(વેદાંતવાગીશ, દયાનંદ સરસ્વતી, કર્નલ આલકોટ, સુરેન્દ્ર, નારાયણ)

હવે ઠાકુર શ્રીરામકૃષ્ણ આંટા મારી રહ્યા છે. ક્યારેક ઓરડાની અંદર, તો ક્યારેક દક્ષિણ બાજુની ઓસરીમાં. ક્યારેક વળી ઠાકુર ઓરડાની પશ્ચિમ બાજુની અર્ધગોળ ઓસરીમાં ઊભા રહીને ગંગાદર્શન કરે છે.

(સંગ (Environment) દોષ ગુણ, છબિ, વૃક્ષ, બાળક)

ઠાકુર થોડીવાર પછી નાની પાટ પર બેઠા. ત્રણ વાગી ગયા છે. ભક્તો આવીને જમીન પર બેઠા. ઠાકુર નાની પાટ પર બેઠા છે. વચ્ચે વચ્ચે ઓરડાની દીવાલ પર નજર કરે છે. દીવાલ પર કેટલાંક ચિત્રો છે. ઠાકુરની ડાબી બાજુએ શ્રીશ્રીસરસ્વતીનું ચિત્ર. એની થોડેક દૂર ગૌર-નિતાઈ ભક્તો સાથે કીર્તન કરી રહ્યા છે તે ચિત્ર. ઠાકુરની સામે ધ્રુવ અને પ્રહ્લાદની છબી અને મા કાલીની છબી. ઠાકુરની જમણી બાજુએ દીવાલ પર રાજરાજેશ્વરીની છબી. પાછળની દીવાલ પર જિસસની છબી રહેલી છે, તેમાં જિસસ ડૂબી રહેલા પિટરનો ઉદ્ધાર કરે છે. ઠાકુર અચાનક માસ્ટરને કહે છે: ‘જુઓ, સાધુ સંન્યાસીની છબી ઘરમાં રાખવી સારી.’

‘સવારમાં ઊઠીને જેનું તેનું મુખ જોવા કરતાં સાધુ સંન્યાસીનું મુખ જોઈને ઊઠવું સારું. અંગ્રેજી છબી, રાજારાણી કે રાજકુંવરની છબી કે સાહેબ-મેમ ફરવા જાય છે એવી છબી રાખવી, એ રજોગુણથી થાય.

‘જેવી સોબતમાં રહો, તેવો સ્વભાવ થઈ જાય. એટલા માટે છબીમાંય દોષ. તેમજ પોતાનો જેવો સ્વભાવ હોય, એવી સોબત માણસ શોધે. પરમહંસો બે ચાર છોકરાને પાસે રાખે, નજીક આવવા દે, પાંચ છ વરસનાં છોકરાં. એ અવસ્થામાં બાળકો વચ્ચે રહેવું ગમે. બાળકો સત્ત્વ, રજસ્ કે તમસ્, એમાંથી એકે ગુણને વશ ન હોય.

‘વૃક્ષ જોઈને તપોવનમાં ઋષિઓ તપસ્યા કરી રહ્યા છે એવો ભાવ મનમાં ઉત્પન્ન થાય.’

સિંથિના એક બ્રાહ્મણે ઓરડામાં પ્રવેશ કર્યાે અને ઠાકુરને પ્રણામ કર્યા. એ કાશીમાં વેદાન્ત ભણ્યો હતો. શરીરે સ્થૂલ, સદા હસમુખો.

શ્રીરામકૃષ્ણ: કેમ ભાઈ, કેમ છો? ઘણા દિવસ થયા આવ્યા નથી?

પંડિત (સહાસ્ય): જી, સંસારનાં કામકાજ. અને આપ તો જાણો છો કે હવે સમય મળે નહિ. 

પંડિત બેઠા. તેમની સાથે વાતચીત થાય છે.

શ્રીરામકૃષ્ણ: તમે કાશીમાં ઘણા દિવસ રહ્યા હતા. તે શું શું જોયું એ કહો. દયાનંદની થોડી વાત કરો. (દયાનંદ સરસ્વતી, ૧૮૨૪-૧૮૮૩, કાશીના આનંદબાગમાં ચર્ચા, ૧૮૬૯, કોલકાતામાં રહ્યા. ટાગોર લોકોના નઈનાલના પ્રમોદકાનનમાં ડિસેમ્બર, ૧૮૭૨ – માર્ચ, ૧૮૭૩. એ સમયે શ્રીરામકૃષ્ણ, કેશવ સેન અને કેપ્ટનનાં દર્શન. કેપ્ટને લગભગ એ જ સમયે ઠાકુરનાં દર્શન કર્યાં.)

પંડિત: દયાનંદની સાથે મુલાકાત થઈ હતી. આપની સાથે પણ થઈ હતી ને?

શ્રીરામકૃષ્ણ: હા. મળવા ગયો’તો. એ વખતે સામે પાર એક બગીચામાં એ ઊતર્યા હતા. તે દિવસે કેશવ સેન તેમને મળવા આવવાના હતા; તે જાણે કે ચાતકની જેમ કેશવ સારુ આતુર થઈ રહ્યા હતા. જબરા પંડિત. બંગાળી ભાષાને કહેતા ગૌડાન્ડ ભાષા. એ દેવતાને (હોમહવન, કર્મકાંડ) માનતા, કેશવ માનતા નહિ. એટલે કહેતા કે ઈશ્વરે આટલી વસ્તુઓ બનાવી છે અને દેવતા બનાવી શકે નહિ? એ હતા નિરાકારવાદી. કેપ્ટન ‘રામ રામ’ કરતા હતા, એટલે દયાનંદ કહે કે તેના કરતાં ‘પેંડા પેંડા’ બોલો.

પંડિત: કાશીમાં દયાનંદની સાથે પંડિતોનો મોટો વાદવિવાદ થયેલો. આખરે એક બાજુએ પંડિતો અને બીજી એક બાજુએ દયાનંદ!

ત્યાર પછી પંડિતોએ દયાનંદને એવા તો ઉધડા લીધા કે એ ભાગે તો જ બચે. સૌ કોઈ એકી સાથે ઉચ્ચ સ્વરે બોલવા લાગ્યા: ‘દયાનંદેન યદુક્તં તદ્ધેયમ્ – દયાનંદનો મત ત્યાજ્ય છે.’

(શ્રીરામકૃષ્ણ અને થિયોસોફી – એ લોકો શું ઈશ્વરને વ્યાકુળ થઈને શોધે?)

‘વળી થિયોસોફીવાળા કર્નલ આલકોટનેય હું મળ્યો હતો. એ લોકો કહે છે કે કેટલાક મહાત્માઓ છે, અને ચંદ્રલોક, સૂર્યલોક, નક્ષત્રલોક એ બધાંય છે. સૂક્ષ્મ શરીર એ બધી જગાએ જાય, એવી બધી ઘણીયે વાતો છે! વારુ, મહાશય આપને થિઓસોફી કેમ લાગે છે?

કર્નલ આલકોટ

શ્રીરામકૃષ્ણ: ભક્તિ જ એકમાત્ર સાર, ઈશ્વરમાં ભક્તિ. એ લોકો શું કંઈ ભક્તિ ઇચ્છે છે? જો તેમ હોય તો સારું. ભગવત્પ્રાપ્તિ ઉદ્દેશ હોય તો સારું. પણ ચંદ્રલોક, સૂર્યલોક, નક્ષત્રલોક, મહાત્માઓ, એકલું એ બધાને લઈને રહ્યે ઈશ્વરને શોધવાનું બને નહિ. ઈશ્વરનાં ચરણકમલમાં ભક્તિ આવવા માટે સાધના કરવી જોઈએ. આતુર થઈને ઈશ્વરને બોલાવવો જોઈએ. જુદી જુદી બાબતોમાંથી મનને ખેંચી લાવીને ઈશ્વરમાં લગાવવું જોઈએ. એમ કહીને ઠાકુરે રામપ્રસાદનું ગીત ઉપાડ્યું: 

મન શું શોધ કરો તેની પાગલ પેઠે અંધારા ઘરમાં?

એ તો ભાવનો વિષય, ભાવ વિના શું અભાવથી કોઈ પામી શકે?

એ ભાવ માટે પરમ યોગી, યોગ કરે યુગ-યુગાન્તરે,

થયે ભાવનો ઉદય, ખેંચી લે તેવો, જેવો ચુંબક લોઢું ધરે…..

અને શાસ્ત્ર કહો, દર્શન કહો, વેદાન્ત કહો, એ કશામાં ઈશ્વર નથી બેઠો. તેના સારુ પ્રાણ વ્યાકુળ થયા વિના કશું વળે નહિ.

‘કોણ જાણે કાલી કેવી, 

ષડ્-દર્શન નવ પામે દર્શન, આગમ નિગમ તંત્ર સારે,

એ તો ભક્તિ-રસનો રસિક, સદાનંદે વિરાજ કરે હૃદયે. …

‘ખૂબ વ્યાકુળ થવું જોઈએ. એક ગીત સાંભળો:

‘રાધાનાં દર્શન પામી શકે બધાં?’

(અવતાર પણ સાધના કરે – લોકોપદેશ માટે – સાધના અને ત્યાર પછી ઈશ્વરદર્શન)

સાધનાની ઘણી જ જરૂર, ઝટ દઈને શું ઈશ્વર-દર્શન થાય? 

એક જણે પૂછ્યું કે આપણે ઈશ્વરને કેમ જોઈ શકતા નથી? એટલે મને મનમાં થયું, અને તેને કહ્યું કે મોટું માછલું પકડવું હોય તો તેની તૈયારી કરો, તેને ચારો નાખો; દોરી, સોટી બધું લઈ આવો. ખાવાની ગંધ આવતાં ‘ઊંડા પાણી’માંથી માછલું આવે. પાણી હાલ્યે ખબર પડે કે મોટું માછલું આવ્યું છે. 

માખણ ખાવાની ઇચ્છા હોય તો ‘દૂધમાં માખણ છે, દૂધમાં માખણ છે’ એમ ગોખ્યે શું વળે? વલોવવાની મહેનત કરવી જોઈએ, ત્યારે માખણ ઉપર આવે. ‘ઈશ્વર છે, ઈશ્વર છે’ એમ બોલ્યે શું ઈશ્વર દેખાવાનો હતો? સાધના જોઈએ.’

ભગવતીએ પોતે પંચમુંડી આસન પર બેસીને કઠોર તપસ્યા કરી હતી લોકોપદેશ માટે. શ્રીકૃષ્ણ સાક્ષાત્ પૂર્ણબ્રહ્મ. તેમણે પણ રાધા-યંત્ર મેળવીને લોકોપદેશ સારુ તપસ્યા કરી હતી.

(રાધા જ આદ્યશક્તિ કે પ્રકૃતિ – પુરુષ અને પ્રકૃતિ, બ્રહ્મ અને શક્તિ અભેદ)

શ્રીરામકૃષ્ણ: શ્રીકૃષ્ણ પુરુષ, રાધા પ્રકૃતિ, ચિત્શક્તિ, આદ્યશક્તિ. રાધા પ્રકૃતિ ત્રિગુણમયી. એની અંદર સત્ત્વ, રજસ્, તમસ્, એ ત્રણે ગુણો છે. જેમ કે ડુંગળીનાં ફોતરાં કાઢતાં જાઓ, તો પ્રથમ લાલ-કાળાના મિશ્રણ જેવા રંગનું, પછી લાલ, પછી ધોળું એમ ફોતરાં નીકળ્યા કરે. વૈષ્ણવશાસ્ત્રોમાં ત્રણ પ્રકારની રાધા કહેવામાં આવી છે: કામરાધા, પ્રેમરાધા, નિત્યરાધા. કામરાધા ચંદ્રાવલિ, પ્રેમરાધા શ્રીમતી, નિત્યરાધાનાં નંદજીએ દર્શન કરેલાં: ગોપાલને ખોળામાં લઈને.

આ ચિત્શક્તિ અને વેદાન્તનો બ્રહ્મ (પુરુષ) અભિન્ન. જેમ કે જળ અને તેની શીતળતા. જળની શીતળતાનો વિચાર કરતાં જ જળનો વિચાર આવે, તેમજ જળનો વિચાર કરતાંની સાથે જ જળની શીતળતાનો વિચાર આવી પડે. સાપ અને સાપની વાંકીચૂંકી ચાલ. વાંકીચૂંકી ચાલનો વિચાર કરતાં જ સાપનો વિચાર કરવો પડે. હું બ્રહ્મ કહું ક્યારે? જ્યારે નિષ્ક્રિય કે કાર્યમાં નિર્લિપ્ત. પુરુષ જ્યારે વસ્ત્ર પહેરે ત્યારેય એ જ પુરુષ રહે. હતો દિગંબર, થયો સાંબર; વળી થશે દિગંબર. સાપની અંદર વિષ છે, તેથી સાપને કંઈ થાય નહિ, જેને કરડે તેને માટે વિષ. તેમ બ્રહ્મ પોતે અલિપ્ત.

‘નામ-રૂપ જ્યાં જ્યાં હોય ત્યાં પ્રકૃતિનું ઐશ્વર્ય. સીતાએ હનુમાનને કહ્યું, ‘વત્સ! હું જ એક રૂપે રામ, તેમજ એક રૂપે સીતા થઈ રહી છું. એક રૂપે ઇન્દ્ર, એક રૂપે ઇંદ્રાણી; એક રૂપે બ્રહ્મા, એક રૂપે બ્રહ્માણી; એક રૂપે રુદ્ર, એક રૂપે રુદ્રાણી થઈ રહી છું. નામ-રૂપવાળું જે કાંઈ છે, એ બધું ચિત્શક્તિનું ઐશ્વર્ય. બધાં જ ચિત્શક્તિનાં ઐશ્વર્ય. એટલે સુધી કે ધ્યાન, ધ્યાતા સુધ્ધાં. હું ધ્યાન કરું છું એવું જ્યાં સુધી ભાન છે, ત્યાં સુધી હજી ચિત્શક્તિની જ હદમાં છીએ. 

(માસ્ટરને): આ બધાંની ધારણા કરો. વેદ, પુરાણ સાંભળવાં જોઈએ. ઈશ્વર જે કહે છે તે પ્રમાણે કરવું જોઈએ.

(પંડિતને) ‘અવારનવાર સાધુસંગ કરવો સારો. રોગ તો માણસને લાગેલો જ છે. સાધુસંગથી બહુ આરામ રહે. 

(વેદાંતવાગીશને ઉપદેશ – સાધુસંગ કરો – મારું કોઈ નથી – દાસભાવ)

હું અને મારું એ અજ્ઞાન. આનું નામ જ યથાર્થ જ્ઞાન, કે ‘હે ઈશ્વર! તમે જ બધું કર્યું છે અને તમે જ મારા પોતાના સ્વજન અને તમારું જ આ બધું; ઘર, સ્ત્રી, સગાં, મિત્ર, આખું જગત તમારું!’ અને ‘હું બધું કરું છું, હું કર્તા; મારાં ઘરબાર, સ્ત્રીપુત્રાદિ, મિત્ર, સંપત્તિ’ એ બધું અજ્ઞાન.’

‘એક ગુરુ શિષ્યોને સમજાવતા હતા કે ‘ઈશ્વર જ તમારા પોતાના, બીજું કોઈ તમારું નહિ.’ એક શિષ્યે કહ્યું, ‘ગુરુજી, મારી મા, સ્ત્રી વગેરે તો મારા પર બહુ જ પ્રેમ રાખે છે. એક દિવસ મને ન જુએ તો તેમને દુનિયામાં અંધારું દેખાય એટલાં બધાં ચાહે છે.’ ગુરુ કહે, ‘એ તારી ભૂલ છે. હું તને દેખાડી દઉં કે કોઈ તારું નથી. આ દવાની ગોળી તારી પાસે લઈને રાખ. ઘેર જઈને એ ખાઈને સૂઈ જજે, એટલે તું મરી ગયા જેવો થઈ જઈશ. માણસો જાણશે કે તું મરી ગયો છે; પણ તને બધું જ્ઞાન રહેશે. તું બધું જોઈ, સાંભળી શકીશ. એટલામાં હું આવી પહોંચીશ.

‘વારુ, શિષ્યે તો એમ કર્યું. ઘેર જઈને ગોળીઓ ખાઈ ગયો. થોડીકવારમાં જ તદ્દન અચેતન જેવો થઈને પડી રહ્યો. મા, પત્ની, ઘરનાં બધાંએ રડારોળ કરવા માંડી. એ વખતે ગુરુ વૈદ્યરાજ બનીને આવ્યા. બધું સાંભળી કરીને કહે છે કે ‘એની એક દવા છે! એ પ્રમાણે જો થાય તો છોકરો બચી જાય. પણ એક વાત છે. એ દવા પ્રથમ તેની નજીકના એક અંગત માણસે ખાવાની, ત્યાર પછી તેને દવા આપવાની. જે માણસ પહેલાં ખાય તેનું મોત થાય; પણ આ છોકરો જીવતો થઈ જાય! તો અહીં તો તેની મા ને સ્ત્રી ને એ બધાંય છે, તેમાંથી કોઈક ને કોઈક તો જરૂર ખાશે, એમાં શક નહિ. એ સાથે જ છોકરો જીવતો થઈ જશે.’

‘શિષ્ય બધું સાંભળે છે. વૈદ્યરાજે પ્રથમ માને બોલાવી. મા તો દુ:ખની મારી પછડાટો ખાતી હતી અને ચોધાર આંસુએ રડતી હતી. વૈદ્યરાજ કહે છે ‘મા! હવે તમારે રડવાનું નથી. આ દવા ખાઈ જાઓ, એટલે છોકરો જીવતો થશે. પણ તમારું શરીર છૂટી જશે.’ મા ગોળી હાથમાં લઈને વિચારમાં પડી ગયાં. ખૂબ વિચાર કરીને રોતાં રોતાં બોલ્યાં, ‘બાપુ! મારે તો હજી બીજાયે કેટલાક દીકરા-દીકરીઓ છે. હું જાઉં તો તેમનું શું થાય, તેમને કોણ સંભાળે, ખવરાવે, તેમને માટે ચિંતા કરું છું.’ એટલે વૈદ્યરાજે પેલા શિષ્યની સ્ત્રીને બોલાવીને દવાની ગોળી હાથમાં મૂકી. સ્ત્રી તો ખૂબ રોતી હતી. જીવલેણ ગોળી હાથમાં જોઈને તેય વિચારમાં પડી ગઈ. તેણે સાંભળ્યું કે આ દવા ખાધે મરવું પડશે, એટલે એ રોતી રોતી કહેવા લાગી કે ‘અરે રે, એમનું તો જે થવાનું હતું તે તો થઈ ગયું રે, હવે મારાં આ કચ્ચાંબચ્ચાંનું શું થશે રે? મારા વિના એમને કોણ સંભળાશે રે? હું કેમ કરીને દવા ખાઉં રે?’ અંતે બધું સાંભળતાં શિષ્યનો દવાનો નશો ઊતરી ગયો. તે સમજ્યો કે આ સંસારમાં કોઈ કોઈનું નથી. તરત જ તે ઊભો થઈને ગુરુની સાથે ચાલતો થયો. ગુરુ બોલ્યા કે, ‘તમારું પોતાનું જો કોઈ હોય તો કેવળ એક ઈશ્વર.’ 

એટલા માટે ઈશ્વરનાં ચરણકમલમાં જેથી ભક્તિ આવે, જેથી ‘ઈશ્વર જ મારા’ એવું જાણીને તેના પર પ્રેમ થાય, એ કરવું એ જ સારું. સંસાર તો જુઓ છો ને, કે બે દિવસને માટે; અને એમાં કાંઈ નથી.’

(ગૃહસ્થ બધો ત્યાગ ન કરી શકે – જ્ઞાન અંત:પુરમાં ન જઈ શકે – ભક્તિ જઈ શકે)

પંડિત (હસીને): જી, અહીંયાં આવીએ તે દિવસે પૂરેપૂરો વૈરાગ્ય આવી જાય, મનમાં એવું થઈ જાય કે સંસાર-ત્યાગ કરીને ચાલ્યો જાઉં?

શ્રીરામકૃષ્ણ: ના, ત્યાગ કરવો શું કામ? તમે લોકો મનથી ત્યાગ કરો. સંસારમાં અનાસક્ત થઈને રહો. 

સુરેન્દ્રે અવારનવાર અહીંયાં રાત્રે આવીને રહેવા સારુ એક પથારી લાવીને રાખી મૂકી હતી. એક બે દિવસ આવ્યો પણ હતો. ત્યાર પછી તેની સ્ત્રી કહે કે દિવસને વખતે મરજી પડે ત્યાં જાઓ, રાત્રે ઘરની બહાર જવાનું નહિ! એટલે પછી સુરેન્દ્ર બીજું શું કરે? એ પછી રાત્રે બહાર રહી શકાય નહિ!

‘અને જુઓ એકલો વિચાર કર્યાથી શું વળે? ઈશ્વરને માટે વ્યાકુળ થાઓ, તેને ચાહતાં શીખો. જ્ઞાન-વિચાર, એ છે જાણે કે પુરુષ-માણસ. ઘરના બહારના ભાગ સુધી આવી શકે. 

ભક્તિ, બાઈ-માણસ; ઠેઠ અંત:પુર સુધી જાય.

‘ગમે તે એક ભાવનો આધાર લેવો જોઈએ, તો ઈશ્વર-પ્રાપ્તિ થાય. સનક વગેરે ઋષિઓ શાંત-ભાવ લઈને રહ્યા હતા. હનુમાનનો દાસભાવ હતો. શ્રીદામ, સુદામ, વ્રજના ગોવાળિયાઓનો સખ્ય-ભાવ; યશોદાનો વાત્સલ્ય-ભાવ, ઈશ્વરમાં સંતાન-ભાવના; શ્રીમતી રાધિકાનો મધુર-ભાવ.

‘હે ઈશ્વર તમે પ્રભુ, હું દાસ, એ ભાવનું નામ દાસભાવ. સાધકને માટે એ ભાવ બહુ જ સારો.’

પંડિત: જી હાં.

Total Views: 307
ખંડ 34: અધ્યાય 7 : સ્ત્રીઓ સાથે સાધના (વિશે): શ્રીરામકૃષ્ણનો પુન: પુન: નિષેધ
ખંડ 34: અધ્યાય 9 : ઈશાનને ઉપદેશ - ભક્તિયોગ અને કર્મયોગ - જ્ઞાનનાં લક્ષણ