ઘણા ભક્તો આવ્યા છે, – શ્રીયુત્ વિજય ગોસ્વામી, મહિમાચરણ, નારાયણ, અધર, માસ્ટર, છોટો ગોપાલ વગેરે. રાખાલ, બલરામ એ વખતે વૃંદાવન ધામમાં છે.

સમય ચારેક વાગ્યાનો. ઠાકુર શ્રીરામકૃષ્ણ ઓસરીમાં કીર્તન સાંભળી રહ્યા છે. પાસે આવીને નારાયણ બેઠો. બીજા ભક્તો ચારે બાજુ બેઠા છે.

એટલામાં અધર આવ્યા. અધરને જોઈને ઠાકુર જાણે આતુર થયા. અધર પ્રણામ કરીને બેઠા પછી ઠાકુરે તેમને એથીયે નજીક બેસવા માટે ઇશારત કરી.

કીર્તનકારે કીર્તન સમાપ્ત કર્યું. મંડળી વિખરાઈ. ભક્તો બગીચામાં આમતેમ આંટા મારવા લાગ્યા. કોઈ કોઈ મા કાલીના અને શ્રીરાધાકાન્તના મંદિરમાં આરતીનાં દર્શન કરવા ગયા. 

સંધ્યા પછી ભક્તો ફરીથી ઠાકુરના ઓરડાની અંદર આવ્યા. 

ઠાકુરના ઓરડાની અંદર બીજી વાર કીર્તન થવાની તૈયારી થઈ રહી છે. ઠાકુરને ખૂબ ઉત્સાહ. કહે છે કે આ બાજુએ એક દીવો મૂકો. બે દીવા મૂકવાથી ખૂબ અજવાળું થયું. 

ઠાકુર વિજયને કહે છે, ‘તમે એવી જગાએ કેમ બેઠા? આ બાજુ ખસી આવો.’

આ વખતે સંકીર્તનમાં ખૂબ રંગ જામ્યો. મસ્ત બનીને ઠાકુર નૃત્ય કરી રહ્યા છે. ભક્તોય તેમને ઘેરી ઘેરીને ખૂબ નાચી રહ્યા છે. વિજય નૃત્ય કરતાં કરતાં દિગંબર થઈ ગયા છે તેનું પણ તેમને ભાન નથી!

કીર્તન પૂરું થયા પછી વિજય પોતાની કૂંચી શોધે છે. કીર્તન કરતાં કરતાં તે ક્યાંક પડી ગઈ છે. ઠાકુર વિજયને કહે છે: ‘એને પણ હરિકીર્તન ખૂબ ભાવે.’ એમ કહીને હસે છે. વિજયને વળી કહે છે: એ બધું હવે શું કામ?’ એટલે કે હવે ચાવીની સાથે સંબંધ શા માટે રાખવો?

કિશોરી પ્રણામ કરીને રજા લે છે, ઠાકુરે જાણે કે સ્નેહાર્દ થઈને તેની છાતીએ હાથ મૂક્યો અને બોલ્યા ‘ત્યારે આવજો!’ શબ્દો જાણે કરુણાથી ભરપૂર. થોડી વાર પછી મણિ અને ગોપાલે પાસે આવીને પ્રણામ કર્યા. તેઓ જવા તૈયાર થયા. વળી એ જ સ્નેહભીના શબ્દો; શબ્દોમાંથી જાણે કે મધ ઝરે છે. ઠાકુર કહે છે: ‘કાલે સવારે ઊઠીને જજો; અત્યારે વળી માથે હિમ પડશે.’

(ભક્તો સાથે – ભક્તકથાપ્રસંગે)

એટલે પછી મણિ અને ગોપાલનું જવાનું બંધ રહ્યું. તેઓ રાત્રે રોકાઈ ગયા. તેઓ અને બીજા પણ એક બે ભક્તો જમીન પર બેઠા છે. થોડી વાર પછી ઠાકુર શ્રીયુત્ રામ ચક્રવર્તીને કહે છે કે ‘રામ, અહીંયાં બીજું એક પગ-લુછણિયું હતું તે ક્યાં ગયું?’

ઠાકુરને આખો દિવસ જરાય ફુરસદ મળી નથી, જરા પણ આરામ લઈ શક્યા નથી. ભક્તોને મૂકીને ક્યાં જાય? હવે જરાક બહારની બાજુએ જાય છે. ઓરડામાં પાછા આવીને તેમણે જોયું કે મણિ રામલાલની પાસેથી ગીત લખી લે છે:

‘તારો તારિણિ, આ વેળા ત્વરા કરીને,

તપન-તનય-ત્રાસે ત્રાસિત… વગેરે

ઠાકુર મણિને પૂછે છે: ‘શું લખો છો?’

ગીતનું નામ સાંભળીને બોલ્યા: ‘એ તો બહુ મોટું ગીત!’

રાત્રે ઠાકુર જરા રવાની ખીર અને એક બે પૂરી જમે.

ઠાકુર રામલાલને કહે છે, ‘ખીર છે?’

ગીતની એક બે લીટી લખીને મણિએ લખવાનું બંધ કર્યું.

ઠાકુર જમીન પર આસને બેસીને ખીર જમે છે.

જમી રહ્યા પછી ઠાકુર વળી નાની પાટ ઉપર જઈને બેઠા. માસ્ટર બાજુમાં પડેલા પગ-લુછણિયા પર બેસીને ઠાકુરની સાથે વાતો કરી રહ્યા છે. ઠાકુર નારાયણ વિશે વાત કરતાં કરતાં ભાવમાં આવતા જાય છે.

શ્રીરામકૃષ્ણ: આજ નારાયણને જોયો.

માસ્ટર: જી હા. આંખો ભીની. તેનું મોઢું જોઈને રડવું આવે.

શ્રીરામકૃષ્ણ: એને જોઈને જાણે વાત્સલ્ય ઊભરાય. અહીં આવે છે એટલા માટે તેને ઘેર માર પડે છે! તેનુ ઉપરાણું લે એવું કોઈ નથી!

‘કુબ્જા તમને ઊંધું સમજાવે છે. રાધિકાને પક્ષે સમજાવનારું કોઈ નથી.’

માસ્ટર (સહાસ્ય): હરિપદને ઘેર ચોપડીઓ મૂકીને પલાયન.

શ્રીરામકૃષ્ણ: એ સારું ન કર્યું.

ઠાકુર બોલતા બંધ થયા છે. થોડી વારે વળી વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ: એનામાં ખૂબ શક્તિ. નહિતર મને કીર્તન સાંભળતાં સાંભળતાં ત્યાંથી ખેંચી લાવે? ઓરડાની અંદર મારે આવવું પડ્યું. કીર્તન મૂકીને આવવાનું – એમ કદીયે બન્યું નથી.

ઠાકુર ચૂપ રહ્યા. થોડી વાર પછી વળી બોલે છે.

શ્રીરામકૃષ્ણ: મેં એને ભાવ-અવસ્થામાં પૂછ્યું. તે એક વાક્યમાં તેણે કહી દીધું કે ‘હું આનંદમાં છું.’ (માસ્ટરને) તમે કંઈક ખરીદી લાવીને વચ્ચે વચ્ચે એને ખવડાવતા રહેજો, વાત્સલ્ય-ભાવે.

ઠાકુર શ્રીરામકૃષ્ણ તેજચંદ્રની વાત કહે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): એક વાર એને પૂછી જોજો કે એ મને શું માને છે? જ્ઞાની કે શું કહે છે? મેં સાંભળ્યું છે કે તેજચંદ્ર બહુ વાતચીત કરતો નથી (ગોપાલને): જો, તેજચંદ્રને શનિ કે મંગળવારે આવવાનું કહેજે.

(દક્ષિણેશ્વરના મંદિરમાં – ગોસ્વામી, મહિમાચરણ વગેરે સાથે)

જમીન પર આસન નાખીને ઠાકુર બેઠા છે. ખીર ખાઈ રહ્યા છે. પાસે એક દીવી ઉપર દીવો બળી રહ્યો છે. ઠાકુરની પાસે માસ્ટર બેઠેલા છે. ઠાકુર પૂછે છે: ‘કાંઈ મીઠાઈ બીઠાઈ છે?’ માસ્ટર નવા ગોળના બનાવેલા સંદેશ (પેંડા જેવી એક મીઠાઈ) લાવ્યા હતા. રામલાલને કહ્યું કે ‘સંદેશ અભરાઈ ઉપર છે.’

શ્રીરામકૃષ્ણ: ક્યાં છે, લાવો ને?

માસ્ટર હાંફળા ફાંફળા થઈને અભરાઈ પર શોધવા ગયા. જોયું તો સંદેશ ન મળે. એમ લાગે છે કે ભક્તોની સેવામાં વપરાઈ ગયા છે. તે ભોંઠા પડી જઈને ઠાકુરની પાસે આવીને બેઠા. ઠાકુર વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ: વારુ, એક વાર તમારી સ્કૂલમાં જઈને જોઉં તો?

માસ્ટર મનમાં વિચારે છે કે ઠાકુરની નારાયણને સ્કૂલમાં મળવા જવાની ઇચ્છા થઈ છે. 

માસ્ટર: ‘અમારે ઘેર જઈને બેસીએ તોય ચાલે!’

શ્રીરામકૃષ્ણ: ના, એમાં એક હેતુ છે. તમને કહું, જે બીજા કોઈ (શુદ્ધ સત્ત્વગુણી) છોકરા છે કે નહિ એ એક વાર જોઈ લેત.

માસ્ટર: તો જરૂર આપ આવજો. જેમ બીજા માણસો સ્કૂલની મુલાકાત લેવા આવે, તે પ્રમાણે આપ પણ આવજો.

જમ્યા પછી ઠાકુર નાની પાટ ઉપર બેઠા. એક ભક્તે હુક્કો ભરી આપ્યો. ઠાકુર હુક્કો પીવા લાગ્યા. એ દરમ્યાનમાં માસ્ટર અને ગોપાલે ઓસરીમાં બેસીને રોટલી અને દાળ વગેરેનું અલ્પ ભોજન કરી લીધું. તેમણે નોબતાખાનાની ઓરડીમાં સૂવાનું નક્કી કર્યું છે.

જમ્યા પછી માસ્ટર પાટની બાજુમાં પડેલા પગ-લુછણિયા પર આવીને બેઠા.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): નોબતાખાનાની ઓરડીમાં હાંડલાં બાંડલાં હશે તો? અહીંયાં સૂશો? આ ઓરડામાં? 

માસ્ટર: જેમ આપ કહો તેમ.

Total Views: 319
ખંડ 36: અધ્યાય 12 : સંકીર્તનાનંદે
ખંડ 36: અધ્યાય 14 : સેવક સાથે