આજે એક ગાયક આવવાના છે, પોતાની મંડળી લઈને કીર્તન કરવા માટે. એટલે ઠાકુર શ્રીરામકૃષ્ણ વચ્ચે વચ્ચે ભક્તોને પૂછે છે કે કીર્તનકાર ક્યાં?

મહિમા કહે છે કે આપણે આમ જ ઠીક છીએ.

શ્રીરામકૃષ્ણ: ના ભાઈ, આ તો આપણું બારે મહિના છે.

એટલામાં બહારથી એક જણ કહે છે કે કીર્તનમંડળી આવી ગઈ છે!

શ્રીરામકૃષ્ણ આનંદથી ભરપૂર થઈને બોલી ઊઠ્યા, ‘હેં, શું આવી ગઈ છે?’

ઓરડાની દક્ષિણ-પૂર્વ બાજુની લાંબી ઓસરીમાં ચટાઈઓ પાથરવામાં આવી. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘અરે, ત્યાં ગંગાજળ છાંટ, બધા વિષયીઓએ પગ મૂક્યા છે!’

બાલીના રહેવાસી પ્યારી બાબુનાં ઘરનાં બૈરાંછોકરાં કાલી-મંદિરે દર્શન કરવા આવ્યાં છે. કીર્તન થવાની તૈયારી જોઈને તેમને એ સાંભળવાની ઇચ્છા થઈ. એક જણ આવીને ઠાકુરને કહે છે કે તેઓ પુછાવે છે કે ઓરડામાં જગા થાય એમ છે? તેઓ આવી શકે?

ઠાકુર કીર્તન સાંભળતાં સાંભળતાં કહે છે, ‘ના, ના (ઓરડામાં) જગા ક્યાં છે?’

એટલામાં નારાયણ આવી પહોંચ્યો અને ઠાકુરને પ્રણામ કર્યા. 

ઠાકુર કહે છે કે ‘અરે, તું શા માટે આવ્યો? તને આટલો માર્યાે છે તારા ઘરનાં માણસોએ, તોય?

નારાયણ ઠાકુરના ઓરડા તરફ જાય છે એ જોઈને ઠાકુરે બાબુરામને ઇશારત કરી કે એને ખાવાનું દે.

નારાયણ ઓરડામાં ગયો. અચાનક ઠાકુર ઊઠીને ઓરડામાં ગયા, નારાયણને પોતાને હાથે ખવડાવવા માટે. તેને ખવડાવ્યા પછી પાછા કીર્તનની જગાએ આવીને બેઠા.

Total Views: 329
ખંડ 36: અધ્યાય 11 : સ્વ-સ્વરૂપમાં રહેવું એટલે શું? - જ્ઞાનયોગ શા માટે કઠિન છે?
ખંડ 36: અધ્યાય 13 : ભક્તો સંગે સંકીર્તનાનંદે