ઠાકુર જરા શાંત રહીને મહિમા વગેરે ભક્તોને જુએ છે. 

ઠાકુરે સાંભળ્યું હતું કે મહિમાચરણ ગુરુમાં માનતા નથી. ઠાકુર ફરી વાતો શરૂ કરે છે.

શ્રીરામકૃષ્ણ: ગુરુ-વાક્યમાં શ્રદ્ધા રાખવી જોઈએ. ગુરુનું વર્તન જોવાની જરૂર નથી.

‘ભલે મારા ગુરુ કલાલને ઘેર જાય, તોય મારા ગુરુ નિત્યાનંદ રાય.’

એક જણ ચંડી-ભાગવત સંભળાવતો. તેણે કહ્યું હતું કે સાવરણી પોતે અસ્પૃશ્ય ખરી, પણ જમીન સાફ કરે.

મહિમાચરણ વેદાન્ત-ચર્ચા કરે. હેતુ બ્રહ્મ-જ્ઞાન. જ્ઞાનીનો માર્ગ ગ્રહણ કરીને હંમેશાં તત્ત્વ-વિચાર કરે.

શ્રીરામકૃષ્ણ (મહિમાને): જ્ઞાનીનો ઉદ્દેશ સ્વ-સ્વરૂપને જાણવું. એનું જ નામ જ્ઞાન, એનું જ નામ મુક્તિ. પરબ્રહ્મ એ જ પોતાનું સ્વરૂપ, હું અને પરબ્રહ્મ એક; માયાને લીધે એ જાણી શકાતું નથી.

‘હરીશને મેં કહ્યું હતું કે બીજું કંઈ નહિ; સોના ઉપર કેટલાક ટોપલા માટી પડી છે, એ માટી ફેંકી દેવી. 

ભક્તો અહં રહેવા દે, જ્ઞાનીઓ તેમ કરે નહિ. કેવી રીતે સ્વ-સ્વરૂપમાં રહી શકાય તેનો નાગાજી ઉપદેશ દેતો: ‘મનનો બુદ્ધિમાં લય કરો, બુદ્ધિનો આત્મામાં લય કરો; ત્યારે સ્વ-સ્વરૂપમાં રહેશો.’

પરંતુ અહં રહે ને રહે જ; જાય નહિ. જેમ કે અનંત જળસમૂહ; ઉપર નીચે, આગળ પાછળ, જમણે ડાબે જળથી પરિપૂર્ણ. એ જળની વચ્ચે એક જળપૂર્ણ કુંભ છે. એ કુંભની અંદર બહાર બધેય જળ. છતાંય કુંભ છે, અહંરૂપી કુંભ.

(પૂર્વકથા – કાલીમંદિરમાં વજ્રપાત – બ્રહ્મજ્ઞાનીનું શરીર અને ચરિત્ર)

‘જ્ઞાનીનું શરીર તો જ્ઞાન પછી પણ જેવું ને તેવું જ રહે. પરંતુ જ્ઞાનાગ્નિથી કામ વગેરે રિપુ દગ્ધ થઈ જાય. કાલી-મંદિરમાં ઘણા દિવસો પહેલાં વરસાદનું તોફાન થઈને મંદિર ઉપર વીજળી પડેલી. અમે જઈને જોયું તો બારણાને કંઈ થયું ન હતું; પણ સ્ક્રૂનાં માથાં ભાંગી ગયેલાં. બારણાં જાણે કે શરીર; કામ વગેરે આસક્તિઓ જાણે કે સ્ક્રૂ. 

જ્ઞાનીને કેવળ ઈશ્વરની વાત ગમે, સંસાર-વહેવારની વાતો કરો તો તેને બહુ કષ્ટ થાય. પણ સંસારી લોકો જુદી પ્રકૃતિના. તેમની અવિદ્યા-પાઘડી ખસે નહિ. એટલે ફરી ફરીને એ જ સંસારની વાતો લાવી મૂકે.

‘વેદમાં સાત ભૂમિકાની વાત છે. પાંચમી ભૂમિકાએ જ્યારે જ્ઞાની પહોંચે ત્યારે ઈશ્વરની વાતો સિવાય બીજી સાંભળી પણ શકે નહિ અને બોલી પણ શકે નહિ. ત્યારે તેના મોઢામાંથી કેવળ જ્ઞાનોપદેશ નીકળે.

આ બધી વાતોથી શ્રીરામકૃષ્ણ શું પોતાની જ અવસ્થાનું વર્ણન કરી રહ્યા છે કે શું?

ઠાકુર વળી કહે છે: ‘વેદમાં છે સચ્ચિદાનંદ બ્રહ્મની વાત. બ્રહ્મ એક પણ નથી અને બે પણ નથી. તે એક-બેની વચ્ચે. તેને વિશે અસ્તિ, એટલે કે છે એમ પણ કહી શકાય નહિ. નાસ્તિ, એટલે કે નથી એમ પણ કહી શકાય નહિ. એ અસ્તિ-નાસ્તિની વચ્ચે.’

(શ્રીરામકૃષ્ણ અને ભક્તિયોગ – રાગભક્તિ થતાં ઈશ્વરપ્રાપ્તિ થાય)

શ્રીરામકૃષ્ણ: ‘રાગ-ભક્તિ આવે એટલે કે ઈશ્વર પર પ્રેમ ઊપજે, ત્યારે ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય. વૈધિ એટલે વિધિપૂર્વકની ભક્તિને આવતાંય વાર નહિ ને જતાંય વાર નહિ. આટલા લક્ષ જપ કરવા, આટલું ધ્યાન કરવું, આટલા યજ્ઞ, યાગ, હોમ કરવા, આવા આવા ઉપચારોથી પૂજા કરવી, પૂજા વખતે આ આ મંત્રોનાં ઉચ્ચારણ કરવાં એ બધાંનું નામ વૈધિ ભક્તિ. એ ભક્તિ આવેય ઝટ ને જાય પણ ઝટ. કેટલાય માણસો કહેશે કે ‘અરે ભાઈ, કેટલાં વ્રત-ઉપવાસ કર્યાં, કેટલી વાર ઘરે દુર્ગા-પૂજા કરાવી; પણ શું વળ્યું?’

‘પરંતુ રાગ-ભક્તિને માર્ગે એવું પતન આવે નહિ. રાગ-ભક્તિ કોને થાય? જેમણે પૂર્વ-જન્મમાં ઘણીયે સાધના કરેલી હોય; અથવા જેઓ નિત્ય-સિદ્ધ હોય તેમને. જેમ કે ઉજ્જડ ઘરની જગાની સાફસૂફી કરતાં કરતાં પાણીના નળની સાથે જોડેલો એક ફુવારો મળી આવ્યો. તે ધૂળ, માટી, ચૂના વગેરેથી ઢંકાયેલો પડ્યો હતો. જેવી ઉપરથી માટી, ધૂળ વગેરે નીકળી ગઈ કે તરત જ ફર્‌ર્‌ ફર્‌ર્‌ કરતું પાણી ઊડવા લાગ્યું!

‘જેમનામાં રાગ-ભક્તિ હોય તેઓ એવું કહે નહિ કે અરે ભાઈ, કેટલાં વ્રત વગેરે કર્યાં, તોય શું વળ્યું? જેઓ નવા નવા ખેતી કરે તેઓ જો ખેતરમાં પાક ન ઊતરે તો ખેતી છોડી દે. પણ અસલ ખાનદાન ખેડૂત પાક ઊતરે કે ન ઊતરે છતાં ખેતી કરે જ કરે. તેમના બાપદાદાથી તેઓ ખેતી કરતા આવે છે. તેઓ જાણે, કે ખેતી કરીને જ જીવવાનું છે.

‘જેમનામાં રાગ-ભક્તિ હોય, તેમની જ ખરી આંતરિક ભક્તિ. તેમનો ભાર ઈશ્વર પોતાના પર લે. એક વાર ઇસ્પિતાલમાં નામ લખાવ્યું એટલે પછી આરામ ન થાય ત્યાં સુધી ડોક્ટર સાહેબ રજા આપે નહિ!

‘ઈશ્વર જેમને પકડી રહ્યો છે, તેમને કશો ડર નહિ. ખેતરની પાળ ઉપરથી ચાલતાં ચાલતાં જે છોકરું પોતે બાપનો હાથ પકડી રાખે, તેને બેદરકારીથી કદાચિત હાથ છૂટી જતાં પડી જવાનો સંભવ; પણ બાપ જો છોકરાંનો હાથ પકડી રાખે તો તે પડે નહિ.

(રાગભક્તિ થયા પછી માત્ર ઈશ્વરની જ વાતો થાય – સંસારત્યાગ અને ગૃહસ્થ)

‘શ્રદ્ધાથી શું ન થઈ શકે? જે સાચા દિલનો હોય તેને બધામાં શ્રદ્ધા બેસે; સાકાર, નિરાકાર, રામ, કૃષ્ણ, ભગવતી એ બધાંમાં.

‘દેશમાં જતી વખતે રસ્તામાં વરસાદનું તોફાન થયું. વચ્ચે વગડામાં લૂંટારાની બીક. એ વખતે હું બધાંયનાં નામ લેવા મંડી ગયો: રામ, કૃષ્ણ, ભગવતી. વળી હનુમાનજીનું નામ પણ લેવા લાગ્યો!

‘વારુ, એ બધાંયનાં નામ લેવા લાગ્યો એનો અર્થ શો?

‘વાત એમ છે કે જ્યારે નોકર કે કામવાળી બજારમાંથી શાકભાજી કે ચીજવસ્તુ લાવવા સારુ પૈસા લે, ત્યારે બોલી બોલીને લે કે આ બટાટાના પૈસા, આ રીંગણાના પૈસા આ આદુ-મરચાં-કોથમીરના પૈસા; એમ બધા જુદા જુદા ગણીગણીને લે અને પછી ભેગા ભેળવી દે, તેમ.

‘ઈશ્વર ઉપર પ્રેમ આવે એટલે કેવળ ઈશ્વરની જ વાતો કરવાની ઇચ્છા થાય. જે જેને ચાહે તેને તેની વાતો કરવાનું અને સાંભળવાનું ગમે. 

સંસારી માણસોને તેમનાં છોકરાંની વાતો કરતાં કરતાં મોઢામાંથી લાળ પડી જાય! જો કોઈ તેમનાં છોકરાંનાં વખાણ કરે તો તે તરત કહેશે કે ‘એલા એય, તારા કાકાને માટે પગ ધોવા પાણી લાવ!’ જેમને પારેવાં ગમે, તેમની પાસે પારેવાંનાં વખાણ કરો તો બહુ જ રાજી! જો કોઈ પારેવાંની નિંદા કરે તો બોલી ઊઠે કે ‘તારા બાપદાદાની ચૌદ પેઢીમાંથી કોઈએ કોઈ દિ’ પારેવું પાળી જોયું છે?’

ઠાકુર મહિમાચરણને ઉપદેશ દે છે, કારણ કે મહિમાચરણ સંસારી.

શ્રીરામકૃષ્ણ (મહિમાને): સંસારનો તદ્દન ત્યાગ કરવાની શી જરૂર? મનમાંથી આસક્તિ નીકળી જાય એટલે થયું. પણ સાધના જોઈએ. ઇન્દ્રિયોની સાથે યુદ્ધ કરવું જોઈએ. 

કિલ્લાની અંદર રહીને લડવાનું જ વધુ સહેલું. કિલ્લામાં ઘણી મદદ મળે. સંસાર એ ભોગનું સ્થાન. એક પછી એક વસ્તુઓ ભોગવી લઈને પછી તરત ત્યાગ કરી દેવો જોઈએ. મને ઇચ્છા થઈ હતી કે સોનાનો કંદોરો પહેરું. છેવટે તે મળ્યો પણ ખરો, અને મેં તે પહેર્યાે. પણ પહેર્યા પછી તરત જ કાઢી નાખવો પડ્યો. 

એક વાર ડુંગળી ખાધી અને પછી વિચાર કરવા લાગ્યો કે મન, આનું નામ ડુંગળી. ત્યાર પછી મોઢાની અંદર આમ તેમ એમ એક બે વાર ફેરવી ચાવીને ફેંકી દીધી.

Total Views: 481
ખંડ 36: અધ્યાય 10 : સંન્યાસીએ સંચય ન કરવો - શ્રીઠાકુર ‘મદ્ગત-અંતરાત્મા’
ખંડ 36: અધ્યાય 12 : સંકીર્તનાનંદે