રાખશે.’ એટલે એ ગુસ્સે થઈને ઊઠી ગયો. શારદીય દુર્ગાપૂજા પછી દશેરાને દિવસેય મીઠું મોઢું કરાવવા સારુ, એકબીજાના મોઢામાં ખવડાવી દેવું એ સારું નહિ. (આ બંગાળી રિવાજ છે.) શુદ્ધ સત્ત્વગુણી ભક્તને હાથે ખાઈ શકાય.

‘સ્ત્રીઓથી ખૂબ સાવધાન રહેવું જોઈએ. ગોપાલ-ભાવ વગેરેની વાતો સાંભળવી જ નહિ! ‘બાઈએ તો ત્રિભુવન નાખ્યું ખાઈ!’ ઘણીયે સ્ત્રીઓ જુવાન છોકરા, દેખાવડા, સુંદર જોઈને નવી માયા ફેલાવે. એટલે ગોપાલ-ભાવ!’

‘જેમ કે જેઓ કૌમાર-વૈરાગ્યવાળા, જેઓ નાની ઉંમરથી જ ઈશ્વર સારુ આકુળવ્યાકુળ થઈને ફરે, સંસારમાં પડે નહિ, તેઓનો એક અલગ જ વર્ગ. તેઓ ‘ચુસ્ત-કુલીન.’ ખરેખરો વૈરાગ્ય હોય તેઓ સ્ત્રીઓથી પચાસ હાથ દૂર રહે. પાછો તેમનો કુલીન-ભાવ ભંગ થઈ જાય તો? જો તેઓ સ્ત્રીના સકંજામાં આવી જાય તો પછી તેઓ ‘ચુસ્ત-કુલીન’ રહે નહીં; તેમનો ભાવ ભંગ થઈ જાય, તેમનું ઘર નીચું થઈ જાય. જેમને ખરેખરો વૈરાગ્ય હોય, તેમનું ઊંચું ઘર; અતિ શુદ્ધ ભાવ. અંગે ડાઘ સરખોય લાગે નહિ. 

(જિતેન્દ્રિય થવાનો ઉપાય – પ્રકૃતિભાવ સાધના)

જિતેન્દ્રિય થવાય કેમ કરીને? પોતામાં સ્ત્રી-ભાવનું આરોપણ કરવું જોઈએ, હું ઘણા દિવસ સુધી સખીભાવમાં હતો. સ્ત્રીઓનાં કપડાં, ઘરેણાં પહેરતો, સાડી પહેરતો, સાડી પહેરીને આરતી કરતો. તે વિના પત્નીને લાવીને આઠ મહિના સાથે રાખી હશે કેવી રીતે? અમે બન્ને માતાજીની સખીઓ!

‘હું મને પુ(પુરુષ) બોલી શકું નહિ. એક દિવસ ભાવ-અવસ્થામાં હતો ત્યારે એણે (મારી પત્નીએ) પૂછ્યું: ‘હું તમને શું થાઉં?’ મેં કહ્યું કે ‘આનંદમયી.’

એક માન્યતા એવી છે કે જેના સ્તન પર દીટું હોય તે સર્વે સ્ત્રી. અર્જુન અને કૃષ્ણની છાતી પર દીટું ન હતું. શિવ-પૂજાનો ભાવ શો, ખબર છે? શિવ-લિંગની પૂજા એટલે માતૃ-સ્થાન અને પિતૃ-સ્થાનની પૂજા. ભક્ત એમ કહીને પૂજા કરે કે ભગવાન જો જો, કે હવે મારે જન્મ લેવો ન પડે, શોણિત-શુક્રની મારફત, માતૃ-સ્થાનમાં થઈને હવે સંસારમાં આવવું ન પડે.’

Total Views: 334
ખંડ 34: અધ્યાય 5 : નીલકંઠ વગેરે ભક્તોની સાથે સંકીર્તનાનંદે
ખંડ 34: અધ્યાય 7 : સ્ત્રીઓ સાથે સાધના (વિશે): શ્રીરામકૃષ્ણનો પુન: પુન: નિષેધ