ઠાકુર શ્રીરામકૃષ્ણ જરા વાર આરામ કરે છે. આ બાજુ મારવાડી ભક્તોએ બહાર અગાસીમાં ભજન-ગીતોનો આરંભ કર્યાે છે.

આજે શ્રીમયૂર-મુકુટધારીનો મહોત્સવ. ભોગની બધી તૈયારી થઈ ગઈ છે. ઠાકોરજીનાં દર્શન કરવાનું તેડું કરીને તેઓ શ્રીરામકૃષ્ણને લઈ ગયા. મયૂર-મુકુટધારીનાં દર્શન કરીને ઠાકુરે પ્રણામ કર્યા અને નિર્માલ્ય માથે ચડાવ્યું.

મૂર્તિનાં દર્શન કરીને ઠાકુર ભાવમાં મગ્ન. હાથ જોડીને બોલે છે:

‘પ્રાણ હે ગોવિંદ, મમ જીવન! 

જય ગોવિંદ, ગોવિંદ, વાસુદેવ,

સચ્ચિદાનંદ-મૂર્તિ! હા કૃષ્ણ, હે કૃષ્ણ, જ્ઞાન કૃષ્ણ, મન કૃષ્ણ

પ્રાણ કૃષ્ણ, આત્મા-કૃષ્ણ, દેહ કૃષ્ણ, જાત કૃષ્ણ, કુળ કૃષ્ણ.

પ્રાણ હે ગોવિંદ, મમ જીવન!’

એ શબ્દો બોલતાં બોલતાં ઠાકુર ઊભા ઊભા સમાધિ-મગ્ન થયા. શ્રીયુત્ રામ ચેટર્જી ઠાકુરને પકડી રહ્યા. 

ઘણી વાર પછી સમાધિભંગ થયો.

આ બાજુ મારવાડી ભક્તો સિંહાસન પર બેઠેલા મયૂર-મુકુટધારીની મૂર્તિને બહાર લઈ જવા આવ્યા. બહાર અન્નકૂટ ભોગ ગોઠવાઈને તૈયાર છે. 

શ્રીરામકૃષ્ણની સમાધિ ઊતરી છે. મહાઆનંદથી મારવાડી ભક્તો સિંહાસનમાં બેઠેલી મૂર્તિને ઓરડાની બહાર લઈ જાય છે. ઠાકુર પણ સાથે સાથે જાય છે. 

ભોગ ધરાવાયો. ભોગ અર્પણ કરતી વખતે મારવાડી ભક્તોએ કપડાંનો અંતરપટ કર્યાે. ભોગ થઈ રહ્યા પછી આરતી અને ગીત ગવાવા લાગ્યાં. શ્રીરામકૃષ્ણ મૂર્તિને ચામર ઢોળે છે.

હવે બ્રાહ્મણ-ભોજન થાય છે. એ અગાસીની ઉપર જ ઠાકુરની સમક્ષ એ બધું કામ આટોપાવા લાગ્યું. ઠાકુર શ્રીરામકૃષ્ણને મારવાડી ભક્તોએ ભોજનનો આગ્રહ કર્યાે. ઠાકુર બેઠા. ભક્તોએ પણ પ્રસાદ લીધો.

(બડાબજાર થઈને રાજપથ પર – દીપાવલીનાં દૃશ્યોની વચ્ચે)

ઠાકુરે રજા લીધી. સંધ્યા થઈ છે. વળી પાછી રસ્તામાં બહુ જ ભીડ. ઠાકુર બોલ્યા, ‘એમ હોય તો આપણે ગાડીમાંથી ઊતરીએ; ગાડી પાછળથી ફરીને આવે.’ રસ્તે જતાં જરાક ચાલતાં ચાલતાં ઠાકુરે જોયું તો પાનવાળાઓ ઘોલકાં જેવી એક ઓરડીની સામે દુકાન ઉઘાડીને બેઠા છે. એ ઓરડીમાં પ્રવેશ કરવો હોય તો માથું નીચું કરીને પ્રવેશ કરવો પડે. ઠાકુર કહે છે ‘કેવું કષ્ટ! એ આટલા સરખામાં જ બંદીવાન થઈને રહે! સંસારીઓનો કેવો સ્વભાવ! એટલામાં જ વળી આનંદથી ભરપૂર!’

ગાડી ફરી ફરીને નજીક આવી. ઠાકુર વળી ગાડીમાં બેઠા. અંદર ઠાકુરની સાથે બાબુરામ, માસ્ટર, રામ ચેટર્જી. છોટો ગોપાલ ગાડીની છત પર બેઠો.

એક ભિખારણે – તેના ખોળામાં છોકરું છે – ગાડીની સામે આવીને ભિક્ષા માગી. ઠાકુરે તેને જોઈને માસ્ટરને કહ્યું: ‘કેમ ભાઈ, પૈસા છે?’ ગોપાલે પૈસો આપ્યો.

બડાબજારનું જૂનું દૃશ્ય

બડાબજારમાં થઈને ગાડી જઈ રહી છે. દિવાળીની ખૂબ ધામધૂમ. અંધારી રાત્રિ. પણ બધે પ્રકાશ પ્રકાશમય. બડાબજારની ગલીમાંથી ગાડી ચિતપુર રોડ પર આવી. એ સ્થાન પણ દીવાઓથી ઝગઝગાટમય અને કીડીઓની પેઠે માણસોથી ભરપૂર. માણસો મોઢાં પહોળાં કરીને બન્ને બાજુએ સજ્જ્તિ દુકાનોની હાર જોયા કરે છે. ક્યાંક મીઠાઈની દુકાન, પાત્રોમાં વિવિધ જાતનાં મિષ્ટાનોથી સુશોભિત. દુકાનદારો સુંદર પોશાક પહેરીને ગુલાબદાની હાથમાં લઈને જોનારાઓની ઉપર ગુલાબજળનો છંટકાવ કરતા હતા. ગાડી એક અત્તરિયાની સામે આવી પહોંચી. ઠાકુર પાંચ વરસના બાળકની પેઠે છબીઓ અને રોશની દેખીને આનંદ કરવા લાગ્યા. ચારે બાજુ કોલાહલ.

ઠાકુર ઉચ્ચ સ્વરે કહે છે: ‘એથીયે આગળ જઈને જુઓ, વધુ આગળ!’ અને બોલતાં બોલતાં હસે છે. બાબુરામને ઉચ્ચ હાસ્ય કરીને કહે છે, ‘અરે આગળ જા ને, શું કરે છે?’

(‘આગળ જાઓ’ – શ્રીરામકૃષ્ણને સંચય કરવાની ટેવ નથી)

ભક્તો હસવા લાગ્યા. તેઓ સમજ્યા કે ઠાકુર એમ કહે છે કે ઈશ્વર તરફ આગળ વધો. પોતાની ચાલુ અવસ્થાથી સંતુષ્ટ થઈને રહો મા. બ્રહ્મચારીએ કઠિયારાને કહ્યું હતું કે ‘આગળ જા.’ કઠિયારાએ આગળ જઈને એક પછી એક જોયું કે ચંદનનાં વૃક્ષોનું વન; વળી થોડાક દિવસ પછી આગળ વધીને જુએ તો રૂપાની ખાણ; વળી આગળ વધીને જુએ તો સોનાની ખાણ; છેવટે જુએ છે તો હીરામાણેક. એટલે ઠાકુર પણ વારે વારે કહે છે કે ‘આગળ જા, આગળ જા!’

ગાડી ચાલવા લાગી. માસ્ટરે કપડું લીધું છે. એ ઠાકુરે જોયું છે. બે નહાવાનાં પંચિયાં અને બે ધોતિયાં. પણ ઠાકુરે માત્ર નહાવાનાં પંચિયાં લેવાનું કહ્યું હતું, ઠાકુરે કહ્યું કે ‘પંચિયાં બે સાથે આપો, અને એ ધોતિયાં હમણાં લઈ જાઓ. તમારી પાસે રાખી મૂકજો. નહિતર એક આપો.

માસ્ટર: જી, એક પાછું લઈ જાઉં?

શ્રીરામકૃષ્ણ: નહિતર હમણાં રહેવા દો; બન્ને લઈ જાઓ.

માસ્ટર: જેવી આજ્ઞા.

શ્રીરામકૃષ્ણ: વળી જ્યારે જરૂર પડશે ત્યારે લાવી દેજો. જુઓ ને કાલે વેણી પાલ રામલાલને માટે ગાડીમાં ખાવાનું દેવા આવ્યા હતા. હું બોલ્યો કે ‘મારી સાથે કોઈ ચીજ ન દેશો. મારાથી સંચય કરી શકાય તેમ નથી.’

માસ્ટર: જી હાં. તે એમાં શું થઈ ગયું? આ મોટાં બે અત્યારે પાછાં લઈ જઈશ.

શ્રીરામકૃષ્ણ (સ્નેહથી): મારા મનમાં કંઈ થવું એ તમારા માટે સારું નહિ. આ તો પોતાની જ વાત છે, જ્યારે જરૂર પડશે ત્યારે કહીશ.

માસ્ટર (નમ્રતાથી): જી ભલે.

ગાડી એક દુકાનની સામે આવી પહોંચી. ત્યાં ચલમો વેચાય છે.

શ્રીરામકૃષ્ણ (રામ ચેટર્જીને કહે છે): ‘રામ એક પૈસાની ચલમ લઈ લો ને.’

ઠાકુર એક ભક્તની વાત કહે છે.

શ્રીરામકૃષ્ણ: મેં તેને કહ્યું કે ‘આવતી કાલે હું બડાબજારમાં જવાનો છું, તું આવજે.’ શું કહે છે, તે જાણો છો? કહે છે કે ‘વળી ટ્રામના ચાર પૈસા ભાડું (ત્યારે ટ્રામનું ભાડું એક આનો હતું) ખરચવું પડે; કોણ જાય?’ વેણી પાલને બગીચે કાલે આવ્યો હતો, ત્યાં વળી આચાર્યપણું કરી દેખાડ્યું. કોઈ કહે નહિ, તોય પોતે પોતાની મેળે ગાય; જેમ કે માણસો જાણે કે હું ય બ્રાહ્મ-સમાજીઓ માંહેનો જ એક. (માસ્ટરને) હેં ભાઈ! આ શું, કહો જોઈએ? કહે કે ‘એક આનો ખર્ચવો પડે!’

મારવાડી ભક્તોના અન્નકૂટની વાત વળી ઊપડી.

(ભક્તોને): આ જે જોયું, વૃંદાવનમાં પણ તે જ. રાખાલ (શ્રીયુત્ રાખાલ ત્યારે ઑક્ટોબર માસમાં વૃંદાવનમાં હતા) વગેરે વૃંદાવનમાં આ બધું જુએ છે. પણ ત્યાં અન્નકૂટ આથીયે મોટો; માણસોય ઘણાં; ગોવર્ધન પર્વત છે; એ બધો તફાવત.

(હિંદુ ધર્મ સનાતન ધર્મ)

‘પરંતુ ખોટાઓની (મારવાડીઓની) ભક્તિ કેવી, જોયું ને? યથાર્થ હિંદુ ભાવ, આ જ સનાતન ધર્મ. ઠાકોરજીને લઈ જતી વખતે કેટલો આનંદ, જોયું ને? આનંદ એવા વિચારથી કે અમે ભગવાનનું સિંહાસન ઉપાડીને લઈ જઈએ છીએ.’

હિંદુ ધર્મ જ સનાતન ધર્મ! અત્યારના જે બધા ધર્માે જુઓ છો, તે બધા ઈશ્વરેચ્છાથી થશે ને જાશે, રહેશે નહિ. એટલે હું કહું છું અત્યારના જે બધા ભક્તો છે એમનાં ચરણેભ્યો નમ: (ચરણોમાં વંદન). એટલા માટે હું કહું છું કે અત્યારનો હિંદુ ધર્મ કાયમ છે અને કાયમ રહેશે.’

માસ્ટર ઘેર જવાના છે. ઠાકુરનાં ચરણની વંદના કરીને શોભા બજારની પાસે ઊતરી ગયા. ઠાકુર આનંદ કરતાં કરતાં ગાડીમાં જઈ રહ્યા છે.

Total Views: 293
ખંડ 35: અધ્યાય 11 : શું અત્યારે અવતાર નથી?
ખંડ 36: અધ્યાય 1 : દક્ષિણેશ્વરમાં મનોમોહન, મહિમા વગેરે ભક્તો સાથે