શ્રીરામકૃષ્ણ (સબ-જજને): વારુ, અભિમાન, અહંકાર જ્ઞાનથી થાય કે અજ્ઞાનથી? અહંકાર તમોગુણ, અજ્ઞાનથી ઉત્પન્ન થાય. આ અહંકારનો પડદો છે એટલે જ ઈશ્વરને જોઈ શકાતો નથી. ‘હું’ મરે તો બધી જંજાળ મટી જાય. એ અહંકાર કરવો ખોટો. આ શરીર, આ ઐશ્વર્ય, એ કશુંય રહેવાનું નથી. એક પીધેલો માણસ નવરાત્રિમાં દુર્ગાદેવીની પ્રતિમાનાં દર્શન કરતો હતો. મૂર્તિના ઠાઠમાઠ ને શણગાર જોઈને કહે છે, ‘મા, ગમે તેટલા સાજ-શણગાર કરો, પણ બેત્રણ દિવસ પછી તમને લઈ જઈને ગંગામાં ફેંકી દેવાના!’ (સૌનું હાસ્ય). એટલે સૌને કહું છું કે જજ હો કે બીજું ગમે તે હો, પણ આ બધું ચાર દિનની ચાંદની! એટલે અભિમાન-અહંકારનો ત્યાગ કરવો જોઈએ. 

(બ્રાહ્મસમાજ અને સામ્ય – લોકો ભિન્ન પ્રકૃતિના)

સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણના ભિન્ન ભિન્ન સ્વભાવ. તમોગુણનાં લક્ષણ અહંકાર, નિદ્રા, વધુ પડતો આહાર, કામ, ક્રોધ વગેરે. રજોગુણી માણસો વધુ પડતાં કામકાજ માથે લે. કપડાં પોશાકની ટાપટીપ હોય, મકાન સાફસૂફ, દીવાનખાનામાં ક્વિનની (વિકટોરિયાની) છબી, જ્યારે ઈશ્વર-ચિંતન કરે ત્યારે રેશમી અબોટિયું પહેરે, ગળામાં રુદ્રાક્ષની માળા, તેમાં વળી વચ્ચે વચ્ચે એક એક સોનાનો દાણો! જો કોઈ તેમનું મંદિર જોવા આવે તો પોતે સાથે જઈને બધું બતાવે; અને કહે કે ‘આ બાજુ આવો, હજી છે; ધોળા આરસની લાદી જડેલી છે, સોળ કમાનવાળો સભામંડપ છે, વગેરે. વળી દાન કરે તે લોકો દેખે એવી રીતે. સત્ત્વગુણી માણસ અતિ ઠંડો અને શાંત; લૂગડાં સાધારણ; ધંધોરોજગાર ગુજારો ચલાવવા પૂરતો. અને એ કોઈ દિવસ કોઈની ખુશામત કરીને પૈસા લે નહિ. તેને ઘર સમારવાની કાળજી નહિ. છોકરાંનાં કપડાં-લત્તાં માટે બહુ ચિંતા ન કરે. માનપાન સારુ ઉતાવળો થાય નહિ. તેનું ઈશ્વર-ચિંતન, દાન-ધ્યાન બધું ગુપ્ત, માણસોને ખબર ન પડે. રાતે મચ્છરદાનીની અંદર બેઠો બેઠો ધ્યાન કરતો હોય, માણસો જાણે કે ભાઈને રાતે બરાબર ઊંઘ નહીં આવી હોય એટલે મોડે સુધી સૂઈ રહ્યા છે. સત્ત્વગુણ એ સીડીનું છેલ્લું પગથિયું, ત્યાર પછી જ અગાશી. સત્ત્વગુણ આવવાથી ઈશ્વર-પ્રાપ્તિમાં વાર ન લાગે, જરાક આગળ વધતાં જ દર્શન થાય. (સબ જજને) તમે કહેતા હતા ને કે માણસો બધા એક સરખા; પણ હવે જુઓ કે કેટલા બધા જુદા જુદા સ્વભાવના હોય છે!

‘એ ઉપરાંત પણ મનુષ્યોના કેટલાય પ્રકારો છે: નિત્યજીવ, મુક્તજીવ, મુમુક્ષુજીવ, બદ્ધજીવ. એમ ઘણાય પ્રકારના માણસો છે. નારદ, શુકદેવ એ નિત્યજીવો; જાણે કે સ્ટીમર જેવા, પોતે પણ પાર થઈ જાય ને બીજા મોટા જીવોને, હાથી સુધ્ધાંને પાર લઈ જાય. નિત્યજીવો દીવાન જેવા. રાજ્યના એક ભાગની વ્યવસ્થા કર્યા પછી બીજા ભાગની વ્યવસ્થા કરવા જાય. વળી મુમુક્ષુજીવો પણ છે, કે જેઓ સંસાર-જાળમાંથી મુક્ત થવા સારુ આકુળવ્યાકુળ થઈને તનતોડ મહેનત કરી રહ્યા હોય. તેમનામાંથી એકાદ બે જણ જાળમાંથી છટકી શકે. તેઓ મુક્તજીવ. નિત્યજીવો ચાલાક માછલાં જેવા. તેઓ કોઈ રીતે જાળમાં સપડાય નહિ.

‘પરંતુ બદ્ધ-જીવ, સંસારી જીવ, એમને તો ભાન જ નહિ. તેઓ જાળમાં તો પડેલા જ છે, અને છતાં જાળમાં પડ્યા છીએ એ ભાનેય નથી. એવા લોકો, સામે હરિકથા થતી હોય તો ત્યાંથી ચાલ્યા જાય. કહેશે કે હરિનામ તો મરતી વખતે લેવાશે, અત્યારથી શું કામ? વળી મોતની પથારીએ પડ્યો પડ્યો બાયડી-છોકરાંઓને કહેશે કે ‘અરે એય, દીવાની વાટ આટલી બધી ઊંચી શું કામ રાખી છે, ઓછી કરી નાખ, નકામું તેલ બળી જાય છે!’ અને બાયડી અને છોકરાંઓને યાદ કરીને રડે ને બોલે, ‘હાય રે, હું મરી ગયા પછી આમનું શું થશે?’ વળી બદ્ધ-જીવો પોતે જેનાથી આટઆટલું દુ:ખ ભોગવે, એ જ પાછું કરે. જેમ કે ઊંટ, કાંટાનાં ઝાંખરાં ખાતાં ખાતાં મોઢામાંથી લોહી નીકળે, તોય ઝાંખરાં મૂકે નહિ. એક બાજુ છોકરો મરી ગયો હોય, શોકથી દુ:ખી થયા હોય, તોય પાછા વરસે વરસે છોકરા થાય. છોકરીનાં લગ્નમાં નિર્ધન થઈ ગયા, તો પણ વરસે વરસે છોકરી થાય. કહે કે શું કરીએ, નસીબમાં હતી! જો તીર્થયાત્રાએ જાય તો એ પોતે ઈશ્વર-ચિંતન કરવાનો સમય જ ન કાઢી શકે! માત્ર પરિવારનાં પોટલાંપોટલી વહન કરવામાં જ પ્રાણ નીકળી જાય. અને ભગવાનના મંદિરમાં દર્શન કરવા જાય ત્યાંય પણ નાનાં છોકરાંને ચરણામૃત લેવડાવવામાં અને પ્રણામ કરાવવામાં જ મશગૂલ! બદ્ધ-જીવ પોતાનું અને બૈરાં-છોકરાનું પેટ ભરવા સારુ ગુલામી કરે, અને જૂઠાણાં, છેતરપિંડી, ખુશામત વગેરે કરીને પૈસા પેદા કરે. જેઓ ઈશ્વર-ચિંતન કરે, ઈશ્વરના ધ્યાનમાં મગ્ન રહે, તેમને બદ્ધ-જીવો પાગલ કહીને ઉડાડી મૂકે. (સબ જજ પ્રત્યે) માણસો કેટલા પ્રકારના થાય છે તે જુઓ. તમે તો કહેતા હતા ને કે બધા એકસરખા છે; પણ જુઓ, કેટલા જુદા જુદા સ્વભાવ થાય છે? કોઈમાં વધુ શક્તિ, કોઈમાં ઓછી.

(બદ્ધજીવ મૃત્યુ સમયે ઈશ્વરનું નામ કરે નહિ)

‘સંસારમાં આસક્ત બદ્ધ-જીવ મૃત્યુ વખતે સંસારની જ વાત કરે. બહારથી માળા જપ્યે કે ગંગાસ્નાન કર્યે કે તીર્થમાં ભટક્યે શું વળે? અંદર સંસારની આસક્તિ હોય તો મૃત્યુ વખતે એ જ બહાર આવે, કેટલુંય આલતુ-ફાલતુ બોલ્યા કરે. કાં તો સન્નિપાતમાં હીંગ-મરચું, હળદર, ધાણાજીરું, એવું કંઈકનું કંઈક બકી ઊઠે! પઢાવેલો પોપટ, અમથો રાધાકૃષ્ણ, વગેરે બોલે, પણ બિલાડી પકડે ત્યારે પોતાની જ બોલી બોલી ઊઠે, ‘ક્યેંક ક્યેંક’ કરી ઊઠે. ગીતામાં કહ્યું છે કે મરણ વખતે જેનું સ્મરણ કરે, પરલોકમાં પણ એ જ થાય. ભરત રાજાએ ‘હરણ’ ‘હરણ’ ચિંતન કરતાં શરીર છોડ્યું હતું એટલે હરણ થઈને જન્મ્યા. ઈશ્વર-ચિંતન કરતાં કરતાં દેહત્યાગ કરવાથી ઈશ્વર-પ્રાપ્તિ થાય અને આ સંસારમાં આવવું ન પડે.

બ્રાહ્મ-ભક્ત: મહાશય, બીજે વખતે ઈશ્વર-ચિંતન કર્યું હોય, પણ મૃત્યુ સમયે કરે નહિ, તો શું વળી પાછું આ સુખદુ:ખમય સંસારમાં આવવું પડે? શા માટે? તેણે અગાઉ તો ઈશ્વર-સ્મરણ કર્યું હતું.

શ્રીરામકૃષ્ણ: જીવ ઈશ્વર-સ્મરણ કરે ભલે, પણ તેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી, વળી પાછો ભૂલી જાય અને સંસારમાં આસક્ત થઈ જાય. જેમ કે હાથીને એક વાર સ્નાન કરાવી દીધું હોય, તોપણ એ પાછો ધૂળકાદવ પોતાની ઉપર ઉડાડે. મન મત્ત કરી. પરંતુ હાથીને નવડાવીને જો તરત જ હાથીખાનામાં લઈ જવામાં આવે તો ધૂળકાદવ ઉડાડી શકે નહિ. તેમ જો જીવ મૃત્યુ સમયે ઈશ્વર-ચિંતન કરે, તો મન શુદ્ધ થાય. એ મનને પછી કામ-કાંચનમાં ફરીથી આસક્ત થવાનો અવસર મળે નહિ.

‘ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી એટલે તો જીવને આટલો કર્મભોગ ભોગવવો પડે છે. લોકો કહે છે કે ગંગા-સ્નાન કરતી વખતે તમારાં પાપ બધાંય તમારામાંથી નીકળીને ગંગાના કાંઠા પરનાં ઝાડવાં ઉપર બેસી રહે. જેવા તમે ગંગા-સ્નાન કરીને બહાર નીકળ્યા, એટલે તરત જ એ બધાં પાપો તમારી કાંધ ઉપર સવાર થઈને ચડી બેસે! (સૌનું હાસ્ય). એટલે દેહત્યાગને સમયે ઈશ્વર-ચિંતન થાય, તેનો અગાઉથી ઉપાય કરવો જોઈએ; ઉપાય અભ્યાસ યોગ. ઈશ્વર-ચિંતનની ટેવ પાડવાથી છેવટની ઘડીએ પણ ઈશ્વરનું જ સ્મરણ આવે.

બ્રાહ્મ-ભક્ત: બહુ સારી ચર્ચા થઈ; કેવી સુંદર વાતો!

શ્રીરામકૃષ્ણ: આડુંઅવળું કાંઈક હું તો બકી ગયો! બાકી મારો આંતરિક ભાવ કેવો, ખબર છે? હું યંત્ર ને ઈશ્વર યંત્રી; હું ઘર ને તે ઘરમાલિક; હું ગાડી ને તે Engineer, ગાડી ચલાવનાર; હું રથ ને તે રથી; એ જેમ ચલાવે તેમ ચાલું, જેમ કરાવે તેમ કરું!

Total Views: 403
ખંડ 35: અધ્યાય 5 : મુખત્યારનામું આપો - ગૃહસ્થનું કર્તવ્ય કેટલા દિવસ?
ખંડ 35: અધ્યાય 7 : શ્રીરામકૃષ્ણ સંકીર્તનાનંદે