સંધ્યાની પૂર્વે મણિ ફરી રહ્યા છે અને વિચાર કરે છે કે ‘રામની મરજી એ તો મજાની વાત! એથી તો (પ્રારબ્ધ) Predestination અને (પુરુષાર્થ) Free Will; (સ્વાતંત્ર્ય) Liberty અને (પરતંત્રતા) Necessity એ બધાં વચ્ચેના ઝઘડા મટી જાય છે. મને ચોર પકડીને લઈ ગયા, રામની મરજીથી. તેમજ હું હુક્કો પીઉં છું, રામની મરજીથી. હું ચોરી કરું છું, રામની મરજીથી. મને પોલીસે પકડ્યો, રામજીની મરજીથી. હું સાધુ થયો, રામની મરજીથી. 

હું પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, મને દુર્બુદ્ધિ આપો મા, મારે હાથે ચોરી કરાવો મા એ પણ રામની મરજીથી. સારી ઇચ્છા, નરસી ઇચ્છા રામ જ આપે છે. પણ ત્યારે એક વાત છે કે ખરાબ ઇચ્છા ભગવાન શા માટે આપે? – ચોરીચપાટી કરવાની ઇચ્છા ભગવાન શા માટે આપે? તેના જવાબમાં ઠાકુર કહે છે કે તેમણે જાનવરની અંદર જેમ વાઘ, સિંહ, સાપ વગેરે કર્યા છે, ઝાડની અંદર જેમ વિષ-વૃક્ષો પણ કર્યાં છે, તે જ પ્રમાણે માણસોમાં પણ ચોર-લૂંટારા કર્યા છે. શા માટે એમ કર્યું છે એ કોણ કહી શકે? ઈશ્વરને કોણ સમજી શકે?

‘પરંતુ ભગવાને જો બધુંય કર્યું છે તો તો પછી (જવાબદારીનો ખ્યાલ) Sense of responsibility ટકે નહિ; એ તો જાય. પણ શેનો જાય? ઈશ્વરને જાણ્યા વિના, ઈશ્વરનાં દર્શન વિના, ‘ભગવાનની મરજી’, એ જ્ઞાન જ સોળે સોળ આના થાય નહિ. ઈશ્વરની પ્રાપ્તિ થયા વિના ક્યારેક ક્યારેક એ જ્ઞાન થાય. પણ પાછું ભુલાઈ જાય. જ્યાં સુધી પૂર્ણ શ્રદ્ધા ન આવે ત્યાં સુધી પાપ-પુણ્યનું ભાન, Responsibility (જવાબદારી)નો ખ્યાલ રહે રહે ને રહે જ. ઠાકુરે સમજાવ્યું કે ‘રામની મરજી!’ પણ પોપટની જેમ ‘રામની મરજી’ માત્ર મોઢેથી બોલ્યે ચાલે નહિ. જ્યાં સુધી ઈશ્વરને ઓળખી શકાય નહિ, તેની ઇચ્છા ને આપણી ઇચ્છા એક થાય નહિ, જ્યાં સુધી હું યંત્ર એવો અનુભવ બરાબર થાય નહિ, ત્યાં સુધી પાપ-પુણ્ય, સુખ-દુ:ખ, પવિત્ર-અપવિત્ર, સારુ-નરસું એ બધાનું ભાન ઈશ્વર રાખી દે. (જવાબદારીનો ખ્યાલ) Sense of responsibility રાખી દે. એમ ન હોય તો ભગવાનની માયાનો સંસાર ચાલે કેવી રીતે?

ઠાકુરની ભક્તિ વિશે જેમ વિચાર કરીએ છીએ, તેમ તેમ આશ્ચર્યચકિત થઈએ છીએ. કેશવ સેન હરિ-સ્મરણ કરે, ઈશ્વર-ચિંતન કરે. ઠાકુર તરત જ તેને મળવા દોડે. કેશવ પોતાનું માણસ બની ગયા. એ વખતે કેપ્ટનની વાત માની નહિ. કેશવ વિલાયત ગયા હતા, સાહેબ લોકોની સાથે ખાધું હતું, પોતાની દીકરીને જુદી નાતમાં પરણાવી છે એ બધી બાબતો તણાઈ ગઈ! હું બોર ખાઉં, કાંટાની સાથે મારે શું કામ? ભક્તિરૂપી સૂત્રથી સાકારવાદી, નિરાકારવાદી એક થાય. હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, ચારે વર્ણ એક થાય. 

ભક્તિનો જ જયજયકાર! ધન્ય શ્રીરામકૃષ્ણ! તમારો જ જયજયકાર! તમે સનાતન ધર્મનો આ વિશ્વવ્યાપી ભાવ પાછો મૂતિમંત કર્યાે! શું એને અંગે તમારું આટલું આકર્ષણ! સર્વ ધર્મના અનુયાયીઓને તમે ભેદભાવ વિના પરમ આત્મીય સમજીને આલિંગન કરો છો! તમારી એક માત્ર કસોટી છે ભક્તિ! તમે માત્ર એટલું જ જુઓ છો કે માણસની અંદર ઈશ્વર ઉપર પ્રેમ અને ભક્તિ છે કે નહિ. જો એ હોય તો તરત એ માણસ તમારો પરમ બંધુ! હિંદુમાં જો ભક્તિ દેખો તો તરત તે તમારો સગો! મુસલમાનમાં જો અલ્લાહ ઉપરની ભક્તિ હોય તો એ પણ તમારો માણસ! ખ્રિસ્તીમાં જો ઈશુ ઉપર ભક્તિ હોય તો તે પણ તમારો પરમ આત્મીય! તમે કહો છો કે બધી નદીઓ જુદી જુદી દિશાઓમાંથી આવીને એક સમુદ્રમાં મળે છે; સૌ નદીઓનું ગંતવ્ય-સ્થાન એક સમુદ્ર જ!

ઠાકુર આ જગતને સ્વપ્નવત્ કહેતા નથી. તે કહે છે કે તો પછી વજનમાં ઘટી જાય! માયાવાદ નહિ, વિશિષ્ટાદ્વૈતવાદ. કારણ કે જીવ, જગત વગેરે બધું માયા, એમ કહેતા નથી, મનનો ભ્રમ એમ કહેતા નથી. ઈશ્વર સત્ય, તેમજ વળી માણસ પણ સત્ય, જગત પણ સત્ય! જીવ-જગત-વિશિષ્ટ બ્રહ્મ. બીજ, કાચલું બાદ કરીએ તો આખું બીલું ન મળે.

સાંભળ્યું કે આ જગત બ્રહ્માંડ મહાચિદાકાશમાં આવિર્ભૂત થાય છે, તેમજ વળી કાળે કરીને તેમાં જ લય પામી જાય છે. મહાસમુદ્રમાં તરંગ ઊઠે છે અને વળી કાળે કરીને લય પામી જાય છે. આનંદ-સિંધુ-નીરમાં અનંત લીલા-લહરી! આ લીલાનો આદિ ક્યાં? અંત ક્યાં? એ મોઢેથી વર્ણવી શકાય નહિ, તેમ મનથી તેનો વિચાર કરી શકાય નહિ! માણસ તે કેવડો? તેની બુદ્ધિયે કેવડી? સાંભળ્યું છે કે મહાપુરુષો સમાધિસ્થ થઈને એ નિત્ય પરમ પુરુષનું દર્શન કરે છે, નિત્ય લીલામય હરિનો સાક્ષાત્કાર કરે છે. જરૂર કરે છે, કારણ કે ઠાકુર શ્રીરામકૃષ્ણ પણ એમ જ કહે છે. પણ તે આ ચર્મ-ચક્ષુ દ્વારા નહિ. એમ લાગે છે જેને દિવ્ય-ચક્ષુ કહે છે તે દ્વારા. જે દિવ્ય-ચક્ષુ મેળવીને અર્જુને વિશ્વરૂપનું દર્શન કર્યું હતું, જે ચક્ષુથી ઋષિઓએ આત્માનો સાક્ષાત્કાર કર્યાે હતો, જે દિવ્ય-ચક્ષુ દ્વારા ઈશુ પોતાના સ્વર્ગીય પિતાનાં રોજ રોજ દર્શન કરતા! એ ચક્ષુ કેમ કરીને આવે? ઠાકુરને મોઢે સાંભળ્યું છે કે અંતરની વ્યાકુળતાથી આવે. હવે એ વ્યાકુળતા આવે કેવી રીતે? સંસાર છોડી દેવો જોઈએ? ક્યાં, આજે પણ એમ ક્યાં કહ્યું?

Total Views: 250
ખંડ 36: અધ્યાય 8 : સંધ્યાસંગીત અને ઈશાન સાથે સંવાદ
ખંડ 36: અધ્યાય 10 : સંન્યાસીએ સંચય ન કરવો - શ્રીઠાકુર ‘મદ્ગત-અંતરાત્મા’