ઠાકુર શ્રીરામકૃષ્ણ પ્રકૃતિ-ભાવની વાતો કરી રહ્યા છે. શ્રીયુત્ પ્રિય મુખર્જી, માસ્ટર અને બીજા કેટલાક ભક્તો બેઠા છે. એ વખતે ટાગોર કુટુંબના એક શિક્ષક ત્યાંના કેટલાક છોકરાઓને સાથે લઈને આવી પહોંચ્યા.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને): શ્રીકૃષ્ણને શિરે મયૂર-પિચ્છ. મયૂર-પિચ્છમાં યોનિ-ચિહ્ન છે; એટલે કે શ્રીકૃષ્ણે પ્રકૃતિને માથા પર રાખી છે. 

કૃષ્ણ રાસમંડળમાં ગયા. પરંતુ ત્યાં પ્રકૃતિરૂપ થયા. એટલા માટે જોશો તો રાસમંડળમાં તેમનો સ્ત્રીવેશ. એટલે કે પોતે પ્રકૃતિરૂપ થયા વિના પ્રકૃતિના સંગનો અધિકારી થવાય નહિ. પ્રકૃતિ-ભાવ આવે ત્યારે રાસ, ત્યારે સંભોગ. પરંતુ સાધક-અવસ્થામાં ખૂબ સાવધાન રહેવું જોઈએ. એ અવસ્થામાં સ્ત્રીઓથી બહુ જ અળગા રહેવું જોઈએ. એટલે સુધી કે ભક્તિમતી હોય તોય બહુ પાસે જવું નહિ. આમ તેમ ચાલીએ તો પડી જવાનો ખૂબ સંભવ. જેઓ નબળા હોય તેમણે તો પગથિયાં પકડી પકડીને ચઢવું જોઈએ. 

સિદ્ધ અવસ્થાની જુદી વાત. ભગવાનનાં દર્શન થયા પછી એટલી બધી બીક નહિ. ઘણે અંશે નિર્ભય. અગાસી ઉપર એકવાર ચડી જવાય તો બસ. ચડી ગયા પછી અગાસીમાં નાચી પણ શકાય. પણ પગથિયાં પર નાચી શકાય નહિ. વળી જુઓ, જેનો ત્યાગ કરી ગયા છીએ તેનો અગાસી પર પહોંચ્યા પછી ત્યાગ કરવાનો રહે નહિ. અગાસી ઉપર ટ, ચૂનો, રેતીની બનેલી, તેમજ પગથિયાં પણ તેનાં જ બનેલાં. જે સ્ત્રીઓથી આટલા સાવધાન રહેવું જોઈએ, એ જ સ્ત્રીઓ, ભગવાનનાં દર્શન પછી જણાય કે સાક્ષાત્ ભગવતી. ત્યારે તેમની માતા સમજીને પૂજા કરવી. પછી એટલી બીક નહિ.

‘વાત એટલી કે (એન ઘેન ડાહીના ઘોડાની રમતની પેઠે) ડોશીને અડીને મરજી પડે તેમ કરો.

(ધ્યાનયોગ અને શ્રીરામકૃષ્ણ – અંતર્મુખ અને બહિર્મુખ)

‘બહિર્મુખ અવસ્થામાં સ્થૂલ દેખે, મન અન્નમય કોશમાં રહે. ત્યાર પછી સૂક્ષ્મ-શરીર, લિંગ-શરીર, યાને મનોમય અને વિજ્ઞાનમય કોશમાં મન રહે. ત્યાર પછી કારણ શરીર. જ્યારે મન કારણ-શરીરમાં આવે, ત્યારે આનંદ; આનંદમય કોશમાં મન રહે. આ ચૈતન્યદેવની અર્ધબાહ્ય દશા.

ત્યાર પછી મન લીન થઈ જાય. મનનો નાશ થઈ જાય. મહાકારણમાં મનનો લય થાય. મનનો લય થયા પછી કશા ખબર મળે નહિ. આ ચૈતન્યદેવની અંતર્દશા.

‘અંતર્મુખ અવસ્થા કેવી હોય, ખબર છે? દયાનંદ (સરસ્વતી)એ વર્ણવી હતી, કે ‘અંદર આવો, કમાડ દઈને’ એના જેવી. અંદરના ઓરડામાં જે તે જઈ શકે નહિ.

‘હું દીપ-શિખાનું આરોપણ કરતો. ઉપરના રતુમડા ભાગને કહેતો સ્થૂલ, તેની અંદરના ધોળા ભાગને કહેતો સૂક્ષ્મ, અને સૌથી અંદરના કાળા ભાગને કહેતો કારણ-શરીર. 

ધ્યાન બરાબર થાય છે કે નહિ તેનાં લક્ષણ છે. એક લક્ષણ: માથા પર પંખી બેસી જાય, જડ સમજીને.

(પૂર્વકથા – કેશવ સેનનું પહેલું દર્શન, ૧૮૬૪, ધ્યાનસ્થ, આંખ ખોલીને પણ ધ્યાન થઈ શકે)

‘કેશવ સેનને પ્રથમ જોયા આદિ બ્રાહ્મ-સમાજમાં. વેદીની ઉપર કેટલાક જણ બેઠા હતા, વચ્ચે કેશવ બેઠેલા. મેં જોયું તો ધ્યાન કરતાં તેનું શરીર લાકડા જેવું નિશ્ચેષ્ટ! મથુરબાબુને કહ્યું કે ‘જુઓ આનો ટોપ (માછલી પકડતી વેળા ગલમાં ભરાવેલો પદાર્થ) માછલું ગળી ગયું છે. આટલું ધ્યાન હતું એટલે ઈશ્વરેચ્છાથી જે બધાંની તેણે ઇચ્છા કરી હતી તે (માનપાન વગેરે) બધાં મળી ગયાં. 

આંખ ઉઘાડી હોય તોય ધ્યાન થાય. વાતો કરતાંય ધ્યાન થાય. જેમ કે ધારો કે એક જણને દાંતનો દુખાવો છે.

ટાગોર કુટુંબના શિક્ષક: જી, એ હું બરાબર જાણું છું. (હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): હા જી. દાંતનો દુખાવો જો થયો હોય, તો ભલે બધું કામ કરે, પણ મન વેદનામાં જ પડ્યું રહે. એ જ બતાવે છે કે ધ્યાન ખુલ્લી આંખેય થાય, વાતો કરતાંય થાય.

શિક્ષક: પતિતપાવન છે નામ પ્રભુનું, એટલે એ ભરોસો છે. એ તો દયામય.

(પૂર્વકથા – શીખો અને શ્રીયુત્ કૃષ્ણદાસ સાથે વાર્તાલાપ)

શ્રીરામકૃષ્ણ: શીખોએ પણ કહ્યું હતું કે ‘ઈશ્વર દયામય!’ મેં કહ્યું કે ‘એ દયામય કેવી રીતે?’ એટલે તેમણે કહ્યું કે ‘કેમ મહારાજ? ઈશ્વરે આપણને પેદા કર્યા, આપણે માટે આટલી વસ્તુઓ બનાવી, આપણને માણસ બનાવ્યા, પગલે પગલે આપણી રક્ષા કરે છે, એટલે મેં કહ્યું કે ઈશ્વર આપણને જન્મ આપીને સંભાળે છે, ખવડાવે છે, એમાં શી નવાઈ? તમારે છોકરાં હોય, તો તેને તમે સંભાળીને મોટાં ન કરો, તો કોણ બીજી શેરીનાં માણસો આવીને મોટાં કરવાનાં હતાં કે?

શિક્ષક: જી, કોઈકને ઝટ દઈને ઈશ્વરપ્રાપ્તિ થાય ને કોઈકને ન થાય એમ કેમ?

(લાલાબાબુ અને રાણી ભવાનીનો વૈરાગ્ય – સંસ્કાર હોય તો સત્ત્વગુણ)

શ્રીરામકૃષ્ણ: વાત એમ છે કે ઘણું ખરું તો પૂર્વ જન્મના સંસ્કારથી થાય; માણસોને લાગે કે અચાનક થાય છે. 

એક માણસે સવારના પહોરમાં એક જ પ્યાલી દારૂ પીધો. પણ એટલાથી જ હદ ઉપરાંત નશો ચડી ગયો, પગ લથડવા માંડ્યા. એ જોઈને માણસોને નવાઈ લાગી કે એક જ પ્યાલીમાં આટલો હોશ વિનાનો કેમ કરીને થઈ ગયો? ત્યારે એક જણાએ કહ્યું કે ‘અરે આખી રાત ઢીંચ્યા કર્યાે છે!’ 

હનુમાને સોનાની લંકા બાળી ત્યારે માણસો નવાઈ પામી ગયા કે એક વાંદરું આવીને આખી લંકા સળગાવી ગયું? પણ ખરી વાત એમ હતી કે સીતાના નિસાસાથી અને રામના ક્રોધાગ્નિથી લંકા બળી ગઈ હતી.

‘અને જુઓ ‘લાલા બાબુ!’ (બંગાળી જાતિનું ગૌરવ અને પાઈકપાડાના કૃષ્ણચંદ્ર સિંહ, યૌવનમાં વૈરાગ્ય, વર્ષમાં ૭ લાખ રૂપિયાની આવકનો ત્યાગ, મથુરામાં ૩૦મા વર્ષે ગયા હતા. ૪૦ વર્ષની ઉંમરથી માધુકરી કરીને જીવ્યા. ૪૨ વર્ષની ઉંમરે દેહત્યાગ. પત્ની રાણી કાત્યાયિની નિ:સંતાન હતાં. ગુરુ કૃષ્ણદાસ બાબાજી ‘ભક્તમાલ’ નામની બંગાળી ગ્રંથના અનુવાદક.) આટલી આટલી સંપત્તિ, છતાં વૈરાગ્ય! પૂર્વ-જન્મના સંસ્કાર ન હોય તો ઝટ કરીને શું વૈરાગ્ય આવે કે?

‘અને રાણી ભવાની જુઓ. બાઈ માણસ હોવા છતાં કેટલાં જ્ઞાન-ભક્તિ!

(કૃષ્ણદાસનો રજોગુણ – એટલે જગત પર ઉપકાર)

‘છેલ્લો જન્મ હોય તો સત્ત્વગુણ આવે, ભગવાનમાં મન જાય, ઈશ્વર સારુ મન આકુળ-વ્યાકુળ થાય; સંસારી કર્માેમાંથી મન ખેંચાઈ આવે. 

અહીં કૃષ્ણદાસ પાલ આવ્યો હતો. જોયું તો રજોગુણી. પણ ખરો હિન્દુ. આવીને જોડા બહાર કાઢ્યા. જરાક વાતચીત કરીને જોયું તો અંદર કંઈ ન મળે. મેં પૂછ્યું, ‘માણસનું જિંદગીમાં કર્તવ્ય શું?’ તો એ કહે કે ‘જગતનું ભલું કરવું, જગત પર ઉપકાર કરવો.’ મેં કહ્યું ‘આ જગતની ઉપર ઉપકાર કરનારા તમે કોણ? અને શો ઉપકાર કરી નાખવાના હતા? જગત તે શું આટલુંક, કે તેના ઉપર તમે ઉપકાર કરવાના?’

નારાયણ આવ્યો છે. તેને જોઈને ઠાકુરને બહુ જ આનંદ થયો છે. નારાયણને પોતાની પાસે નાની પાટ ઉપર બેસાડ્યો. શરીર પર હાથ ફેરવીને સ્નેહ દર્શાવવા લાગ્યા. તેને મીઠાઈ પ્રસાદ આપ્યો, અને સ્નેહપૂર્વક કહ્યું કે ‘જરા પાણી પીઈશ?’ નારાયણ માસ્ટરની સ્કૂલમાં ભણે. એ ઠાકુરની પાસે આવે એટલા માટે એ બિચારાને ઘેર માર પડે! ઠાકુર સ્નેહથી જરા હસતાં હસતાં નારાયણને કહે છે કે ‘તું એક ચામડાનું પહેરણ કરાવ, એટલે પછી મારે તોય વધુ લાગે નહિ.’ 

ઠાકુર હરીશને કહે છે કે ‘હું હુક્કો પીઈશ.’

(સ્ત્રીઓ સાથે સાધના વિશે ઠાકુરનો વારંવાર નિષેધ – ઘોષપાડાની જેમ)

વળી નારાયણને સંબોધીને કહે છે: ‘હરિપદની પેલી ધરમની મા આવી હતી. મેં હરિપદને ખૂબ સાવચેત કરી દીધો છે. એ લોકોનો ઘોષપાડાનો (વામમાર્ગનો) સંપ્રદાય. મેં પેલીને પૂછ્યું, ‘તારો કોઈ આશ્રય છે?’ તો કહે કે હા, અમુક ચક્રવર્તી!’

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): આહા, તે દિવસ નીલકંઠ આવ્યો’તો! તેનો એવો સરસ ભાવ! વળી એક દિવસ આવવાનું કહી ગયો છે, ગીત સંભળાવવા. આજે પેલી બાજુએ નૃત્ય થઈ રહ્યું છે. જાઓ, જઈને જુઓ ને. (રામલાલને)- તેલ થઈ રહ્યું છે. (વાસણમાં જોઈને) ક્યાં? વાસણમાં તેલ તો નથી!’

Total Views: 447
ખંડ 34: અધ્યાય 6 : દક્ષિણેશ્વરમાં વેદાંત વાગીશ - ઈશાન વગેરે ભક્તો સાથે
ખંડ 34: અધ્યાય 8 : પુરુષપ્રકૃતિવિવેક યોગ - રાધાકૃષ્ણ, એ કોણ? આદ્યશક્તિ