ચાલો ભાઈ, શ્રીરામકૃષ્ણનાં દર્શને જઈએ; એ મહાપુરુષને, એ બાળકને નીરખીએ, કે જે મા વિના બીજું કંઈ જાણે નહિ, જે આપણે માટે દેહ ધારણ કરીને આવેલ છે. તેઓશ્રી કહી દેશે કે કેમ કરીને આ કઠિન જીવન સમસ્યાનો ઉકેલ લાવવો. સંન્યાસીને કહેશે, ગૃહસ્થીને કહેશે. એમનાં દ્વાર સદાય ખુલ્લાં!

દક્ષિણેશ્વરના કાલી-મંદિરમાં આપણે માટે એ રાહ જુએ છે. ચાલો, ચાલો, તેમને જોઈએ.

અનંત-ગુણાધાર પ્રસન્ન મૂર્તિ, શ્રવણે જેની કથા આંખો ઝરે!

‘ચાલો ભાઈ, અહેતુક – કૃપાસિંધુ, પ્રિયદર્શન, ઈશ્વરપ્રેમમાં રાતદિવસ મતવાલા, સહાસ્યવદન શ્રીરામકૃષ્ણનાં દર્શન કરીને માનવજીવન સાર્થક કરીએ!

આજે રવિવાર, ૨૬મી ઑક્ટોબર, ૧૮૮૪. હેમંતકાળ, કારતક માસની સુદ સાતમ. બપોરનો સમય.

ઠાકુરના પેલા પૂર્વ-પરિચિત ઓરડામાં ભક્તો એકત્રિત થયા છે. એ ઓરડાની પશ્ચિમ બાજુએ અર્ધગોળાકાર ઓસરી. ઓસરીની પશ્ચિમે બગીચાનો રસ્તો, ઉત્તર-દક્ષિણ જઈ રહ્યો છે. રસ્તાની પશ્ચિમે મા કાલીનો ફૂલ-બગીચો. તેને અડીને જ પુસ્તો; અને પછી પવિત્ર-સલિલા દક્ષિણવાહી ગંગા.

ભક્તો ઘણાય હાજર છે, જાણે આનંદનું બજાર. આનંદમય ઠાકુર શ્રીરામકૃષ્ણનો ઈશ્વર-પ્રેમ ભક્તોનાં મુખ-દર્પણ પર છવાઈ રહ્યો છે. શી નવાઈ! આનંદ માત્ર ભક્તોનાં મુખ-દર્પણ પર જ શા માટે? બહાર વૃક્ષોનાં ઝૂંડોમાં, વિવિધ પ્રકારનાં જે પુષ્પો ખીલી રહ્યાં છે તેમાં, વિશાળ ભાગીરથીના વક્ષ:સ્થળ પર, રવિકિરણથી ઉજ્જવલ નીલ નભોમંડળમાં, મુરારિચરણ-નિર્ગત ગંગાનાં જલ-કણ-વાહી શીતલ સમીરમાંય આ આનંદ પ્રતિભાસિત થઈ રહ્યો છે. શી નવાઈ! ખરેખર જ મધુમત્ પાર્થિવં રજ: – ઉદ્યાનની ધૂળ સુધ્ધાં મધુમય. ઇચ્છા થાય છે કે એકલા અથવા ભક્તોની સાથે આ ધૂળ ઉપર આળોટીએ. ઇચ્છા થાય છે કે એક બાજુએ ઊભા રહીને આખો દિવસ આ મનોહર ગંગાવારિનાં દર્શન કરીએ. ઇચ્છા થાય છે કે જાણે કે આ ઉદ્યાનનાં લતા, ઝૂંડ અને પત્ર-પુષ્પોથી સુશોભિત સ્નિગ્ધ ઉજ્જવળ વૃક્ષોને સગાં સમજીને સાદર સંભાષણ કરીને પ્રેમાલિંગન કરીએ. શું આ ધૂળની ઉપર થઈને ઠાકુર શ્રીરામકૃષ્ણ ફરે છે? શું આ વૃક્ષો, લતા-પલ્લવની વચ્ચે થઈને તેઓ હંમેશાં આવજા કરે છે? ઇચ્છા થાય છે કે જ્યોતિર્મય ગગન તરફ એકાગ્ર-દૃષ્ટિ થઈને તાકી રહીએ! કારણ કે દેખાય છે કે પૃથ્વી, અંતરિક્ષ વગેરે સમસ્ત પ્રેમાનંદમાં તરવરી રહ્યું છે.

શા માટે દેવ-મંદિરના પૂજારીઓ, પરિચારકો, દરવાનો સૌ જાણે કે નિકટનાં સગાં જેવાં લાગે છે? શા માટે આ સ્થાન અનેક દિવસો પછી જોયેલી જન્મભૂમિ સમું મધુર લાગે છે? આકાશ, ગંગા, દેવ-મંદિર, ઉદ્યાન-માર્ગ, વૃક્ષો, લતા-પલ્લવ, સેવકો, આસન પર બેઠેલા ભક્તજનો, એ બધાં જાણે કે એક જ વસ્તુમાંથી બનેલાં જણાય છે! જે આનંદ-વસ્તુમાંથી બનેલા શ્રીરામકૃષ્ણ, આ બધાં પણ, એમ લાગે છે કે જાણે એ જ વસ્તુમાંથી બન્યાં હશે!

જાણે કે મીણમાંથી બનાવેલ એક બગીચો. તેમાં ઝાડપાન, ફળફૂલ બધું મીણનું; બગીચાનો માર્ગ, માળી, બગીચામાં રહેનાર, બગીચાની વચ્ચેનું ઘર, એ બધુંય મીણનું! અહીંનું બધું આનંદનું બનેલું!

શ્રી મનોમોહન, શ્રીયુત્ મહિમાચરણ, માસ્ટર હાજર હતા. ત્યાર પછી ક્રમેક્રમે ઈશાન, હૃદય અને હાજરા આવ્યા. એ સિવાય બીજા ઘણા ભક્તો પણ હતા. બલરામ, રાખાલ વગેરે એ વખતે શ્રીવૃંદાવન ધામમાં હતા. એ વખતે નવીન ભક્તો આવતા જતા; – નારાયણ, પલ્ટુ, છોટો નરેન, તેજચંદ્ર, વિનોદ, હરિપદ વગેરે. બાબુરામ વચ્ચે વચ્ચે આવીને રહી જતો. રામ, સુરેશ, કેદાર અને દેવેન્દ્ર વગેરે ભક્તો અવારનવાર આવતા જતા; કોઈ કોઈ અઠવાડિયે, તો કોઈ પખવાડિયે. લાટુ ત્યાં જ રહે. યોગીનનું ઘર નજીકમાં, એટલે તે લગભગ દરરોજ આવજા કરે. નરેન્દ્ર વચ્ચે વચ્ચે આવે. એ આવતાં જ આનંદનું બજાર ભરાય. નરેન્દ્ર પોતાના દેવદુર્લભ કંઠથી, ભગવાનનાં નામ-ગુણ-કીર્તન કરે, અને તેની સાથે જ ઠાકુર શ્રીરામકૃષ્ણને વિવિધ પ્રકારના ભાવ અને સમાધિ થયા કરે. જાણે કે ઉત્સવ ચાલુ થઈ જાય. ઠાકુરની ખૂબ ઇચ્છા કે છોકરા ભક્તોમાંથી કોઈક તેમની પાસે રાતદિન રહે; કારણ કે તેઓ શુદ્ધ અંત:કરણવાળા છે, સંસારમાં વિવાહ વગેરેમાં અથવા નોકરી વગેરેમાં બંધાયેલા નથી. ઠાકુર બાબુરામને ત્યાં આવીને રહેવાનું કહે; તે વચ્ચે વચ્ચે આવીને રહે. શ્રીયુત્ અધર સેન લગભગ રોજ આવે.

શ્રીયુત્ મહિમાચરણ

ઓરડામાં ભક્તો બેઠેલા છે. શ્રીરામકૃષ્ણ બાળકની પેઠે ઊભાં ઊભાં કંઈક વિચાર કરી રહ્યા છે. ભક્તો જોઈ રહ્યા છે.

(અવ્યક્ત અને વ્યક્ત – The Undifferentiated and the Differentiated)

શ્રીરામકૃષ્ણ (મનોમોહનને): બધુંય રામરૂપ જોઉં છું. આ તમે બધા બેઠા છો તે જોઉં છું કે રામ જ આ બધાં એક એક રૂપે થયેલ છે.

મનોમોહન: રામ જ બધું થઈ રહેલ છે. તો પણ આપ કહો છો તેમ ‘આપો નારાયણ:’-જળ નારાયણનું સ્વરૂપ ખરું, પણ કોઈ જળ પીવાય, કોઈ જળથી એકલું મોઢું ધોવાય તો કોઈ જળથી માત્ર વાસણ જ ધોવાય.

શ્રીરામકૃષ્ણ: હા, હા. પણ જોઉં કે ઈશ્વર જ બધું; જીવ, જગત એ જ થઈ રહેલ છે. 

એ વાત બોલતાં બોલતાં ઠાકુર નાની પાટ પર બેઠા.

(શ્રીરામકૃષ્ણનાં સત્યનિષ્ઠા અને અપરિગ્રહ)

શ્રીરામકૃષ્ણ (મહિમાચરણને): હેં ભાઈ, સાચું બોલવું જોઈએ, એ નિષ્ઠાથી મારામાં મતાગ્રહીપણું આવી ગયું કે શું? જો અચાનક બોલી નાખું કે ખાવું નથી, તો ભૂખ લાગી હોય તોય ખાઈ ન શકાય. શૌચ જતી વેળા જો કહું કે મારો લોટો લઈને અમુક માણસે આવવું, તો જો તેને બદલે બીજો કોઈ લઈને આવે તો તેને પાછા જવાનું કહેવું પડે. આ તે થયું શું, બાપુ? આનો શું કોઈ ઉપાય નહિ? 

વળી સાથે કોઈ ચીજ લઈને અવાય નહિ! પાન કે ખાવાનું કે કોઈ ચીજ સાથે લઈને અવાય નહિ; કારણ કે તેથી સંચય થાય! હાથમાં માટી લઈને પણ અવાય નહિ!

એટલામાં એક જણે આવીને કહ્યું કે મહાશય, હૃદય યદુ મલ્લિકના બગીચામાં આવેલ છે, અને ફાટકની પાસે ઊભેલ છે; આપને મળવા માગે છે. (હૃદય મુખોપાધ્યાય સિઓડ ગામના શ્રીરામકૃષ્ણના ભાણેજ, ઠાકુરના જન્મસ્થળ કામારપુકુરની નજીક સિઓડમાં તેમનું ઘર. લગભગ ૨૦ વર્ષ સુધી ઠાકુર સાથે રહેતી વખતે દક્ષિણેશ્વર મંદિરમાં મા કાલીની પૂજા અને ઠાકુરની સેવા કરી હતી. અસંતોષી હોવાને કારણે એમને બગીચામાં પ્રવેશવાની વ્યવસ્થાપકોએ મનાઈ કરી હતી. હૃદયનાં માતામહી ઠાકુરનાં ફૈબા થાય.) શ્રીરામકૃષ્ણ ભક્તોને કહે છે કે હૃદયને એક વાર મળી આવું, તમે બેસજો. એમ કહીને કાળી વાર્નિસ કરેલી સપાટ પહેરીને પૂર્વ બાજુના ફાટક તરફ ગયા. સાથે માત્ર માસ્ટર.

લાલ ઉદ્યાન-માર્ગ. એ રસ્તેથી ઠાકુર પૂર્વાભિમુખ થઈને જઈ રહ્યા છે. રસ્તામાં ખજાનચી ઊભા હતા. તેણે ઠાકુરને પ્રણામ કર્યા. જમણી બાજુએ ચોગાનનું ફાટક, ત્યાં દાઢીવાળા દરવાનો બેઠેલા. ડાબી બાજુએ કોઠી એટલે કે માલિકોનું દીવાનખાનું. પહેલાં ત્યાં ગળીની કોઠી હતી એટલે એ મકાનને કોઠી કહેતા. ત્યાર પછી રસ્તાની બન્ને બાજુએ પુષ્પવૃક્ષો. નજીકમાં માર્ગની બરાબર જમણી બાજુએ ગાજીતળું અને મા કાળીની તળાવડીનો પગથિયાંબંધ સુશોભિત ઘાટ. એ પછી પૂર્વ દરવાજો. ડાબી બાજુએ દરવાનોની ઓરડીઓ અને જમણી બાજુએ તુલસી-મંચ. બગીચાની બહાર આવીને જોયું તો યદુ મલ્લિકના બગીચાના ફાટકની પાસે હૃદય ઊભેલો.

Total Views: 302
ખંડ 35: અધ્યાય 12 : બડાબજારમાં અન્નકૂટ મહોત્સવ - મયૂરમુકુટધારીની પૂજા
ખંડ 36: અધ્યાય 2 : સેવકની નિકટ - હૃદય ઊભા છે