રાતના દસ અગિયાર વાગ્યા છે. ઠાકુર નાની પાટ ઉપર તકિયાને અઢેલીને આરામ કરી રહ્યા છે. મણિ જમીન પર બેઠા છે. મણિની સાથે ઠાકુર વાતો કરે છે. ઓરડાની દીવાલની પાસે પેલી દીવીની ઉપર દીવો ઝીણો ઝીણો બળી રહ્યો છે.

ઠાકુર અહૈતુક કૃપાસિંધુ, મણિની સેવા સ્વીકારવા સારુ તેને કહે છે.

શ્રીરામકૃષ્ણ: જુઓ, મારે પગે જરા કળતર થાય છે. જરા હાથ ફેરવી દો ને!

મણિ ઠાકુરના ચરણમૂલે નાની પાટ ઉપર બેઠા અને તેમના બન્ને પગ ખોળામાં લઈને ધીરે ધીરે હાથ ફેરવવા લાગ્યા. વચ્ચે વચ્ચે ઠાકુર વાતો કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (હસીને): આજે કેવી બધી વાતો થઈ!

મણિ: જી, બહુ જ સારી.

શ્રીરામકૃષ્ણ (હસીને): અકબર બાદશાહની વાત કેવી હતી?

મણિ: જી, હા.

શ્રીરામકૃષ્ણ: શી, કહો જોઈએ?

મણિ: એક ફકીર બાદશાહની મુલાકાતે ગયો હતો. અકબર બાદશાહ એ વખતે નમાજ પઢતો હતો. નમાજ પઢતાં પઢતાં ઈશ્વર પાસે ધન-દોલત માગતો હતો. એ જોઈને ફકીરે ધીરે ધીરે ચાલ્યા જવા માંડ્યું. એટલે અકબરે કારણ પૂછ્યું; ત્યારે તેણે જવાબ આપ્યો કે જો ભીખ માગવી હોય તો ભિખારીની પાસે શા માટે માગવી?

શ્રીરામકૃષ્ણ: બીજી શી શી વાતો થઈ હતી?

મણિ: સંચયની વાત ખૂબ થઈ.

શ્રીરામકૃષ્ણ (હાસ્યપૂર્વક): શી શી થઈ?

મણિ: જ્યાં સુધી પ્રયાસ કરવો જોઈએ એવું ભાન રહે, ત્યાં સુધી પ્રયાસ કરવો જ પડે. સંચયની વાત સિંથિમાં કેવી મજાની આપ બોલેલા?

શ્રીરામકૃષ્ણ: શી વાત?

મણિ: જે ઈશ્વર પર બધો આધાર રાખે, તેનો ભાર ઈશ્વર લે; જેમ સગીર વયના છોકરાનો ભાર ટ્રસ્ટીઓ લે તેમ. બીજી એક વાત ત્યાં સાંભળેલી કે જમણવારને પ્રસંગે નાનું છોકરું પોતે જગા શોધીને બેસી શકે નહિ, તેને કોઈક જમવા બેસાડી દે. 

શ્રીરામકૃષ્ણ: ના, એ બરાબર ન થયું. બાપ જો છોકરાનો હાથ પકડીને લઈ જાય તો તે પડી ન જાય.

મણિ: આજે આપે ત્રણ પ્રકારના સાધુની વાત કહી હતી. ઉત્તમ સાધુ તે કે જેને બેઠાં બેઠાં ખાવા મળે. આપે બાલ-બ્રહ્મચારીની વાત કરી હતી. તે છોકરીનાં સ્તન દેખીને બોલ્યો હતો કે છાતીએ ગૂમડાં થયાં છે! બીજીય ઘણી અતિ સુંદર સુંદર વાતો આપે કહેલી. એ બધી છેવટની અવસ્થાની વાતો.

શ્રીરામકૃષ્ણ (હસીને): શી શી વાતો?

મણિ: એ પંપા સરોવરના કાગડાની વાત, કે જે રાતદિવસ રામ-નામ લઈ રહ્યો હતો. એટલે એ પાણીની પાસે જતો પણ પાણી પી શકતો નહિ. અને પેલા સાધુની પોથીની વાત. તેમાં માત્ર ‘ૐ રામ’ એટલું જ લખેલું. અને હનુમાનજીએ રામને જે કહ્યું તે.

શ્રીરામકૃષ્ણ: શું કહ્યું હતું?

મણિ: ‘સીતાને જોઈ આવ્યો તો એકલું શરીર પડ્યું રહ્યું છે; મન, પ્રાણ વગેરે બધું રામને ચરણે સમર્પિત કરી દીધું છે.’

અને ચાતકની વાત. તે વર્ષાના જળ સિવાય બીજું કોઈ જળ પીએ નહિ.

જ્ઞાન-યોગ અને ભક્તિ-યોગની વાત.

શ્રીરામકૃષ્ણ: શી?

મણિ: જ્યાં સુધી ‘અહંરૂપી કુંભ’નું ભાન હોય, ત્યાં સુધી અહંરૂપી કુંભ રહે ને રહે જ. જ્યાં સુધી ‘હું’નું ભાન રહે ત્યાં સુધી ‘હું ભક્ત, તમે ભગવાન’ –

શ્રીરામકૃષ્ણ: એમ નહિ. ‘કુંભ’નું ભાન હોય કે ન હોય, ‘કુંભ’ જાય નહિ; ‘અહં’ જવાનો નથી, હજાર વિચાર કરો પણ એ જાય નહિ.

મણિ થોડીવાર ચૂપ રહ્યા. ફરીથી એ બોલે છે.

મણિ: કાલી-મંદિરમાં ઈશાન મુખરજીની સાથે વાતચીત થઈ હતી. સદ્ભાગ્યે એ વખતે અમે ત્યાં હતા અને તે વાત સાંભળી શક્યા હતા.

શ્રીરામકૃષ્ણ (હાસ્ય સહિત): હા, શી શી વાતો થઈ હતી, સાંભળું?

મણિ: આપે કહ્યું હતું કે કર્મકાંડ એ આદિકાંડ. શંભુ મલ્લિકને આપે કહેલું કે જો ઈશ્વર તમારી સામે આવે તો શું તમે કેટલીક ઇસ્પિતાલ, દવાખાનાં માગવાના? 

બીજી એક વાત થઈ હતી, કે જ્યાં સુધી કર્માેમાં આસક્તિ રહે ત્યાં સુધી ઈશ્વર દર્શન દે નહિ. કેશવ સેનને પણ એ જ વાત કહેલી.

શ્રીરામકૃષ્ણ: શી?

મણિ: જ્યાં સુધી છોકરું ચૂસણિયું લઈને રમ્યા કરે, ત્યાં સુધી મા રસોઈ વગેરે ઘરકામ કર્યા કરે. પણ છોકરું ચૂસણિયું ફેંકી દઈને જોરથી રડવા માંડે, ત્યારે મા ચૂલેથી તપેલી ઉતારીને છોકરાંની પાસે જાય.

બીજી એક વાત તે દિવસે થઈ હતી. લક્ષ્મણે પૂછ્યું હતું કે ભગવાનને ક્યાં ક્યાં જોઈ શકાય? રામ કેટલીયે વાતો કહીને પછી બોલ્યા કે ભાઈ, જે માણસમાં ઊછળતી ભક્તિ જુઓ; હસે, રડે ને નાચે ગાય, પ્રેમમાં મતવાલો; જાણજો કે ત્યાં હું (ભગવાન) છું!

શ્રીરામકૃષ્ણ: અહા! અહા!

ઠાકુર થોડી વાર અટક્યા.

મણિ: ઈશાનને કેવળ નિવૃત્તિનો ઉપદેશ આપે આપ્યો. તે દિવસથી ઘણાયને સાન આવી છે, ને કર્તવ્ય કર્માે ઓછાં કરવા તરફ વલણ થયું છે. આપે કહેલું કે ‘લંકામાં રાવણ મર્યાે, બેહુલા રડીને વ્યાકુળ બની.’

એ સાંભળીને ઠાકુર શ્રીરામકૃષ્ણ ખડખડાટ હસી પડ્યા.

મણિ (અતિ નમ્રતાપૂર્વક): વારુ, કર્તવ્ય કર્માે એ મોટી પંચાત; એ ઓછાં થાય એ જ સારું ને?

શ્રીરામકૃષ્ણ: હા. પણ સામે જ જે કર્મ આવી પડ્યું તેની જુદી વાત. સાધુ કે કોઈ ગરીબ માણસ સામે આવી પડે, તો તેમની સેવા કરવી ઉચિત.

મણિ: અને તે દિવસે ઈશાન મુખરજીને ખુશામતિયાઓ વિશે વાત કરી, બહુ મજાની; જેમ મડદાં ઉપર ગીધડાં આવીને પડે તેમ. એ વાત આપે પંડિત પદ્મલોચનનેય કહી હતી.

શ્રીરામકૃષ્ણ: ના, ઉલોના વામનદાસને.

થોડીક વાર પછી મણિ નાની પાટની નજીક પગ-લુછણિયા પાસે બેઠા.

ઠાકુરને તંદ્રા આવી રહી છે. મણિને કહે છે કે ‘તમે જઈને સૂઓ; ગોપાલ ક્યાં ગયો? તમે બારણાં વાસી દેજો.’

બીજે દિવસે ૧૦ નવેમ્બર, સોમવાર. શ્રીરામકૃષ્ણ પથારીમાંથી બહુ જ વહેલા ઊઠ્યા છે, અને દેવતાઓનાં નામ લઈ રહ્યા છે. વચ્ચે વચ્ચે ગંગા-દર્શન કરી રહ્યા છે. આ બાજુ મા કાલી અને શ્રીરાધાકાન્તનાં મંદિરોમાં મંગલ-આરતી થઈ રહી છે. મણિ ઠાકુરના ઓરડામાં સાદડી પર સૂતા હતા. એ પણ ઊઠીને બધા દેવતાઓનાં દર્શન કરે છે અને ભગવાનનાં નામ સાંભળે છે.

દાતણ-પાણી વગેરે પ્રાત:કર્મ કરીને મણિ ઠાકુરની પાસે આવીને બેઠા.

ઠાકુરે સ્નાન કર્યું. પછી કાલી-મંદિરમાં જાય છે. મણિ સાથે છે. ઠાકુરે તેમને ઓરડાને તાળું મારવાનું કહ્યું.

કાલી-મંદિરમાં જઈને ઠાકુર આસન પર બેઠા અને ફૂલ લઈને ક્યારેક પોતાને મસ્તકે તો ક્યારેક મા કાલીનાં ચરણકમલ પર ચડાવે છે. એક વાર ચામર લઈને માતાજીને પવન ઢોળ્યો. પછી પોતાના ઓરડા તરફ પાછા આવ્યા ને મણિને વળી તાળું ઉઘાડવાનું કહ્યું. ઓરડામાં પ્રવેશ કરીને નાની પાટ ઉપર બેઠા. એ વખતે ભાવમાં ગરકાવ. ભગવાનનાં નામ લે છે. મણિ નીચે એકલા બેઠા છે. હવે ઠાકુર ગીત ગાય છે. ભાવમાં મતવાલા થઈને ગીતને વિશે શું મણિને ઉપદેશ આપે છે કે કાલી જ બ્રહ્મ; કાલી નિર્ગુણ, તેમજ સગુણ; અરૂપ તેમજ અનંતરૂપી?

ગીત: ‘કોણ જાણે કાલી કેવી, ષડ્દર્શન નવ પામે દર્શન.’

ગીત: ‘આ છે ગાંડી માનો ખેલ…

ગીત: ‘કાલી કોણ જાણે તમોને મા (તમે અનંતરૂપિણી)…

તમે મહાવિદ્યા, અનાદિ અનાદ્યા,

ભવબંધનનું બંધન હારિણી તારિણી-

ગિરિજા, ગોપજા ગોવિંદ-મોહિની,

શારદે વરદે, નગેન્દ્ર-નંદિની;

જ્ઞાન દે, મોક્ષ દે, કામાખ્યા કામ દે,

શ્રીરાધા, શ્રીકૃષ્ણ-હૃદ-વિલાસિની-’

ગીત: ‘તારો તારિણી, આ વેળા તારો ત્વરા કરીને,

તપન – તનય – ત્રાસે, ત્રાસિત ઓ મા! પ્રાણ જાય ..

જગત- અંબે, જનપાલિની, જનમોહિની, જગતજનની,

યશોદા-જઠરે જનમ લઈને, સહાય હરિ-લીલામાંય…

વૃંદાવનમાં રાધા વિનોદિની, વ્રજ-વલ્લભ-વિહાર-કારિણી,

રાસ-રંગિની રસમયી થઈ, રાસ કરિયો લીલા પ્રકાશ…

ગિરિજા, ગોપજા, ગોવિંદ-મોહિની, તમે મા ગંગા ગતિ-દાયિની,

ગાંધાર્વિ ને ગૌરવર્ણી ગાયે ગોલોકમાં ગુણ તવ…

શિવે, સનાતની, શર્વાણી, ઈશાની, સદાનંદમયી સર્વ સ્વરૂપિણી

સગુણા, નિર્ગુણા, સદાશિવ-પ્રિયે, કોણ જાણી શકે મહિમા તવ…

મણિ મનમાં વિચાર કરે છે કે ઠાકુર જો એક વાર આ ગીત ગાય તો –

‘હવે ભુલાવ્યે ભૂલું નહિ, 

મા! જોયાં તમારાં રાતાં ચરણ.’

શી નવાઈ? મણિના મનમાં વિચાર આવતાં ન આવતાં ઠાકુરે એ ગીત ઉપાડ્યું ને ગાવા લાગ્યા!

થોડી વાર પછી ઠાકુર પૂછે છે ‘વારુ, મારી હવે કેવી અવસ્થા છે? તમને કેમ લાગે છે? 

મણિ (સહાસ્ય): આપની સહજ અવસ્થા છે.

ઠાકુરે આપમેળે ગીતનો દોર ઉપાડ્યો –

‘સહજ માણસ હોય નહિ તો સહજને શકે નવ જાણી.’

Total Views: 354
ખંડ 36: અધ્યાય 13 : ભક્તો સંગે સંકીર્તનાનંદે
ખંડ 37: અધ્યાય 1 : શ્રીરામકૃષ્ણ સમાધિ અવસ્થામાં