એટલામાં ઘરમાલિકે આવીને પ્રણામ કર્યા. એ મારવાડી ભક્ત ઠાકુર ઉપર બહુ ભક્તિ રાખે. પંડિતજીનો છોકરો બેઠો છે. ઠાકુરે પૂછ્યું, ‘પાણિનિ વ્યાકરણ શું આ દેશમાં ભણાવવામાં આવે છે?’

માસ્ટર: જી પાણિનિ?

શ્રીરામકૃષ્ણ: હાં. અને ન્યાય, વેદાંત એ બધાંનો અભ્યાસ કરાવવામાં આવે છે? 

ઘરમાલિક એ બધી વાતમાં ધ્યાન ન દેતાં પ્રશ્ન પૂછે છે.

ઘરમાલિક: મહારાજ, ઉપાય શો?

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરનાં નામ-ગુણ-કીર્તન, સાધુસંગ, વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના.

ઘરમાલિક: મહારાજ, એવો આશીર્વાદ આપો કે જેથી સંસારમાંથી મન ઓછું થઈ જાય.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): છે કેટલું? આઠ આના? (હાસ્ય).

ઘરમાલિક: જી, એ તો આપ જાણો, મહાત્માની દયા વિના કશું થાય નહિ.

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરને સંતુષ્ટ કરવાથી સર્વે સંતુષ્ટ થાય. મહાત્માના હૃદયમાંય એ જ છે ને?

ઘરમાલિક: ઈશ્વર મળે તો તો પછી વાત જ શી? કંઈ જ બાકી ન રહે. ઈશ્વરને જો કોઈ પામે તો તો બધું છોડી દે. રૂપિયો મળતાં માણસ પૈસાનો આનંદ છોડી દે.

શ્રીરામકૃષ્ણ: થોડી સાધનાની જરૂર પડે. સાધના કરતાં કરતાં પછી આનંદની પ્રાપ્તિ થાય. જમીનમાં જો સોનામહોર ભરેલો ઘડો હોય, ને જો કોઈ એ ધન લેવા ઇચ્છે, તો મહેનત કરીને ખોદ્યે જવું જોઈએ. માથેથી પરસેવો પડે, પરંતુ ખૂબ ખોદ્યા પછી ઘડાને જરાક કોદાળી લાગે ને ઠન્ન્ અવાજ આવે ત્યારે આનંદ થાય. જેમ જેમ ઠન્ ઠન્ થાય, તેમ તેમ આનંદ વધે. રામને બોલાવ્યે જાઓ, તેનું ચિંતન કરો. રામ જ બધું મેળવી આપશે.

ઘરમાલિક: મહારાજ, આપ જ રામ.

શ્રીરામકૃષ્ણ: એ શું? નદીનો જ તરંગ કહેવાય. તરંગની કંઈ નદી કહેવાય?

ઘરમાલિક: મહાત્માઓની અંદર જ રામ છે. રામને તો જોઈ શકીએ નહિ. અને અત્યારે તો અવતાર નથી!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): કેમ કરીને જાણ્યું કે અવતાર નથી?

(ઘરમાલિક ચૂપ થઈ રહ્યા.)

શ્રીરામકૃષ્ણ: અવતારને સૌ કોઈ ઓળખી શકે નહિ. નારદ વગેરે રામચંદ્રનાં દર્શન કરવા ગયા. ત્યારે રામે ઊભા થઈને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બોલ્યા, ‘અમે સંસારી જીવ, આપ જેવા સાધુઓ ન આવે તો કેવી રીતે પવિત્ર થઈએ?’ તેમ વળી જ્યારે પિતાના વચનની ખાતર (સત્યપાલન માટે) રામ વનમાં ગયા, ત્યારે જોયું કે રામને વનવાસ મળ્યો એમ સાંભળ્યું ત્યારથી ઘણાખરા ઋષિઓ આહારનો ત્યાગ કરીને પડ્યા છે. રામ સાક્ષાત્ પરબ્રહ્મ છે, એ તેઓમાંથી ઘણાય જાણતા ન હતા.

ઘરમાલિક: આપ પણ તે રામ!

શ્રીરામકૃષ્ણ: રામ! રામ! એવી વાત બોલાય નહિ. 

એમ કહીને ઠાકુરે હાથ જોડીને પ્રણામ કર્યા, અને બોલ્યા: ‘વોહી રામ ઘટઘટમેં લેટા, વોહી રામ જગત પસેરા.’ હું તમારો દાસ. એ રામ જ આ બધાં માણસ, જીવજંતુ થઈ રહેલ છે.

ઘરમાલિક: મહારાજ, અમે તો એ જાણતા નથી.

શ્રીરામકૃષ્ણ: તમે જાણો કે ન જાણો, પણ તમે રામ.

ઘરમાલિક: આપનામાં રાગદ્વેષ નથી.

શ્રીરામકૃષ્ણ: કેમ ભલા? જે ગાડીવાળાએ અમને લઈને કોલકાતા આવવાનું કહેલું તે બહાનાના ત્રણ આના લઈ ગયો, પણ આવ્યો નહિ. તેના ઉપર તો હું ખૂબ ખીજાઈ ગયો હતો! 

પણ બહુ ખરાબ માણસ, જુઓ ને કેટલી તકલીફ આપી.

Total Views: 279
ખંડ 35: અધ્યાય 10 : ઠાકુર શ્રીરામકૃષ્ણ બડાબજારમાં મારવાડી ભક્તના ઘરે
ખંડ 35: અધ્યાય 12 : બડાબજારમાં અન્નકૂટ મહોત્સવ - મયૂરમુકુટધારીની પૂજા