આજે શ્રીરામકૃષ્ણ બડાબજારમાં, ૧૨ નંબર, મલ્લિક સ્ટ્રીટમાં પધારવાના છે. મારવાડીએ અન્નકૂટ ભર્યાે છે. તેનાં દર્શન કરવાનું ઠાકુરને આમંત્રણ છે. બે દિવસ પહેલાં શ્યામા-પૂજા થઈ ગઈ છે. તે દિવસે ઠાકુરે દક્ષિણેશ્વરમાં ભક્તો સાથે આનંદ કર્યાે હતો. તેને બીજે દિવસે વળી ભક્તો સાથે સિંથિ બ્રાહ્મ-સમાજના ઉત્સવમાં ગયા હતા. આજે સોમવાર, ૨૦મી ઑક્ટોબર, ઈ.સ. ૧૮૮૪. કારતક સુદ એકમ અને બીજ, બડાબજારમાં હજી દિવાળીનો આનંદ ચાલી રહ્યો છે.

આશરે ત્રણ વાગ્યે માસ્ટર છોટા ગોપાલની સાથે બડાબજારમાં આવી પહોંચ્યા. ઠાકુરે પંચિયાં લેવાનું કહ્યું છે તે લીધાં. તે કાગળમાં વીંટેલાં, એક હાથમાં છે. મલ્લિક સ્ટ્રીટમાં બેઉ જણા પહોંચીને જુએ છે તો માણસોનો સાગર; બળદ-ગાડાં, ઘોડાગાડી ખૂબ ભેગાં થયાં છે. ૧૨ નંબર સ્ટ્રીટ નજીક જઈને જોયું તો ઠાકુર ગાડીમાં બેઠેલા, ને ગાડી આવી શકતી નથી. અંદર બાબુરામ ને રામ ચેટર્જી છે. ગોપાલ અને માસ્ટરને જોઈને ઠાકુર હસે છે.

ઠાકુર ગાડીમાંથી ઊતર્યા. સાથે બાબુરામ. માસ્ટર આગળ આગળ રસ્તો દેખાડીને લઈ જાય છે. મારવાડીઓને ઘેર પહોંચીને જુએ છે તો નીચે ચોગાનમાં કેવળ કાપડની ગાંસડીઓ પડેલી છે. વચ્ચે વચ્ચે બળદગાડીમાં માલ ભરાય છે. ઠાકુર ભક્તો સાથે ઉપલે માળે ગયા. મારવાડીઓએ પણ આવીને તેમને બીજે માળે એક ઓરડામાં બેસાડ્યા. એ ઓરડામાં મા કાલીનું એક ચિત્ર છે. તે જોઈને ઠાકુરે નમીને પ્રણામ કર્યા. ઠાકુર બેઠા, અને હસમુખે ચહેરે ભક્તો સાથે વાતો કરે છે. 

એક મારવાડી આવીને ઠાકુરની ચરણસેવા કરવા લાગ્યો. ઠાકુર કહે છે ‘રહેવા દો, રહેવા દો.’ પણ વળી કંઈક વિચાર કરીને કહ્યું, ‘વારુ, જરા (પદસેવા) કરો.’ એકેએક શબ્દ કરુણાપૂર્ણ.

માસ્ટરને કહે છે, ‘સ્કૂલનું શું?-’

માસ્ટર: જી, રજા!

શ્રીરામકૃષ્ણ (હસીને): કાલે વળી અધરને ત્યાં ચંડીનું ગીત છે.

ઘર-માલિક મારવાડી ભક્તે એક પંડિતજીને ઠાકુરની પાસે મોકલી દીધા. પંડિતજી આવીને ઠાકુરને પ્રણામ કરીને બેઠા. પંડિતજીની સાથે ઈશ્વર સંબંધી કેટલીયે વાતો થાય છે.

(શ્રીરામકૃષ્ણની કામના – ભક્તિકામના – ભાવ, ભક્તિ, પ્રેમ – પ્રેમનો અર્થ)

અવતાર વિશે વાત થવા લાગી.

શ્રીરામકૃષ્ણ: ભક્તને માટે અવતાર, જ્ઞાનીને માટે નહિ.

પંડિતજી: પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્।

ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે।।

અવતાર, પ્રથમ ભક્તોના આનંદને માટે આવે, અને બીજું દુષ્ટોના દમનને માટે. પરંતુ જ્ઞાની કામના રહિત હોય.

શ્રીરામકૃષ્ણ (હસીને): પણ મારી બધી કામના ગઈ નથી. મને ભક્તિની કામના છે.

એ વખતે પંડિતજીનો પુત્ર આવીને ઠાકુરની ચરણવંદના કરીને એક બાજુએ બેઠો.

શ્રીરામકૃષ્ણ (પંડિતજીને): વારુ, જી, ભાવ કોને કહે, અને ભક્તિ કોને કહે?

પંડિતજી: ઈશ્વરનું ચિંતન કરી કરીને મનોવૃત્તિ કોમલ થઈ જાય તેનું નામ ભાવ. જેમ કે સૂર્ય ઊગે ત્યારે બરફ ગળી જાય તેમ.

શ્રીરામકૃષ્ણ: વારુ, જી, પ્રેમ કોને કહે?

પંડિતજી હિંદીમાં વાત કરી રહ્યા છે. ઠાકુર પણ તેમની સાથે અતિ મધુર હિંદીમાં વાત કર્યે જાય છે. પંડિતજીએ ઠાકુરના પ્રશ્નના જવાબમાં પ્રેમનો અર્થ એક પ્રકારે સમજાવી દીધો.

શ્રીરામકૃષ્ણ (પંડિતજીને): ના, પ્રેમનો અર્થ એ નહિ. પ્રેમનો અર્થ, ઈશ્વરમાં એવો સ્નેહ કે જગત તો ભુલાઈ જાય, પણ પોતાનો દેહ કે જે આટલો બધો પ્રિય છે તે પણ વિસરાઈ જાય! ચૈતન્યદેવને પ્રેમ થયો હતો.

પંડિતજી: જી હાં. જેમ પીધેલા માણસને થાય તેમ.

શ્રીરામકૃષ્ણ: વારુ, જી, કોઈમાં ભક્તિ આવે તો કોઈમાં આવે નહિ, એનું કારણ શું?

પંડિતજી: ઈશ્વરમાં વૈષમ્ય – દોષ નથી, એ તો કલ્પતરુ જેવા છે. જે જે માગે તે તે પામે; પણ કલ્પતરુની પાસે જઈને માગવું જોઈએ.

પંડિતજી હિંદીમાં આ બધું બોલી રહ્યા છે. ઠાકુર માસ્ટર તરફ ફરીને એ બધી વાતોનો અર્થ કહી દે છે.

(સમાધિતત્ત્વ)

શ્રીરામકૃષ્ણ: વારુ જી, સમાધિ કેટલા પ્રકારની, તે કહો જોઈએ.

પંડિતજી: સમાધિ બે પ્રકારની: સવિકલ્પ અને નિર્વિકલ્પ. નિર્વિકલ્પ સમાધિમાં કોઈ જાતનો વિકલ્પ નહિ.

શ્રીરામકૃષ્ણ: હાં, તદાકારકારિત. ત્યાં ધ્યાતા – ધ્યેયનો ભેદ રહે નહિ. ઉપરાંત ચેતન સમાધિ અને જડ સમાધિ. નારદ, શુકદેવ વગેરેની ચેતન સમાધિ, કેમ જી?

પંડિતજી: જી, હાં.

શ્રીરામકૃષ્ણ: અને એ ઉપરાંત ઉન્મના સમાધિ અને સ્થિત સમાધિ, શું કહો છો? પંડિતજી મૂંગા રહ્યા; કશું બોલ્યા નહિ.

શ્રીરામકૃષ્ણ: વારુ, જી, જપતપ કરવાથી તો સિદ્ધાઈ મળી શકે ને? જેમ કે ગંગાના પાણી ઉપર થઈને ચાલ્યા જવું વગેરે.

પંડિતજી: જી એ મળે, પણ ભક્ત એ માગે નહિ.

બીજી થોડી વાતચીત પછી પંડિતજીએ કહ્યું, ‘એકાદશીને દિવસે દક્ષિણેશ્વર આપનાં દર્શન કરવા આવીશ.’

શ્રીરામકૃષ્ણ: આહા, તમારો છોકરો મજાનો છે!

પંડિતજી: અરે મહારાજ! નદીનું એક મોજું જાય છે, તો એક મોજું આવે છે; બધું અનિત્ય.

શ્રીરામકૃષ્ણ: તમારી અંદર સાર છે.

થોડી વાર પછી પંડિતજીએ પ્રણામ કર્યા; અને બોલ્યા: ‘ત્યારે પૂજા કરવા હું જાઉં?’

શ્રીરામકૃષ્ણ: અરે બૈઠો, બૈઠો. 

પંડિતજી વળી બેઠા.

ઠાકુરે હઠયોગની વાત ઉપાડી. પંડિતજી હિંદીમાં ઠાકુરની સાથે એ સંબંધી વાતો કરે છે. ઠાકુર બોલ્યા, ‘હાં, એ એક જાતની તપસ્યા ખરી. પરંતુ હઠયોગી દેહાભિમાની સાધુ; કેવળ દેહની તરફ જ મન.’

પંડિતજીએ હવે વિદાય લીધી, પૂજા કરવા જવા સારુ.

ઠાકુર પંડિતજીના પુત્રની સાથે વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ: જરા ન્યાય, વેદાન્ત અને દર્શન વાંચવાથી શ્રીમદ્ ભાગવત સારી રીતે સમજી શકાય, કેમ?

પંડિતજીનો પુત્ર – હાં મહારાજ, સાંખ્ય દર્શન ભણવાની બહુ જરૂર. 

એ પ્રમાણે વાતો વચ્ચે વચ્ચે ચાલવા લાગી.

ઠાકુર તકિયો જરા આડો કરીને લાંબા પડ્યા. પંડિતજીનો પુત્ર અને કેટલાક ભક્તો જમીન પર બેઠેલા છે. ઠાકુરે પડ્યા પડ્યા ગીત ઉપાડ્યું:

હરિસેં લાગી રહો રે ભાઈ, તેરી બનત બનત બન જાઈ…

હરિસેં લાગી રહો રે ભાઈ, તેરી બિગડી બાત બન જાઈ…

અંકા તારે, બંકા તારે, તારે સુજન કસાઈ;

શુક પડાય કે ગણિકા તારે, તારે મીરાંબાઈ…

(દોલત દુનિયા માલ ખજાના, બધિયા બેલ ચરાય;

જબ હિ કાલ કો ડંકા બાજે, ખોજ ખબર નહિ પાય..

ઐસી ભક્તિ કરો ઘટ ભીતર, છોડ કપટ-ચતુરાઈ;

સેવા બંદગી ઔર અધીનતા સહજ મિલૈં રઘુરાઈ..

કહત ‘કબીર’ સુનો ભાઈ સાધો, સતગુરુ બાત બતાઈ;

યહ દુનિયા દિન ચાર દિહાડે, રહો રામ લવ લાઈ.)

Total Views: 300
ખંડ 35: અધ્યાય 9 : મા-કાલી બ્રહ્મ - પૂર્ણ જ્ઞાન થતાં અભેદ
ખંડ 35: અધ્યાય 11 : શું અત્યારે અવતાર નથી?