શ્રીરામકૃષ્ણ: ડૂબકી મારો, ઈશ્વરને ચાહતાં શીખો, તેના પ્રેમમાં મગ્ન થાઓ. જુઓ, મેં તમારી ઉપાસના સાંભળી છે; પરંતુ તમારા બ્રાહ્મ-સમાજમાં ઈશ્વરના ઐશ્વર્યનું આટલું બધું વર્ણન કરો છો શા માટે? – હે ઈશ્વર, તમે આકાશ બનાવ્યું છે, તમે મોટા મોટા દરિયા બનાવ્યા છે, ચંદ્ર-લોક, સૂર્ય-લોક, નક્ષત્ર-લોક એ બધું બનાવ્યું છે! એ બધી બાબતોની આપણને શી જરૂર?
બધા માણસો શેઠનો બગીચો જોઈને જ ફિદા! કેવાં મજાનાં ઝાડ, કેવાં ફૂલ, કેવું તળાવ, કેવું દીવાનખાનું, કેવી તેની અંદરની છબીઓ, એ બધું જોઈને જ નવાઈ પામે! પરંતુ બગીચાના માલિકને શોધે કેટલા? શેઠને શોધે એક બે જણ! ઈશ્વરને વ્યાકુળ થઈને શોધવાથી તેમનાં દર્શન થાય, તેમની સાથે ઓળખાણ થાય, વાતચીત થાય, જેમ હું તમારી સાથે વાતચીત કરું છું તેમ, સાચું કહું છું દર્શન થાય.’
‘આ વાત કોને કહું છું ને કોણ એ માનશે?’
(શાસ્ત્રો કે પ્રત્યક્ષ – The Law of Revelation)
‘શાસ્ત્રોમાંથી શું ઈશ્વરને મેળવી શકાય? શાસ્ત્રો ભણીને બહુ બહુ તો ઈશ્વર છે એટલું સમજાય. પરંતુ પોતે ડૂબકી ન મારે તો ઈશ્વર દર્શન આપે નહિ. ડૂબકી માર્યા પછી એ પોતે જ પોતાનું સ્વરૂપ દેખાડી દે, ત્યારે સંદેહ દૂર થાય. ચોપડાં હજાર વાંચો, મોઢે હજાર શ્લોકો બોલો, પણ વ્યાકુળ થઈને ઈશ્વરમાં ડૂબકી માર્યા વિના તેને પકડી શકવાના નથી. એકલી પંડિતાઈથી માણસને છેતરી શકો, પણ ઈશ્વરને નહિ.
શાસ્ત્રો, ગ્રંથો, એકલાં એ બધાંથી શું વળે? ઈશ્વરની કૃપા થયા વિના કાંઈ વળે નહિ. વ્યાકુળ થઈને પ્રયાસ કરો, જેથી તેની કૃપા થાય. કૃપા થતાં ઈશ્વરનાં દર્શન થશે, તે તમારી સાથે વાતચીત પણ કરશે.
(બ્રાહ્મસમાજ અને સામ્ય – ઈશ્વરનો વૈષમ્યદોષ)
સબ-જજ: મહાશય, ઈશ્વરની કૃપા શું એક ઉપર વધારે ને બીજા ઉપર ઓછી? ત્યારે તો ઈશ્વરમાં પક્ષપાત દોષ આવે!
શ્રીરામકૃષ્ણ: એ શું! ગોળ અને ખોળ સરખા? તમે જે કહો છો તે જ વાત ઈશ્વર વિદ્યાસાગર પણ કહેતા હતા. તે કહે કે ‘મહાશય, શું ઈશ્વરે કોઈને વધારે શક્તિ આપી છે ને કોઈને ઓછી?’ મેં કહ્યું, ‘વિભુરૂપે એ સૌની અંદર છે, જે રીતે મારી અંદર તે જ રીતે કીડીમાં પણ, પરંતુ શક્તિનો તફાવત છે. જો સહુ સમાન હોય તો ઈશ્વર વિદ્યાસાગર નામ સાંભળીને અમે તમને શા માટે મળવા આવ્યા છીએ? તમને શું બે શિંગડાં ઊગ્યાં છે? એમ નથી. તમે દયાળુ, તમે પંડિત. એ બધા ગુણો તમારામાં બીજાના કરતાં વધારે છે એટલે તમારું આટલું બધું નામ! જુઓ ને એવા માણસો પડ્યા છે કે જે એકલા એકસોને હરાવી શકે, તેમજ એવાય પડ્યા છે કે જે એક જણથીયે ડરીને ભાગે.
‘જો શક્તિમાં ફેર ન હોત તો લોકો કેશવને આટલા માનત શા માટે?
ગીતામાં છે કે જેને ઘણા માણસો માને, પછી એ વિદ્યાને માટે, ગાવા-બજાવવા માટે, લેક્ચર આપવા માટે, કે યા બીજા કશાને માટે હોય પણ જરૂર જાણજો કે તેનામાં ઈશ્વરની વિશેષ શક્તિ છે.
બ્રાહ્મ-ભક્ત (સબ-જજને): તેઓ જે કહે છે તે માની લો ને?
શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મ-ભક્તને): તમે તે કેવા માણસ છો? વાતમાં શ્રદ્ધા રાખ્યા વગર, માત્ર માની લેવું? કપટ? તમે તો ખોટા કાચ જેવા લાગો છે!
બ્રાહ્મ-ભક્ત અતિશય ઝંખવાણો પડી ગયો.






