ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-કાલીમંદિરે બિરાજે છે. તેઓશ્રી પોતાના ઓરડાની અંદર નાની પાટ ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠા છે. ભક્તો જમીન પર બેઠા છે. આજ આસો વદ સાતમ. તારીખ ૯મી નવેમ્બર, ઈ.સ. ૧૮૮૪. ૨૫, કાર્તિક, રવિવાર.

સમય લગભગ બપોરનો. માસ્ટરે જોયું તો ભક્તો એક પછી એક આવી રહ્યા છે. શ્રીયુત્ વિજયકૃષ્ણ ગોસ્વામીની સાથે કેટલાક બ્રાહ્મ-ભક્તો આવ્યા છે. પૂજારી રામ ચક્રવર્તી પણ છે. પછી અનુક્રમે મહિમાચરણ, નારાયણ, કિશોરી આવ્યા. થોડી વાર પછી બીજા કેટલાક ભક્તો પણ આવ્યા.

શિયાળાની શરૂઆત. ઠાકુરને પહેરણની જરૂર હતી, એટલે માસ્ટરને પહેરણ લાવવાનું કહ્યું હતું. માસ્ટર લોંગ-કલોથનાં બે પહેરણ ઉપરાંત એક જીનનું પહેરણ પણ લાવ્યા હતા; પરંતુ ઠાકુરે જીનનું પહેરણ લાવવાનું કહ્યું ન હતું.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): એના કરતાં તમે એક પહેરણ પાછું લઈ જાઓ. તમે જ પહેરજો. એમાં વાંધો નહિ. વારુ, તમને કેવાં પહેરણની વાત કરી હતી?

માસ્ટર: જી, આપે સાદાં પહેરણ લાવવાની વાત કરી હતી; જીનનું પહેરણ લાવવાનું કહ્યું ન હતું.

શ્રીરામકૃષ્ણ: ત્યારે જીનનું જ પાછું લઈ જાઓ. 

(વિજય વગેરેને) જુઓ, દ્વારિકાબાબુએ શાલ આપી હતી. વળી મારવાડીઓ પણ લાવ્યા. મેં લીધી નહિ.

ઠાકુર એ ઉપરાંત કંઈક બોલવા જતા હતા, ત્યાં વિજયે વાત શરૂ કરી.

વિજય: જી હા, બરાબર. કોઈ વસ્તુની જરૂર હોય તો લેવી જ જોઈએ, ગમે તે એક જણને તો દેવું જ પડે. માણસ સિવાય બીજું કોણ આપે?

શ્રીરામકૃષ્ણ: દેવાવાળો એ એક ઈશ્વર. એક સાસુએ કહ્યું કે અહા! વહુ બેટા! સૌની સેવા કરવા સારુ માણસ છે, તેમ કોઈ તમારાય પગ દાબી દેત તો સારું થાત! વહુ કહે કે, ‘મારા પગ હરિ દાબશે. મારે કોઈની જરૂર નથી.’ એણે ભક્તિ-ભાવે એ વાત કહેલી. 

એક ફકીર અકબર બાદશાહ પાસે થોડાક રૂપિયા માગવા ગયો હતો. બાદશાહ એ વખતે નમાજ પઢતો હતો ને બોલતો હતો કે ‘હે ખુદા! મને ધન આપો, દોલત આપો!’ એ સાંભળીને ફકીરે ઊઠીને ચાલવા માંડ્યું. પરંતુ બાદશાહે તેને બેસવાની ઇશારત કરી. નમાજ પછી બાદશાહે તેને પૂછ્યું કે ‘તમે શા માટે ચાલ્યા જતા હતા?’ ત્યારે ફકીરે કહ્યું કે ‘હું આપની પાસે કંઈક માગવા આવ્યો હતો. પણ મેં જોયું કે આપ પોતે જ બોલી રહ્યા છો કે ‘ધન આપો, દોલત આપો.’ એટલે મને થયું કે જો માગવું જ હોય તો ભિખારી પાસે શું કામ માગવું? ખુદાની પાસે જ માગવું!’

વિજય: ગયામાં એક સાધુને જોયો હતો; તેનો પોતાનો કશો પ્રયત્ન નહિ. એક દિવસ તેને ભક્તોને જમાડવાની ઇચ્છા થઈ. એ સાથે જ કોણ જાણે ક્યાંથી માથા ઉપર ઊંચકાઈને લોટ, ઘી વગેરે સામગ્રી આવી પડી; ફળફૂલ પણ આવ્યાં!

(સંચય અને ત્રણ પ્રકારના સાધુ)

શ્રીરામકૃષ્ણ (વિજય વગેરેને): સાધુ ત્રણ પ્રકારના: ઉત્તમ, મધ્યમ અને અધમ. જેઓ ઉત્તમ, તેઓ પોતાના ગુજરાન સારુ પણ પ્રયાસ કરે નહિ; મધ્યમ અને અધમ, જેવા કે દંડી ફંડી. જેઓ મધ્યમ, તેઓ ‘નમો નારાયણ!’ કહીને ઊભા રહીને ભિક્ષા માગે. જેઓ અધમ; તેઓને ન આપો તો ઝઘડો કરે. (સૌનું હાસ્ય).

ઉત્તમ પ્રકારના સાધુની અજગર-વૃત્તિ: તેને બેઠાં બેઠાં ખાવાનું મળે. અજગર હાલેચાલે નહિ. એક નાની ઉંમરનો છોકરો – સાધુ, બાલ-બ્રહ્મચારી; તે એક જગાએ ભિક્ષા માગવા ગયો હતો. ત્યાં એક જુવાન છોકરીએ આવીને ભિક્ષા આપી. તેની છાતીએ સ્તન જોઈને તે સાધુને થયું કે આ છોકરીની છાતીએ ગૂમડાં થયાં લાગે છે એટલે એણે પૂછ્યું. પછી ઘરનાં બીજાં બૈરાંઓએ આવીને તેને સમજાવ્યું કે એને બાળક અવતરવાનું છે તેથી એ બાળકને માટે ભગવાન એની છાતીમાં દૂધ મૂકશે. એટલે ઈશ્વર અગાઉથી તેની ગોઠવણ કરે છે. એ સાંભળીને પેલો સાધુ તો નવાઈ પામી ગયો ને બોલી ઊઠ્યો કે ત્યારે મારે માગવાની જરૂર નહિ; મારે માટે પણ ખાવાની ગોઠવણ તેણે કરી જ છે!

ભક્તોમાંથી કોઈ કોઈ વિચાર કરે છે કે તો પછી આપણેય પ્રયાસ ન કરીએ તો પણ ચાલે. 

શ્રીરામકૃષ્ણ: ‘જેને એમ લાગે છે કે પ્રયાસ કરવો જોઈએ, તેણે તો પ્રયાસ કરવો જ પડે.

વિજય: ભક્ત-માળમાં એ વિશે એક મજાની વાત છે.

શ્રીરામકૃષ્ણ: તમે કહો ને.

વિજય: આપ કહો.

શ્રીરામકૃષ્ણ: ‘ના, તમે જ કહો. મને એટલું બધું યાદ નથી. પહેલાં પહેલાં સાંભળવું જોઈએ. એટલે પહેલાં એ બધું સાંભળતો. 

(શ્રીઠાકુરની અવસ્થા – એક રામચિંતા – પૂર્ણજ્ઞાન અને પ્રેમનું લક્ષણ)

શ્રીરામકૃષ્ણ: ‘હવે મારી એ અવસ્થા નથી. હનુમાન કહેતા કે હું વાર, તિથિ, નક્ષત્ર જાણતો નથી. હું એક રામનું ચિંતન કરું!

‘ચાતક ઇચ્છે માત્ર વર્ષાનું જળ. તરસે પ્રાણ જાય તોય ઊંચું જોઈને આકાશનું પાણી પીવા ઇચ્છે. ગંગા, યમુના, સાત સમુદ્ર જળથી ભરપૂર છે, પરંતુ એ પૃથ્વી પરનું જળ પીએ નહિ.

‘રામ પંપા સરોવરે ગયા હતા. ત્યાં લક્ષ્મણે જોયું તો એક કાગડો તરસથી આકુળ વ્યાકુળ થઈને વારે વારે પાણી પીવા જાય છે, પણ પીતો નથી. એટલે તેણે રામને એ વિશે પૂછ્યું. રામે કહ્યું કે ભાઈ એ કાક પરમ ભક્ત છે. રાતદિવસ રામનામ જપ્યા કરે છે. આ બાજુ પાણીની તરસે છાતી ફાટી જાય છે પણ પી નથી શકતો; એ વિચારથી કે પાણી પીવા જતાં પાછી ક્યાંક રામનામના જપમાં તૂટ પડે તો!

‘હલધારીને પૂર્ણિમાને દિવસે મેં પૂછ્યું, ‘મોટાભાઈ! આજ શું અમાસ થઈ?’ (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (હસીને): હા, ભાઈ! સાંભળ્યું હતું કે જ્યારે અમાસ-પૂનમની ભૂલ થઈ જાય ત્યારે એ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ. પણ હલધારી એ માને શેનો? હલધારી કહે છે કે આનું નામ કલિયુગ! જેને અમાસ-પૂનમનું ભાન નહિ, આને વળી માણસો માને!

એ વાત ઠાકુર કરી રહ્યા છે એટલામાં મહિમાચરણ આવી પહોંચ્યા.

શ્રીરામકૃષ્ણ (આદરપૂર્વક): પધારો, પધારો! બેસો!

(વિજય વગેરે ભક્તોને): આ અવસ્થામાં ‘અમુક દિવસ’ એ યાદ રહે નહિ. એ દિવસે વેણી પાલને બગીચે ઉત્સવ હતો, તે દિવસ ભુલાઈ ગયેલો. અમુક દિવસે સૂર્ય-સંક્રાન્તિ છે એટલે તે દિવસે સારી રીતે હરિનામ કરીશ – એ બધાનો હવે બરાબર ખ્યાલ રહેતો નથી. (જરા વિચાર કર્યા પછી) તો પણ કોઈક આવવાનું છે એમ કહે તો એ યાદ રહે.’

(શ્રીરામકૃષ્ણનાં મનપ્રાણ ક્યાં છે – ઈશ્વરપ્રાપ્તિ અને ઉદ્દીપન)

શ્રીરામકૃષ્ણ: ‘ઈશ્વરમાં સોળે સોળ આના મન જાય તો એવી અવસ્થા થાય. રામે પૂછ્યું: ‘હનુમાન, તમે સીતાના ખબર લાવ્યા છો તો કેવી હાલતમાં તેને જોઈ આવ્યા તે મને કહો.’

હનુમાન બોલ્યા: ‘રામ, મેં જોયું તો સીતાનું કેવળ ખોળિયું ત્યાં પડ્યું છે, તેની અંદર મન-પ્રાણ નથી. કારણ, સીતાએ પોતાનાં મન-પ્રાણ તો તમારાં ચરણકમલમાં સમર્પિત કર્યાં છે! એટલે એકલું શરીર પડ્યું છે અને કાળ (યમ) આંટા માર્યા કરે છે. પણ શું કરે? એકલું ખોળિયું જ છે; મન-પ્રાણ તેમાં નથી.’

‘જેનું ચિંતન કરો તેની સત્તા તમારામાં આવે. અહર્નિશ ઈશ્વર-ચિંતન કરશો તો ઈશ્વરની સત્તા તમારામાં આવશે. મીઠાની પૂતળી સમુદ્રનું માપ કાઢવા ગઈ તો સમુદ્રરૂપ જ થઈ ગઈ!

પુસ્તકો કે શાસ્ત્રોનો શો ઉદ્દેશ? ઈશ્વર-પ્રાપ્તિ. એક જણે એક સાધુની પોથી ઉઘાડીને જોયું તો તેમાં દરેક પાને માત્ર ‘રામ’ નામ લખ્યું છે! બીજું કશું નહિ!

‘ઈશ્વર ઉપર પ્રેમ આવે તો એક જરા જેટલા કારણથી પણ ઈશ્વરનું ઉદ્દીપન થઈ જાય. એવી અવસ્થા થાય તો એક વાર રામનું નામ લીધે કોટિ સંધ્યાનું ફળ મળે.

‘વાદળાં જોઈને મયૂરને ઉદ્દીપન થઈ આવે. આનંદથી કળા કરીને નૃત્ય કરે. રાધિકાજીને પણ એમ થતું. મેઘ જોતાંવેંત શ્રીકૃષ્ણની યાદ આવતી.

‘ચૈતન્યદેવ મેડગાંવની પાસે થઈને જઈ રહ્યા હતા. ત્યાં તેમણે સાંભળ્યું કે આ ગામની માટીમાંથી ખોલ (મૃદંગ) બને છે. એ સાંભળતાં જ ચૈતન્યદેવ ભાવ-સમાધિથી વિહ્વળ થઈ ગયા. કારણ કે હરિ-નામ-સંકીર્તન વખતે એ ખોલ વગાડવામાં આવે. એવું ઉદ્દીપન કોને થાય? 

જેનામાંથી વિષય-બુદ્ધિનો ત્યાગ થઈ ગયો હોય તેને. જેનો વિષય-રસ સુકાઈ જાય તેને જ એક જરાક જેટલા કારણથી ઉદ્દીપન થાય. દીવાસળી ભીંજાયેલી હોય તો હજાર ઘસો ને તોય સળગે નહિ. પણ જો એમાનું પાણી સુકાઈ જાય; તો એક જરાક ઘસતાંની સાથે જ ફર્‌ર્‌ કરીને સળગી ઊઠે.

(ઈશ્વરપ્રાપ્તિ પછી દુ:ખ-મૃત્યુમાં સ્થિરબુદ્ધિ અને આત્મસમર્પણ)

‘દેહનાં સુખદુ:ખ તો છે જ. જેને ઈશ્વર-પ્રાપ્તિ થઈ હોય તે પોતાનાં મન, પ્રાણ, દેહ, આત્મા, એ સમસ્ત તેને અર્પણ કરે. પંપા સરોવરમાં સ્નાન કરતી વખતે રામ-લક્ષ્મણે સરોવરને કાંઠે માટીમાં ધનુષ ખૂંચાડી રાખ્યું. સ્નાન પછી લક્ષ્મણ માટીમાંથી ધનુષને ખેંચી કાઢીને જુએ છે તો ધનુષનો છેડો લોહીથી ખરડાયેલો દેખાયો. એ જોઈને રામ બોલ્યા, ‘ભાઈ જો, જો; એમ લાગે છે કે કોઈ જીવની હિંસા થઈ ગઈ!’ લક્ષ્મણે માટી ખોદીને જોયું તો એક મોટો દેડકો; મરણતોલ અવસ્થા. એને જોઈને રામ કરુણ સ્વરે કહેવા લાગ્યા કે ‘ભાઈ, તારે માથે ધનુષનો છેડો પડ્યો ત્યારે તેં અવાજ કેમ કર્યાે નહિ? તો અમે તને બચાવવાનો પ્રયાસ કરત. જ્યારે સાપ પકડે, ત્યારે તો બહુ જ બૂમો પાડે છે!’ એટલે દેડકો કહે છે કે ‘રામ! જ્યારે સાપ પકડે, ત્યારે હું એમ કહીને બૂમો પાડું કે ‘રામ બચાવો, રામ બચાવો!’ પણ અત્યારે તો જોઉં છું કે ખુદ રામ જ મને મારી રહ્યા છે, એટલે મૂંગો રહ્યો છું!’

Total Views: 367
ખંડ 36: અધ્યાય 9 : સેવક-હૃદયમાં
ખંડ 36: અધ્યાય 11 : સ્વ-સ્વરૂપમાં રહેવું એટલે શું? - જ્ઞાનયોગ શા માટે કઠિન છે?