ત્રૈલોક્ય ફરી ગીત ગાઈ રહ્યા છે. સાથે ખોલ-કરતાલ વાગી રહ્યાં છે. શ્રીરામકૃષ્ણ પ્રેમમાં મસ્ત બનીને નાચી રહ્યા છે. નૃત્ય કરતાં કરતાં કેટલીયે વાર સમાધિમગ્ન થાય છે. સમાધિ અવસ્થામાં ઊભા છે, કંપ રહિત દેહ, સ્થિર નેત્ર, સહાસ્ય વદન. કોઈ પ્રિય ભક્તના ખભા પર હાથ મૂકીને ઊભા છે. વળી ભાવ ઊતરતાં મસ્ત હાથીની પેઠે નૃત્ય! બાહ્ય ભાન પ્રાપ્ત થતાં ગીતમાં સાથ પુરાવે છે –

‘નાચો મા ભક્તવૃંદ ઘેરી ઘેરી, પોતે નાચી જગ નચાવો મા,

(વળી કહે છે) હૃદય-પદ્મમાં એક વાર નાચો મા;

નાચો મા બ્રહ્મમયી, એ જ ભુવન-મોહન સ્વરૂપે.’

પાછું એ જ અપૂર્વ દૃશ્ય! જગદંબામાં મસ્ત, પ્રેમે મતવાલા, સ્વર્ગીય બાળકનું એ નૃત્ય! બ્રાહ્મ ભક્તોય તેમને ઘેરીને નૃત્ય કરી રહ્યા છે, જેમ લોખંડને ચુંબક ખેંચી રાખે તેમ. સહુ આવેશમાં આવી જઈને બ્રહ્મ-નામ-સંકીર્તન કરે છે. વળી પાછું બ્રહ્મનું એ મધુર નામ – ‘મા’નામ કરી રહ્યા છે. કેટલાય બાળકની પેઠે ‘મા, મા’ બોલતાં બોલતાં રડે છે.

કીર્તન થઈ રહ્યા પછી સૌ બેઠા. હજી સમાજની સાયંકાળની ઉપાસના થઈ નથી. અચાનક આ કીર્તનાનંદમાં નિયમો બધા કોણ જાણે ક્યાંય તણાઈ ગયા છે.

શ્રીયુત્ વિજયકૃષ્ણ ગોસ્વામી વેદી પર બેસીને રાત્રિ-પ્રાર્થના કરે એવી ગોઠવણ કરવામાં આવી છે. એ વખતે રાતના આશરે આઠ વાગ્યા હશે.

સૌ બેઠેલા છે, શ્રીરામકૃષ્ણ પણ. સામે વિજય. વિજયની સાસુ અને બીજી સ્ત્રી-ભક્તોની પરમહંસદેવનાં દર્શન કરવાની અને તેમની સાથે વાતચીત કરવાની ઇચ્છા છે એમ ખબર મોકલ્યા, એટલે પરમહંસદેવ એક ઓરડાની અંદર જઈને તેઓને મળ્યા.

થોડી વારે પાછા આવીને વિજયને કહે છે: ‘જુઓ, તમારી સાસુની શી ભક્તિ! કહે છે કે સંસારવહેવારની વાત જ મૂકી દો; એક મોજું જાય છે તો બીજું આવે છે. મેં કહ્યું કે અરે, તેમાં તમને શું? તમને તો જ્ઞાન થયું છે. એટલે તમારી સાસુ બોલ્યાં કે ‘મને તે વળી શું થયું છે! હજીયે વિદ્યામાયા અને અવિદ્યામાયાની પાર થઈ નથી; કેવળ અવિદ્યાની પાર થયે તો ચાલે નહિ? વિદ્યા-માયાનીય પાર થવું જોઈએ, જ્ઞાન ત્યારે થાય. આપ જ તો એ વાત કહો છો.’

એ પ્રમાણે વાતો ચાલી રહી છે, એટલામાં શ્રીયુત્ વેણી પાલ આવીને હાજર થયા.

વેણી પાલ (વિજયને): મહાશય, ત્યારે હવે આપ ત્યાં પધારો, બહુ મોડું થઈ ગયું છે. ઉપાસનાની શરૂઆત કરાવો.

વિજય: મહાશય, હવે ઉપાસનાની શી જરૂર? આપને ત્યાં પહેલાં દૂધપાક ખવરાવો, પછી અડદની દાળ અને બીજી ઘણી વ્યવસ્થા!

શ્રીરામકૃષ્ણ (હસીને): જેવો ભક્ત તેવી તેની વ્યવસ્થા. સત્ત્વગુણી ભક્ત દૂધપાક બનાવે; રજોગુણી ભક્ત પચાસ જાતનાં શાકભાજી, ફરસાણ બનાવીને ભોગ ધરાવે ને તમોગુણી ભક્ત બકરાનું બલિદાન દે.

ઉપાસના માટે વેદી પર બેસવું કે નહિ, તેનો વિજય વિચાર કરી રહ્યા છે.

Total Views: 287
ખંડ 35: અધ્યાય 6 : અહંકાર અને સબ જજ
ખંડ 35: અધ્યાય 8 : વિજયને ઉપદેશ