હૃદય હાથ જોડીને ઊભેલ. ઠાકુરને જોતાંવેંત તેણે રસ્તા પર લાકડી પેઠે પડીને પ્રણામ કર્યા. ઠાકુરે ઊભા થવાનું કહ્યું. હૃદય વળી હાથ જોડીને બાળકની પેઠે રુદન કરે છે. 

શી નવાઈ! ઠાકુર શ્રીરામકૃષ્ણ પણ રડે છે. આંખને ખૂણે આંસુનાં કેટલાંક ટીપાં દેખાયાં. તેમણે હાથથી આંસુ લૂછી નાખ્યાં. જાણે કે આંખમાંથી આંસુ પડ્યાં જ નથી. આ શું? જે હૃદયે તેમને કેટલો ત્રાસ આપેલો, તેને માટે દોડી આવ્યા છે અને રડે છે!

શ્રીરામકૃષ્ણ: અત્યારે તું આવ્યો?

હૃદય (રોતાં રોતાં): તમને મળવા આવ્યો છું. મારું દુ:ખ બીજા કોની પાસે કહું?

શ્રીરામકૃષ્ણ (સાંત્વન આપતાં, સહાસ્ય): સંસારમાં એ પ્રમાણે દુ:ખ તો છે જ. સંસાર કરવા જાઓ એટલે સુખદુ:ખ આવે જ.

(માસ્ટરને દેખાડીને): એટલા સારુ આ લોકો ક્યારેક ક્યારેક આવે; ને આવીને ભગવાનની બે ચાર વાતો સાંભળીને મનમાં શાંતિ પામે. તને દુ:ખ શેનું?

હૃદય (રોતાં રોતાં): આપના સત્સંગથી દૂર થયો, એટલે દુ:ખ.

શ્રીરામકૃષ્ણ: તેં જ તો કહ્યું હતું કે ‘તમારો ભાવ તમારી પાસે ભલે રહ્યો, ને મારો ભાવ મારી પાસે ભલે રહ્યો!’

હૃદય: હા, એ તો કહ્યું હતું, પણ મને શી ખબર?

શ્રીરામકૃષ્ણ: ત્યારે આજે તો તું જા. બીજે એક દિવસ બેસીને વાત કરીશું. આજે રવિવાર. ઘણાય માણસો આવ્યા છે, એ લોકો બેઠા છે. આ વખતે દેશમાં ધાન-બાન કેવુંક પાક્યું છે?

હૃદય: હા; એ તો એક રીતે જોતાં ખરાબ નથી.

શ્રીરામકૃષ્ણ: ત્યારે આજે તું હવે જા. બીજે એક દિવસ આવજે.

હૃદયે વળી સાષ્ટાંગ પ્રણામ કર્યા. ઠાકુર એ જ માર્ગે પાછા આવવા લાગ્યા. સાથે માસ્ટર.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): મારી સેવા એણે જેટલી કરી છે, ત્રાસ પણ એણે તેટલો જ આપ્યો છે. હું જ્યારે પેટના રોગથી બે હાડકાં જેવો થઈ ગયો હતો, કાંઈ ખાઈ શકતો ન હતો ત્યારે મને કહે છે કે ‘આમ જુઓ, હું કેવો મજાનો ખાઉં પીઉં છું. તમારા મનની આડાઈથી તમે ખાઈ શકતા નથી!’ વળી કહેતો કે ‘મૂરખ! હું ન હોત તો તમારું સાધુપણું નીકળી જાત!’ એક દિવસે તો તેણે એવો ત્રાસ આપેલો કે હું પુસ્તા ઉપર ચડીને ગંગાની ભરતીનાં પાણીમાં દેહત્યાગ કરવા ગયેલો.’

માસ્ટર તો એ સાંભળીને આશ્ચર્યથી ચૂપ જ થઈ રહ્યા! કદાચ વિચાર કરતા હશે કે શી નવાઈ, એવા માણસને માટે આમણે આંખમાંથી આંસુ પાડ્યાં હતાં!

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): વારુ, એ આટલી સેવા કરતો તોય એનું આમ કેમ થયું? નાના છોકરાંને જેવી રીતે સંભાળે તેવી રીતે તેણે મારી સંભાળ રાખી છે. હું તો રાતદિ’ (સમાધિમાં) બેહોશ પડ્યો રહેતો, એ ઉપરાંત વળી ઘણાય દિવસ સુધી પેટના રોગથી હેરાન થયો છું. એ જેવી રીતે મને રાખતો તેવી રીતે હું રહેતો.

માસ્ટર શું બોલે? ચૂપ રહ્યા. કદાચ વિચાર કરતા હશે કે હૃદયરામ નિષ્કામ થઈને ઠાકુરની સેવા નહિ કરતા હોય.

વાતો કરતાં કરતાં ઠાકુર પોતાના ઓરડામાં આવી પહોંચ્યા. ભક્તો વાટ જોતા હતા. ઠાકુર પાછા નાની પાટ ઉપર બેઠા.

Total Views: 274
ખંડ 36: અધ્યાય 1 : દક્ષિણેશ્વરમાં મનોમોહન, મહિમા વગેરે ભક્તો સાથે
ખંડ 36: અધ્યાય 3 : ભક્તો સાથે - વિવિધ પ્રસંગે - ભાવ અને મહાભાવનાં ગૂઢતત્ત્વ