(બ્રાહ્મસમાજમાં લેક્ચર – આચાર્યનું કાર્ય – ઈશ્વર જ ગુરુ)

વિજય: આપ આજ્ઞા કરો તો વેદી પરથી બોલું.

શ્રીરામકૃષ્ણ: અભિમાન ન રાખવું બસ. ‘હું લેક્ચર દઉં છું, તમે સાંભળો,’ એવું અભિમાન ન રાખવું એટલે બસ. અહંકાર જ્ઞાનથી થાય કે અજ્ઞાનથી? જે નિરહંકારી હોય તેને જ જ્ઞાન થાય. નીચી જગામાં જ વરસાદનું પાણી એકઠું થાય, ઊંચી જગાએથી નીચે ઢળી જાય.

‘જ્યાં સુધી અહંકાર રહે ત્યાં સુધી જ્ઞાન થાય નહિ; તેમ મુક્તિ પણ થાય નહિ. આ સંસારમાં ફરી ફરીને આવવું પડે. વાછડો હંમા, હંમા (હું, હું) કરે, એટલે તેને આટલું કષ્ટ પડે. તેને કસાઈ કાપે, પછી ચામડામાંથી જોડા થાય, વળી ઢોલ-નગારાનું ચામડું બને, એ ઢોલને લોકો પીટે. એમ તેના દુ:ખનો પાર નહિ. છેવટે આંતરડાંમાંથી તાંત બને, એ તાંત વડે પિંજણ તૈયાર થાય અને ત્યારે એ જ્યારે તુંહું તુંહું (તું, તું) બોલે ત્યારે જ તેનો છુટકારો થાય. એ પછી હંમા હંમા બોલે નહિ. કહે કે તુંહું તુંહું (તું, તું); એટલે કે હે ઈશ્વર તમે કર્તા, હું અકર્તા; તમે યંત્ર ચલાવનાર, હું યંત્ર; તમે જ બધું.

‘ગુરુ, બાબા અને માલિક, એ ત્રણ શબ્દોથી મને કાંટો વીંધાવા જેવું થાય. હું પ્રભુનું સંતાન, હમેશને માટે હું બાલક. હું વળી બાબા (બાપા) કેવો? ઈશ્વર કર્તા, હું અકર્તા; ઈશ્વર યંત્રી, હું યંત્ર.

‘જો કોઈ મને ગુરુ કહે તો હું કહું ‘હટ્ સાલા, ગુરુ વળી શું? એક સચ્ચિદાનંદ સિવાય બીજો ગુરુ નથી, તેમના સિવાય બીજો કોઈ ઉપાય નથી. એક માત્ર તે જ ભવસાગરના સુકાની. 

(વિજયને): આચાર્યપણું કરવું બહુ કઠણ. એથી પોતાને જ નુકસાન થાય. જેવું પોતાને દસ માણસો માને છે એમ નજરે ચડે કે તરત પગ ઉપર પગ ચડાવીને કહેશે કે ‘હું બોલું છું, તમે સાંભળો!’ એ ભાવ બહુ ખરાબ. તેની પ્રગતિ ત્યાં સુધી જ. જરાક માન મળે, એટલું. બહુ તો માણસો કહેશે કે આહા, વિજય બાબુ બહુ મજાનું બોલ્યા. માણસ ભારે જ્ઞાની. હું બોલું છું એ વિચાર રાખવો નહિ. હું તો માને કહું કે ‘મા, તું યંત્રી, હું યંત્ર. તું જેમ કરાવે તેમ કરું, તું જેમ બોલાવે તેમ બોલું.’

વિજય (વિનયપૂર્વક): આપ આજ્ઞા આપો તો જ હું વેદી પર જઈને બેસું.

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં): હું શું કહું? ચાંદા-મામા સૌના મામા. તમે જ પ્રભુને કહો. અંત:કરણપૂર્વક કહેશો તો કશો ડર નથી.

વિજય વળી વિનંતી કરવા લાગ્યા. એટલે શ્રીરામકૃષ્ણ બોલ્યા, ‘જાઓ, જેમ પદ્ધતિ છે તેમ કરો, અંતરથી પ્રભુ ઉપર ભક્તિ હોય તો બસ.’

વિજય વેદી પર બેસીને બ્રાહ્મ-સમાજની પદ્ધતિ અનુસાર ઉપાસના કરે છે. વિજય પ્રાર્થના વખતે ‘મા, મા’ કરીને પોકારે છે. એથી બધાનાં મન પીગળી ગયાં છે.

ઉપાસના પૂરી થયા પછી ભક્તોની સેવા માટે ભોજનની તૈયારી થાય છે. શેતરંજી, ગાલીચા વગેરે ઉપાડી લેવામાં આવ્યા અને પાતળો નખાવા લાગી. ભક્તો બેઠા. ઠાકુર શ્રીરામકૃષ્ણનું પણ આસન નખાયું. એ પર બેસીને શ્રીયુત્ વેણી પાલે પીરસેલાં દૂધપાક, પૂરી, કચોરી, પાપડ, વિવિધ જાતની મીઠાઈઓ, દહીં, ખીર વગેરે બધું ભગવાનને નિવેદન કરીને સૌ આનંદથી પ્રસાદ જમ્યા.

Total Views: 429
ખંડ 35: અધ્યાય 7 : શ્રીરામકૃષ્ણ સંકીર્તનાનંદે
ખંડ 35: અધ્યાય 9 : મા-કાલી બ્રહ્મ - પૂર્ણ જ્ઞાન થતાં અભેદ