ભોજન કરી રહ્યા પછી સૌ પાન ખાતા ખાતા ઘેર જવાની તૈયારી કરી રહ્યા છે. જતાં પહેલાં ઠાકુર શ્રીરામકૃષ્ણ વિજયની સાથે એકાંતમાં બેસીને વાત કરી રહ્યા છે. ત્યાં માસ્ટર પણ છે.

(બ્રાહ્મસમાજમાં ઈશ્વરનો માતૃભાવ – Motherhood of God)

શ્રીરામકૃષ્ણ: ઉપાસના દરમ્યાન તમે પ્રભુની ‘મા, મા’ કહીને પ્રાર્થના કરતા હતા એ બહુ સારું. કહેવાય છે કે માનું પ્રેમાકર્ષણ બાપના કરતાં વધારે. મા ઉપર જોર ચાલે, બાપ ઉપર નહિ. ત્રૈલોક્યની માની જમીનદારીમાંથી ગાડી ભરી ભરીને ખજાનો આવતો હતો. સાથે કેટલાક લાલ પાઘડીવાળા, હાથમાં લાકડીવાળા પહેરગીરો. ત્રૈલોક્ય રસ્તામાં પોતાનાં માણસોને લઈને ઊભો રહ્યો હતો, અને જોર કરીને બધું ખૂંચવી લીધું. માની મિલકત ઉપર ખૂબ જોર ચાલે, કહે છે ને કે દીકરા સામે ફરિયાદ ચાલે નહિ.

વિજય: બ્રહ્મ જો મા હોય તો તે સાકાર કે નિરાકાર?

શ્રીરામકૃષ્ણ: જે બ્રહ્મ તે જ કાલી (મા આદ્યશક્તિ). જ્યારે એ નિષ્ક્રિય હોય, ત્યારે તેને બ્રહ્મ કહું. જ્યારે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય એ બધું કામ કરે, ત્યારે તેને શક્તિ, કાલી કહું. સ્થિર જળ તે બ્રહ્મની ઉપમા. જળ હાલેચાલે તે શક્તિ અથવા કાલીની ઉપમા. કાલી એટલે જે મહાકાલ (બ્રહ્મની) સાથે રમણ કરે. કાલી સાકાર તેમજ નિરાકાર. તમારી જો નિરાકારમાં શ્રદ્ધા હોય તો કાલીનું એ પ્રમાણે ચિંતન કરો. ગમે તે એકનું દૃઢતાપૂર્વકનું ચિંતન કરીએ એટલે એ પોતે જ જણાવી દે કે એ કેવા છે. જેમ કે (કોલકાતામાં) શ્યામપુકુરમાં પહોંચો એટલે તેલીપાડો પણ જાણી શકો. તે જ પ્રમાણે તમે જાણી શકો કે ઈશ્વર માત્ર છે (અસ્તિ માત્રમ્) એટલું જ નહિ, પણ એ તમારી પાસે આવીને વાતચીત કરે; જેમ હું તમારી સાથે વાત કરું છું તેમ. આમાં શ્રદ્ધા રાખો, તો બધું થઈ જશે. અને બીજી એક વાત કે તમને જો નિરાકારમાં શ્રદ્ધા હોય તો દૃઢતાપૂર્વક તેને જ પકડી રાખો, પણ મતાગ્રહીપણું (Dogmatism) રાખશો નહિ. પરમાત્મા વિશે એવી વાત ભાર દઈને બોલતા નહિ કે તે આ જ થઈ શકે અને બીજું થઈ શકે નહિ. એમ કહો કે મારી શ્રદ્ધા એવી છે કે તે નિરાકાર; એ ઉપરાંત એ શું શું થઈ શકે, તે તો એ પોતે જ જાણે, હું જાણતો નથી કે સમજી શકતો નથી.’

‘માણસની એક અધોળ બુદ્ધિથી શું ઈશ્વરનું સ્વરૂપ સમજી શકાય? એક શેરના લોટામાં શું ચાર શેર દૂધ સમાય? પ્રભુ કૃપા કરીને ક્યારેક દર્શન દે અને સમજાવે તો જ સમજી શકાય; નહિતર નહિ. 

જે બ્રહ્મ તે જ શક્તિ તે જ મા.

(‘મન શું શોધ કરો તેની પાગલ પેઠે અંધારા ઘરમાં?…)

પ્રસાદ કહે માતૃભાવે હું શોધ્યા કરું જેને, 

એની ચાતરે (હારે) ફોડું હાંડલી શું હું? સમજ નહિ મન સાનમાં રે!’

હું જેને શોધું એટલે એ બ્રહ્મને જ શોધું છું, તેને જ મા મા કહીને પોકારું છું વળી રામપ્રસાદ એ જ વાત કહે છે કે:

‘(આ વેળા મેં સારું વિચાર્યું રે..) 

(મેં) કાલીબ્રહ્મ-મર્મ જાણીને ધર્માધર્મ ત્યજ્યા રે!

અધર્મ એટલે અસત્ કર્મ, ધર્મ એટલે વૈધી કર્મ; આટલાં દાન કરવાં જોઈએ, આટલા બ્રાહ્મણ જમાડવા જોઈએ, એ બધું ધર્મ.

વિજય: ધર્મ-અધર્મ ત્યાગ કર્યે બાકી શું રહે?

શ્રીરામકૃષ્ણ: શુદ્ધ ભક્તિ. મેં માને કહ્યું કે ‘મા! આ લો તમારો ધર્મ, આ લો તમારો અધર્મ, મને શુદ્ધ ભક્તિ આપો. આ લો તમારું પુણ્ય, આ લો તમારું પાપ, મને શુદ્ધ ભક્તિ આપો. આ લો તમારું જ્ઞાન, આ લો તમારું અજ્ઞાન, મને શુદ્ધ ભક્તિ આપો. જુઓ, જ્ઞાન સુધ્ધાં મેં માગ્યું નહિ. મારે નામના પણ જોઈએ નહિ. ધર્મ-અધર્મ છોડ્યા પછી શુદ્ધ ભક્તિ, નિર્મલ, નિષ્કામ, અહેતુકી ભક્તિ બાકી રહે.

(બ્રાહ્મસમાજ અને વેદાંત પ્રતિપાદ્ય બ્રહ્મ – આદ્યશક્તિ)

બ્રાહ્મ-ભક્ત: બ્રહ્મ અને તેમની શક્તિ શું જુદાં?

શ્રીરામકૃષ્ણ: પૂર્ણજ્ઞાન પછી અભેદ. જેમ મણિની જ્યોતિ અને મણિનો અભેદ એમ. મણિની જ્યોતિનો વિચાર કરો ત્યારે મણિનો પણ વિચાર કરવો પડે. જેમ દૂધ અને તેની ધોળાશ અભેદ છે, તેમ એકનો વિચાર કરો તો બીજાનો વિચાર કરવો પડે. પરંતુ આ અભેદજ્ઞાન પૂર્ણ જ્ઞાન વિના આવે નહિ. પૂર્ણ જ્ઞાનમાં સમાધિ થાય. ચોવીસ તત્ત્વો મનમાંથી નીકળી જાય, એટલે અહંકાર રહે નહિ. સમાધિમાં શું અનુભવ થાય તે મોઢે કહી શકાય નહિ. ત્યાંથી ઊતરી આવીને માત્ર તેના સહેજ આભાસનું જ વર્ણન કરી શકાય. સમાધિ પછી જ્યારે હું ૐ ૐ બોલું ત્યારે તો સો હાથ જેટલો નીચે ઊતરી આવ્યો હોઉં છું! બ્રહ્મ વેદ-વિધિથી પર; તે મોઢેથી બોલી શકાય નહિ. ત્યાં ‘હું, તું’ નથી.

‘જ્યાં સુધી હું, તું છે, જ્યાં સુધી ‘હું પ્રાર્થના કે ધ્યાન કરું છું એ જ્ઞાન પણ છે, ત્યાં સુધી ‘તમે’ (ઈશ્વર) પ્રાર્થના સાંભળો છો એ જ્ઞાન પણ છે. ઈશ્વરનું વ્યક્તિલક્ષી જ્ઞાન છે. તું પ્રભુ, હું દાસ; તું પૂર્ણ, હું અંશ; તું મા, હું છોકરું એ જ્ઞાન રહે જ. એ જ ભેદજ્ઞાન, કે હું એ ને તું બીજો. એ ભેદ-જ્ઞાન ઈશ્વર જ કરાવે છે. એને લીધે જ સ્ત્રી-પુરુષ, પ્રકાશ-અંધકાર એ બધાંનું જ્ઞાન થાય છે. જ્યાં સુધી આ ભેદ-જ્ઞાન થાય છે ત્યાં સુધી શક્તિ (સગુણ ઈશ્વર – Personal God) ને માનવી જ પડે. તેમણે જ આપણી અંદર ‘હું’ રાખી દીધો છે. હજાર વિચાર કરો પણ ‘હું’ નીકળે નહિ. ત્યાં સુધી ઈશ્વર વ્યક્તિરૂપે દર્શન દે એ માનવું જ પડે.

‘એટલે જ્યાં સુધી ‘હું’ છે, ભેદ-જ્ઞાન છે, ત્યાં સુધી બ્રહ્મ નિર્ગુણ કહી શકાય નહિ. ત્યાં સુધી સગુણ બ્રહ્મ માનવું પડે. આ સગુણ બ્રહ્મને જ વેદ, પુરાણ, તંત્રોમાં કાલી અથવા આદ્યશક્તિ કહેલી છે.

વિજય: આ આદ્યશક્તિનાં દર્શન અને આ બ્રહ્મ-જ્ઞાન કયા ઉપાયથી થઈ શકે?

શ્રીરામકૃષ્ણ: વ્યાકુળ હૃદયથી પ્રભુની પ્રાર્થના કરો અને રુદન કરો તો ચિત્તશુદ્ધિ થઈ જશે. નિર્મળ જળમાં સૂર્યનું પ્રતિબિંબ દેખી શકાય, ભક્તની અહંકારરૂપી આરસીમાં સગુણ બ્રહ્મ આદ્યશક્તિનાં દર્શન થશે. પરંતુ આરસી ખૂબ લૂછીને સાફ કરેલી હોવી જોઈએ. માથે ધૂળ ચડેલી હોય તો પ્રતિબિંબ બરાબર પડે નહિ.

જ્યાં સુધી ‘અહં’ જળમાં સૂર્યને જોવો પડે છે, ત્યાં સુધી સૂર્યને દેખવાનો બીજો કોઈ ઉપાય મળે નહિ. અને જ્યાં સુધી પ્રતિબિંબ સૂર્ય વિના સત્ય સૂર્યને દેખવાનો ઉપાય ન હોય, ત્યાં સુધી પ્રતિબિંબ સૂર્ય પણ સોળે સોળ આના સાચો. જ્યાં સુધી હું સાચો, ત્યાં સુધી પ્રતિબિંબ સૂર્ય પણ સાચો, સોળે સોળ આના સાચો. એ પ્રતિબિંબ સૂર્ય જ આદ્યશક્તિ. 

બ્રહ્મ-જ્ઞાન મેળવવું હોય તો એ પ્રતિબિંબને પકડીને સત્ય-સૂર્ય તરફ જાઓ. તે જ સગુણ બ્રહ્મ કે જે પ્રાર્થના સાંભળે. તેને જ કહો, એ જ બ્રહ્મ-જ્ઞાન આપે; કારણ કે જે સગુણ બ્રહ્મ તે જ નિર્ગુણ બ્રહ્મ, જે શક્તિ તે જ બ્રહ્મ. પૂર્ણ જ્ઞાન પછી અભેદ. 

મા બ્રહ્મ-જ્ઞાન પણ આપે. પરંતુ શુદ્ધ ભક્ત મોટે ભાગે બ્રહ્મ-જ્ઞાન માગે નહિ.

‘બીજો એક માર્ગ છે: જ્ઞાનયોગ. એ બહુ કઠણ માર્ગ. તમે બ્રાહ્મ-સમાજીઓ જ્ઞાની નથી, તમે ભક્તો છો. જેઓ જ્ઞાની હોય છે તેઓની એવી શ્રદ્ધા હોય કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, સ્વપ્નવત્. ‘હું’ ‘તું’ બધુંય સ્વપ્નવત્.

(બ્રાહ્મસમાજમાં વિદ્વેષભાવ)

‘ઈશ્વર તો અંતર્યામી. સરલ, શુદ્ધ મનથી તેની પાસે પ્રાર્થના કરો તો તે બધું સમજાવી દેશે, અભિમાન મૂકીને પ્રભુને શરણે જાઓ તો બધું મળશે.

‘પોતે પોતામાં રહો મન, જાઓ ના કોઈને ઘેરે,

જે જોઈએ તે બેઠે પામીશ, શોધો પોતાના અંત:પુરે…

પરમ ધન આ પારસમણિ, માગીશ તે તે આપી શકે,

કેટલા મણિ પડેલા છે, મમ ચિંતામણિને પાછલે દ્વારે…

‘જ્યારે બહારના લોકો સાથે ભળો ત્યારે સૌના ઉપર પ્રેમ રાખવો, ભળીને જાણે એક થઈ જવું, દ્વેષભાવ રાખવો નહિ. અમુક માણસ સાકારમાં માને છે, નિરાકારમાં માનતો નથી; અમુક નિરાકારમાં માને છે, સાકારમાં માનતો નથી; અમુક હિંદુ, અમુક મુસલમાન, પેલો ખ્રિસ્તી, એમ કહીને નાક ચડાવીને ઘૃણા કરવી નહિ. પ્રભુએ જેમને જેમ સમજાવ્યું છે તેમ તે સમજે છે. સૌની જુદી જુદી પ્રકૃતિ જાણવી. જાણીને તેમની સાથે હળવું મળવું બને તેટલું, અને પ્રેમ રાખવો. ત્યાર પછી પોતાના ઓરડામાં જઈને શાંતિ, આનંદનો ઉપભોગ કરવો. ‘જ્ઞાનદીપ પ્રગટાવી બ્રહ્મમયીનું મુખ દેખોને.’ પોતાના ઓરડામાં સ્વસ્વરૂપને જોઈ શકશો.’

ગોવાળો જ્યારે ગાયોને ચરાવવા લઈ જાય ત્યારે ગાયો બધીને અલગ અલગ એકઠી કરતો જાય. પછી ગોચરમાં એ બધી એક થઈ જાય, ને એક ધણની ગાયો કહેવાય. પણ ધણ જ્યારે સંધ્યાકાળે પાછું આવે, ત્યારે ફરીથી અલગ અલગ થઈ જાય. પોતાને ઘેર પોતામાં પોતે રહે.

(સંન્યાસમાં સંચય ન કરવો – શ્રીયુત્ વેણીપાલનો નાણાંનો સદુપયોગ)

રાતના દસ વાગ્યા. હવે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર કાલી-મંદિરે પાછા જવા માટે ગાડીમાં બેઠા. સાથે એક બે સેવક ભક્તો. ગાઢ અંધકાર. ઝાડની નીચે ગાડી ઊભેલી છે. વેણી પાલ રામલાલ (પરમહંસદેવનો ભત્રીજો) ને માટે પૂરી, મીઠાઈ વગેરે ગાડીમાં મૂકી દેવા આવ્યા.

વેણી પાલ: મહાશય, રામલાલ આવી શક્યા નથી, એટલે તેમને માટે આ કંઈક ખાવાનું એમના હાથે દેવાની ઇચ્છા રાખું છું; આપ હા કહો.

શ્રીરામકૃષ્ણ (વ્યગ્ર થઈને): ઓ બાબુ વેણી પાલ! તમે મારી સાથે એ બધું આપો મા. એથી મને દોષ લાગે. મારી સાથે કોઈ ચીજ સંચય કરીને લઈ જવાય નહિ. એ બાબત તમે કંઈ પણ મનમાં લાવશો નહિ!

વેણી પાલ: વારુ, જેમ આપ કહો તેમ. આપ આશીર્વાદ આપો!

શ્રીરામકૃષ્ણ: આજ ખૂબ આનંદ થયો. જુઓ, પૈસો જેનો દાસ તે જ માણસ; જેઓ પૈસાનો ઉપયોગ જાણે નહિ તેઓ માણસ હોવા છતાં માણસ નથી. આકાર માણસનો પણ આચરણ પશુનું. ધન્ય તમે! આટલા બધા ભક્તોને આનંદ કરાવ્યો!

Total Views: 324
ખંડ 35: અધ્યાય 8 : વિજયને ઉપદેશ
ખંડ 35: અધ્યાય 10 : ઠાકુર શ્રીરામકૃષ્ણ બડાબજારમાં મારવાડી ભક્તના ઘરે